પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પત્ર નં. ૧૩

Facebooktwitterredditpinterestlinkedinmail

દેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન યુએસએ.

પ્રિય નીના,

હં…હવે અસ્સલ નીના દેખાઈ. તારા પત્રમાં ઘણું ઘણું વ્યક્ત થયું અને ઘણી સરસ રીતે વ્યક્ત થયું. મને ખુબ ગમી ગઈ એક વાત તે ફાધર વાલેસવાળી વાત. – ‘વાતચીતનો પહેલો ધર્મ સાંભળવાનો છે. કાનથી સાંભળો, મનથી સાંભળો, દિલથી સાંભળો વચ્ચે બોલવાનું નહી……કેટલી મોટી વાત ?

સામાન્યરીતે મોટાભાગના લોકો સાંભળ્યા વિના જ બોલે રાખતા હોય છે ! આ સાંભળવાની વાતમાંથી જ સમજણની પણ વાત ફૂટે છે. પણ એના પહેલાં એક સાંભળવાનો પ્રસંગ આંખ સામે આવ્યો તે લખું.

ન્યૂ જર્સીથી  NJIT  ટ્રૈનમાંથી બહાર આવીને ન્યૂયોર્કના એવન્યુ પર હું ચાલી રહી હતી. ત્યાં ૩૪ મી સ્ટ્રીટ પર એક આફ્રીકન અમેરિકન રમકડાં વેચી રહ્યો હતો. હાથમાં રબરની દોરીવાળા ચમકતા “યોયો બૉલ”ને ઉપર નીચે ફેંકતો, વારંવાર મોટે મોટેથી ‘વન દો’, ‘વન દો’, ‘વન દો’ જેવું કંઈક અસ્પષ્ટ બોલી રહ્યો હતો. હું ઊભી રહી ગઈ. મને રમકડાંની સાથે સાથે એ શું બોલી રહ્યો છે એ જાણવામાં રસ હતો. મારી પણ શરુઆત હતી.તેથી અમેરિકન ઉચ્ચારો ત્યારે સમજવા અઘરા પડતા હતાં. મેં એને લગભગ પચ્ચીસ વાર સાંભળ્યો.મનમાં વિચારું કે આ ઈંગ્લીશમાં વન બોલે છે એ તો બરાબર પણ હિન્દીમાં ‘દો’ કેમ બોલે છે?!! એને તો હિન્દી ના આવડે. બીજો વિચાર આવ્યો કે, કંઈક ‘વન્દો’તો નથી બોલતો? પણ એના મોંઢે ગુજરાતી તો સ્વપ્નવત ! એકદમ અશક્ય. વળી આસપાસ ક્યાંય વંદો તો દેખાતો જ નથી! બહુ વિચાર્યા પછી અને વારંવાર સાંભળ્યા પછી જ સાચું સમજાયું કે એ તો બૉલના વેચાણ માટે એની કિંમત ‘વન ડૉલર’ One  Dollar બોલી રહ્યો હતો !

My goodness!  આવી છે આ સાંભળવાની અને સમજવાની વાત. હજી આ તો થઈ સ્થૂળ સમજણની,ઉપરના અર્થની વાત. પણ સાચું સાંભળીને યોગ્ય રીતે સમજવાનો વળી એક જુદો મુદ્દો. તું લખે છે તેમ વડિલોએ તો ખરું જ પણ હું તો કહીશ કે, દરેક વ્યક્તિએ સાંભળવાની કળા કેળવવી જોઈએ. વ્યક્તિ સ્વાતંત્ર્યના નામે ભૂલાતા અને ભૂંસાતા જતા સાચા મૂલ્યો જાળવવાની, ખરી જરૂર અત્યારે છે. બરાબર ને ?

મને યાદ છે અમેરિકામાં આવી ત્યારે શરુઆતના દિવસોમાં જ્યાં જ્યાં આપણા લોકોને મળવાનું થતું ત્યાંત્યાં, બધા બંને દેશોની સરખામણીની ચર્ચાઓમાં ઉતરી પડતા!

(કદાચ આજે પણ ચાલુ જ હશે.) એકબીજાંને પૂરા સાંભળ્યા વગર સૌ પોતપોતાની જડ માન્યતાઓને,અનેક પૂર્વગ્રહો સાથે જ સામસામે ફેંકતા. કોણ જાણે એમાં ભાગ લેવાનું મને ગમતું નહિ.

મને આ વાત વારંવાર અકળાવતી. કેટલાંક અમેરિકાની સારી બાબતોથી પ્રભાવિત થઈ દલીલો કરતાં તો કેટલાંક “ભારત મેરા મહાન’ ના નારા લગાવતા ! એક પત્રમાં તેં લખ્યું છે તે તારી વાત સાથે હું બિલકુલ સંમત છું કે સારું ખોટું બધે જ છે, બધામાં જ છે. સરખામણી કેમ કરવાની? જ્યાંથી જે સારું છે તે અપનાવવાની વૃત્તિ કેમ ન કેળવાય? મારું એટલું સારું અને બાકી બીજાઓનું નકામુ એવું વિચારવાના, ન તો આપણા સંસ્કાર છે કે ન કેળવણી. મારી મા સારી.પણ મારી જ મા સારી એવું કેમ? અન્યની પણ મા સારી જ હોય ને ? મારી દીકરી સારી. પણ મારી જ દીકરી સારી એવું કેમ? દરેક માની દીકરી સારી જ હોય ને ? એ વહુ બને એટલે શું દીકરી મટી જાય? મારી જ ભાષા સારી.એવું કેમ? ભાષા માત્ર અભિવ્યક્તિનું માધ્યમ છે. દરેક ભાષા માટે આદર કેમ નહિ? દરેક ભાષાને પોતપોતાની સમૃધ્ધિ તો હોય જ ને?

ખૈર ! આ સાંભળવા–સમજવાની વાતમાંથી હવે બહાર આવું. “ડેમોલિશન’ વાળો ટૂચકો વાંચવાની મઝા આવી. નહિ ભૂલવાનું યાદ રાખજે હોં! આપણે ‘અલ્ઝાઇમર’ નથી થવા દેવું. બદામની બરણી ભરી લીધી ને?!! આવી રમૂજ લખતી રહેજે. ભૂલી ના જતી!!

બીજુ, તેં યુકે.માં ત્રણ ત્રણ સંસ્કૃતિને ત્રિભેટે ઊભેલા યુવાવર્ગની વર્ણવેલી સ્થિતિ અજંપાયુક્ત ખરી જ.પણ પ્રમાણમાં હવે આજના સમયમાં આવી જાગૃતિ આવવા માંડી છે.તેથી નવી પેઢીને બહુ નહિ નડે એમ મને લાગે છે. મારી ધારણા ખોટી પણ હોઈ શકે. અમેરિકાની વાત થોડી એ રીતે જુદી પડે છે જે આવતા પત્રમાં ચોક્કસ લખીશ. આજે તો વિવેકાનંદનું એક પુસ્તક વાંચતી હતી તેનો એક પ્રસંગ ટાંકવાનું મન થાય છે.

સ્વામી વિવેકાનંદ ભણાવતા હતાં તે વર્ગના છોકરાઓ ખુબ તોફાની અને મનસ્વી હતાં. તેમણે વર્ગ શરુ થતાં પહેલાં, વિવેકાનંદને ગુસ્સે કરવા બોર્ડ પર મોટા અક્ષરે લખ્યું કે, God is no where. છોકરાઓની આ ચાલ તેઓ સમજી ગયાં. ખુબ જ શાંતિથી, સૌમ્યપણે હસીને તેમણે છોકરાઓ તરફ જોઈને કહ્યુઃ વાહ..કેટલું સરસ લખ્યું છે! ખાલી એક નાનકડી spaceની ભૂલ છે. આ વાક્યને સુધારુ છું. હવે વાંચો. એમણે No પછીનીSpace  પૂરી કરવા W ને આગળ લઈ લીધો અને આ રીતે લખ્યુઃ God is now here.

તને ગમશે તેની ખાત્રી છે અને હાં, તારા હવે પછીના પત્રમાં યુકેના પેલાં રાઈના ખેતરો વિષે, એની સુંદરતા માટે થોડું જાણવું છે. લખજે.

આવજે.

દેવીની યાદ.


ક્રમશ:


દેવિકા રાહુલ ધ્રુવ : હ્યુસ્ટન ::  ddhruva1948@yahoo.com ||  નયનાબહેન પટેલ, લેસ્ટર, યુકે. : ninapatel47@hotmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *