






– ભગવાન થાવરાણી
અમારે કામ શું મદિરાનું કે મનમાં સુરાલય છે
અને પડખે જ પરબારું પહાડીનું શિવાલય છે
આજે શંકર-જયકિશની પહાડી અને વાત પણ પરબારી એમનાથી જ શરુ કરીએ.
શંકર-જયકિશનના પરમ ભક્તો કદાચ નારાજ થશે કે પહાડીની આ સફરમાં એમને છેક સોળમી કડીમાં સમાવિષ્ટ કર્યા ! ફરિયાદ સર આંખો પર કિંતુ દલીલ એ જ કે જે સંગીતકારોના ગીતોની પસંદગીમાં છે. અભિગમ એ રાખ્યો છે કે અહીં લેવાયેલા કોઈ સંગીતકારની ખૂબ જ જાણીતી અને વિપુલ માત્રામાં પોંખાયેલ રચનાઓ કરતાં એવી પહાડી બંદિશો લેવી જે ઓછી જાણીતી કે કોરાણે મુકાઈ ગયેલી હોય. જેની બારીકીઓ પ્રમાણમાં અણજાણ હોય. એ જ તર્કને વળગી રહી આ લેખમાળાની શરુઆત સંગીતકાર વી. બલસારાની ઉપેક્ષિત પરંતુ અદ્ભૂત કૃતિથી કરી અને પછી ખૈયામ, રવિ, નૌશાદ, મદન મોહન, બર્મન, નૈયર, સી. રામચંદ્ર, રોશન, શ્યામસુંદર, એન.દત્તા અને હેમંત કુમાર સોંસરવા થઈ હવે શંકર જયકિશન સુધી પહોંચ્યા. એ બેલડી તો ફિલ્મ-સંગીતના રાજવી છે. એમની રચનાઓએ એક આખી પેઢીને મદોન્મત્ત, તરબતર કરી છે. એમણે ગીતોની સંરચનાની સમગ્ર પ્રક્રિયાને એક ક્રાંતિકારી વળાંક આપ્યો. એમના પછીની (અને સમકાલીન પણ !) પેઢીઓના સંગીતકારો વટથી કહેતા કે હા, અમે શંકર-જયકિશનના નકશે-કદમ પર ચાલીએ છીએ અને અમને એનો ગર્વ છે !
એમના અંગેનો એક રસપ્રદ અને વિચારવા પ્રેરે એવો કિસ્સો. જૂના ફિલ્મી ગીતો સ્ટેજ પર રજૂ કરતી ગુજરાતની જાણીતી સંસ્થા ‘ વિસરાતા સૂર ‘ના કર્તા-હર્તા અંબરીષભાઈ પરીખના મોઢે વર્ષો પહેલાં સાંભળેલો. બરસાત (૧૯૪૯) થી શરુઆત કર્યા પછીના તુરતના વર્ષોમાં એમણે સંગીત આપ્યું એવી કેટલીક ફિલ્મો હતી બાદલ, કાલી ઘટા, પરબત, પૂનમ, ઔરત, બાદશાહ, શિકસ્ત, નયા ઘર, મયુર પંખ (આજના એક ગીતની ફિલ્મ), પૂજા, પટરાની અને બાગી સિપાહી. આમાની મોટા ભાગની નાની-નાના ગજાની ફિલ્મો પણ સંગીત (?) એકદમ માતબર. નવયુવાન શંકર જયકિશન એ જમાનામાં પોતાની સર્જકતાના ચરમોત્કર્ષ પર હતાં. બન્યું એવું કે અહીં વર્ણવેલી કોઈક ફિલ્મના નિર્માતા દસેક વર્ષ પછી પોતાની નવી ફિલ્મ માટે કરારબદ્ધ કરવા એમની પાસે ગયા. એ નાની ફિલ્મોમાં ‘ મોટું ‘ સંગીત આપનાર સંગીતકાર બેલડી હવે કીમતમાં પણ મોટી થઈ ગઈ હતી. એમણે નિર્માતાને વ્યાપારી લહેજામાં કહ્યું કે તમારી ફિલ્મ તો કરીએ પણ હવે અમે પાંચ હજાર નહીં, પૂરા એક લાખ લઈએ છીએ. ‘ નવો ભાવ ‘ સાંભળી પહેલાં તો એ ફિલ્મકાર હેબતાઈ ગયા પણ પછી તુર્ત આઘાત પચાવી મક્કમતાથી કહ્યું, ‘ ઓકે, કીમત મંજૂર છે પણ મારી પણ એક શરત છે’ . સંગીતકાર બેલડીએ પ્રશ્નસૂચક નજરે નિર્માતા સામે જોયું. નિર્માતાએ કહ્યું, ‘ તમે હવે ભલે એક લાખ લો પણ મારે સંગીત તો પેલાપાંચ હજારના સ્તરનું જ જોઈશે. બોલો છે મંજૂર ? ‘
કેવી માર્મિક વાત ! આપણે માની લઈએ કે નિર્માતાએ સાનમાં કહેલી વાત સમજીને શંકર-જયકિશન મરકી પડ્યા હશે અને એમની ‘ શરત ‘ મૂજબનું સંગીત પીરસ્યું હશે !
આજના પ્રથમ ગીત પર આવીએ. આ ગુમનામ પહાડી યુગલ-ગીત (લતા – આશા) ૧૯૫૪ની કિશોર સાહુની ફિલ્મ ‘ મયુર પંખ ‘ નું છે. કોઈકને એમ થાય કે શંકર-જયકિશનના અતિપ્રસિદ્ધ પહાડી ગીતો ‘ પંછી બનું ઊડતી ફિરું ‘ (ચોરી ચોરી), ‘ મેરી આંખોંમેં બસ ગયા કોઈ રે ‘ (બરસાત), ‘ સૌ સાલ પહલે મુજે તુમસે પ્યાર થા ‘ ( જબ પ્યાર કિસીસે હોતા હૈ ), ‘ છલકે તેરી આંખોંસે શરાબ ઔર ઝિયાદા ‘ ( આરઝૂ ), ‘ મેરી મુહબ્બત જવાં રહેગી ‘ ( જાનવર ), ‘ લિખે જો ખત તુજે ‘ ( કન્યાદાન ) અને એવા બીજા અનેક લોકપ્રિય ગીતોને છોડીને આ ગીત ? કારણો પ્રથમ પરિચ્છેદમાં છે. ફિલહાલ, ગીતના શૈલેન્દ્ર લિખિત શબ્દો :
ये बरखा बहार सौतनिया के द्वार
न जा मोरे साँवरे पियाअंधेरी रात घटाओं से दर्द बरसेगा
तेरे बिना जलेगी सेज प्यार तरसेगा
मैं रो – रो मरुं, तोरे पैयाँ पडुं
न जा मोरे साँवरे पिया ..तेरे बग़ैर क्या मज़ा है जिंदगानी में
न जाओ बेरहम लगा के आग पानी में
ये ठंडी फुहार, ये कोयल पुकार
न जा मोरे साँवरे पिया ..घड़ी नहीं ये दिल के सब्र आज़माने की
है रुत नज़र से नज़र दिल से दिल मिलाने की
ये पहला अषाढ, दिखा दे दुलार
न जा मोरे साँवरे पिया …
શ્વેત-શ્યામ ફિલ્મોના એ દૌરમાં કિશોર સાહુએ આ ફિલ્મ ગેવા-કલરમાં બનાવેલી. ફિલ્મ સાધારણ સફળ રહેલી અને સરેરાશ કક્ષાની હતી. આશ્ચર્ય એ કે એ કાન (CANNES) ફિલ્મોત્સવમાં રજુ થયેલી અને શ્રેષ્ઠ ફિલ્મ તરીકે નોમીનેટ પણ થયેલી ! ફિલ્મની વાર્તા અલબત, ધ્યાનાકર્ષક હતી. નાયક સ્વયં કિશોર સાહુ હતા તો નાયિકા તરીકે નામ તો હતું અભિનેત્રી સુમિત્રા દેવીનું પણ એ બિચારી કિશોર સાહુની ઉવેખાયેલી પત્ની તરીકે છેક ફિલ્મના ઉત્તરાર્ધમાં પ્રવેશે છે. એટલું ગનીમત કે એના ફાળે ફિલ્મનું એક સુંદર ગીત ‘ તૂ કયું મુજકો પુકારે ‘ ( લતા – રાગ ભૂપાલી ) આવ્યું છે. ફિલ્મની અસલી નાયિકા ઓડેટ ફરગ્યુસન નામની વિદેશિની છે જેના વિષે આ ફિલ્મ સિવાય ભાગ્યે જ કોઈ માહિતી ઉપલબ્ધ છે. સુમિત્રા દેવી કરતાં પણ નગણ્ય ભૂમિકામાં આશા માથુર (‘ અલિફ લૈલા ‘ ની નાયિકા) નાયકની બહેન તરીકે છે.
ફિલ્મની વાર્તા જોઈએ તો, ભારતની સંસ્કૃતિ નજદીકથી નીરખવા વિલાયતથી પ્રસિદ્ધ લેખિકા ઓડેટ પોતાના મંગેતર રેજીનાલ્ડ જેક્સન સાથે આવે છે. ભર જંગલમાં અટવાયેલા એ યુગલને શિકાર અને સાહિત્યનો શોખીન નબીરો કિશોર સાહુ ભેટે છે. ઓડેટ અને કિશોર સાહુ એકબીજા ભણી આકર્ષાય છે અને પરસ્પર પ્રેમનો એકરાર કરે છે. અનેક વારના પ્રેમાલાપ અને બે રુપકડા ભૈરવી ગીતો (‘ ખુશિયોં કે ચાંદ મુસ્કુરાયે રે‘ અને ‘મુહબ્બત કી દાસ્તાં આજ સુનો‘ – લતા) પછી નાયિકાને ખબર પડે છે કે નાયક તો સુમિત્રા દેવીને પરણેલો છે અને એક બાળકનો પિતા પણ છે ! આપણું આજનું ગીત ફિલ્મના અંત ભાગમાં ત્યારે આવે છે જ્યારે ઓડેટ અને એનો મંગેતર, વરપક્ષ તરફથી જાનમાં કિશોર સાહુની બહેન (આશા) ના લગ્નમાં અનાયાસ જઈ ચડે છે.
વિદેશી મહેમાનોને હિંદુસ્તાની નૃત્ય-સંગીતની ઝાંખી કરાવવા કથ્થક નૃત્યનું આયોજન નાયકના જલસા ઘરમાં થાય છે. પરદા પર મશહૂર પારસી નૃત્યાંગના બહેનો ખુરશીદ અને રોશન વજીફદાર છે. નૃત્ય નિર્દેશન એમની જ બહેન શિરીન વજીફદારનું છે.
સારંગીના સુરો સાથે લતાનો આલાપ. આશા તુરંત જોડાય છે. ગીતના શબ્દો, ઉપેક્ષિત પત્ની દ્વારા પતિને ‘સૌતન’ને ત્યાં ન જવાની આજીજીરુપે છે અને દરઅસલ સુમિત્રા દેવીના મનની વાત કહે છે. સભાખંડમાં ફિલ્મના લગભગ બધા જ કલાકારો હાજર છે. મુજરાના ફિલ્માંકનમાં બન્ને નર્તકીઓ, એમનો પહેરવેશ, સાજિંદાઓની કુશળ આંગળીઓ અને ગીતના ભાવ સાથે સંબદ્ધ કલાકારોનો અભિનય – બધું જ યથોચિત છે.
ગીતના ઉપાડ પછી તુરંત લાક્ષણિક મુજરા-નુમા તબલાંની થાપ અને સારંગીની સંગત. બન્ને કુશળ નર્તકીઓના પગની થિરકન અને એક અંતરો પૂરો કરે અને બીજી મુખડા પર આવે એ દરમિયાનની ભાવ-ભંગિમા પણ કુશળ દિગ્દર્શનની ગવાહી પૂરે છે.
પત્નીની નજર નિરંતર પ્રેમિકા સંગે બેઠેલા પતિ ભણી છે પણ એમાં આક્રોશ નહીં, કેવળ વ્યગ્રતા અને ઉચાટ છે. બન્નેની પાછળ બેઠેલા નાયકના પિતા પણ પુત્રને લળી-લળી વિદેશિની સાથે વાતો કરતો જોઈ અશાંત છે. અંતિમ અંતરા પહેલાંના સંગીતમાં તબલાંની થાપ (તીનતાલ) અને સારંગી સાથે હાર્મોનિયમ પણ જોડાય છે. અંતિમ અંતરા પરથી મુખડા પર આવતાં એક અભિનવ શબ્દ-પ્રયોગ છે, ‘ યે પહલા અષાઢ, દિખા દે દુલાર ‘. લગ્ન પછીના પ્રથમ અષાઢમાં મેહુલિયાની જેમ તૃષાતુર ધરા પર ખાંગા થઈ વરસી પડવાનું આવાહ્ન !
એક સર્વાંગ-સુંદર નૃત્ય-ગીતનું એવું જ ઉત્તમ ફિલ્માંકન. લતા-આશાની જુગલબંદીનું તો કહેવું જ શું ? ક્ષતિરહિત અને પરિપૂર્ણ ! ફિલ્મનો અંત અપેક્ષાકૃત રીતે નાયકના પ્રેમિકા પ્રતિના મોહ-ત્યાગ અને પત્ની તરફ પુનરાગમનથી થાય છે.
આ જ ધુનને થોડાક ફેરફારો સાથે અને એ જ મુજરાવાળા અંદાજમાં શંકર જયકિશને બરાબર દસ વર્ષ પછી ફિલ્મ ‘ જાનવર ‘ માં પ્રયોજી. ‘ આંખોં આંખોં મેં કિસીસે બાત હુઈ ‘. એ જ લતા-આશા અને સાથે મન્ના ડે પણ. ફરીથી શૈલેન્દ્રના કાવ્યમય શબ્દો. આ વખતે પરદા પરની નૃત્યાંગનાઓ મધૂમતી અને રાની. સાથે શમ્મી કપૂર. એ જ પહાડીની છાયા. હા, વાદ્ય-વૃંદમાં હવે શત-શત વાયલીન્સ ઉમેરાયા છે કારણ કે સંગીત પાંચ હજારમાંથી લાખના કોઠામાં પ્રવેશ્યું છે ! પણ એકંદરે ઉમદા રચના.
આજનું બીજું ગીત ૧૯૬૭ની વિલક્ષણ ફિલ્મ ‘ રાત ઔર દિન ‘ માંથી. નરગીસની આ અંતિમ ફિલ્મ. ભાઈઓએ બનાવેલી ફિલ્મના કારણે એ ઘરસંસાર અને બાળક છતાં નિવૃત્તિમાંથી બહાર આવી અને એ વર્ષનો શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર જીતી ગઈ ! નિર્દેશન સત્યેન બોઝનું. શંકર જયકિશનનો દબદબો હજૂ કાયમ હતો. શૈલેન્દ્ર લિખિત અને લતા-મન્ના ડેએ ગાયેલ આ ખૂબસૂરત પહાડી યુગલ-ગીતના શબ્દો :
दिल की गिरह खोल दो चुप न बैठो कोई गीत गाओ
महफ़िल में अब कौन है अजनबी तुम मेरे पास आओमिलने दो अब दिलसे दिलको, मिटने दो मजबूरियों को
शीशे में अपने डुबो दो, सब फासलों – दूरियों को
आँखों में मैं मुस्कुराऊँ तुम्हारी जो तुम मुस्कुराओ ..हम तुम न हम तुम रहे अब, कुछ और ही हो गए अब
सपनों के झिलमिल नगर में, जाने कहाँ खो गए अब
हमराह पूछे किसी से न तुम अपनी मंझिल बताओ ..कल हमसे पूछे जो कोई, क्या हो गया था तुम्हें कल
मुड़कर नहीं देखते हम, दिल ने कहा है चला चल
जो दूर पीछे कहीं रह गए अब उन्हें मत बुलाओ …
પ્રસ્તૂત ગીત ફિલ્મના પ્રારંભમાં જ આવે છે. નરગીસ ફિલ્મમાં MPD (Multiple Personality Disorder) થી પીડાતી સ્ત્રીનું પાત્ર ભજવે છે. એ દિવસના ભાગમાં આદર્શ ગૃહિણી વરુણા અને રાત્રે ઐયાશ આધુનિકા પેગી બની જાય છે, પોતાના બદલાયેલા ચરિત્રની કોઈ સભાનતા વિના !
ગીતના શબ્દો દર્શાવે છે તેમ, આ આજમાં, વર્તમાનમાં જીવવાની વાત છે, ભૂત અને ભવિષ્યના ભાર વિના !
અગાઉના નૃત્ય-ગીતના એકલ-દોકલ વાદ્યો સામે, અહીં શંકર-જયકિશન પૂરેપૂરા રસાલા અને તામ-ઝામ સાથે હાજર છે. આ વિશાળ વાધ્યવૃંદ ગીતની ખૂબસૂરતી અને શ્રાવ્યતામાં ચાર ચાંદ લગાવે છે એ અલગ વાત. ગીતનો ઉપાડ જ લાક્ષણિક શંકર-જયકિશની એકોર્ડિયન અને વાયલીન્સના ધોધમાર વરસાદ સાથે થાય છે. ક્ષણેક વાયલીન્સ થંભી પિયાનોને જગ્યા કરી આપે છે. ઘડીક મૌન અને લતા. નરગીસ આધુનિકા પેગી રૂપે પ્રવેશે છે અને આજુબાજુ બેઠેલા યુગલો ઊભા થઈ વોલ્ટ્ઝના તાલે ઝૂમવા લાગે છે. મુખડાના પૂર્વાર્ધમાં તાલરુપે ગિટાર છે તો ઉત્તરાર્ધમાં તબલાં.
નરગિસનો ઠસ્સો એ જ છે જે પહેલાં હતો. અંતરાલમાં ગગન ગૂંજાવતા વાયલીન્સ અને એ થંભે એટલે તુરંત તબલાંના તાલે અંતરો. શૈલેન્દ્રની કવિતામાં આજને ઉપભોગવાની એ જ તલપ છે જે એમણે આ જ ફિલ્મના અન્ય એક લતા-ગીત ‘ન છેડો કલકે અફસાને, કરો ઈસ રાતકી બાતેં‘ માં કહી છે. ( શૈલેન્દ્રના ગીતોવાળી લેખમાળા ‘ હૈં સબસે મધુર વોહ ગીત‘ આપણે આ ગીતની વિશદ છણાવટ કરી ચૂક્યા છીએ). વર્તમાનને જ જિંદગીનું અંતિમ સત્ય ગણવાની આવી વાતો સાહિર લૂધિયાનવી પણ પોતાના અેકાધિક ગીતોમાં કરી ચૂક્યા છે.(આગે ભી જાને ન તુ – વક્ત અને પલ દો પલ કા સાથ હમારા – ધ બર્નીંગ ટ્રેન)
નાયિકાનો મિત્ર ફિરોઝખાન પોતાની જગ્યાએથી ઊઠીને નરગીસ સાથે ઝૂમવામાં જોડાય છે. પછીનો અંતરો મન્ના ડેના કંઠમાં પણ હાર્દ એ જ છે.
ત્રીજા અંતરાની એક-એક પંક્તિ વારાફરતી લતા અને મન્ના ડેના કંઠે છે અને એનું સમાપન અદ્ભુત ફિલોસોફી સાથે થાય છે ‘ જે પાછળ રહી ગયું/ગયા એને ભૂલી જાઓ. એમને સાદ પાડવો વ્યર્થ છે ‘.
ફિલ્મના અન્ય આઠ ગીતો પણ એક-એકથી ચડિયાતા છે. શીર્ષક ગીત ‘ રાત ઔર દિન દિયા જલે ‘ બે ભાગમાં છે જેમાંનો મૂકેશવાળો ભાગ ફિલ્મમાં લેવાયો નથી. ‘ આવારા ઐ મેરે દિલ ‘ લતા-ગીત દ્રૂત અને વિલંબિત એમ બે લયમાં છે.
ફિલ્મ અનેક વળાંકોમાંથી પસાર થઈ, નરગીસના સફળતાપૂર્વક પોતાની માંદગીમાંથી ઉગરી પતિ-મય થવામાં પરિણમે છે.
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
આ લેખમાળા ના અન્ય લેખ ની જેમ મારા પ્રિય સંગીતકાર શંકર જયકીશન ના પ્રમાણ માં ઓછા જાણીતા, પણ પહાડી રાગ પર ના મધુર ગીતોનો સરસ મજાનો શ્રી thavrani જી ની સિઘ્ધહસ્ત કલમ નો લેખ !!!
ખૂબ ખૂબ આભાર કિશોરભાઈ !