ફિર દેખો યારોં : અફસોસ જીવલેણ બિમારીનો નહીં, એનું નિદાન થયાનો છે

Facebooktwitterredditpinterestlinkedinmail

-બીરેન કોઠારી

વાઈરસ એટલે સૂક્ષ્મ વિષાણુ. નરી આંખે જોઈ ન શકાતા આ જીવાણુની વૃદ્ધિ ગુણાકારે થતી હોય છે. તેના થકી જે પ્રસરે એ ‘વાઈરલ’ ગણાય. વર્તમાન યુગમાં આવી ઝડપે પ્રસરતા સમાચારો, તસવીરો માટે ‘વાઈરલ થયાં’ જેવો શબ્દપ્રયોગ થાય છે. ઈન્ટરનેટ પર આધારિત વિવિધ માધ્યમોને કારણે ક્યારે, શું વાઈરલ થવા લાગે એ કહેવાય નહીં. તેને કારણે ઘણી વાર ભલભલાં આંદોલનો અનાયાસે આરંભાઈ જાય છે, અને ઘણાં આંદોલનોનાં સૂરસૂરિયાં થઈ જાય છે. કેમ કે, ‘વાઈરલ કરવું’ કોઈના હાથમાં હોતું નથી. પ્રયત્નપૂર્વક કે આયોજનપૂર્વક એ ભાગ્યે જ કરી શકાય. તેમાં સનસનાટીનું, સંવેદનાને હલબલાવી નાખતું કોઈ તત્ત્વ હોય તો સ્વાભાવિકપણે તેના પ્રસરવાની શક્યતા વધુ રહે.

હમણાં એક વિચિત્ર તસવીર ‘વાઈરલ’ થઈ. એમાં નહોતી કોઈ સનસનાટી કે નહોતી કોઈ વ્યક્તિવિશેષની છબિ. એ કેવળ એક હોર્ડિંગની તસવીર હતી. એક શાળાએ પોતાના વિવિધ વર્ગના ‘ટૉપર’ની તસવીરો નામ સાથે મૂકી હતી. શાળા હૈદરાબાદની છે, અને બધું મળીને કુલ ચાર વર્ગના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓની તસવીરો આ હોર્ડિંગમાં છે. આમાં વાઈરલ થવા જેવું શું છે? ટ્યુશન ક્લાસ, શાળાઓ વિવિધ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓની તસવીરો અખબારોમાં, હોર્ડિંગમાં મૂકે એની ક્યાં નવાઈ છે? બૉર્ડની પરીક્ષાઓનાં પરિણામ જાહેર થાય એ પછી આ સીલસીલો ચાલે જ છે. પણ આ હોર્ડિંગમાં જે વર્ગોના વિદ્યાર્થીઓ હતા એને લઈને તે વાઈરલ બની. એ વર્ગો હતા નર્સરી, લોઅર કેજી, અપર કેજી અને પહેલા ધોરણના. આ તસવીરની, શાળાના વલણની ઘણી ટીકાઓ યોગ્ય રીતે થઈ અને બાળકોનું બાળપણ વિસારે પાડી દેવાનો તેની પર આક્ષેપ થયો. આનું શું પરિણામ આવશે એ ખબર નથી. બહુ બહુ તો શાળા પર આ હોર્ડિંગ પાછું ખેંચી લેવા દબાણ થાય તો થાય. એ હોર્ડિંગ યોગ્ય સ્થળે કાયદાનુસાર લગાવાયું હશે તો એ શક્યતા પણ ઓછી છે. આ તસવીર જેમના જોવામાં આવી એવા અનેક નાગરિકોએ શાળાની આકરી ટીકા કરી. પણ શાળાના સંચાલકો તરફથી આ બાબતે કોઈ ખુલાસો થયો હોવાનું જાણમાં નથી. આ ઘટના આપણા રાજ્યની નથી એમ ધારીને આશ્વાસન લેવા જેવું નથી. બલ્કે આપણે આપણા રાજ્યની સ્થિતિ તરફ ગંભીરપણે જોવાની જરૂર છે.

આ લખનારને લાગ્યો એવો આઘાત આ વાંચનારને આ ઘટના વિશે જાણીને લાગી શકે. જો કે, પ્રાથમિક આઘાત લાગ્યા પછી જરા સ્વસ્થ થઈને વિચારવાની જરૂર છે. આ શાળાએ ખરેખર તો તેના વાલીઓની અંતરંગ માનસિકતાનું પ્રતિબિંબ જ પાડ્યું છે. હવે સારી શાળાની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. સારી શાળા એટલે એ નહીં કે જ્યાં શિક્ષણનું સ્તર ઊંચું હોય, પણ સારી શાળા એટલે અપ્રમાણસરનાં નાણાં લઈને માત્ર સુવિધાઓ પૂરી પાડતી સંસ્થા. સંપન્ન સ્થિતિવાળા વાલીઓ જ નહીં, જેની આર્થિક સ્થિતિ સરખી ન હોય એવા વાલીઓ પણ પોતાનાં સંતાનોને આવી શાળામાં મૂકવા ચાહે છે. કારણ કે શાળા તેમના માટે શિક્ષણનો નહીં, સામાજિક મોભાનો વિષય છે. આવી શાળાઓમાં અપાતું શિક્ષણ નકામું જ હશે એવું કહી ન શકાય, પણ એટલું તો સામાન્ય બુદ્ધિથી સમજી શકાય એમ હોય છે કે ત્યાં પ્રાધાન્ય શિક્ષણને નહીં, બલ્કે મેળવેલા નાણાંની સામે પૂરી પડાતી સેવાનું હોય છે.

હૈદરાબાદની આ શાળાનું હોર્ડિંગ જેને આપત્તિજનક લાગ્યું હોય એને એ જ હોર્ડિંગ દસમા કે બારમાની પરીક્ષાના પરિણામ પછી મૂકાય એ સામાન્ય લાગતું હોય તો વિચારવા જેવું. શાળાએ વાલીઓના મનમાં ચાલતા આંતરપ્રવાહને જ વાચા આપી છે, અને સહેજ વહેલી! આપણી શિક્ષણપ્રણાલિમાં સ્પર્ધાનું તત્ત્વ શબ્દ સાથે જોડાયેલા અર્થની જેમ અભિન્ન બની રહ્યું છે. બાળકની આવડતનું આકલન હંમેશાં તે કોની આગળ અને કોની પાછળ રહે છે એ મુજબ કરવામાં આવે છે. તેને પરિણામે બાળકને પોતાની સાચી ક્ષમતાનો અંદાજ આવી શકતો નથી. અને વધુ વયે એ આવે ત્યારે તેનો કશો અર્થ રહેતો નથી. વાલીઓને એ અંદાજ આવે એમ માનવું ભૂલભરેલું છે. બાળકોને ઝટપટ પુખ્ત બનાવી દેવાનો આખો ઉદ્યોગ ધમધમી રહ્યો છે. બાળકોને મોટેરાં જેવાં દેખાડતી જાહેરખબરો, ટી.વી. પર દેખાડાતી બાળકેન્‍દ્રી વિવિધ સ્પર્ધાઓમાં તેમની પાસેથી રાખવામાં આવતી અપેક્ષાઓ, આ અપેક્ષાઓને લઈને બાળકો પર ઊભું થતું માનસિક દબાણ વગેરે શું છે? હૈદરાબાદની શાળાએ મૂકેલા હોર્ડિંગ કરતાંય આ બાબતો વધુ ખતરનાક છે, જેને આપણે હોંશે હોંશે માણીએ છીએ અને તાળીઓથી યા કોઈકની તરફેણમાં એસ.એમ.એસ. દ્વારા મત આપીને વધાવતા રહીએ છીએ. કુમળી વયે કોઈ એક યા બે વિધાઓમાં મહા પ્રતિભાશાળી જણાતાં બાળકો પુખ્ત થતાં એ વિધામાં અતિ સફળ બની રહ્યાં હોય એવાં ઉદાહરણ હશે ખરાં, પણ મર્યાદિત. આવાં બાળકો પોતાનું બાળપણ ખોઈ દે છે, અને પુખ્ત થતાં પોતાની ઓળખ પ્રાપ્ત કરી ન શકે એમ બને છે.

પ્રતિભા હોવી, તેની પરખ કરવી અને તેને યોગ્ય મોકો આપવો એ આવકાર્ય બાબત છે, પણ તેમાં વિવેકબુદ્ધિ હોવી ઘટે. આપણે ત્યાં આ બાબતે સાવ અંતિમ પ્રવર્તે છે. આવા માહોલમાં સૌથી વધુ નુકસાન તો એ બાળકોને થાય છે, જેઓ નાનાં હોવાને કારણે મોટેરાંઓની અણસમજ અને ઘેલછાનો ભોગ બને છે. હૈદરાબાદની શાળાનું પાટિયું જોઈને આપણને ફિકર થતી હોય તો લગરીક ફિકર વર્તમાન શિક્ષણના નવા નવા પાતાળ આંબતા સ્તરને જોઈને પણ થવી જોઈએ. શાળાને આપણે શિક્ષણના સ્તરને બદલે સામાજિક મોભા સાથે સાંકળતા રહીશું, ત્યાં સુધી આ સ્થિતિમાં ખાસ પરિવર્તન આવે એવી શક્યતા જણાતી નથી. ત્યાં સુધી પોતાના સંતાનનો કોઈ ટ્યુશન ક્લાસની કે શાળાની જાહેરખબરના હોર્ડિંગમાં ફોટો ન મૂકાય તો એનો અફસોસ કરવો અને મૂકાય તો ગૌરવ લેતા રહેવું એ જ રસ્તો બહેતર છે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૦-૧૦– ૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

1 comment for “ફિર દેખો યારોં : અફસોસ જીવલેણ બિમારીનો નહીં, એનું નિદાન થયાનો છે

 1. Gajanan Raval
  October 18, 2019 at 9:46 pm

  Dear Birenbhai,
  You always insist on..right approach on any issue..Hearty congrats.. Let me tell you(very modestly) when I was a teacher before 14 years in Higher Secondary I clang to ethical and cognitive values very strictly..Never used guides, never joined coaching classes so even in teaching world I was labeled Sidhantnu Puchhadu. The contentment I got is boundless..Those who compromised with moral values have become big shots and owner of many schools & institutes
  This is our academic world today…I write this with no regrets.. Keep on writing for ..Aangali Chindhya nu Punya..(Rajnibhai)..
  With love & best wishes..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *