ભ્રાતા-સખા

Facebooktwitterredditpinterestlinkedinmail

દર્શના ધોળકિયા.

જીવનની વિભિન્ન ભૂમિકાઓની જેમ જ ભાઈ ને મિત્રની ભૂમિકને પણ રામે પૂરતું પ્રાધાન્ય આપ્યું છે. લક્ષ્મણ તો જીવનભર રામનો ‘દ્વિતીય અંતરાત્મા’ બનીને રહ્યો છે તો ભરતે પણ પિતાએ આપેલું રાજ્ય ન સ્વીકારીને અસંગત્વમાં રામની લગોલગનું આસન મેળવ્યું છે. જે ભાઈઓએ રામનું આ રીતે આરાધન કર્યું છે તે ભાઈઓ પ્રત્યે રામે વારંવાર પોતાની કૃતજ્ઞતા, વાત્સલ્ય ને લક્ષ્મણ પ્રત્યે તો વિનમ્રતા વ્યક્ત કરીને ઊંડો ભાતૃપ્રેમ વ્યક્ત કર્યો છે.

પિતા દ્વારા રામના રાજ્યાભિષેકની જહેરાત થયા પછી રામે આ સમાચાર પહેલાં માતા કૌશલ્યાને આપ્યા છે. તે ક્ષણે તેમની સાથે રહેલા લક્ષ્મણને રામ કહે છે: “સુમિત્રાનંદન ! તું ભોગવવા યોગ્ય ભોગ ને રાજ્યનાં શ્રેષ્ઠ્પરિણામોને ભોગવ. તારા માટે જ હું આ જીવન તથા રાજ્યની અભિલાષા સેવું છું.”

અલબત્ત, આ સંવાદ પછી બહુ જ અલ્પ સમયમાં લક્ષ્મણે રામ સાથે વનવાસ સ્વીકાર્યો ને વનમાં ક્ષણેક્ષણની જાગૃતિથી રામનું અનન્યભાવે સેવન કર્યું. વનવાસના સમયગાળામાં સેવકની જેમ રામને સેવતાં લક્ષ્મણે જ્યારે પંચવટીમાં એકલે હાથે રહેઠાણ માટે પર્ણશાળા તૈયાર કરી ને રામને એમાં પ્રવેશવા વિનંતી કરી ત્યારે રામે પોતાની કુટિરનું અવલોકન કરતાંવેંત બાજુમાં ઊભેલા લક્ષ્મણને છાતી સાથે ભીડી દેતાં અનુપમ વચનો કહ્યાં છે: “સામર્થ્યશાળી લક્ષ્મણ! હું તારા પર અત્યંત પ્રસન્ન છું. તેં આ મહાન કાર્ય કર્યું છે. એને માટે કોઈ યોગ્ય પુરસ્કાર ન હોવાથી હું માત્ર તને ગાઢ આલિંગન જ કરી શકું છું. તું મારા મનોભાવોને તત્કાળ સમજનાર, કૃતજ્ઞ તથા ધર્મજ્ઞ છે. તારા જેવા પુત્રના હોવાથી મારા પિતા હજુ મૃત્યુ પામ્યા નથી. તારા રૂપમાં એ મારે માટે જીવંત જ છે.” આ ક્ષણે લક્ષ્મણને પિતાનું સ્થાન પ્રદાન કર્યું છે.

સીતાનો પણ આ વાતને ટેકો છે. આથી જ અશોકવાટિકામાં હનુમાન સાથેની વાતચીતમાં “રાજકુમાર શ્રીરામની પ્રિય વ્યક્તિઓમાં જેમનું સૌથી ઊંચું સ્થાન છે, રઘુનાથજી મારાથીય વિશેષ જેમને ચાહે છે તથા જેમને જોઈને રઘુનાથજી પોતાના મૃત્યુ પામેલા પિતાને પણ ભૂલી ગયા છે એવા લક્ષ્મણ રામના પ્રિય બંધુ ક્ગ્ગે.” એમ કહીને લક્ષ્મણના ભાતૃપ્રેમની સાથોસાથ રામના લક્ષ્મણ પ્રત્યેના પ્રેમને સીતાએ અંજલિ આપેલ છે.

યુદ્ધમાં ઇન્દ્રજિતનાં બાણોથી ઘાયલ થયેલા લક્ષ્મણને સંબોધીને વિલાપ કરતા રામે લક્ષ્મણ પ્રત્યેની પોતાની ભક્તિ પ્રગટ કરતાં આત્યંતિક વચનો કહ્યાં છે: “હાય ! જો મને સીતા મળી પણ જાય તો એને મેળવીને હું શું કરું જ્યારે આજ મારા પરાજિત થયેલા ભાઈને યુદ્ધસ્થળમાં પડેલો જોઉં છું !”

“…મૃત્યુલોક્માં શોધ કરવાથી મને સીતા જેવી બીજી સ્ત્રી મળી શકશે પણ લક્ષ્મણ જેવો સહાયક અને યુદ્ધકુશળ ભાઈ નહીં મળી શકે.

“સુમિત્રાના આનંદને વધારનારો લક્ષ્મણ જો જીવતો ન રહ્યો તો હું મારા પ્રાણ ત્યાગી દઈશ…હવે મને જીવતા રહેવાનો કોઈ ઉત્સાહ નથી.

“મારા જેવા દુષ્કર્મી ને અનાર્યને ધિક્કાર છે, જેને કારણે લક્ષ્મણ મૃત્યુ પામેલાની જેમ બાણશય્યા પર સૂતો છે.

“લક્ષ્મણ ! જ્યારે હું અત્યંત વિષાદમાં ડૂબી જતો હતો ત્યારે તું હંમેશા મને આશ્વાસન આપતો. પણ આજે તારામાં પ્રાણ નથી રહ્યા તેથી મારા દુખિયા સાથે તું વાત કરવા અસમર્થ બન્યો છે.

“મને એવો કોઈ પ્રસંગ યાદ આવતો નથી જ્યારે વીર લક્ષ્મણે અત્યંત ગુસ્સામાં હોવા છતાં મને કોઈ કઠોર વાત કહી હોય.” રામના કથનનું અહીં બીજું તાત્પર્ય એ પણ છે કે રામનાપ્રત્યે લક્ષ્મણ સંયોગવશ કઠોર થવા સમયે પણ લક્ષ્મણે કઠોર વાત કહી નથી.

લક્ષ્મણને બીજો પ્રાણ ગણતા રામને રામાયણના અંતે પોતાની ભાતૃભક્તિને કસોટીની એરણ પર મૂકવાનું આવ્યું છે. બ્રહ્માનો સંદેશ લઈને સંન્યાસીના વેશમાં આવેલ સ્વયં કાળ રામને લીલા સંકેલવા જણાવે છે. કાળ સાથેની વાત આવવા દરમ્યાન રામે કોઈને અંદર ન આવતા તેમજ કોઈને પોતાની વાત ન સાંભળવા માટે સાવચેત રહેવાનો રામે લક્ષ્મણને આદેશ કર્યો છે. તે દરમ્યાન જ ઋષિ દુર્વાષાનું આગમન થયું છે ને તેમણે પોતાનું આગમન રામને જણાવવા લક્ષ્મણને આજ્ઞા કરી છે, જેને વશ થઈને લક્ષ્મણને રામ પાસે જવું પડ્યું છે. પરિણામે રામે લીધેલી પ્રતિજ્ઞા મુજબ અંદર આવનારનો વધ કાં તો ત્યાગ કરવાનો હોઈ, રામે લક્ષ્મણને દેશનિકાલ કરવો પડ્યો છે. એ જ ક્ષણે રાજભવન ને જીવન સુદ્ધાં છોડ્યું છે. હંમેશા રામનું અનુસરણ કરતા રહેલા લક્ષ્મણના જતાં જ, એ જ ક્ષણે રામે પણ પોતાનો નિર્ણય જણાવતાં કહી દીધું છે: “આ જ ક્ષણે હું ભરતનો રાજ્યાભિષેક કરીને લક્ષ્મણનું અનુસરણ કરું છું.” લક્ષ્મણના જવા પછી રામ એક ક્ષણ પણ જીવવાનું પસંદ કરતા નથી. અનુજ લક્ષ્મણને રામની આ અંતિમ અંજલિ છે.

લક્ષ્મણ જેટલો જ ભરતને પણ રામે ચાહ્યો છે. રામના રાજ્યાભિષેકના સમાચાર આપતી મંથરા પ્રતિ કૈકેયીનો પ્રથમ પ્રતિભાવ આથી જ તો હર્ષસભર છે. કૈકેયીને મતે રામને મળેલું રાજય ભરતનું જ છે, કેમ કે રામ પોતાના ભાઈઓને પોતા સમાન જ સમજે છે. વનમાં જતાં-જતાં રામે સૌને ભરતને અધીન રહેવા સમજાવ્યા છે.

વનમાં સેના સમેત આવતા ભતને દૂરથી જોઈને, ભરત રખેને રામને મારવા આવતા હોવાની શંકા સેવીને કોપાયમાન થઈને ભરતને મારી નાખવા ઇચ્છતા લક્ષ્મણને સમજાવતા રામની ભરતભક્તિ નોંધપાત્ર છે:

“લક્ષ્મણ! હું તને પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે ધર્મ, અર્થ, કામ અને પૃથ્વીનું રાજ્ય પણ હું તમારા લોકો માટે જ માત્ર ઇચ્છું છું.

“સુમિત્રાકુમાર! હું ભાઈઓનાં સુખ માટે જ રાજ્ય ઇચ્છું છું અને એ વાતની સચ્ચાઈ માટે મારા ધનુષ્યને સ્પર્શીને શપથ ખાઉં છુ.

“ હે માનદ! ભરતને, તને અને શત્રુઘ્નને છોડીને જો કોઈ સુખ મને મળે તો એ સુખને અગ્નિદેવ બળીને ભસ્મ કરી દે !

ભરતને પ્રમાણતા રામ ભરતની ભાતૃભક્તિનો મહિમા ગાતાં, પોતા પ્રત્યે ભરત જેવી જ ભાતૃભક્તિથી છલોછલ લક્ષ્મણને સમજાવતાં જણાવે છે: “વીર! પુરુષપ્રવર! ભરત ભારે ભાતૃભક્ત છે. એ મને પ્રાણોથીય વધારે પ્રિય છે. મને તો એવું લાગે છે કે ભરતે અયોધ્યા આવીને જ્યારે રાજ્ય સંભાળ્યું હશે કે હું તારાને જાનકી સાથે જટા-વલ્કલ ધારણ કરીને વનમાં આવી ગયો છું, ત્યારે એની ઇન્દ્રિયો શોકથી વ્યાકુળ થઈ ઊઠી હશે અને કુળધર્મનો વિચાર કરીને સ્નેહયુક્ત હૃદયથી એ આપણને મળવા આવી રહ્યો છે. ભરતના આગમનનો એ સિવાય બીજો કોઈ ઉદ્દેશ હોઈ શકે નહિ.

“માતા કૈકેયી પ્રત્યે ગુસ્સે થઈને, તેને કઠોર વચન સંભળાવીને અને પિતાજીને પ્રસન્ન કરીને શ્રીમાન ભરત મને રાજ્ય પાછું સોંપવા આવી રહ્યો છે.

“ભરતનું આપણને આ રીતે મળવા આવવું સર્વથા સમયોચિત છે. એ આપણને મળવા યોગ્ય છે. આપણું કોઈ અહિત કરવાનો વિચાર સુદ્ધા એ મનમાં આવી શકે નહિ.”

આટલું કહેતાંમાં લક્ષ્મણ પ્રત્યે નારાજ થયેલા રામે તેને ઠપકો આપતાં કહે છે: “ભરતે તારા સાથે આ પહેલાં ક્યો અપ્રિય વ્યવહાર કર્યો છે કે જેથી તને તેનાથી આટલો ભય લાગી રહ્યો છે અને તું એના વિશે આવી શંકા કરી રહ્યો છે ?

“ભરત આવે ત્યારે તું એને કોઈ કઠોર કે અપ્રિય વચન ન કહેજે. જો તેં તેને કોઈ અપ્રિય વાત કરી, તો એ મને કહેવાઈ છે એવું માનજે. જો તું રાજ્ય માટે આવી કઠોર વાત કહેતો હોય તો હું ભરતને મળતાંવેંત કહી દઈશ કે તું લક્ષ્મણને રાજ્ય આપી દે. અને જો હું બહ્રતને આમ કહીશ તો એ તરત જ ‘બહુ સારું’ કહીને મારી વાત સ્વીકારી લેશે.” જોઈ શકાય છે કે ભરત પ્રત્યેનો ભાવ વ્યક્ત કરતાં કરતાં ભાવવિવશ થયેલા રામે આ ક્ષણે લક્ષ્મણને પણ ન સંભળાવવાનું સંભળાવી દીધું છે!

પંચવટીમાં સ્થાયી થયેલા રામ વનવાસના દિવસોમાં ભરતનું સ્મરણ થતાં ચંચળ થઈ ઊઠે છે અને ભરતે કહેલી વાતચીત સ્મરે છે. લક્ષ્મણ પાસે ગળગળા થયેલા રામ ભરત અને શત્રુઘ્નને મળી શકાય એવ દિવસની વારંવાર અભિલાષા સેવે છે.

લંકામાં રાવણ સાથેનું યુદ્ધ પૂર્ણ થતાં સીતાને પ્રાપ્ત કરીને વિરામ પામેલા રામને વહેલી સવારે સ્નાન કરવાનું જણાવતા વિભીષણને ભાતૃભક્ત રામ જણાવે છે: “તમે બીજા સૌને નહાવાનું જણાવો. મારે માટે તો આ સમયે સત્યનો આશ્રય લેનાર મહાબાહુ ભરત અત્યંત કષ્ટ સહન કરી રહ્યો છે. એ સુકુમાર ને સુખ ભોગવવા યોગ્ય છે. એ ધ્રમપારાયણ કૈકેયીકુમાર ભરતને મળ્યા વિના ન તો મને સ્નાન સારું લાગશે ન તો વસ્ત્રાભૂષણ. હવે તમે એ વાત પર જ ધ્યાન આપો કે અમે કઈ રીતે ઝડપથી અયોધ્યાનગરી તરફ પાછાં ફરીએ.”

વિભીષણ રામને લંકામાં થોડો સમય રોકાવા માટે પ્રાર્થના કરે છે ત્યારે પણ વિનયપૂર્વક મિત્ર વિભીષણને પ્રતિભાવ આપતા રામની ભાતૃભક્તિ અનન્ય રીતે પ્રગટ થઈ છે: “ રાક્ષસેશ્વર! તમારી વાતનો કોઈ રીતે અસ્વીકાર ન કરી શકું. પણ આ સમયે મારું મન મારા ભાઈ ભરતને જોવા માટે ઉતાવળું થઈ રહ્યું છે, જે મને લેવા માટે ચિત્રકૂટ સુધી આવેલો ને મારા પગમાં માથું મૂકીને જેણે યાચના કરી હોવા છતાં જેની વાત મેં માની નહોતી.” ને ક્ષણનાય વિલંબ વિના રામે લંકા છોડી દીધી છે.

શત્રુઘ્નનો રામે વારંવાર ઉલ્લેખ કર્યો જ છે અને ઉત્તરકાંડમાં આવતા પ્રસંગ મુજબ લવણાસુરના વધ માટે શત્રુઘ્નને યોગ્ય ગણીને રામે લવણની રાજધાની પર શત્રુઘ્નને અભિષિક્ત કર્યો છે.

રામની ભાતૃભક્તિ, અન્ય દ્રષ્ટાંતોની જેમ જ, તેમની જીવનનિષ્ઠાના જ એક ખંડ તરીકે પ્રમાણિત થતી રહી છે.

રામનો મિત્રપ્રેમ તેમના ત્રણ ખાસ મિત્રો નિષાદરાજ ગૃહ, સુગ્રીવ અને વિભીષણ પ્રત્યે સમાનભાવે વહ્યો છે. દેખીતી રીતે આ ત્રણેય મિત્રો કુળ, ધર્મ, રિવાજની દ્રષ્ટિએ રામથી તદ્દન ભિન્ન છે. ગૃહ નિષાદ છે, સુગ્રીવ વાનર છે ને વિભીષણ રાક્ષસ. પણ રામે આ ત્રણેયને મિત્રોની નિર્મળતા ને પ્રેમ જોઈને કૃતજ્ઞભાવે તેમને ચાહ્યા છે.

અયોધ્યાથી વન ભણી જતાં રામ સૌ પ્રથમ ગૃહની રાજધાની શૃંગવેરપુરમાં એક રાત્રિ રહ્યા છે ને પાછા ફરતી વેળા પણ ગૃહને યાદ કરતા રામે હનુમાનને કહ્યું છે: “મને સકુશળ, નિરોગી અને ચિંતારહિત સાંભળીને નિષાદરાજ ગૃહને અત્યંત પ્રસન્નતા થશે, કેમ કે એ મારા મિત્ર છે, મારા આત્મા સમાન છે.”

વનમાં સીતાની શોધ નિમિત્તે રામનો સુગ્રીવ સાથે પરિચય થાય છે ત્યારે પોતે વાનર ને રામ નર હોવા છતાં રામે પોતાને મિત્ર માનતાં ધન્ય થયેલા સુગ્રીવ રામને મોટા ભાઈ વાલીએ આપેલાં દુ:ખની વિગત જણાવે છે ત્યારે રામનો ઉત્તર છે: “મિત્ર ઉપકારરૂપી ફળ દેનાર હોય છે. હું તમારી પત્નીનું અપહરણ કરનાર વાલીનો વધ કરી નાખીશ.”

સીતાની શોધ માટે યત્નશીલ થયેલા સુગ્રીવ પ્રત્યે ભારોભાર કૃતજ્ઞતા પ્રગટ કરતાં રામે સુગ્રીવને મોટાઈ આપતાં ભારે વચનો કહ્યાં છે: “ ઇન્દ્ર જેમ જળની વર્ષા કરે છે, સહસ્ત્ર કિરણોથી શોભિત સૂર્યદેવ જેમ આકાશનો અંધકાર દૂર કરે છે તથા ચન્દ્રમા પોતાની પ્રભાથી જેમ અંધારી રાતને પણ ઉજ્જવળ કરી દે છે એ જેમ તેમના ગુણ હોઈ, આશ્ચર્યની વાત નથી તેમ તમારા જેવા પુરુષ પણ મિત્રો પર ઉપકાર કરીને તેને પ્રસન્ન કરી દે એમાં કોઈ આશ્ચર્ય માનવા જેવું નથી.

“સખા ! તમારી સહાયતાથી સનાથ થઈને હું યુદ્ધમાં તમામ શત્રુઓને જીતી શકીશ. તમે જ માતા હિતૈષી ને મિત્ર છો ને મારી સહાયતા કરી શકો તેમ છો.”

વિભીષણ રામને શરણે આવવા ઇચ્છે છે ત્યારે પણ રામે વિચારવિમર્શ કરતા સુગ્રીવના મતને અત્યંત મૂલ્યવાન ગણીને તેમનું મહત્વ કર્યું છે.

લંકામાં પ્રવેશતાંવેંત સુગ્રીવ ઉત્સાહમાં આવીને એકલે હાથે રાવણ પાસે જઈને લડાઈ કરવા લાગે છે ને પછીથી રામ પાસે પાછા આવે છે ત્યારે તેમના માટે ચિંતા સેવતા રામ તેમને ઠપકો આપતાં કહે છે: “ હવેથી આવું દુ:સાહસ ન કરશો. જો તમને કંઈ થઈ ગયું તો હું સીતા, ભરત, નાનો શત્રુઘ્ન તથા મારા આ શરીરને લઈને પણ શું કરીશ ?” યુદ્ધમાં ને યુદ્ધને અંતે રામે વારંવાર સુગ્રીવ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીને સુગ્રીવે કરેલા ઉપકાર પ્રતિ પોતાની નમ્રતા પ્રગટ કર્યા કરી છે.

રામના ત્રીના મિત્ર વિભીષણ તો શત્રુપક્ષના હોવા છતાં, એક વાર તેને મિત્ર ગણ્યા પછી રામે પાછું વાળીને જોયું નથી. વિભીષણના આવતાંવેંત રામે લક્ષ્મણને આદેશ આપીને સમુદ્રતટ પર જ તેમનો લંકેશ્વર તરીકે અભિષેક કરી દીધો છે. પછી પણ રામને વિભીષણને રાજ્યપદ આપવાની જ ચિંતા છે. યુદ્ધમાં લક્ષ્મણમૂર્છા વખતે પણ પોતે હવે વિભીષણને રાજા નહીં બનાવી શકે તેની વ્યથા રામને પીડે છે. રાવણનો વધ કર્યા પછી સીતાને મળવાની રામને જરાય ઉતાવળ નથી. એ ક્ષણે તેમણે વિભીષણના અભિષેકને પ્રથમ કર્તવ્ય ગણ્યું છે. વિભીષણની રજા લઈને પછી જ રામે સીતાને તેડાવી છે. વિભીષણની લંકામાં રહેવાની વિનંતીને ભરતને મળવાની ઉતાવળને કારને રામને નકારવી પડી છે ત્યારે પણ રામે વિભીષણની ક્ષમા માગી છે.

રામ, મિત્ર તરીકે પણ અનન્ય સાબિત થયા છે.

* * * * *

ડૉ. દર્શના ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ
• પત્રવ્યવહારનું સરનામું: ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ), ભારત ૩૭૦૦૦૧
•ઇ-પત્રવ્યવહારનું સરનામું: dr_dholakia@rediffmail.com

1 comment for “ભ્રાતા-સખા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *