ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૧૯

Facebooktwitterredditpinterestlinkedinmail

ચિરાગ પટેલ

उ. ३.२.८ (७९७) इन्द्र इध्दर्योः सचा सम्मिश्ल आ वचोयुजा। इन्द्रो वज्री हिरण्ययः॥ (मधुच्छन्दा वैश्वामित्र)

વજ્રધારી, સ્વર્ણાભૂષણોથી યુક્ત ઇન્દ્ર, શ્રેષ્ઠ ઘોડાઓને વાણી સાથે જોડે છે.

સરળ જણાતા આ શ્લોકમાં ઘોડાઓને વાણી સાથે જોડવાની વાત કંઈક અસંબદ્ધ જણાય છે. એટલે, આ શ્લોકને ગૂઢાર્થમાં જોવો આવશ્યક છે. ઇન્દ્ર એટલે મન અને ઘોડાઓ એટલે વિવિધ શારીરિક શક્તિ કે શક્તિવાળી પ્રવૃત્તિ એ ઉપમા સ્વીકારીએ તો જણાશે કે, મન વિવિધ શારીરિક શક્તિઓને વાણી સાથે જોડે એવું ઋષિ ઈચ્છે છે. આપણી શારીરિક પ્રવૃત્તિઓ અને આપણા વચન એકનિષ્ઠ રહે એ ઉદાત્ત ચારિત્ર્ય માટે પાયાની શરત છે.

उ. ३.२.१० (७९९) इन्द्रो दीर्घाय चक्षस आ सूर्यँरोहयद्दिवि। वि गोभिरद्रिमैरयत्॥ (मधुच्छन्दा वैश्वामित्र)

ઇન્દ્રે વિશ્વને પ્રકાશિત કરવાના મહાન હેતુથી સૂર્યને ઊંચા આકાશમાં સ્થાપ્યો. એ જ રીતે કિરણોથી વાદળોને પ્રેરિત કર્યાં.

અહીં ઋષિ ઇન્દ્રને સૃષ્ટિના રચયિતા સ્વીકારી એવું કહે છે કે સમગ્ર વિશ્વને પ્રકાશિત કરી શકાય એટલે સૂર્ય આકાશમાં ઊંચાઈ પર છે. વળી, એના કિરણોથી ગરમ થતાં સમુદ્રના પાણીની વરાળથી વાદળ બંધાય છે. વાદળ બંધાવાની પ્રાકૃતિક ઘટનાનું કારણ વેદના ઋષિ સમજતા હતા એ અહીં ફલિત થાય છે.

उ. ३.४.६ (८१४) मत्स्वा सुशिप्रिन्हरिवस्तमीमहे त्वया भूषन्ति वेधसः। तव श्रवाँस्युपमान्युक्थ्य सुतेष्विन्द्र गिर्वणः॥ (नृमेध आङ्गिरस)

મુગટધારી, અશ્વપાલક, સ્તુતિયોગ્ય ઇન્દ્ર, આપનું પૂજન કરનારા વિવિધ સામગ્રીથી આપને સજાવે છે. આપ સોમરસથી તૃપ્ત થાઓ. સોમ પછી અનુરૂપ અન્ન (હવિષ્ય) પણ આપને આપવામાં આવે છે.

આ શ્લોકમાં આધુનિક ભક્તિભાવભરી પૂજા કે અનુષ્ઠાનની રીતનું મૂળ રહેલું જણાય છે. ઋષિ જણાવે છે કે, ઇન્દ્રના પૂજનમાં લોકો વિવિધ સામગ્રીથી સુશોભન કરે છે. આજે આપણે જોઈએ છીએ કે, મૂર્તિપૂજામાં વિવિધ પુષ્પો, પત્ર, જળ, સુગંધિત સામગ્રીઓ વગેરેથી ષોડશોપચાર પૂજા પ્રચલિત છે. વેદકાળમાં પણ આવી કોઈ પદ્ધતિ પ્રચલિત હતી એ અહીં જણાય છે. આજની ભારતીય સંસ્કૃતિ એ વેદિક કાળની સંસ્કૃતિનું અનુસરણ કરે છે એ ચોક્કસ.

उ. ३.५.२ (८१६) जघ्निर्वृत्रममित्रियँसस्निर्वाजं दिवेदिवे। गोषातिरश्वसा असि॥ (नृमेध आङ्गिरस)

હે સોમ, અમિત્ર વૃત્રનો નાશ કરનાર છો. આપ સતત સંઘર્ષશીલ રહો છો. આપ ગોધન અને ઘોડાઓની વૃદ્ધિ કરો છો.

આ શ્લોકના વિવિધ શબ્દો એમાં રહેલા ગૂઢ અર્થ પ્રત્યે અંગુલિનિર્દેશ કરે છે. અમિત્ર, વૃત્ર, પ્રવૃત્તિશીલ, ગોધન, ઘોડા એ દરેકને સોમ સાથે સાંકળતો અર્થ વિચારીએ તો એવું લાગે છે કે, મનની જડતા જે ઇન્દ્ર એટલે કે મનનો શત્રુ છે, અને એ જ વૃત્ર. સોમરસ પીવાથી એ જડતા નાશ પામે છે. ગોધન એટલે શરીરની ઇન્દ્રિયો અને ઘોડાઓ એટલે શારીરિક શક્તિઓ. એ દરેકને સોમરસ બળ આપે છે, વૃદ્ધિ કરે છે.

उ. ३.५.६ (८२०) य ओजिष्ठस्तमा भर पवमान श्रवाय्यम्। यः पञ्च चर्षणीरभि रयिं येन वनामहे॥ (नृमेध आङ्गिरस)

હે સોમદેવ, પંચજનોને મળનારો શક્તિવર્ધક પશંસનીય રસ અમને ભરપૂર માત્રામાં આપો.

અહીં પંચજન શબ્દ ધ્યાન ખેંચે છે. સામાન્ય માન્યતા અનુસાર વેદિકકાળમાં ચાર વર્ગ – બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર હતાં. અહીં પાંચ વર્ગોનો ઉલ્લેખ છે. પાંચમો વર્ગ કયો હોઈ શકે? પુરાણોમાં ચાંડાલનો ઘણીવાર ઉલ્લેખ થયો છે જે સામાજિક રીતે બહિષ્કૃત વર્ગ હતો. જયારે, શુદ્રો સમાજનો ભાગ હતાં. એટલે, ચાંડાલને પાંચમો વર્ગ ગણી શકાય. વળી, ઋષિ કહે છે કે, સોમરસ પાંચેય વર્ગોને ઉપલબ્ધ હતો. એમાં કોઈ આભડછેટ કે બહિષ્કાર જણાતો નથી.

उ. ३.५.९ (८२३) अयं पुनान उषसो अरोचयदयँ सिन्धुभ्यो अभवदु लोककृत्। अयं त्रिः सप्त दुदुहान आशिरँ सोमो ह्यदे पवते चारु मत्सरः॥ (पृश्नियोऽजा)

જનહિતકારી આ પવિત્ર સોમ હૃદયસ્થ થવા માટે એકવીસ ઘટકોને પુષ્ટ કરતાં પ્રવાહિત થાય છે.

આ શ્લોકમાં ઋષિ એકવીસ માટે ત્રિસપ્ત શબ્દ પ્રયોજે છે. કદાચ, વેદિકકાળમાં દશાંશ પદ્ધતિને બદલે સાત અંક આધારિત ગણક પદ્ધતિ હોઈ શકે. અથવા, અંક સાતનું વધુ મહત્વ હોઈને ઋષિ એકવિંશતિને બદલે ત્રિસપ્ત કહે છે. એ સમયે સપ્તર્ષિનો સમાજ પર પ્રભાવ હોવાને લીધે પણ ઋષિ માટે સાતનો અંક અગત્યનો હોઈ શકે છે. વળી, એકવીસ ઘટકોને પુષ્ટ કરીને સોમરસ હૃદય સુધી પહોંચી શકે છે. પાંચ ઇન્દ્રિયો અને એમના પાંચ વિષયો, પાંચ પ્રાણ અને એમના પાંચ વિષયો તથા એક મન એમ એકવીસ ઘટકોને હૃદય એટલે કે આત્મા નિયંત્રિત કરે છે એ આધુનિક ખ્યાલનું મૂળ આ શ્લોકમાં જણાય છે.


શ્રી ચિરાગ પટેલનાં સપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ઋતમંડળ

· ઈ-પત્રવ્યવહારનું સરનામું: chipmap@gmail.com

1 comment for “ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૧૯

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *