સંસ્કૃતિની શોધમાં : ૨૦ : વોહ મુહાજીર બન કે રહે ગયે ઔર હમ મુહાજીર કી ઔલાદ બન કે રહે ગયે

Facebooktwitterredditpinterestlinkedinmail

પૂર્વી મોદી મલકાણ

જ્યારે સાંજ પોતાનું અપ્રીતમ સૌંદર્ય પાથરી રહી હતી ત્યારે હરપ્પા સ્ટેશન પાસે આવેલ ઉર્વરતા દેવીનું મંદિર શોધવા અમારું ગ્રૂપ ગયું. ને હું કાર પાસે રહી મારી આસપાસ રહેલ હરપ્પાના લોકલ જીવનને મારા કેમેરામાં કેદ કરવા લાગી.

તે વખતે ત્યાંથી નીકળેલા એક મા-બેટી મને કહે; બીબી હમારા ભી એક ફોટૂ લેગી? તેમની ઈચ્છા મુજબ મે તેમનો ફોટો ખેંચી લીધો ત્યારે તે મને કહે; બીબી આપકા પરદા કહાં ગયા?? ઔર યે ઐસે મિયાં જૈસે કપડે ક્યૂઁ પહેને હૈ? તેની વાત સાંભળી હું થોડું હસીને બોલી; હમારે યહાં ઐસે કપડે ઔરતે ભી પહેનતી હૈ. મારી વાત સાંભળી તે કહે; હમારે યહાં તો સીર્ફ સલવાર કમીઝ જનાનીયોં કે લિયે હોતે હૈ. પછી સ્વતઃ જ કહે; બીબી લગતા હૈ કી આપ બાહરી મુલક સે આયી હો વરના યહ મુલક મેં તો સર પે પરદા નહીં રખા તો હમકો ઝિંદા હી ગાડ દેંગે…..તે બીબીની પરદા વિષે વાત થોડીવાર થતી રહી ત્યાં જ અમારું ગ્રૂપ પણ નિરાશ થઈ આવી જતાં તે ય તેની દીકરીનો હાથ ખેંચી ચાલતી થઈ અને અમે ય જે જોવાયું તેનો સંતોષ માની લાહોર તરફ નીકળી પડ્યાં.

પાકિસ્તાનની આ ટૂર ઘણી બધી યાદો લઈને અમારી સાથે ચાલતું હતું, જે કોઈ થોડા થોડા જાણીતાં ગામ -માર્ગ- મ્યુઝિયમ પાસેથી પસાર થતાં ત્યારે ૨૦૧૧ ની ટૂરના એ દિવસો એક ઝાટકે અમારા મન પર કબ્જો જમાવી દેતા હતા. આ યાદોની લહેરોમાં વિહરતાં વિહરતાં અમે લાહોર પહોંચ્યાં ત્યારે રાત પડી ગયેલી અને બધાંને ખૂબ ભૂખ લાગેલી, જેથી કરીને સીધાં બાદશાહી મસ્જિદ પાસે આવેલ “હવેલી રેસ્ટોરન્ટ”માં ગયાં. આ બાદશાહી મસ્જિદની અમે ૨૦૧૧ માં મુલાકાત લીધેલી. આ જ મસ્જિદમાં રહેલ એક વ્યક્તિ અમને તેમના અલ્લાહને ત્યાં મોકલવા ઉત્સુક હતો, પણ અમને બચાવવા માટે અમારા રણછોડરાય મહારાજ તૈયાર જ બેસેલા તેથી એમના અલ્લાહને ચાન્સ આપ્યાં વગર અમે પણ રણછોડરાય મહારાજજીની જેમ ભાગી છૂટેલાં. આજે એ જ બાદશાહીની ગલીમાં અમે રાતના સમયે પ્રવેશ્યાં ત્યારે માહોલ જુદો હતો. અગાઉ જણાવ્યું તેમ આ હવેલી પણ પહેલાં કોઈ હિન્દુની હતી, પાછળથી આ હવેલી પર કોઈ મુસ્લિમે કબ્જો કરી લીધેલ. આ માટે તે મુસ્લિમ બિરાદર પર કેસ પણ કરાયેલો, પણ અંતે એ હિન્દુ પરિવાર કેસ હારી ગયો. પણ કોર્ટે આ હવેલીમાં રહેવા માટે પરમિશન ન આપી તેથી એ મુસ્લિમ બિરાદરે તેને રેસ્ટોરન્ટમાં ફેરવી કાઢી. અહીં અમને ખાસ વેજ ફૂડ મળ્યું નહીં તેથી કેવળ પેશાવરી નાન અને બટર રોટી સાથે પીકલ ખાઈ સંતોષ માન્યો.

બીજે દિવસે અમે ઈસ્લામાબાદ જવા તૈયાર થઈ રહ્યાં હતાં, ત્યાં હોટેલ સ્ટાફમાંથી “નઇમજી” નામના મેમ્બર તેમના મિત્ર ખદિર સાથે મારી પાસે આવી કહે; મેડમજી મૈને બ્રેકફાસ્ટ રૂમ સે જાના કી આપ ઈન્ડિયાવાલે હો, ક્યા આપ સચ મેં ઈન્ડિયા સે હો ???

મે કહ્યું; હાંજી ! હમ ઈન્ડિયા સે હૈ ક્યૂઁ કોઈ રિશ્તેદાર રહેતાં હૈ વહાં આપકા??

તે કહે; વૈસે તો સારા ઈન્ડિયા હી હમારા કુછ ન કુછ લગતા હૈ પર અબ લૉગ પરાયે હૈ ક્યુંકી વોહ માહોલ અબ નહીં રહા, પર બીબીજી આપ હમારા એક સંદેશા ભેજ શકતે હૈ?

આ સાંભળી પહેલાં મને લાગ્યું કે કોઈ રિશ્તેદારની તેઓ વાત કરતાં હશે પણ તે કહે કે; નહીં નહીં આમ લોગોં કો સંદેશા દેના હૈ.

એમની વાતથી મને ઘણું જ આશ્ચર્ય થયું. પણ તેમ છતાં ય મે એમને એ સંદેશા માટે પૂછ્યું તો તેઓ કહે કે; આપ ના ઈન્ડિયાવાલો સે કહેના કી હમ સે નફરત ના કરે. યહ તો હમ યહીં પૈદા હુએ ઇસી લિયે યહ હમારા મુલ્ક હૈ ઔર હમ પાકિસ્તાની હૈ વરના હમારે વાલીદાદ તો ઈન્ડિયા સે હી થે. વોહ લોગ તો ઈન્ડિયા છોડ કે આયે થે આપના મુલ્ક સમજ કે પર યહ મુલ્ક તો ઉનકા કભી હુઆ હી નહીં, યહ ઉનકી બદનસીબી થી. “વોહ મુહાજીર બન કે રહે ગયે ઔર હમ મુહાજીર કી ઔલાદ બન કે રહે ગયે.” પર જબ તક ઉનકો સમજ મેં આયે તબ તક બહોત દેર હો ચૂકી થી. મૈડમજી વોહ લૉગ ઈન્ડિયા કો બહોત પ્યાર કરતે થે, ઔર વોહી પ્યાર ઔર યાદ લેકર વોહ ફૌદ હો ગયે. આજ હમ ચાહે કિતને ભી અલગ ક્યૂઁ ના હો આપ સે પર ફીર ભી આજ ભી હમારે મન મેં તો વોહી ઈન્ડિયા દૌડ રહા હૈ જો હમારે વાલીદાદ કા હૈ.

મુહાજીર:-

‘મુહાજીર’ એ એક અરબી શબ્દ છે. જ્યારે રસૂલ મુહમ્મદના અનુયાયી મક્કા શહેર છોડીને મદીના ગયાં ત્યારે રસૂલ મુહમ્મદે બે ભિન્ન જાતિની ભિન્ન પ્રણાલિકાઓ, પરંપરા અને પ્રાંતના લોકો વચ્ચે એકતા અને સહકાર સ્થાપિત કરવા એક નિયમ બનાવ્યો. આ નિયમ અનુસાર મદીનાના લોકો મક્કાથી પોતાનું બધું જ છોડીને આવેલા ભાઈઓ અને બહેનોને મદદ કરવા લાગ્યાં. જ્યારે આપણે ત્યાં વિભાજન થયું ત્યારે પાકમાંથી જે નાગરિકો આવેલાં તેમાંથી મોટાભાગના તો ધીરે ધીરે ભારતના વિવિધ રાજ્યોમાં સમાઈ ગયાં, પણ ભારતમાંથી જે નાગરિકોએ જ્યારે પાકમાં સ્થળાંતર કર્યું ત્યારે તેમણે એમ જ વિચારેલું કે પાકમાં રહેલાં તેમના સંબંધીઓ, મિત્રો, જાતક ભાઈ-બહેનો પણ તેમને સંવેદના સાથે અપનાવી લેશે. પણ થયું એવું કે આ લોકોને પાકે એ જ ભૂમિના ગણીને સ્વીકાર્યા નહીં અને આ તેમને અસ્વીકાર્ય પ્રવાસી તરીકે ગણ્યાં અને નામ આપ્યું મુહાજીર. આ જ વાતને ટૂંકમાં કહેવી હોય તો કહી શકાય કે; જે મુસ્લિમ પોતાના ઘરબાર, વ્યવસાય કારોબાર છોડીને અલ્લાહની રાહમાં મક્કા તરફનો હિજરત કરનારા પ્રવાસી પણ સંસારના અપ્રવાસી છે તેઓ મુહાજીર કહેવાય છે. નઇમજીની વાત …..ઔર…. ‘હમ મુહાજીર કી ઔલાદ ‘ એટ્લે કે આ શબ્દ હવે એક વંશપરંપરાગત જાતિમાં પરિવર્તિત થઈ ગયો. નઇમજીની આ વાત એક પ્રકારની વ્યથા જ હતી જે તેમણે મારી સાથે શેર કરી લીધી.

આ વાત બીજી વાત એ સિધ્ધ કરે છે કે વિભાજનના આટલા વર્ષ પછી યે પાકિસ્તાને આ ભારતથી આવેલી કમ્યુનિટીને અપનાવી નથી ઉલ્ટા તેમને પાક શુદ્ર કરતાં પણ હલકી જાતિ તરીકે સ્થાન આપ્યું છે. વિભાજન તો બે સંસ્કૃતિ વચ્ચે યુગોયુગોથી થાય છે પણ આ વિભાજનને નામે આપણે માનવતા જ ભૂલી જઈએ તેવો સમાજ શા કામનો? પણ મારા પ્રશ્નનો જવાબ મળવાનો ન હતો તેથી થોડીવાર માટે તો હું મૂક થઈ વિચારવા લાગી કે આમને શું કહું, પણ પછી મે એમને કહ્યું કે; આપ કો પતા હૈ હમ લોગ ભી આપ લોગો કો બહોત પ્યાર સે દેખતેં હૈ ઔર જૈસે નેપાલ ઔર ઈન્ડિયા કે બીચ મેં જૈસા સંબંધ હૈ વેસા સંબંધ હમ આપકે સાથ ભી બનાના ચાહતેં હૈ પર……મારી વાત અધૂરી સાંભળી તે માથું ધૂણાવતો તે કહે; આપ સહી કહેતે હો મેડમજી આપ લોગોને તો બહોત મૌકે દિયે પર…. હમારી કિસ્મત…..પતા નહીં યહ મિયાં કબ સમજેંગે….કબ અક્કલ આયેગી……ઔર આજ કલ તો કૌન સે નૂરે પે જા’કે બૈઠે હૈ……( કદાચ ચીનના સંદર્ભમાં ) બોલતો બોલતો તે ચાલ્યો ગયો. નઇમજીના ગયા બાદ ખદીરજી કહે; મૈડમજી હમારા વાલીદાદ જો યહાં ઇસ્લામ કા ઝંડા લેકર આયે થે ઉન્હો ને સોચા થા કી મુસલ્લમ ઈમાનવાલે મુસલમાનોકા દેશ બન રહા હૈ તો કુછ સુખ કી સાંસ હમ ભી લે લેંગે ઔર બિરાદરીવાલે મિલેંગે સો અલગ સે. પર યહાં આકર ક્યા પાયા ?? તકલીફ હી તકલીફ. નાહી કિસી ને પ્યાર સે બુલાયા, ના બિઠાયા, ના રિશ્તા રખા…..મૈડમજી આપ કો પતા હૈ આજ ભી યહ દેશ મેં હમારે લિયે કોઈ બડા પેશા નહીં હૈ ક્યુંકિ આજ ભી યહ મુલ્ક કો હમકો હમારા નહીં કહે શકતે ક્યૂંકી ઉન્હોને હમે અપનાયા નહીં હૈ ઇસી લિયે આજ ભી હમ મજદૂર કે મજદૂર હી હૈ.

ખદીરજીની વાતચીતમાંથી જાણવા મળ્યું કે તેઓનો પરિવાર ભારતમાં સુખી હતો પણ તેમના દાદા કે પરદાદા મોહમ્મદ અલી ઝીણાની નજીક હતા. વિભાજન સમયે ઝીણાએ ભારતમાં રહી ભારતીય ગણાવું એ મુસલમાન માટે એક ગાળ સમાન છે એમ કાન ભંભેરીને પાકિસ્તાનની રાહ પકડાવી હતી. ત્યાં ગયાં પછી થોડાં જ સમયમાં તેમનાં દાદાને પોતાની ભૂલ સમજાઈ ગઈ, તેથી તેઓ ઝીણા પાસે ગયા પણ ઝીણા દાદ ન આપી. બીજી બાજુ તેમનાં પરિવાર ઉપર નજરબંધી થઈ ગઈ. જેને કારણે તેઓ દેશ છોડી ન શક્યા. આજે આ ભૂલની વાત કરવાનો અર્થ નથી પણ આજે ય ખદીરજી હોય કે તેમનાં જેવા બીજા લોકો જેઓ ભારત છોડીને ગયાં હતાં તેમની ત્રીજી -ચોથી પેઢીને આજેય ન્યાય નથી મળ્યો તે જાણી દુઃખ સાથે આશ્ચર્ય ય થયું. દુઃખ સમજી શકાય પણ આશ્ચર્ય એ વાતનું થયું કે આ લોકો નવા યુગના ખરા પણ અતીતમાંથી બહાર નીકળી ચાલતાં શીખ્યાં નથી તેથી જ તેમના દાદાની ભૂલને યાદ કર્યાં કરે છે.

લાહોરથી પાછા ફર્યા બાદ અમે ઇસ્લામાબાદ જ રહ્યાં. તે વીકમાં હોટેલ મેરીએટમાં International Women’s Empowerment Conference હતી. જેના મહેમાન ઈરાન, ઈરાક, ટર્કી, જોર્ડન, ઓસ્ટ્રેલીયા, રોમાનિયા, મ્યાનમાર, શ્રીલંકા, નેપાળ, માલદિવ્ઝ, મલેશિયા અને ઇન્ડોનેશિયાથી આવેલાં હતાં. આ કોન્ફરન્સ મિયાં શરીફની દીકરી “મરિયમ નવાઝ શરિફ” હોસ્ટ કરતી હતી. એ વીકમાં પણ હોટેલમાં બહુ ધમાલ રહી. આ મહેમાનોની અવરજવરમાં જેમ હું મી. સાવકેટને મળી હતી તેમ મરિયમ નવાઝ શરિફને અને મિયાં નવાઝ શરિફને પણ મળવાનું થયું, પણ મી.સાવકેટ સાથેની ઓળખાણ જેટલો સમય તેમની સાથે વ્યતીત ન થયેલો. આવતાં -જતાં તેઓ મને અને હું તેમને વારંવાર ટકરાઇ બસ એટલો જ. પણ આ બંનેને મળવાનાં કારણો પણ જુદાજુદા હતાં. મિસ. મરિયમને આ કોન્ફરન્સનાં મહેમાનો વચ્ચે મળવાનું થયેલું. જ્યારે મી. શરિફજીને એક લગ્નપ્રસંગમાં….. તેઓને હોટેલમાં આવતાં મે જોયા, કોઈકને માટે હાથ ઊંચો કરતાં અને શાદીમાં થોડીવાર માટે સંમિલિત થઈ જતા જોયા. આથી મે કહી શકાય કે બસ અલપઝલપ જ જોયા. મારે માટે તેઓ હોટેલના ગેસ્ટ હતા અને હું તેમને માટે ગેસ્ટ હતી. ન તો મને તેમની સાથે વાત કરવામાં રસ હતો, ન તેમને. પણ આ બહાને આ ટૂરમાં મોટા માણસોનો શું દબદબો હોય તે ચોક્કસ જોઈ લીધું હતું.

પાકિસ્તાનમાં હવે અમારા થોડા જ દિવસો રહી ગયાં હતાં તેથી બીજા વીકમાં અમે પેશાવર જવાનું નક્કી કર્યું. પેશાવર…. ગાંધાર સંસ્કૃતિ સાથે જોડતાં આ શહેરનો ઇતિહાસ અને તેની સંસ્કૃતિનું નામ લેતાં જ આપણને મામા શકુનિ અને માતા ગાંધારીની યાદ આવી જાય છે. પણ મારે પેશાવરની ટૂરનું કારણ બન્યા “બ્રિટિશ ઈતિહાસકાર માઈકલ વૂડ”. મારી આવી જ કોઈ એક ટૂરમાં મારે મી.વૂડ સાથે મળવાનું થયેલું ત્યારે તેમની પાસેથી આ પેશાવર વિષે જાણવા મળેલું તેથી એ વીકમાં અમે જ્યારે પેશાવર વિષે અમારા મિત્રોને પૂછ્યું ત્યારે તેઓ શોક્ડ થઈ મને કહે; પૂર્વીજી પેશાવર? પેશાવર જાના હૈ ક્યૂં? વહાં મૌત કે માહૌલ મેં ક્યૂં જાના હૈ કહેતાં તેમના મુખ પર ડરનો સાયો ફરી વળ્યો.


© ૨૦૧૭


પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ     purvimalkan@yahoo.com

2 comments for “સંસ્કૃતિની શોધમાં : ૨૦ : વોહ મુહાજીર બન કે રહે ગયે ઔર હમ મુહાજીર કી ઔલાદ બન કે રહે ગયે

 1. નિરંજન બૂચ
  October 24, 2019 at 8:56 am

  પાકિસતાન વિષે અંદર ની વાત જાણી આનંદ થયો .

  અમારે એક વાર કોઅલા લુંમપુર જવાનું થયું , અમે વિસા માટે લાઇનમાં ઉભા હતા ત્યારે એક પાકિસતાની મુસલમાન બેન મારી પાછળ ઊભા હતા , અમે ગુજરાતી મા વાત કરતા હતા તે જોઇ ,અમારી પાસે આવ્યાં ને ખુબ જ ખુશી થી કહ્યું કે હું અમદાવાદ ની છું ને બહુ જ યાદ કરુ છું , મારુ બાળપણ અમદાવાદ ની પોળ મા વીત્યું છે .

  અમે વિસા મળ્યો ત્યાં સુધી ખુબ વાત કરી , છુટા પડયા ત્યારે તેમની આંખ મા આંસુ આવી ગયાં

 2. Bharati
  October 24, 2019 at 4:44 pm

  Shun kahu AA episode vishe? Muhajiro ni vyatha vishe vaanchi aankh bhini Thai gai. AA lekh ma southi sari e lagyu ke tame purepura manav sanvedana sudhi pahonchya. Muhajir no itihas mare mate navo ne jaankaribharyo rahyo.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *