લ્યો, આ ચીંધી આંગળી : ગાંધીજી અને ગિજુભાઈ વ્યાસ: એક બે વાતો એમના સંદર્ભની

-રજનીકુમાર પંડ્યા

ભલે ખુદ ગાંધીજી સાથેના સંસ્મરણો ના હોય, પણ ગાંધીજી સાથે સંકળાયેલાં સંસ્મરણો જરા તાજાં કરી લઉં.

ઉમર વર્ષ નવ. સાંજના લગભગ છનો સમય. અને જેતપુરની મુખ્ય બજાર. અંજુમને ઈસ્લામ સ્કૂલ પાસે રંગ અને હાર્ડવેરની ‘શિરીષચંદ્ર એન્ડ કંપની’ની ડેલાબધ્ધ બહુ મોટી દુકાન, જેનો પાછલો ભાગ એના માલિક શાંતિલાલ દોશીના નિવાસસ્થાનમાં પડે.

એ દુકાન પાસેથી હું આર.એસ.એસના સ્વયંસેવકના ખાખી ચડ્ડી અને સફેદ શર્ટના ગણવેશમાં પસાર થતો હતો ત્યાં શેઠનો દિકરો ચંદ્રકાંત ગભરાયેલા ચહેરે મારી સામે આવ્યો. મારી જ વયનો અને મારી સાથે ભણતો. એ મને કંઈક કહેવા માગતો હતો, પણ કહી શકતો નહોતો. બપોરે ચાર લગી તો નિશાળમાં સાથે હતા તો અત્યારે તે વળી એવું નવું શું કહેવાનું હોય કે જેના શબ્દો એના હોઠની બહાર પડવા માટે આનાકાની કરતા હતા !

માંડ માંડ એ બોલ્યો: “દિલ્હીમાં ગાંધીજીનું ખૂન!”

“હેં!” મારાથી એક હાયકારા જેવું “હેં!” બોલાઈ ગયું. સામે પૂછ્યું : “તને કોણે કહ્યું?”

“રેડિયામાં આવ્યું. કોઈ માણસ રોવા જેવા અવાજે બોલતો હતો.” એણે કહ્યું

“બોલનારાને મારી નાખવો જોઈએ.”

આ મારો પહેલો પ્રત્યાઘાત. મારી બાળકબુધ્ધિ મારનારાને નહિં, સમાચાર આપનારને મારી નાખવા ઈચ્છતી હતી.

એટલી વારમાં તો બજારમાં માણસો ટોળે વળવા માંડ્યા હતા. સોપો પડી ગયો હતો, પણ એમાં ગરમી વરતાતી હતી. હું દિગ્મૂઢ ઉભો હતો ત્યાં કોઈએ આવીને કાનમાં કહ્યું: “ભાગ જલ્દી! ઘર ભેગો થઈ જા, નહિંતર મર્યો સમજજે.”

મારે શા માટે ભાગવું જોઈએ ? મને સમજાયું નહિં, પણ સલાહ આપનારાની સલાહનું પાલન કરવું જોઈએ એમ મને લાગ્યું. હું ઝડપથી ઘેર પહોંચી ગયો. ત્યાં કોઈને કાંઈ ખબર જ નહોતી. ‘રેડિયા’માં બોલનારે જેવા સ્વરે દુનિયાભરને કહ્યું હતું તેવા સ્વરે મેં મારા બા-બાપુજી અને ભાઈ-બહેનને એ કહ્યું. અને એ બધાં પણ હબક ખાઈ ગયાં. પણ તરત જ તોફાનો ફાટી નીકળશે તેવા અજ્ઞાત ભયથી બાપુજીએ ઘરનાં બારી-બારણાં ફટોફટ બંધ કરી દીધાં.

એ પછી બહુ દિવસો સુધી મારા મનમાં ગાંધીજીની એ છબી છવાયેલી રહી. છાપાઓમાં જ્યારે એમ આવવા માંડ્યું કે હત્યા કરનાર નથુરામ ગોડસે આર.એસ.એસ.નો બહુ મોટો સ્વયંસેવક હતો ત્યારે મને ભાગી જા’ કહેનારનું લૉજીક મગજમાં થોડું થોડું ઉતર્યું કે હું ભલે શીશુજૂથનો, પણ આર.એસ.એસ.નો સ્વયંસેવક હતો અને એના જ ગણવેશમાં હતો. હત્યાની ક્ષણથી એ તો જાહેર થઈ જ ચુક્યું હતું કે એ ઘટના સાથે આર.એસ. એસ.નો સંબધ સ્થપાઈ રહ્યો છે. એવા સંજોગોમાં મને કોઈ પણ લલ્લુ-પંજુ ટપલાવાળી કરી શકે.

ગાંધીજી વિષેની સૌથી પહેલી છાપ મારા મનમાં સાવ કુમળી વયથી પડી તે આ કે જેની સાથે એક વિસ્મય ઘોળાયેલું હતું કે આટલી ઝડપે ‘રેડિયા’માં આવીને ગાંધીજીની હત્યાના સમાચારો આપનારો કોણ હશે? આ બિલકુલ સ્વાભાવિક હતું કે એ દિવસોમાં રેડિયો પણ એક જોણું હતું. અને એમાં કોઈ આપણને ના દેખાય તેમ બોલે તે તો એક નર્યો અચંબો જ હતો.

એ અચંબાનું નિરસન ક્યારે થયું અને કેવી રીતે થયું?

**** **** ****

“ગિજુભાઈ, મારે તમારો ઈન્ટરવ્યુ કરવો છે.”

1976ના જુનની અઠ્ઠાવીસમી તારીખે હું દિલ્હીમાં દૂરદર્શનની સમગ્ર ભારતની કેન્દ્રીય કચેરીમાં ડેપ્યુટી ડાઈરેક્ટર જનરલ ગિજુભાઈ વ્યાસની સામે બેઠો હતો. અમારી કંડોળીયા બ્રાહ્મણોની પ્રમાણમાં ટૂંકી ગણાય તેવી જ્ઞાતિમાં ગોરપદાને બદલે નોકરી કરનારા તો ઘણા હશે, પણ આટલા બધા ઉંચા પદે પહોંચનારા ગિજુભાઈ સિવાય કોઈ નહિં. ( આ ગિજુભાઈ તે મુંબઈના ગુજરાતી રંગભૂમિના વર્તમાનમાં સુપ્રસિધ્ધ કલાકાર સનત વ્યાસના પિતા) એમની ઉન્નતિયાત્રા જાણવામાં મને રસ હતો. અમારી વચ્ચે ઓળખાણ તો ખાસ્સી હતી, પણ નિરાંતે બેસાય એવો મોકો આવતો નહોતો. વિજયા બૅન્કની મેનેજર તરીકેની નોકરી દરમ્યાન લીવ ફેર કન્સેશનના નિમિત્તે દિલ્હી જવાનું થયું એટલે મેં આ તક ઝડપી લીધી.

(ગિજુભાઈ વ્યાસ)

એમણે હસીને કહ્યું : “તમે કહો છો, પણ મેં કોઈ એવી વિશેષ સિધ્ધિ પ્રાપ્ત કરી હોય એવું લાગતું નથી.”

“પણ જેને લાગે છે એ માણસ તમને પૂછી રહ્યો છે.” મેં કહ્યું: “મને રસ છે.”

“શું જાણવું છે એ કહો.”

“છેક શરુથી આજ સુધીની પગથીયાંકથા કહો.”

“વડવાઓનું મૂળ વતન દીવ, પણ પછી માંગરોળ આવીને વસ્યા. પણ અમારુ કુટુંબ તો છેક 1900ની સાલથી મુંબઈ આવી ગયેલું અને મારું તો બચપણ મુંબઈથી શરુ થયેલું ..અને ….”

ગિજુભાઈ પોતાના જીવનની ડાઉન મેમરી લેનમાં વિહરવા માંડ્યા. હું એ બધું એક કાગળમાં ટપકાવી રહ્યો હતો. બહુ રસ પડે તેવી વાતો હતી. પિતા હિંમતરામ વ્યાસની આંગળીએ ભાંગવાડીમાં અનેક નાટકો જોયાથી માંડીને બીજી અનેક વાતો. 1933માં એક નાટકમાં સાવ કુમળી વયે ભાગ લીધો અને નાટ્યકાર ચં. ચી. મહેતાની નજરમાં વસી ગયા. પછી પત્રકારત્વની બે-ત્રણ નાની મોટી નોકરીઓ કરી અને અંતે 1945માં ઑલ ઈન્ડીયા રેડિયોમાં પ્રોગ્રામ આસિસ્ટન્ટ તરીકે જોડાયા.

“એ નોકરીમાં શરૂઆતમાં તો બહુ મઝા પડતી પણ એ પછી ત્રણ જ વર્ષે એ નોકરી ખોવી પડે એવો ભયંકર શિસ્તભંગ મેં કર્યો અને નોકરી જાય અને માથેથી સજા પડે એવું પરાક્રમ મેં કર્યું!”

ગિજુભાઈના એ “પરાક્રમ”ની વિગતે વાત શી હતી ?

**** **** ****

“કેમ વ્યાસ! આટલા બધા ગભરાયેલા છો?”

છ વાગે તો ગિજુભાઈ વ્યાસ મુંબઈઆકાશવાણીનું ટર્ન-ટેબલ છોડીને નીકળી જવાના હતા અને આ શું ? સ્ટેશન ડાઈરેક્ટર વિક્ટર પરાન્જ્યોતિબાબુની ચેમ્બરમાં આવીને સામેની ખુરશીમાં ઢગલો કેમ થઈ ગયા ?

ના ગમે. કોઈ પણ બોસ આવી બેઅદબી ચલાવી ના લે. પહેલી વાત તો કોઈ જુવાનીયો એનાઉન્સર કે પ્રોગામ આસિસ્ટન્ટ આમ સ્ટેશન ડાઈરેક્ટરની ચેમ્બરમાં ‘મે આઈ કમ ઈન, સર ?’ બોલ્યા વગર અંદર ધસી આવે એ ના ચલાવી લેવાય અને બીજી વાત: આવીને ઉભા રહેવાને બદલે ખુરશીમાં ધબ્બ દઈને પડતું મુકે એ તો હાઈલી ઓબ્જેક્શનેબલ ! પણ… પણ અરે, જોયું તો વ્યાસના કપાળે તો પરસેવાના બુંદ બાઝી ગયા હતા ! એમને હાર્ટએટેક આવ્યો કે શું?

ચીડની જગ્યાએ ચિંતા ઉભરી આવી, જ્યોતિબાબુ ખુરશી છોડીને ઉભા થઈ ગયા અને એની નજીક આવતા જ હતા ત્યાં વ્યાસે ચશ્મા ઉતારીને રૂમાલથી આંખો લૂછી. ચહેરા પર હળવે હાથે હથેળી ફેરવીને કંઈક સ્વસ્થ થયા, જ્યોતિબાબુ પોતાની જગ્યા ભણી પાછા ના ગયા. ટાઈને ઠીક કરતા ઉભા જ રહ્યા. સમજાઈ ગયું. ઘેર કંઈક અજુગતું બન્યું લાગે છે. એમણે એના બરડે હાથ ફેરવીને કહ્યું, “હેવ પેશન્સ મિસ્ટર વ્યાસ, આઈ સિમ્પથાઈઝ ફોર યુ. ઘેર જાઓ.. ગમે તેવી પરિસ્થિતી હોય તો ઘેર જઈને સંભાળી લો. જાઓ,ઘેર જાઓ.”

”મારે એકલાએ નથી સંભાળવાનું, સર!” ગિજુભાઈ વ્યાસ હવે ખુરશીમાંથી ઉભા થઈ ગયા. છતાં જાણે કે પગ ધ્રૂજતા હતા. ટેબલની ધારનો ટેકો લીધો. ગળું ખોંખારીને બોલ્યા, “મારે એકલાએ નથી સંભાળવાનું,સર! આખા દેશે સંભાળવાનું છે. રાષ્ટ્રના પિતાની કોઈ હત્યારાએ હત્યા કરી દીધી છે. થોડી જ વાર પહેલા, દિલ્હીમાં પ્રાર્થનાસભામાં….”એ આગળ ના બોલી શક્યા.

”ઓ ન્નો!” જ્યોતિબાબુનો અવાજ એકદમ ઉંચો થઈ ગયો. “ઈટ કાન્ટ બી ટ્રુ.. હૂ ટોલ્ડ યુ ? હૂ ટોલ્ડ યુ ?”

“ઈટ ઈઝ સે‍ન્ટ પરસેન્ટ ટ્રુ, સર!” ગિજુભાઈ વ્યાસે ફરી ટેબલની ધારનો ટેકો લીધો. “દલાલ સ્ટ્રીટના ચોવીસેય કલાક જીવતા હોય છે. ત્યાંથી મારા મિત્રનો ફોન આવ્યો. એણે પૂરી ખાતરીથી કહ્યું છે. ક્રોસ ચેક પણ કર્યું છે.”

જ્યોતિબાબુ શુન્યમનસ્ક થઈને સામેની દિવાલે તાકી રહ્યા હતા ત્યાં વ્યાસે નજીક આવીને એમને જરી ઢંઢોળ્યા, “સર, હું તો આપની પરમીશન લેવા આવ્યો હતો.”

જ્યોતિબાબુનાં ભવાં સંકોચાયા, “ફોર વ્હૉટ?”

”આપણે હવે એક મિનિટ પણ મોડું કર્યા વગર આ સમાચારને આપણા કેન્દ્ર પરથી રિલે કરી દઈએ.”

જ્યોતિબાબુ એકદમ ચમકી ગયા; “વી કાન્ટ, મિસ્ટર વ્યાસ, વી કાન્ટ.’ એમણે બહુ મકક્મ સ્વરે કહ્યું: “આવા હેવી ન્યુસ રિલે કરવા માટે રેડિયોનો એક પર્ટિક્યુલર પ્રોટોકોલ હોય છે, યુ સી? આવા ન્યુસને પહેલા ડૉક્ટરોની પેનલ સર્ટીફાય કરે,પછી સેન્ટ્રલ ગવર્ન્મેંન્ટ એને ઑફિશ્યલી રિલીઝ કરે અને દિલ્હી ઑલ ઈન્ડિયા રેડિયોના ન્યુઝ-રૂમને આપે અને એના થ્રુ આપણને વાયરલેસથી મળે તે પછી જ આપણે એને બ્રોડકાસ્ટ કરી શકીએ”

વ્યાસ છળી ગયા હોય તેમ તેમની સામે જ જોઈ રહ્યા. “અરે તો તો સાહેબ! ઘણું મોડું થઈ જાય. ભારે અનર્થ થઈ જાય!”

(આકાશવાણી રાજકોટમાં ગિજુભાઈ અને ચંદ્રકાંત ભટ્ટ)

વ્યાસ શું કહેવા માગતા હતા ? શું એ સમજતા નહોતા કે આવા જલદ ન્યુસ હવે તો પંદર વીસ મિનીટમાં જ ઉપરથી ઑફિશ્યલી આવી જવાના હતા. એમાં કોઈ શંકા નહોતી. તો એટલી વાર થોભી જવામાં એવો તે કયો મોટો અનર્થ થઈ જવાનો હતો ! એમાં જ્યોતિબાબુને કશું સમજાતું નહોતું. રાષ્ટ્રપિતાની હત્યા જેવા હાહાકાર વર્તાવી દેનારા દેશ તો શું પણ દુનિયાભરમાં ઉલ્કાપાત ફેલાવી દેનારા ન્યુસ બોમ્બેના ઑલ ઈન્ડિયા રેડિયો ઉપરથી આ રીતે કેઝ્યુઅલી રીલે કરવાની કોઈ સત્તા આપણી પાસે હતી ? બેશક, બેશક, બેશક નહોતી જ. અને એમ છતાં જો એવી અનધિકૃત ચેષ્ટા આપણાથી થઈ જાય તો ? તો એના પરિણામ કેવાં ભયંકર આવે ? એની કલ્પના કરતા પણ આંખે અંધારા આવી જતાં હતાં. નોકરીથી હાથ ધોવા પડે એ તો નિશ્ચિત જ, પણ બીજી અનેક કાનૂની કાર્રવાઈઓના જંતરડામાંથી પસાર થતાં જિંદગીનો અંત આવી જાય. એની કલ્પના માત્રથી ઉપજેલી અકળામણ જ્યારે હદ વળોટી ગઈ ત્યારે ઘડીભર એમણે આંખો મીંચી દીધી.

પછી જ્યારે ‘મિસ્ટર વ્યાસ’ જેવો શબ્દ એમણે જ્યારે ઉચ્ચાર્યો ત્યારે સામે કોઈ નહોતું. ખુરશી ખાલી હતી. વ્યાસ એમની ચેમ્બર છોડી ગયા હતા. એમને હાશકારો થયો. વ્યાસે જીદ છોડી દીધી હતી.

પણ એ હાશકારો લાંબો ના ટક્યો.

એમની સામેના એમના ઈન્ટર્નલ સ્પીકરમાંથી એ વખતે બ્રોડકાસ્ટ થતો બાળકો માટેનો એક ઉર્દુ કાર્યક્રમ રેલાતો હતો. બાળકોની કિલકારીઓ સંભળાતી હતી ત્યાં અચાનક એમાં વિક્ષેપ પડ્યો. જ્યોતિબાબુની સિકલ તંગ થઈ. કાન સરવા થયા. ભવાં તંગ થઈ ગયાં. શું થઈ રહ્યું છે આ ? ઉર્દુ કાર્યક્રમ આમ અટકાવી કોણે દીધો? કોના કહેવાથી. ? પોતાની પાસે એવી સત્તા નથી તો કોણે ગુસ્તાખી કરી ?

પણ એમણે સગ્ગા કાને સાંભળ્યું કે વિક્ષેપ પછી તરત જ એક ઘેરો ગંભીર ડૂમાયેલો સ્વર સ્પીકરમાંથી આવ્યો. એ વ્યાસનો સ્વર હતો, “રાષ્ટ્ર પરથી આજે પિતાનું છત્ર ઉઠી ગયું છે. થોડી જ વાર પહેલા પ્રાપ્ત થયેલા આ કારમા સમાચાર મુજબ..” એક એક શબ્દ વ્યાસના ગળાની સ્વરપેટીમાંથી નહિ, પારાવાર વેદના અનુભવતા હૃદયમાંથી બહાર પડતો હતો, ઉચ્ચારો ચોખ્ખા હતા, પણ ગળું રૂંધાયેલું હતું. જ્યોતિબાબુનું મોં લાલ લાલ થઈ ગયું. ઓહ, દિલ્હીની સેન્ટ્રલ ન્યુસરૂમમાંથી ઑફિશ્યલ સમાચાર આવે તે પહેલાં મનમાની કરીને આખરે વ્યાસે આ અનર્થ કરી જ નાખ્યો હતો ! એવો ગાંડો અનર્થ કે જેની જવાબદારી સ્ટેશન ડાયરેક્ટર તરીકે પોતાના શીરે જ થોપાવાની હતી. એમણે બે હાથે પોતાનું માથું પકડી લીધું.!

**** **** ****

તો ?

1948 ની ત્રીસમીએ મને ગાંધીજીની હત્યાના સમાચાર આપનાર ‘રેડિયા’માં પુરાઈને આપનારી જે વ્યક્તિને મારી નાખવાનું ઝનૂન મને ચડ્યું હતું તે વ્યક્તિ મારી સામે બેઠી હતી ! મારા કુતૂહલભર્યા સવાલનો આ રીતે ત્રીસ વર્ષે જવાબ મળી ગયો હતો. ના, હવે મારી નાખવાનું નહિં ભેટી પડવાનો ઉમળકો આવે તેવી આ વાત હતી.

(ડાબેથી: રજનીકુમાર, અમૃત ‘ઘાયલ, ગિજુભાઈ, આગળ રજનીકુમારની દીકરી તર્જની)

આ ‘પરાક્રમ’ પછી ગિજુભાઈને ઓફીશ્યલ વૉર્નિંગ મળી હશે, મેમો મળ્યો હશે. આકરી તાવણી પણ થઈ હશે પણ એ બધામાં છૂપી શાબાશી ઘોળાયેલી હશે એ નિઃશંક હતું. પણ એ વસ્તુ તેમના માટે બઢતી પામવાના પગથીયા તરીકે કામ આવી ગઈ.

ગાંધી હત્યા સાથે સંકળાયેલો આ પ્રસંગ મને મારા બચપણના એ દિવસોમાં પાછો લઈ ગયો કે જે દિવસોમાં મારા ઘરના લીઓફોન બ્રાન્ડના થાળીવાજા પર ગાંધી સ્તુતિના પારાવાર ગીતોની રેકોર્ડસ ચડાવવામાં આવતી. માંગરોળમાં સંગીતશિક્ષક તરીકે કામ કરતા ગાયક શાંતિલાલ શાહના પાતળા પણ મધુર કંઠે ગવાયેલા ગાંધીગીતો ગાંધીહત્યા પછીના તરતના ગાળે શેરીએ શેરીએ ગુંજવા માંડ્યા.

કોને પગલે પગલે ચાલી જાય છે વણઝાર,
કોના કાજે શહીદ થાવા આવે નર ને નાર.

દસ-પંદર નહિ સો હજાર નહિ લાખ લાખ પણ નહિ,
કોટિ કોટિ માનવ કેરોચાલે છે પરિવાર

હિંદુ, મુસ્લીમ, શીખ, ઇસાઇ, સૌએ હારોહાર,
સૌએ હારોહાર..
કોના અદ્ભુત જાદુથી આ જાગે છે સંસાર.

કોની પૂંખે અંગે અંગે વ્યાપે છે અંગાર.
કોની આંખે ગાજી ઊઠે આઝાદી ઝંકાર.

બુધ્ધ, ઇશુ ને મહાવીર સ્વામી એ ત્રણનો અવતાર.
તારા મુખની વાણી જાણે વહેતી અમરતધાર
વહેતી અમરતધાર

સુકલકડી છે કાયા જેની ને અદભુત છે માયા જેની
અદભુત આછે માયા
ચાલીસ કોટિ સૈનિકોનો તું સાચો સરદાર.
જીત જરૂર છે જગમાં તારી થાશે જયજયકાર

ગાંધી તારે પગલે પગલે ચાલે છે વણઝાર.
તારા સાથે શહીદ થાવા આવે નર ને નાર
ગાંધી તારે પગલે….ગાંધી તારે પગલે…

                                            (એચ એમ વી.. ગીતકાર અને ગાયક શાંતિલાલ શાહ)

એકદમ ભાવપ્રવણ,બલકે ભાવ-વિભોર થઈને શાંતિલાલ શાહે આ ગીત ગાયું હતું. શબ્દો પણ કદાચ તેમણે જ લખ્યા હતા. એ જ રેકૉર્ડની પાછળ જરા ધીમા લયમાં એમના જ સ્વરમાં ગીત હતું, ‘વર્ધાના વડલાની છાયેં બેઠો એક વિજોગી.’ અલબત્ત, મને ચોક્કસ યાદ છે કે ‘હિઝ માસ્ટર્સ વૉઈસ’ની એ રેકોર્ડના લેબલમાં એના શબ્દો બહુ હાસ્યાસ્પદ રીતે આમ મુકાયા હતા: ‘વર્ધાના વડલાની ડાળે બેઠો એક વિજોગી.’

એના પછીના થોડા જ દિવસોમાં ચરોતરના કોઈ વિઠ્ઠલભાઈ પટેલે ગાંધીજી પર એક પાંચ કલાકની દસ્તાવેજી ફિલ્મ બનાવી હતી તે જેતપુરના એક મામૂલી ટૉકિઝમાં ચાલુ ફિલ્મ ‘ખિડકી’ને હટાવીને રજુ થઈ હતી, જેમાં શાંતિલાલ શાહના આ ગીતો વાપરવામાં આવ્યાં હતાં. એ અસલ દૃશ્યોના અસલ ટુકડાઓને દૃષ્ટિપૂર્વક જોડીને બનાવાયેલી એ અદભુત દસ્તાવેજી ફિલ્મ તો કાળની ગર્તામાં વિલીન થઈ ગઈ છે. જો એ સચવાઈ હોત તો એ યુગના અને ગાંધીજીવનના અસલ આયનાનું એ કામ કરત.

**** **** ****

એ પછી દિવસો, મહિનાઓ અને વર્ષો વીતી ગયા. પણ ભાગ્યે જ કોઈ દિવસ એવો ગયો હશે કે જે દહાડે તેમનું નામ કોઈ ને કોઈ રીતે મારી સાથે ચર્ચામાં ન લેવાયું હોય.

થોડા વર્ષૉ પહેલા અમદાવાદમાં જૈન સમાજનો એક મોટો ઉત્સવ હતો. કદાચ સમૂહદીક્ષાનો પ્રસંગ હતો અને મારા સહિત અનેક લેખકો-પત્રકારોને તેમાં નોંતરવામાં આવ્યા હતા. વાતાવરણ પવિત્ર હતું અને બહુ શિસ્તબધ્ધ હતું. એક મોટા મંડપની ચોતરફ દેશનેતાઓના અનેક ફોટોગ્રાફ્સ લગાવવામાં આવ્યા હતા. એમાં હિંદુ–મુસ્લીમ ધર્મની અનેક કોમ-પેટાકોમ ઉપરાંત, ઈસાઈ-શીખ-પારસી-યહૂદી અને બીજા અનેક ધર્મોના ધર્મગુરૂઓ ઉપરાંત સંતો મહંતોની તસ્વીરો પણ હતી. પણ મને એ જોઈને અત્યંત નવાઈ લાગી કે એમાં ગાંધીજીની તસ્વીર ક્યાંય નહોતી. જરા આંચકો આપનારી વાત હતી. મેં એના મુખ્ય આયોજકને એ વિષે પૃચ્છા કરી તો જવાબમાં મને એક પુસ્તક હાથમાં થમાવી દેવામાં આવ્યું, જેનું નામ હતું : ‘જૈન શાસન શિરતાજનું જીવનકવન.’ એ પૂજ્યપાદ મહારાજ વિજયરામચંદ્રસૂરીશ્વર મહારાજ વિષેનું હતું અને એમાં અધર્મ સામેના એમના ધર્મયુધ્ધની ગાથાઓ હતી.

એમાંની એક ‘ગાથા’ તેમાં બહુ લંબાણથી વર્ણવવામાં આવી હતી, જેનો સંબંધ ગાંધીજીની અહિંસાની વ્યાખ્યા સાથે હતો.

શી હતી એ ગાથા ?

1926ની સાલમાં એક વિશિષ્ટ ઘટના ઘટી હતી. અમદાવાદના શેઠ અંબાલાલ સારાભાઈની કેલિકો મિલના કંપાઉંડમાં એક કૂતરું હડકાયું થઈને એક કામદારના કોઈ સગાના છોકરા પાછળ પડ્યું. છોકરો જો કે, દોડી જઈને બચી ગયો, પણ શેઠ ખુદ આ દૃશ્ય જોઈ ગયા. તેમણે તરત એ કૂતરાને ઠાર કરવા ચોકીદારને હુકમ કર્યો. પણ ચોકીદાર તેનો અમલ કરે તે પહેલા એ બીજા આઠ –દસ કૂતરાંઓને કરડીને નાસી ગયું. બીજા દિવસે બીજું એક કૂતરું હડકાયું થયું અને બે માણસો અને દસ-પંદર કૂતરાંને કરડી ગયું. એ કૂતરાં તે કયા એ ઓળખી કાઢવાનું શક્ય નહોતું એટલે વધુ હાહાકાર થતો અટકાવવા શેઠે કમ્પાઉન્ડમાં હતાં તેટલા બધાં કૂતરાંને હકાલી હકાલીને એક ઓરડામાં પૂરાવ્યાં અને પોલિસ સુપ્રિન્ટેન્ડેન્ટને ફોન કરીને એક ઈન્સ્પેક્ટરને બોલાવીને એ બધા જ કૂતરાંને એક સાથે ઠાર મરાવ્યાં.

આ ઘટના પર્યુષણના એક પવિત્ર દિવસે જ બની અને એક જૈન શ્રેષ્ઠીના હાથે આ કૃત્ય થયું. તેનો સમગ્ર જૈન સમાજમાં ભારે ઉહાપોહ થયો અને આવી હિંસાનો પ્રતિરોધ કરવા માટે ‘શ્રી જીવદયા પ્રચારિણી મહાસભા’ની સ્થાપના કરવામાં આવી. એ સભાએ અંબાલાલ સારાભાઈને મળીને આ કૃત્ય બદલ જાહેર દિલગીરી વ્યક્ત કરવાની માગણી કરી, પરંતુ શેઠ આ અગાઉ એ વખતે અમદાવાદમાં વસતા ગાંધીજીને મળીને તેમનું સમર્થન મેળવી ચુક્યા હતા એટલે દિલગીરી વ્યક્ત કરવાનો ઈન્કાર કર્યો. એ પછી તો આ કથા બહુ આગળ ચાલી, જેનું વર્ણન કરવું અહીં શક્ય નથી. પરંતુ ગાંધીજીએ શેઠના કૃત્યને આપેલું સમર્થન જારી રાખ્યું. આની સામે ગાંધીજી વિરુધ્ધ જબરદસ્ત અપપ્રચાર અને પત્રિકાયુધ્ધ, હડતાલ જેવાં શસ્ત્રો વાપરવામાં આવ્યાં. ગાંધીજીએ અહિંસાની પોતાની વિચારધારા સમજાવવા ‘નવજીવન’માં લેખમાળા શરુ કરી.

(સૌજન્ય: ગાંધી હેરિટેજ પોર્ટલ)

આ બધી વાતોના સંદર્ભમાં ઉત્સવના આ મહામંડપમાં ગાંધીજીની નાની સરખી તસ્વીર અહીં ના મુકાવી સ્વાભાવિક હતી.

આ ઘટનાએ ગાંધીજીની સ્વચ્છ અને સુરેખ છબી મારા ચિત્તમાં ફરી એકવાર ઉપસાવી આપી,

એ મંડપમાંથી કશી પણ ભેટસોગાદ કે પત્રકારોને અપાતા નજરાણાને સ્વીકાર્યા વગર હું પાછો ફરી ગયો, એનો અર્થ વાચકો તારવી શકશે એની ખાતરી છે,

ગાંધીજીના સંદર્ભે બીજા અનેક સંસ્મરણો છે. પણ આ લેખ પૂરતું ઈતિ અલમ……..


લેખક સંપર્ક-

રજનીકુમાર પંડ્યા

બી-3/ જી.એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,

મણિનગર-ઈસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦ ૦૫૦

મોબાઈલ- +91 9898015545 / +91 79-25323711 /ઈ મેલ- rajnikumarp@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.