ટાઈટલ મ્યુઝીક – ૨૦ – અબ આયેગા મઝા (૧૯૮૪)

Facebooktwitterredditpinterestlinkedinmail

બીરેન કોઠારી

‘ગાદી’ શબ્દ સત્તાસ્થાન સૂચવે છે, અને વારસાગત વ્યવસાય પણ. મોટા ભાગના પિતાને એવી ઈચ્છા હોય છે કે પોતાનો વારસદાર પોતાની ‘ગાદી’ સંભાળે. ચાહે એ પિતા રાજા હોય, મંત્રી હોય, ડૉક્ટર હોય, વકીલ હોય, અભિનેતા હોય કે અન્ય કોઈ વ્યવસાયી. પ્રતાપી પિતાઓનાં સંતાન માટે અનેક મુશ્કેલીઓ હોય છે. તેઓ ગાદી સંભાળે કે ન સંભાળે, તેમની સરખામણી તેમના પિતા સાથે અનાયાસે થતી રહે છે. ફિલ્મજગતમાં પણ આ શિરસ્તો જાણ્યેઅજાણ્યે લંબાતો રહ્યો છે. અભિનેતાનાં સંતાન અભિનેતા બને, સંગીતકારનાં સંતાન સંગીતકાર બને એવાં ઉદાહરણો ઘણાં છે.

હિન્‍દી ફિલ્મઉદ્યોગની અને ખાસ કરીને તેના સંગીતકારોની વાત કરીએ તો પંકજ મલ્લિક, રાયચંદ બોરાલ, અનિલ બિશ્વાસ, સરસ્વતીદેવી જેવા સંગીતકારોને પહેલી પેઢીના ગણીએ તો નૌશાદ, શંકર-જયકિશન, મદનમોહન, સચિન દેવ બર્મન, એસ.એન.ત્રિપાઠી, ચિત્રગુપ્ત જેવા અનેક સંગીતકારો બીજી પેઢીના ગણાય. અલબત્ત, આ સ્થૂળ વિભાજન છે. એ રીતે જોઈએ તો રાહુલ દેવ બર્મનથી સંગીતકારોની ત્રીજી પેઢીનો પ્રવેશ થયો ગણાય. આ ત્રીજી પેઢીમાં સંગીતકાર ચિત્રગુપ્તના પુત્રો આનંદ (શ્રીવાસ્તવ) અને મિલિંદે સંગીતકાર જોડી તરીકે પ્રવેશ કર્યો.

(ડાબેથી) મિલિંદ, ચિત્રગુપ્ત અને આનંદ

તેમને મળેલી પહેલવહેલી મોટી સફળતા 1988માં રજૂઆત પામેલી ‘કયામત સે કયામત તક’ કહી શકાય, જે તેમની આઠમી ફિલ્મ હતી. આ ફિલ્મનું સંગીત ખરેખર પ્રભાવક હતું. હવે તો તેને પણ ત્રણ દાયકા થવા આવ્યા. આ જોડીની પહેલવહેલી ફિલ્મ હતી ‘અબ આયેગા મઝા’ (1984).

દૂરદર્શનના જમાનાની લોકપ્રિય જાસૂસી ધારાવાહિક ‘કરમચંદ’ના દિગ્દર્શક પંકજ પરાશરની પણ દિગ્દર્શક તરીકેની આ પહેલવહેલી ફિલ્મ હતી. ત્યાર પછી તેમણે ‘જલવા’, ‘ચાલબાઝ’, ‘પીછા કરો’, ‘તુમ કો ના ભૂલ પાયેંગે’ જેવી ફિલ્મો દિગ્દર્શીત કરી.

(પંકજ પરાશર)

‘અબ આયેગા મઝા’માં ફારૂક શેખ, અનિતા રાજ, રવિ બાસવાણી, સતીશ કૌશિક, રાજેશ પુરી, પવન મલ્હોત્રા જેવા કલાકારો હતા. એમ લાગે કે પંકજ પરાશરની (મુખ્ય કલાકારો સિવાયની) આ કાયમી ટીમ હશે. આ ફિલ્મની રજૂઆતનો વિશેષ ઉલ્લેખ સલીલ દલાલ દ્વારા થયો હોવાનું યાદ છે, જેમાં તેમણે એમ લખેલું કે આ ફિલ્મની આખી ટીમ યુવાનોની છે, અને દરેકની સરેરાશ ઉંમર પચીસ (ની આસપાસ) છે.

‘પુત્રનાં લક્ષણ પારણામાંથી’ જેવી કહેવત પ્રચલિત છે, એ મુજબ સંગીતકાર જોડી આનંદ-મિલિંદની નોંધ આ ફિલ્મથી ઠીકઠીક લેવાઈ હતી, અને ‘કયામત સે કયામત તક’ ફિલ્મ દ્વારા હિન્‍દી ફિલ્મોમાં ફરીથી માધુર્યભર્યાં ગીતોનો યુગ શરૂ થઈ રહ્યો છે એવી આશા બંધાઈ હતી. પણ પુત્ર પારણું છોડીને બહારના વ્યવહારુ જગતમાં પ્રવેશે ત્યારે તેનાં લક્ષણોને કેટલાં ટકાવી રાખે છે એ પણ એટલું જ મહત્વનું છે. જથ્થાબંધ ફિલ્મો સ્વીકારી રહેલા આનંદ-મિલિંદના સંગીતમાંથી બહુ ઝડપથી માધુર્ય અલોપ થવા લાગ્યું. તેઓ નકલખોરીના રવાડે ચડ્યા. ખાસ કરીને દક્ષિણના અનન્ય સંગીતકાર ઈલૈયા રાજાનાં અનેક ગીતોની ધૂનની તેમણે વરવી નકલ બેશરમીથી કરી. (જો કે, એ રીતે અમે ઈલૈયા રાજાનાં મૂળ ગીતો સુધી પહોંચી શક્યાં એ અંગત લાભ થયો.) એ વખતે બપ્પી લાહિરી ઊપરાંત આનંદ-મિલિંદ અને નદીમ-શ્રવણની જોડીએ ધડાધડ સંગીત પીરસવા માંડેલું. તેમની આવડત વિશે શંકા નથી, પણ જે પ્રમાણમાં તેઓ ફિલ્મો સ્વીકારતા હતા એ જોતાં નકલ સિવાય તેમની પાસે કોઈ આરો નહોતો. એ સમયે એક જોક પ્રચલિત બનેલી. આ સંગીતકારોને એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓ અટકાવે છે અને તેમના ‘માલ’ની તલાશી લે છે. પછી તેઓ ત્રણેયને દંડ ફટકારે છે. બપ્પી લાહિરીને આકરી કસ્ટમ ડ્યૂટી ભરવાની આવે છે (કેમ કે, તેમના ‘માલ’માં વિદેશી ધૂનો નીકળે છે), નદીમ-શ્રવણ પર દાણચોરીનો આરોપ આવે છે અને એ મુજબ દંડ લેવાય છે (કેમ કે, તેમના ‘માલ’માં પાકિસ્તાની ધૂનો હોય છે.) સૌથી ઓછો દંડ આનંદ-મિલિંદને થાય છે. તેમણે માત્ર જકાત ભરવાની આવે છે. (કેમ કે, તેઓ દક્ષિણ ભારતમાંથી ધૂનો લાવ્યા હોય છે). હરીશ રઘુવંશીએ તૈયાર કરેલી ફિલ્મોગ્રાફી મુજબ , 2005 સુધી આ જોડીની 191 ફિલ્મો રજૂઆત પામી હતી. તેમની યાત્રા હજી ચાલુ જ છે.

1989-90 ની આસપાસ હું અને ઉર્વીશ મુંબઈ જઈને જૂની ફિલ્મોના વિવિધ કલાકારોને મળતા હતા. એ સમયે અમે ચિત્રગુપ્તનું સરનામું મેળવીને તેમને ઘેર ગયેલા. એ વખતે બારણું ખોલનાર આનંદ કે મિલિંદ હતા. ચિત્રગુપ્તજી ઘેર નહોતા, તેથી અમને ફરી ક્યારેક આવવા માટે તેમણે કહેલું. આટલી સ્મૃતિ તેમની મુલાકાતની.

‘અબ આયેગા મઝા’નાં ગીતોની વાત કરીએ તો તેમાં કુલ પાંચ ગીતો હતાં, જે સમીરે લખેલાં હતાં. (સમીર એટલે ગીતકાર અન્‍જાનના પુત્ર). ‘યારોં યે પબ્લિસિટી કા જમાના હૈ’, ‘440 વૉલ્ટ કી લડકી’, ‘રાજા તેરે રસ્તે સે હટ જાઉંગી’, ‘સોલહ બરસ કી કમસીન ઉમરિયા’ તેમજ ‘કબ જાને અન્‍જાને બેગાને’ પૈકીનું ‘રાજા તેરે રસ્તે સે’ ઠીક જાણીતું બન્યું હતું.

(ડાબેથી) ગીતકાર સમીર, મિલિંદ અને આનંદ

આ ફિલ્મનું ટાઈટલ મ્યુઝીક છેક 13.15થી શરૂ થાય છે. 13.24 થી તેમાં ગિટાર પ્રવેશે છે અને છેક સુધી ચાલુ રહે છે. 14.01 થી તેમાં તબલાંનો તાલ પ્રવેશે છે, જે ટ્રેક પૂરી થાય ત્યાં સુધી એટલે કે 14.23 સુધી ચાલુ રહે છે. જો કે, આમાં મુખ્ય વાદ્યની અસર સિન્‍થેસાઈઝર દ્વારા નીપજાવાઈ હોય એમ જણાય છે. કોઈ અંગ્રેજી ફિલ્મનું સંગીત હોય એવી તેની શરૂઆત છે, પણ પછી તબલાં પ્રવેશે ત્યારે તેની અસર કર્ણપ્રિય લાગે છે.

અહીં આપેલી આખી ફિલ્મની લીન્‍કમાં 13.15 થી 14.23 સુધી ટાઈટલ મ્યુઝીક છે.


(All the photos and link are taken from net)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *