ત્યારે કરીશું શું?:[૫]

Facebooktwitterredditpinterestlinkedinmail

પરિચયકર્તા- કિશોરચંદ્ર ઠાકર

“માણસનાં ખમીસ પરનો પસીનો સુકાઈ જાય એ પહેલાં એનું મહેનતાણું આપી દે”

                                                                                                        (કુરાનની એક આયત)

આપણે ત્યાં એવું બોલવાનો રિવાજ થઈ ગયો છે કે ‘સિદ્ધાંત તો ખરો, પણ તેનું વ્યવહારમાં શું?’ અત્યાર સુધી ટોલ્સ્ટોયે કરેલી વાતોમાં પણ આપણે કદાચ એમ જ કહીશું. ટોલ્સ્ટોય પોતે જ એનો ખુલાસો આપતાં કહે છે કે જેનો અમલ ન થ‌ઈ શકે તે સિદ્ધાંત સિદ્ધાંત જ નથી, ઉદાહરણ તરીકે જો રોટલી બનાવવાનો સિદ્ધાંત એવો હોય કે પહેલાં કણક બાંધવી અને પછી રોટલીને વણીને શેકવી, તો પછી કોઇ ગંડુ હોય તે જ ઊલટું કરે. પોતાના અનુભવને આધારે તેઓ કહે છે કે વ્યવહાર સિદ્ધાંતને કેવળ પુષ્ટિ જ નથી આપતો પરંતુ સિદ્ધાંતથી ઊલટો વ્યવહાર હોઈ જ ના શકે.

તો પણ આપણે કહીશું કે હવે સો દોઢસો વર્ષ પહેલાંનો જમાનો રહ્યો નથી. ખેતીમાં યંત્રો આવતાં ખેડૂતોને પહેલાં જેટલી મજૂરી કરવી પડતી નથી. હવે તો જે.સી.બી. જેવાં યંત્રો આવ્યાં છે જેને કારણે રસ્તો ખોદવા માટે કે મોટી ઇમારતોના પાયા ખોદવા માટે મજૂરોને મહેનત કરવી પડતી નથી. અહીં આપણે ભૂલ એ ખાઈએ છીએ કે જેમાં માત્ર સ્નાયુબળ વાપરવું પડે તેને જ આપણે મજૂરી કહીએ છીએ. ખરેખર તો ટ્રેક્ટર કે જે.સી.બી. હાથપગ હલાવ્યા વિના કે પોતાનાં દીવાનખાનામાં બેસીને નથી ચલાવી શકાતાં. બળબળતા તાપમાં કે દરેક પ્રકારના વિષમ વાતાવરણમાં ખુલ્લાંમાં જ ચલાવવાનાં હોય છે. ઉપરાંત યંત્રો વાપરનાર માટે જાનનું જોખમ તો ઊભું જ છે. આ યંત્રો જે કારખાનાંઓમાં બને છે ત્યાં પણ કારીગરોએ મજૂરી તો કરવી જ પડે છે.

એ જ રીતે આપણે કહીશું કે હવે શૌચાલયની જાજરાપેટી જ નથી રહી, પછી તેને ઊંચકવાનો સવાલ જ ક્યાં છે? પરંતુ એમાં તો આપણે વધારે મોટી ઉપાધિ ઊભી કરી છે. ગંદકી વહન કરતી ગટર સાફ કરવા માટે સફાઈ કામદારોને તેમાં ઉતરવું પડે છે અને ક્યારેક તેમનું મોત પણ થાય છે.

આ લેખમાળાનાં પહેલાં પ્રકરણની શરૂઆતમાં જ આપણે જોયું કે આપણે જેમની વીરપૂજા કરીએ છીએ તે લશ્કરના સૈનિકોને ટોલ્સ્ટોયે તેના માલિકો(સત્તાવાળાઓ)ના અંગગુલામ કહ્યા, આ તો હદ આવી ગઈ! જાનનાં જોખમે આપણું રક્ષણ કરતા સૈનિકોને દેશપ્રેમીઓને બદલે ગુલામ કહેવા એ તો તેમનું મોટું અપમાન જ લાગે. પરંતુ સૈનિકોની બહાદુરી તથા તેમની શિસ્તને પૂરેપૂરા સન્માન્યાં પછી પણ સવાલો તો ઊભા જ છે. જલિયાંવાલા બાગના નિર્દોષ લોકો પર ગોળીબાર કરવામાં ભારતીય સૈનિકોનો કયો દેશપ્રેમ હતો? બીજા વિશ્વયુદ્ધમાં અંગ્રેજોએ જ્યારે બળજબરીથી જોતર્યા ત્યારે ભારતીય સૈન્યના સૈનિકોમાં કયો દેશપ્રેમ હતો? વિયેટનામના યુદ્ધમાં જ્યાં સુધી પ્રજાએ ‘હવે ખમા કરો’ કહ્યું નહિ, તેમજ ’મા મને કોઠીમાંથી કાઢ’ એવી સ્થિતિ અમેરિકાની થઈ ન હતી ત્યાં સુધી વિયેટનામના નિર્દોષ લોકોને મારવામાં અમેરિકન સૈનિકોનો કયો દેશપ્રેમ હતો? ઘરઆંગણાંની વાત કરીએ તો આઝાદીના આંદોલનમાં પોલીસ કે લશ્કરના ગોળીબારમાં માર્યા ગયેલા લોકોના આંકડાને આંબવા માટે આઝાદી પછી દેશના આંદોલનકારીઓને ગોળીએ દેવામાં આપણને ઝાઝાં વર્ષોની જરૂર પડી ન હતી. આ બધા જ સૈનિકો તેમના માલિકોનો હુકમ જ ઊઠાવતા હતા ને? આને કદાચ આપણે તેને ગુલામીને બદલે શિસ્ત કહીશું.

આપણે કહીશું કે આપણી સરહદ પર તો સૈનિકો આપણું રક્ષણ કરે જ છે ને. વાત તો સાચી, પણ આપણે એટલે કોણ? ખૂબ લઘુમતીમાં એવા આપણે ઉચ્ચ વર્ગના લોકોં જ વળી. એક બહોળા સમૂહનો વિચાર તો આપણે કરતા જ નથી જેમને ક્યારેય રક્ષણ મળ્યું જ નથી. વળી વિચિત્રતા તો એ છે કે સૈનિકો તો એ જ વર્ગમાંથી આવે છે.

આપણે એમ પણ વિચારીશું કે જો આ સૈનિકો ન હોય તો પરદેશી લશ્કર દેશમાં ચડી આવે અને આપણી પ્રજા પર જુલમ ગુજારે, સ્ત્રીઓ તેમના દુષ્કર્મોનો ભોગ બને. અરે ભાઈ, સીમાડે લશ્કર અને દેશમાં આંતરિક સુરક્ષાકર્મીઓ હોવા છતાં પેલા છેવાડાના લોકો પર તો જુલમો થતા જ હોય છે (ક્યારેક તો આ રક્ષકો જ ભક્ષક બનતા હોય છે), તેમની સ્ત્રીઓ દુષ્કર્મોનો ભોગ બનતી જ હોય છે. એક મહત્ત્વની વાત આપણે ભૂલી જ‌ઈએ છીએ કે દેહવિક્રયનો વ્યવસાય કરતી લગભગ તમામ મહિલાઓ ખરેખર તો દુષ્કર્મનો ભોગ જ બનેલી છે. પરંતુ આપણી નજર બહાર અને રાજ્યના કાયદાની દખલગીરી વિના ચાલતું હોવાથી આપણને તેમાં કશું જ ખોટું નથી લાગતું.

એક હકીકતનો સ્વીકાર કરવો જ રહ્યો કે ગમે તેટલા મોટા ચિંતક, વૈજ્ઞાનિક, સાહિત્યકાર-કલાકાર, ધર્મોપદેશકો, ધર્મસ્થાપકો હોય તેઓ પોતાની પાછળ અસંમતિનાં ક્ષેત્રો છોડીને જ જાય છે. ટોલ્સ્ટોય પણ અપવાદ ન હોઈ શકે. વિજ્ઞાન અને વૈજ્ઞાનિકો વિષે તેમના અભિપ્રાય સાથે હંમેશા સંમત થવું મુશ્કેલ છે. તેમના કહ્યા મુજબ વૈજ્ઞાનિક શોધો સમાજના અગ્રવર્ગને જ ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. પરંતુ આ વાત અંશત: જ સાચી છે. ભૂતકાળની ઘણી શોધો બાબતે વૈજ્ઞાનિકો તટસ્થ જ જોવા મળ્યા છે, આર્કિમિડિઝથી માંડીને આઇ‌ન્સ્ટાઇન સુધીના વૈજ્ઞાનિકોએ પોતાની શોધો જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી જ કરેલી હોય એમ લાગે છે. પરંતુ આ શોધોનો ઉપયોગ અગ્રવર્ગના લાભ માટે કરવામાં આવે તેમાં વૈજ્ઞાનિકોનો પોતાનો દોષ નથી.(અલબત વૈજ્ઞાનિકોમાં રોજબરોજની પોતાની જરૂરિયાતો માટે શ્રમિકો પર આધાર રાખવાની ઊજળા વર્ગની માનસિકતા તો હોય જ છે). એ આખો સવાલ આપણી વ્યવસ્થા(system)નો છે.

વળી આપણે પ્રણાલિકાગત રીતે જેને વિજ્ઞાન કહીએ છીએ તેને ટોલ્સ્ટોય વિજ્ઞાન કહેતા જ નથી. વિજ્ઞાનની વ્યાખ્યા આપતાં તેઓ કહે છે કે જેનો હેતુ દરેક વ્યક્તિનું તથા આખા સમાજનું હિત સાધવાનો હોય એ જ સાચું વિજ્ઞાન. આ માટે તેઓ કોન્ફ્યુશિયસ, બુદ્ધ, મુસા, સોક્રેટિસ, ઈશુ અને મહમ્મદ પયંગરે આપેલા જ્ઞાનનો વિજ્ઞાન તરીકે ઉલ્લેખ કરે છે.

એક શ્રદ્ધાળું ખ્રિસ્તી તરીકે તેમણે સ્ત્રીઓ વિષે બાયબલને જ ટાંકીને કહ્યું છે :પુરુષોનો ધર્મ શારીરિક શ્રમ કરવાનો છે અને સ્ત્રીઓનો જનની થવાનો. પરિવાર નિયોજનનો વિરોધ કરતાં તેઓ કહે છે કે, પુરુષોની ફરજ શ્રમ કરવાની છે તેમ સ્ત્રીઓની ફરજ માતા બનીને બાળકોને ઉછેરવાની છે, આનો અર્થ એમ કરી શકાય કે સ્ત્રીઓને માતા નહિ બનવાની સ્વતંત્રતા નથી, જે બાબતે વર્તમાન યુગમાં આપણે ભાગ્યે જ તેમની સાથે સંમત થઈશું. તેમણે એમ પણ કહ્યું છે કે પુરુષ સમોવડી બનવા માટે સ્ત્રીઓ પુરુષોની જેમ કામગીરીનાં એવાં ક્ષેત્રો શોધે છે કે જેમાં મહેનત કરવી ના પડે. પરંતુ આજે તો મહિલાઓ પોલીસ કે સૈન્ય જેવાં ક્ષેત્રોમાં પણ જોડાય છે

સ્વાભાવિક રીતે આપણને લાગશે કે આપણે જે રીતે શહેરમાં રહીએ છીએ ત્યાં ટોલ્સ્ટોયના કહ્યા મુજબનું જીવન જીવી જ ના શકાય. ટોલ્સ્ટોય પણ આમ જ કહે છે. આથી જ તેમને ગામડે પાછા ગયા પછી જ આ સત્ય સમજાયું અને તે પ્રમાણે જીવન જીવવા માટે તેઓ ગામડાંમાં જ રહ્યા. આખાં પુસ્તકમાં પડછાયાની જેમ ટોલ્સ્ટોયની સાથે દેખાયા કરતા ગાંધીજી અહીં તેમને બરાબર ભેટે છે અને ઠરીઠામ થઈને વિકે‌ન્દ્રીકરણ અને ગ્રામ સ્વરાજ્યની વાત લઈને આવે છે. સાચું ધાર્મિક જીવન જીવવું હશે તો ગામડે જ રહેવું પડે અને શહેરમાં તો પાપી બનવું સહજ છે, એ વાત સમજાતાં તેમણે આશ્રમમાં રહીને જ જીવનનાં મહત્વનાં કાર્યો કરેલાં. શહેરી જીવનને પાપમય જાણીને જ આપણે ત્યાં સોગંદ ખવાતા કે “ખોટું બોલતો હો‌ઉં તો મને મુંબઇનું પાપ”

ભલે આપણે ટોલ્સ્ટોયના તારણ સાથે કે તેમનાં ઉપદેશ સાથે પૂરેપૂરા સંમત ન હોઈએ, પરંતુ આપણે લગીરે સંવેદનશીલ હોઈશું તો ગરીબ લોકોના ભોગે આપણે ઉજળા વર્ગના લોકો કેટલા પરોપજીવી છીએ તેનું ભાન આપણને થયા વિના રહેશે નહીં. આપણી રોજબરોજની જરૂરિયાતો ઉપરાંત યાત્રા કરવા માટે ડોળીમાં બેસીને પહાડ ચડવો, પગરીક્ષામાં બેસવું, ફટાકડા બનાવવા માટે પોતાનું બાળપણ અને આરોગ્ય ગુમાવ્યું છે તેવા ગરીબોને ભોગે આતશબાજી કરવી વગેરે- જેની આપણને સહેજ પણ જરૂર નથી તેવી બાબતોની લાંબી યાદી થઈ શકે તેમ છે તે બધી – અમાનવીય લાગ્યા વિના રહેશે જ નહિ. છેવટે તરણોપાયની દલીલ કરવા પ્રેરાશું કે આપણા આ મોજશોખથી કે ધાર્મિક યાત્રાથી ગરીબોને રોજગારી તો મળે છે ને! પરંતુ આ દલીલથી તો આપણે કીડીને કણ અને હાથીને મણ આપવાની કિરતારની જવાબદારી આપણા શિરે લઇને આપણી પોતાની જ ધાર્મિક માન્યતાનું ખંડન કરીએ છીએ.

આ આખી લેખમાળાના અંત તરફ જતાં પહેલાં એક વાત સ્પષ્ટ કરવી જ રહી કે ‘ત્યારે કરીશું શું?’નું આ સંક્ષિપ્તીકરણ નથી જ. આખો પ્રયાસ પુસ્તકનો પરિચય આપવા માટેનો છે જેની પાછળનો હેતું વાચકોને પુસ્તક વાંચવા પ્રેરવાનો જ છે. માત્ર માહિતી મેળવતા હોય તે રીતે આ પુસ્તક વાંચવાથી તેનું સત્વ પામી શકાશે નહિ. પરંતુ વાચવાની સાથે ટોલ્સ્ટોય જે કંઈ કહે છે તેના પર આપણી સંવેદનાને સતત જાગૃત રાખીને ચિંતન કરવું પડે છે. એવા ઘણા અનુભવો થશે કે ઉપલક વાંચવાથી જે આપણા માનવામાં ન આવે તે વધુ વિચાર કરતાં સહેલાઈથી સ્વીકૃત થશે.

વારેવારે ભાર દઈને ટોલ્સ્ટોયે જેના તરફ ધ્યાન દોર્યું છે, એ પરોપજીવી જીવનને એક પાતક તરીકે સ્વીકાર્યાં પછી આપણને એમ થશે કે આવું જીવન જીવવામાં એટલા બધા આગળ વધી ગયા છીએ અને હજુ પણ જઈ રહ્યા છીએ કે તેમાંથી પાછા વળી શકાય તેમ નથી. પરંતુ આખા સમાજને નહિ તો આપણા વ્યક્તિગત જીવનને બદલવાની પૂરતી તકો છે. દાખલા તરીકે, પરિવારની કે પરિવાર બહારની વ્યક્તિ પાસે આપણાં કપડાં ધોવરાવવાં કે અજીઠાં વાસણ સાફ કરાવવાંમાં આપણને શરમનો અનુભવ થવો જોઈએ. આપણી રોજબરોજનાં જીવનની જરૂરિયાતો તરફ નજર કરીશું તો તેમાં ઘટાડો કરવાની ખૂબ જ ગુંજાશ દેખાશે. પાર વિનાની ચીજવસ્તુઓ દેખાશે કે જેમના વિના આપણે સહેલાઈથી ચલાવી શકીએ છીએ. આપણે રહીએ છીએ તે મકાન પણ આપણી જરૂરિયાત કરતાં કેટલાગણું મોટું છે તેનું ભાન થશે. સૌથી મહત્ત્વની વાત એ કે ટોલ્સ્ટોયે કહ્યા મુજબનું જીવન એ પયગંબર સાહેબે ઉપદેશેલું સાદું જીવન છે, તેમાં મહાવીરનો અપરિગ્રહ છે અને બુદ્ધની કરુણા એનું પ્રેરક બળ છે. આ સિવાયના જીવનમાં કોઈપણ પ્રકારની આધ્યાત્મિક્તા, ધર્મ, કે મોક્ષની શોધ કરવી એ જાતને ઠગવાનો જ પ્રયાસ છે.


પૂર્ણ


આ સાથે આ લેખમાળા અહીં સમાપ્ત થાય છે. આખી લેખમળા માટે મને આપેલા પૂરતા સહકાર બદલ સંપાદકોનો આભાર માનું છું. હડહડતા ભૌતિકવાદના આ યુગમાં પણ આ લેખમાળાને વાંચવા બદલ વાચકોનો આભાર માનવો રહ્યો.


( ‘ત્યારે કરીશું શું’ મૂળ લેખક લિયો ટોલ્સ્ટોય, અનુવાદકો નરહરિભાઈ પરીખ અને પાંડુરંગ વિઠ્ઠલ વળામે. નવજીવન પ્રકાશન કિંમત રૂપિયા 120 )


શ્રી કિશોરચંદ્ર ઠાકરનં સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in  । મો. +91 9714936269

2 comments for “ત્યારે કરીશું શું?:[૫]

 1. Bhagwan thavrani
  October 20, 2019 at 12:37 pm

  વિચારોત્તેજક અને દરેક યુગમાં પ્રસ્તૂત વાતો !
  તકલીફ એ છે કે આપણે સૌ બુદ્ધિજીવીઓ આપણા વિચારોમાં એવા રૂઢ થઈ ગયા છીએ કે ખુલ્લા દિમાગ અને વિશેષ તો દિલથી આ બધું વિચારી શકતા નથી ! સ્વીકારવાની વાત તો બહુ દૂર રહી..

 2. Piyush Pandya
  November 24, 2019 at 12:25 pm

  અંદરથી હચમચાવી દે એવી આ શકવર્તી કૃતિ ફરી એકવાર વાંચવા માટે આ લેખમાળાએ પ્રેરણા પૂરી પાડી છે. કિશોરભાઈ, આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *