શિક્ષણ ચેતના : ઝાંઝવાં કે જળ

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરુપમ છાયા

હમણાં થોડાં સમય પર ટી વીની એક સમાચાર ચેનલમાં વિસ્તૃત હેવાલ પ્રસ્તુત થયો હતો,. વાત હતી , ઉત્તર પ્રદેશના પિથોરાગઢમાં ચાલતાં શિક્ષક પુસ્તક આંદોલનની. પિથોરાગઢની કોલેજમાં અભ્યાસ માટે પુસ્તકો ઉપલબ્ધ નથી અને પુસ્તકાલયમાં જે છે તે ૧૯૮૦ કે તે પહેલાના છે, જે અત્યારે ઉપયોગી નથી. એવી વાત પણ થઇ કે જે પુસ્તકો છે તેમાં બર્લિનની દીવાલ હજુ તૂટી નથી ! આમ અદ્યતન વિગતો ન ધરાવતાં પુસ્તકોનો અભ્યાસ માટે અર્થ શો? એ જ રીતે પૂરતા શિક્ષકો પણ નથી જેથી વિદ્યાર્થીઓ સારી રીતે શીખી શકે. એટલે જ અહી વિદ્યાર્થીઓએ શિક્ષક પુસ્તક આંદોલન ચલાવવું પડ્યું છે. એ જ રીતે થોડા સમય પર એવો હેવાલ રજુ થયો હતો કે બિહારની એક પ્રખ્યાત યુની.માં ચાર વર્ષનો સ્નાતક અભ્યાસક્રમ પૂરો કરતાં ૫ કે તેથી વધુ વર્ષ લાગે છે , કારણ ? ત્યાં દરેક વર્ષે નિયમિત રીતે પરીક્ષાઓ લેવાતી જ નથી એટલી બધી વ્યવસ્થાની ખામી છે. પરિણામે વિદ્યાર્થીઓ નોકરી માટેની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી જવાનું ચૂકી જાય છે. આની સામે પણ એ યુની.ના વિદ્યાર્થીઓએ ખાસ્સો સમય આંદોલન ચલાવવું પડેલું. આવા તો અનેક હેવાલો મળતા રહે છે. એથી જ પ્રશ્ન થાય કે વિદ્યાર્થી શિક્ષણ મેળવે કે આંદોલન કરે? અને કેટલીયે જગ્યાઓએ પ્રાથમિક કે માધ્યમિક કક્ષાનાં બાળકોને શાળાએ જવા માટે લાંબુ અંતર પગે ચાલવું પડે કે પછી નદીનાળા ચાલતાં કે હોડીમાં બેસી પાર કરવાં પડે. વર્ગખંડો વિના બહાર ખુલ્લાંમાં બેસીને ભણતાં બાળકોનાં દૃશ્યો પણ ટી. વી.માં જોવા મળે છે.

આ બધી વાતો ચિંતા તો ઉપજાવે જ પણ, વેદના પણ જન્માવે. દેશ સ્વતંત્ર થયો તેને 70થી વધુ વર્ષ થયાં પણ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર્ માટે પ્રાથમિક મહત્વના શિક્ષણના વિષયમાં આપણે ક્યાં ઊભા છીએ એ પ્રશ્ન જરૂર થાય. અને એવું નથી કે, કોઈ વિચાર નથી થયો. સંખ્યા ગણાવવા કરતાં સ્વાભાવિકપણે જ સમજી શકાય કે વિદ્વદ શિક્ષણકારોને સાથે લાવીને શિક્ષણપંચો રચાયાં અને એમણે ઘણાં સૂચનો પણ કર્યાં, પણ છતાયે પરિસ્થિતિ ? બહુ જ આંશિક જ કહેવાય એવાં ઉદાહરણ આપણે જોયાં. અને હવે આવી રહી છે નવી શિક્ષણનીતિ. ફરી એક પ્રયત્ન કે ફક્ત સૂચનો? ૨૦૧૫ અને ૨૦૧૬થી નવી શિક્ષણનીતિ માટે વિચારણા શરુ થઇ, મેનેજમેન્ટના TOP DOWN અને BOTTOM UPના એક સિદ્ધાંતને અનુસરતાં ટોચ પરના લોકો ધરાતલ પર પહોંચીને અને છેક તળિયે રહેલા લોકો ઉપર સુધી પહોંચી પોતાની દૃષ્ટિ સ્પષ્ટ કરે એ રીતે વિચારો સૂચનો, અનુભવોને આધારે વિગતો એકત્ર કરવામાં આવી અને એનો અભ્યાસ કરી, એના પર ચર્ચા કરી, પ્રખ્યાત વૈજ્ઞાનિક, ઈસરોના ભૂતપૂર્વ ચેરમેન શ્રી કે. કસ્તુરીરંગનનાં વડપણ હેઠળની વિવિધ નિષ્ણાત ૯ વિદ્વાન સભ્યોની સમિતિએ ૬૫૦ પાનામાં વિશદ રૂપરેખા –DRAFT-તૈયાર કરી, તત્કાલીન માનવસંસાધન વિકાસ મંત્રીશ્રીને ૩૧ મે ૨૦૧૯ના રોજ સોંપ્યો. આ તો હજુ પાશેરામાં પહેલી પૂણી કહેવાય. કદાચ પૂણી પણ નહિ, એક પાતળો તાંતણો કહી શકાય. કારણ કે, હજુ તો બહુ લાંબી પ્રક્રિયામાંથી પસાર થવાનું છે. અને પછી પણ એનું આ જ સ્વરૂપ હશે કે કેમ તે પણ પ્રશ્ન છે, અને જયારે એ વ્યવહારમાં આવશે ત્યારે તો એ કેવાં સ્વરૂપે હશે એ કલ્પના કરવી પણ મુશ્કેલ. પણ તોયે, એના મહત્વના મુદ્દાને સમજવા પ્રયત્ન કરીએ. પ્રારંભમાં જ શિક્ષણના અધિકાર અધિનિયમનો વિસ્તાર કરી ૩ થી ૧૮ વર્ષના બાળકોને એમાં સમાવી લેવા આ પ્રસ્તાવમાં કહેવાયું છે.

સ્વાભાવિક છે કે શિક્ષણનીતિ છે એટલે કેન્દ્રમાં શિક્ષણ પદ્ધતિ, વ્યવસ્થા અને એના વાહકો એવા શિક્ષકો પણ હોય.

આધુનિક ન્યુરોસાયન્સને ટાંકતાં આ સમિતિ કહે છે કે બાળકનાં ૮૫% મસ્તિષ્કનો વિકાસ 6 વર્ષ પહેલાથી જ શરુ થઇ જાય છે. એ સાથે જ NCERT દ્વારા 1992માં થયેલા ૩૦૦૦૦ બાળકોના એક સર્વે અનુસાર પૂર્વપ્રાથમિક શિક્ષણનો બહુ મહત્વનો પ્રભાવ બાળકનાં આગળનાં અને ઉચ્ચશિક્ષણ પર પડે છે. એટલે જ, નવી શિક્ષણ નીતિ શાળેયપૂર્વ શિક્ષણ(બાલમંદિર,શિશુક્ક્ષાK.G.)ને પણ ઔપચારિક શિક્ષણમાં જોડી દે છે.વળી 8 વર્ષથી ઓછી ઉમરના બાળકો ભાષા ઝડપથી ગ્રહણ કરી શકે છે એટલે ત્રણ ભાષા શીખવવાનું પણ સૂચન છે.

આમ વિવિધ સંશોધનોને ધ્યાનમાં રાખી, વર્તમાન જ્ઞાનકેન્દ્રી સદીનું મહત્વ સમજીને, નવી શિક્ષણનીતિમાં ૫+3+3+૪ એ રીતનું સ્વરૂપ સૂચવાયું છે. પહેલાં પાંચ વર્ષ બુનિયાદી એટલે પૂર્વપ્રાથમિક અને પ્રાથમિકના ધોરણ 1 અને 2, પછી પ્રાથમિક એટલે ધોરણ 3,4.5. એ પછી ઉચ્ચ પ્રાથમિક એટલે કે 6, 7, અને 8 અને માધ્યમિકમાં 9,10,11 અને 12નો સમાવેશ કરવાનો પ્રસ્તાવ છે. આમ, આગળ વધતાં બાળકનાં શિક્ષણમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે એક જુદો અભિગમ પ્રસ્તુત થયો છે. કેટલાક અભ્યાસોના તારણો એવું જણાવે છે કે 5 ,6, 7માં અભ્યાસ કરતાં બાળકો પ્રાથમિક રીતે વાચન, ગણન અને લેખનમાં બહુ જ કાચાં હોય છે.

બીજી મહત્વની વાત છે કે ડીગ્રી કોર્સ બહુ વિષયક હશે. વર્તમાન સમયની જેમ કોઈ એક જ વિષયપ્રવાહને બદલે, વિષયવૈવિધ્ય હશે. ઉદા. તરીકે ઈન્જી. કે મેડી. સાથે સમાજવિજ્ઞાન પણ હશે અને ઈતિહાસ સાથે ભૌતીક્શાશ્ત્રનો પણ અભ્યાસ હશે. ડીગ્રી કોર્સના અંતિમ વર્ષમાં સંશોધાનાત્મક કાર્ય પણ હોય અને પછી અનુસ્નાતક થયા વિના એમાં PHD મેળવી શકાય.વિદ્યાર્થીનો વિષય સ્થાનિક, રાષ્ટ્રીય કે વૈશ્વિક હોય તો રાષ્ટ્રીય સંશોધન સંસ્થા આર્થિક સહયોગી બનશે.

આ પ્રસ્તાવમાં ત્રીજી ધ્યાન ખેંચતી બાબત છે કે પૂર્વપ્રાથમિકમાં રંગો આકૃતિઓ, કઠપૂતળી, રમતો, સંગીત, ક્રિયાત્મક, પ્રયોગાત્મકતા સાથે વાચન લેખન અને ગણનનાં દ્રઢીકરણની કલ્પના છે પરંતુ અહી જ નહિ બધાં જ સ્તરોમાં શિક્ષણની પ્રક્રિયા સ્તર અનુસાર એ જ રીતે આનંદમય બની રહે એના પર ભાર મુકાયો છે. વિદ્યાર્થીમાં લેખન, વાચન, ગણન જેવાં પાયાનાં અને વિશ્લેષણાત્મક, આલોચનાત્મક ચિંતન અને સમસ્યા સમાધાન જેવાં ઉચ્ચ સ્તરનાં સંજ્ઞાનાત્મક કૌશલ્યો તો વિકસે જ, પણ સાથે સાથે સામાજિક, ભાવનાત્મક, જેવાં મૃદુ કૌશલ્યો જેના દ્વારા સાંસ્કૃતિક જાગૃતિ અને સહાનુભૂતિ,દૃઢતા ધૈર્ય,સમૂહકાર્ય,અને નેતૃત્વ દ્વારા સામાજિક અને ભાવનાત્મક અભિગમ(SOCIAL & IMMOTIONAL LEARNING- SEL ) નું પણ પ્રગટીકરણ થાય , એવી અપેક્ષા રાખવામાં આવી છે. અને એ માટે ઉચ્ચ ધોરણોમાં ચર્ચા, કોયડા ઉકેલ,સંવાદ, રંગમંચ, વાર્તા, સમૂહવાચન, સમાજ રાષ્ટ્ર, અને વિશ્વની જાગતિક સમસ્યાઓ પર ચિંતન, અભિવ્યક્તિ, વગેરે અનેક પ્રકારની પદ્ધતિનું સૂચન પણ કરાયું છે. માધ્યમિક એટલે કે ૯,૧૦,૧૧ અને ૧૨માં છ છ માસના દરેક સેમેસ્ટરમાં ત્રણ ત્રણ વિષયો હોય અને એ રીતે ચાર વર્ષ દરમિયાન વિદ્યાર્થી પોતાના રસરુચિ અનુસાર ૨૪ વિષયોનો અભ્યાસ કરવાનો રહે.

કળા,સંગીત, યોગ, હસ્તકલા, રમતો, સમાજસેવા, સમસામયિક મુદ્દાઓનું અધ્યયન વગેરે બધું અભ્યાસક્રમનો જ ભાગ હોય એવી અપેક્ષા સાથે સહઅભ્યાસીક પ્રવૃત્તિઓ નહિ પણ એને અભ્યાસમાં જ સમાવી, વિદ્યાર્થીના સર્વાંગીણ વિકાસ પર ભાર મૂકયો છે. આ માટે સર્જનાત્મક, અનુભવ, સહયોગ, જૂથકાર્ય ની સંકલ્પના આપી છે.

વિષયશિક્ષણ સઘન બને એ માટે ભાષાસપ્તાહ, ગણિત સપ્તાહ, જાતે કરેલી લેખન, હસ્તકલા જેવી પ્રવૃત્તિઓનું પ્રદર્શન, NATIONAL TUTOR PROGRAMME અંતર્ગત પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શિક્ષણપ્રક્રિયામાં જોડવા, અને શાળા સમય બાદ કે વેકેશનમાં ગણિત અને વિજ્ઞાન સર્કલ દ્વારા શીખવા માટે વિવિધ પ્રવૃત્તિઓ, નબળા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વગેરે બાબતો પણ પ્રસ્તાવિત છે.

આમ, શિક્ષણ ભારરૂપ નહિ પણ એક આનંદભરી પ્રક્રિયા બની રહે એવો આ શિક્ષણનીતિનો અભિગમ સ્પષ્ટ છે. શિક્ષણકાર્યની ધરી હોય, કેન્દ્રમાં હોય તો શિક્ષકો છે. એ ઉપરાંત પાઠ્યપુસ્તકો અને વ્યવસ્થા પણ એનાં મહત્વનાં અંગો છે, જેનો વિચાર પણ આ પ્રસ્તાવમાં કરવામાં આવ્યો છે. ફક્ત ગોખણપટ્ટી કે સ્મૃતિ નહિ પણ દરેક પાસાંમાં મન અને બુદ્ધિના વિકાસની ચિંતા થઇ છે. તાર્કિક ચિંતન, વિશ્લેષણ અવધારણા વગેરે માટે પાઠ્યપુસ્તકોની રચનાની ભલામણ કરાઈ છે. પ્રાચીન ભારતીય જ્ઞાનપદ્ધતિઓ, નૈતિક વિવેક, સામાજિક જવાબદારી પણ અભ્યાસક્રમમાં સમાવિષ્ટ હોય. વળી એ બાબત પર પણ ભાર મુકવામાં આવ્યો છે કે પાઠ્યપુસ્તકોમાં વિસ્તારને બદલે જે તે વિષયના અત્યંત મહત્વના અને કેન્દ્રીય મૂળ વિષયવસ્તુ જ હોય. આ ઉપરાંત એક વિષય એવો પણ હોય જે સંપૂર્ણપણે એક ગતિશીલ વિષયવસ્તુ પર કેન્દ્રિત હોય. પ્રવર્તમાન આર્થિક ચિત્ર, વૈજ્ઞાનિક સંશોધનો ચિકિત્સા ક્ષેત્રે થતી પ્રગતિ, રાજકીય સ્થિતિ, કલાવિકાસની ગતિવિધિ, પર્યાવરણ વગેરે મુદ્દાઓ પર કેન્દ્રિત હોય જેથી વિદ્યાર્થીનો જીવન સાથે સીધો સંબંધ જોડાય.

શિક્ષકો માટે એક એકીકૃત અભ્યાસક્રમ હોય. અભ્યાસક્રમમાં પ્રત્યક્ષ શિક્ષણ પરીક્ષણ પર વધારે ભાર હોય એ ઉપરાંત એમની નિયુક્તિ, વેતન, સન્માનનો પણ ખ્યાલ રાખવામાં આવે. સહુથી અગત્યની વાત આ પ્રસ્તાવમાં વિદ્યાર્થી શિક્ષકના પ્રમાણની કરતાં કહેવાયું છે કે આ પ્રમાણ ૩૦:૧ નું જ હોવું જોઈએ. વળી શિક્ષકોને ચૂંટણી સિવાયનાં કોઈ કાર્યમાં જોડવામાં ન આવે. સ્થાનિક.રાજ્ય, રાષ્ટ્રીય,અને આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રશિક્ષણ કાર્યક્રમોનું આયોજન થાય. આ માટે CONTINUIOUS PROFESSIONAL DEVELOPMENT (CPD) કાર્યક્રમ પણ સૂચવાયો છે જેમાં શિક્ષકો પાસે અપેક્ષિત છે કે તેઓ દરવર્ષે ૫૦ કલાક જેટલો સમય આપે. ચર્ચા, પ્રસ્તુતિ, અરસપરસ આદાનપ્રદાન દ્વારા તેમનું જ્ઞાન વિકસે અને દૃઢ થાય. ONLINE MODULE પૂરાં પાડવા પણ કહેવાયું છે.

વ્યવસ્થાના સંદર્ભમાં નવી શિક્ષણનીતિ એક એવી વ્યવસ્થા સૂચવે છે કે દરેક જીલ્લામાં એક શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતું ઉચ્ચ શિક્ષણ સંસ્થાન હોવું જોઈએ. આ ઉપરાંત, સ્કૂલ પરિસર હોય જેમાં ૯ થી ૧૨ ધોરણ હોય અને એની સાથે આસપાસ આવેલા પૂર્વપ્રાથમિકથી ઉચ્ચ પ્રાથમિકની સ્કૂલો જોડાયેલી હોય. આ સ્કૂલ પરિસર એક સ્વતંત્ર એકમ હશે અને એના પ્રશાસનિક અને શૈક્ષણિક નિર્ણયો એના પ્રધાનાચાર્ય લેશે. વળી શિક્ષણમાં અપોષણ એક મોટું વ્યવધાન છે, એના પર ધ્યાન કેન્દ્રિત કરતાં એવું સૂચવાયું છે કે બાળકો માટે નાસ્તો તેમજ બપોરે પોષણરૂપ આહાર પૂરા પાડવામાં આવે. એજ રીતે શાળામાં શુદ્ધ પાણી, સ્વચ્છ્તા, શૌચાલય, બાલિકા સુરક્ષા માટે પણ પૂરતી વ્યવસ્થા હોય. બાળકોને શાળાએ પહોંચવા યોગ્ય માર્ગો, વાહન અને રક્ષકોની વ્યવસ્થા પર પણ આ પ્રસ્તાવમાં સૂચનો દ્વારા શિક્ષણને સરળ અને ચિંતામુક્ત બનાવવા વિચાર થયો છે.

આ પ્રસ્તાવિત શિક્ષણનીતિ 2035 સુધીમાં પૂર્ણપણે અમલમાં લાવવામાં આવે એવું સૂચવી, તબક્કાવાર આયોજન પણ પ્રસ્તાવમાં દર્શાવ્યું છે, જેમાં આગામી વર્ષમાં શિક્ષણ આયોગ-શિક્ષણપંચ-રચવાની ભલામણ કરવામાં આવી છે. આપણે આશા રાખીએ કે આ પંચ ચૂંટણીપંચની જેમ સંપૂર્ણ સ્વાયત્ત હોય. એની સાથે જ National Tutor programme ,National Edu. Technology Forum Nationalhogher National Higher Educational Regulatory Forum, PEER TUTOR, REMEDIAL INSTUCTION PROGRAMME, NATIONAL TUTORS PROGRAMME , NATIONAL TESTING AGENCY વગેરે વ્યવસ્થાઓ દ્વારા શિક્ષણને પ્રભાવી બનાનવા સૂચવાયું છે. આવી અનેક ઝીણી અને તલસ્પર્શી બાબતો સુધી પહોંચી, મૂળમાંથી સુધારણાની વાત કહી છે. શ્રી કસ્તુરીરંગને આશા વ્યક્ત કરી છે કે, (આ) એક એવી નીતિ (છે) જે શિક્ષણનું સમગ્ર ચિત્ર એવી રીતે પરિવર્તિત કરશે કે યુવાનને વર્તમાન અને ભાવિ પડકારોનો સામનો કરવા સજ્જ કરશે.

બધુયે ઉત્તમ. પણ મૂળ પ્રશ્ન છે કે આ બધુંયે પર પાડવા નિષ્ઠા, ધગશ અને એવા લોકો કેમના મળશે ? કવિ દુષ્યંતકુમાર કહે છે તેમ, લેકિન એ આગ જલની ચાહીએ ….એવાં ધગતાં હૃદયવાળા લોકો …….!!!!!???????


શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *