વ્યંગ્યચિત્રોના વિશ્વમાં : (૨૧) : ‘માનકો’નો માનભંગ

Facebooktwitterredditpinterestlinkedinmail

સંકલન: અશોક વૈષ્ણવ

આ વખતની કડીમાં વિષય થોડો જટિલ અને ટેકનિકલ હોવાથી સૌ પ્રથમ તેની ટૂંકી સમજૂતી જોઈ લઈએ, જેથી તેની પરનાં વ્યંગ્યચિત્રોને માણી શકાય.

માનક (સ્ટાન્ડર્ડ) એટલે સંબંધિત હિતધારકો વચ્ચે પરસ્પર સહમતિથી નક્કી થયેલું ધોરણ, પ્રણાલિ કે આવશ્યકતાઓનું એક સ્વીકૃત સ્વરૂપ. બીજા શબ્દોમાં કોઈ પણ કાર્ય શી રીતે કરવું તેના સર્વસ્વીકૃત માપદંડને ‘સ્ટાન્ડર્ડ’ તરીકે ઓળખવામાં આવે છે, જેના ચાર પ્રકાર હોય છે.

૧.મૂળ સ્ટાન્ડર્ડ્સ: તેમાં પારિભાષિક શબ્દો, વ્યાખ્યાઓ, એ સંદેશ વ્યવવહાર માટેની નિશાનીઓ કે પ્રતિકોને આવરી લેવામાં આવે છે.

૨. ચકાસણી પદ્ધતિઓ અને વિશ્લેષણ માટેનાં સ્ટાન્ડર્ડ્સ: તેમાં પદાર્થ કે ઉત્પાદિત ચીજવસ્તુઓના ઉષ્ણાતામાન, વજન, તાકાત, જેવા ભૌતિક કે યાંત્રિક ગુણધર્મો કે તેનાં રાસાયણીક ઘટકોને લગતાં રસાયણ કે ધાતુવિદ્યાના ગુણધર્મો જેવી બાબતોની ચકાસણીની અને ચકાસણી પરિણામોનાં વિશ્લેષણની પધ્ધતિઓ આવરી લેવાય છે.

3. ચોક્કસ વિગતવર્ણન (સ્પેસીફીકેશન)નાં સ્ટાન્ડર્ડ્સ: તેમાં પદાર્થ કે ઉત્પાદિત વસ્તુઓ કે સેવાઓના, સંબંધિત કાર્યમાં ઉપયોગ માટે, ગુણવત્તા, સલામતી, પ્રદૂષણનું પ્રમાણ, વસ્તુની આવરદા જેવી બાબતોને લગતા આવશ્યક ગુણધર્મો સૂચવાયા હોય છે.

૪. સંસ્થાકીય સ્ટાન્ડર્ડ્સ: તેમાં સંસ્થાને સંબંધિત કાર્ય ભૂમિકા અને તેના સંબંધો, ગુણવત્તાપ્રતિતી અને નિયમન-ઉત્પાદન-માલહેરફેર જેવી બાબતો આવરી લેવાતી હોય છે. સંચાલન, સંપત્તિ જાળવણી, પરિયોજનાઓ કે તંત્રવ્યવસ્થા સંચાલન, નાણાંના હિસાબો અને તેનાં ઑડીટની પધ્ધતિઓ આવરી લેવાતી હોય છે.

અહીં આપણી વાત સંચાલન તંત્રવ્યવસ્થા પ્રમાણિકીકરણ સ્ટાન્ડર્ડ્સ [ISO Management System Certification(MSCs)] તરીકે ઓળખવામાં આવે છે તે પ્રકારનાં સ્ટાન્ડર્ડ્સ પૂરતી મર્યાદિત રાખીશું, જેથી રસ ધરાવનાર સૌ કોઈ તેને માણી શકશે.

૧૪મી ઓક્ટોબરને ‘વિશ્વ સ્ટાન્ડર્ડ દિવસ’ (World Standards Day ) તરીકે ઉજવવામાં આવે છે. ઉજવણીનો મુખ્ય આશય આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ તરીકે પ્રકાશિત થતી તકનીકી સમજૂતીઓને ફળીભૂત કરવામાં યોગદાન આપતા આ ક્ષેત્રના નિષ્ણાતોના પરિશ્રમની કદર કરવાનો છે.

દર વર્ષે આ દિવસની ઉજવણી માટે એક થીમ નક્કી કરવામાં આવે છે. વિશ્વ સ્ટાન્ડર્ડ દિવસ -૨૦૧૯ માટે ‘વૈશ્વિક મંચના ઘડતરમાં વિડીયોસ્ટાન્ડર્ડ્સ –Video standards create a global stage‘ છે. આ સ્ટાન્ડર્ડ્સને કારણે વૈશ્વિક નેટવર્ક્સમાં વિડીયો પ્રત્યાયન અને દસ્તાવેજીકરણ માટે ઉપયોગ એક આવશ્યક અંગ બની રહેલો છે. કોઈ પણ સાધન કે કોઈ પણ ઓપરેટીંગ સિસ્ટમમાં આ સ્ટાન્ડર્ડ્સને અનુરૂપ બનેલા વિડીયો આસાનીથી જોઈ શકાય છે. વિડીયો તૈયાર કરવાની કે તેના ડિજિટલાઈઝેશનની તકનીકોમાં થતા સુધારાઓ તે પહેલાં બનેલા વિડીયોને બીનઉપયોગી ન કરી દે એવી વ્યવસ્થા પણ આ સ્ટાન્ડર્ડ્સમાં આવરી લેવાતી હોય છે.

આપણે સતત અવનવાં સર્જનો કરતાં રહીએ છીએ. તે માટે પરસ્પર સાથે મળીને કામ કરવું પડે. એ માટેની પહેલી આવશ્યકતા છે એકબીજાને સમજવાની. જ્ઞાન અને અનુભવોની આપલે થવી જોઈએ. એ માટે બધાંને સમજણ પડે એવી એક સર્વસામાન્ય ભાષા જોઈએ. ISO સંસ્થા દ્વારા પ્રકાશિત થતા ઐચ્છિક આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ્સ આ દિશામાં નક્કર પાયારૂપ ભૂમિકા ભજવે છે.[1]

આટલી પશ્ચાદભૂમિકા પછી મુખ્ય વિષયની વાત.

**** **** ****

છ અંધજનો હાથીના જે ભાગને સ્પર્શે છે એ મુજબ તેઓ હાથીનું વર્ણન કરે છે તે જાણીતી બોધકથાને રૂપક તરીકે રજૂ કરતું આ ચિત્ર છે. આ વ્યંગ્યચિત્ર કરતાં ચિત્રાંકન (ઈલસ્ટ્રેશન) વધુ હોય એમ લાગે.સ્ટાન્ડર્ડને દરેક હિતધારક પોતપોતાના દૃષ્ટિકોણથી મૂલવે છે, એવો સંદેશ જણાવવા આ ચિત્રનો ઉપયોગ કરાતો હોય છે. આ જ ઉદાહરણ વડે સંસ્થાની કામગીરીના સંદર્ભમાં સંભવિત તકો અને જોખમો વિશે પણ એક જ સંસ્થામાં, જૂદાં જૂદાં સ્તરે,કામ કરતાં લોકો અલગ અલગ દૃષ્ટિએ વિચારે છે એવું પણ સમજાવાતું હોય છે.

હાથી અને અંધજનોની આ કથાનો ઉપયોગ વિવિધ દેશના કાર્ટૂનિસ્ટો કરતા આવ્યા છે.

**** **** ****

દરેક દેશનું પોતપોતાનું સ્ટાન્ડર્ડ હોય તે સમજાય. પણ ઘણી વાર એક જ વિષય માટે એકથી વધારે સ્ટાન્ડર્ડ જોવા મળતાં હોય છે. ઘણી વાર લોકો બદલતા જતા સંદર્ભને અનુરૂપ પોતાનાં ધોરણો – સ્ટાન્ડર્ડ્સ – પણ બદલતાં રહે છે. આમ થવા પાછળ એક કારણ આ હોઈ શકે !

વૈશ્વિકીકરણ વધતું ગયું તેમ આંતરરાષ્ટ્રીય સ્તરે, એક સર્વસામાન્ય સ્ટાન્ડર્ડની જરૂર અનુભવાતી ગઈ. તેમાંથી જન્મ થયો ISO સંસ્થાનો, જે આ પ્રકારનાં આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ તૈયાર કરીને પ્રકાશિત કરવાનૂં કાર્ય કરે છે. અત્યાર સુધી દ્વારા ૨૨,૮૧૨ સ્ટાન્ડર્ડ્સ પ્રકાશિત કરાઈ ચૂક્યાં છે. આ વિગત જાણ્યા પછી આ કાર્ટૂન માણો.

રેન્‍ડેલ મનરો/Randall Munroe નામના અમેરિકન કાર્ટૂનિસ્ટનું આ કાર્ટૂન છે. તેઓ https://xkcd.com/ નામના બ્લૉગ પર વેબકોમિક્સ તરીકે ઓળખાવાતાં કાર્ટૂન મૂકે છે. તેઓ કેરિકેચરને બદલે ‘સ્ટીક ફીગર’ એટલે કે સીધી લીટી દ્વારા માનવાકૃતિઓ દર્શાવે છે.

****

કેટલાંક વ્યાવસાયિકો માટે સ્ટાન્ડર્ડ (મહદ અંશે ગલતફહમીમાં) પથ્થર પરની લકીરની જેમ અફર, આખરી, શબ્દ હોય છે !

સ્ટાન્ડર્ડ્સનાઅમલથી થનારા લાભને વ્યાપક સ્તરે પ્રચલિત કરવા તૈયાર કરાંતાં પોસ્ટર્સમાં પણ વ્યંગ્યચિત્રકળાની મદદ લેવામાં આવે છે.

****

સ્ટાન્ડર્ડ વિકસાવવા માટેનો મુખ્ય આશય તે ખુબ સરળતાથી સમજી શકાય તેમ કરવાનો કે શક્ય તેટલા અર્થઘટનોમાં શક્ય એટલો ઓછો ભેદ થાય તેમ લખવાનો હોય છે. પણ વાસ્તવમાં સમય વિતતો જાય તેમ તેમ તેને લગતા ‘નિષ્ણાતો (!)’ના હાથે તે વધારે ને વધારે ક્લિષ્ટ સ્વરૂપે રજૂ થાય છે અને (કમનસીબે) તેનો અમલ પણ થાય છે.

લેવી રાઉન્‍ડી/Levy Roundyના આ કાર્ટૂનમાં આ બાબત આબેહૂબ બતાવાઈ છે.

****

સ્ટાન્ડર્ડ્સના અમલને મોટે ભાગે એટલું જટિલ, યાંત્રિક અને તુમારશાહીગત કરી મૂકવામાં આવે છે કે ‘આપણો ધાર્યો ઉદ્દેશ્ય સિધ્ધ થતો હોય તો સ્ટાન્ડર્ડને મૂકો પૂળો’ જેવી મનોવૃતિ ન પ્રસરે તો જ નવાઈ !

કાર્ટૂનિસ્ટ પૉલ સોડરહોમ/Paul Söderholm નું બનાવેલું આ કાર્ટૂન છે.

****

ઈજિપ્તના ગંજાવર પિરામીડ જોઈને સૌથી પહેલો સવાલ એ થાય કે ‘એ શી રીતે બાંધ્યા હશે?’ પણ અહીં પિરામિડ બાંધનારા કહે છે, ‘પિરામિડ બનાવવા કરતાં અઘરું હતું આઈ.એસ.ઓ. પ્રમાણપત્ર મેળવવું.’ પ્રમાણિકીકરણની પ્રક્રિયા ખરેખર આટલી મુશ્કેલ છે કે નહીં તે મહત્ત્વનું નથી, પણ એક વર્ગની માન્યતા આ રહી છે એ હકીકત છે.

આ કાર્ટૂન શૉન મેકૉલીગ/Shaun McCallig નું છે.

****

ISO પ્રમાણિકીકરણ હકીકતમાં સાધન છે, જે આ પડકારો ઝીલવા માટે પધ્ધતિસરનો, સાતત્ત્યપૂર્ણ માર્ગ બતાવે છે. પણ તેને સાધ્ય માનીને વ્યાપાર-ઉદ્યોગના બધા પડકારોની સામે તેને ધરી દેવાથી હલ નથી નીકળવાના ! આટલી સાદી વાતને ન સમજવાવાળો વર્ગ પણ છે. અહીં એ વર્ગને માટે સંદેશ છે.

પી.કે./PK નામના આ કાર્ટૂનિસ્ટ વિશે વિશેષ જાણકારી ઉપલબ્ધ નથી.

****

વ્યાપાર-ઉદ્યોગનાં ઝડપથી બદલાતાં પરિબળોની અનિશ્ચિતતાથી ટેવાયેલો વ્યાવસાયિક દરેક પ્રસ્તાવમાં ‘જો અને તો’ની છટકબારીઓની સલામતી એટલી હદે શોધતો થઈ ગયો છે કે લગ્નના પ્રસ્તાવ જેવી અંગત બાબતમાં પણ તે એને ટાળી નથી શકતો.

****

****

નવા નિયમનને કારણે સંસ્થાના દસ્તાવેજીકરણમાં થતા થોકબંધ ફેરફારો પર અહીં કટાક્ષ છે.

“Remember not to shirk the paper work.”

****

પ્રમાણિકીકરણ ઑડીટમાં આવશ્યકતાની પૂર્તિ ન થઈ હોય એવા વધારેમાં વધારે કિસ્સા ટાંકી શકો તો જ તમે સારૂં ઑડીટ કર્યું ગણાય. વ્યાવસાયિકોના એક વર્ગની આવી માન્યતા પર અહીં કટાક્ષ કરાયો છે.

****

પ્રમાણિકીકરણ ઓડીટ ભલે કોઈ પ્રક્રિયા આધારિત હોય, છતાં માનવ સહજ અહં નજરે પડતો જ હોય છે ! સાહેબ અહીં સાહેબ જ રહે છે.

****

ISO સ્ટાન્ડર્ડ્સ સાથે સંકળાયેલાં પ્રમાણિકીકરણ, અમલીકરણ અને ઑડીટ જેવાં વિવિધ વ્યાવસાયિક ક્ષેત્રોની દુનિયાનાં વ્યંગ્યચિત્રો દ્વારા આ ક્ષેત્રોની ગતિવિધિઓની મુશ્કેલીઓ અને આનંદોનો વાંચનારને અંદાજ આવ્યો હશે એવી આશા સાથે ‘માનકોના માનભંગ’ને આટલેથી અટકાવીએ.


[1] Dare to dream BIG: Standards empower innovators


આ શ્રેણીમાં આપ આપનું પ્રદાન આપવા ઈચ્છતા હો તો આ શ્રેણીનો પરિચયલેખ – વિવિધ વિષય પરનાં કાર્ટૂનોના વિશ્વમાં: – વાંચીને સંપર્ક કરવા વિનંતી.


– ‘વ્યંગ્યચિત્રોના વિશ્વમાં’ શ્રેણીના સંપાદક બીરેન કોઠારીના સંપર્ક માટેનું વીજાણુ સરનામું : bakothari@gmail.com


Disclaimer:

The cartoons in this post have been taken from net purely for non-commercial purpose with due credits to cartoonists as far as possible. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.

1 comment for “વ્યંગ્યચિત્રોના વિશ્વમાં : (૨૧) : ‘માનકો’નો માનભંગ

  1. October 15, 2019 at 3:07 am

    બ્લોગ અને વેબ સાઈટ માટેનાં સ્ટાન્ડર્ડ ન હોવાં જોઈએ? કમ સે કમ એમના માટે કાર્ટૂનો બનાવવા મહેન્દ્રભાઈ ને વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *