દિવાળીબાઈના પત્રો – # ૧૦ અને # ૧૧

Facebooktwitterredditpinterestlinkedinmail

શ્રી મણિલાલ દ્વિવેદીની પ્રણયખોજની નિષ્ફળતા અને કરુણતા પર પ્રકાશ પાડતા દિવાળીબાઈ નામની પરણિત સ્ત્રીના આ પ્રેમ પત્રો પૈકી પત્ર #૧ થી #૯ આપણે આ પહેલાં વાંચી ચૂક્યાં છીએ.


આજે હવે આ પત્રમાળાના # ૧૦ અને #૧૧મા પત્રો વાંચીને આ પત્રમાળા પૂરી કરીશું.

♣♣♣♣♣♣♣♣

દિવાળીબેન

પત્ર ૧૦

રા. રા.

તા. ૪-૯-૮૫

આપનું પ્રથમ પત્ર આવ્યું ત્યારે પ્રેમ વગર બીજું કાંઈ લખતા જ નહોતા, બીજામાં નીતિ વિશે જરા લખ્યું હતું પણ પ્રેમની શ્રેષ્ઠતા હતી. ત્રીજામાં પ્રેમનું ખંડન કરીને તેને સાતમે પાતાળ મોકલી તેને બદલે ‘પરમજ્ઞાન !’ ‘પરમાત્મા’ ને એવી એવી સ્થાપનાઓ થઈ. તેમાં છેલ્લી વારે સંસ્કૃત લખીને તો પ્રેમને બાપડાને પાતાળમાંથી કાઢી આકાશમાં કનકવો કરી ચગાવી મૂક્યો કે પાછો આવે જ નહિ!…

હજુ પણ હું તો કહું છું કે તમો સરખે સરખા મારા પ્રત્યે રહેનાર નથી. તમને કાંઈ સહજ મોહ છે તે પણ સાડા ત્રણ દહાડા રહેનાર છે પછી હું તમારે માટે મચ્છ તરફડે તેમ તરફડીશ તો પણ સંભાળ લેનાર નથી.

તમે પુરૂષ થઈ નીતિને ફલાણું ને ઢીકણું જોવા બધા ઉપર મમતા રાખો  છો તો હું સ્ત્રી છું, મને કશાની દરકાર નહિ હોય? તમે મને ગમે તેવી ધારો. પણ મેં એવું કામ જન્મ ધરીને કર્યું નથી એ ખરેખરૂં છે. પણ બેત્રણ વરસ થયાં મારી શાળામાં અથવા બીજે ઠેકાણે તમને જોતી ત્યારે મ્હારૂં મન તોફાની વહાણની જેમ થતું. પણ તમે ય પરખી શક્યા હો તો કહો કે ફલાણે દિવસે મેં તમારી પ્રકૃતિમાં આવા ફેરફાર જોયા હતા! તમે મને આ દુનિયાની સ્ત્રી ધારશો જ નહિ. મારે મોઢે મારી કવિતા સાંભળવા ભલભલા પુરૂષો ઈચ્છા રાખતા ને રાખે છે. પણ હું એવી અભિમાની છું કે જેના ઉપર મારો ભાવ ન હોય તે મોટો ચક્રવર્તી હોય તો ય પત ન કરૂં. તમે તો મને અંતઃકરણથી જ કાંઈ દિસો છો એટલે મારા શરીરને છેલ્લી વારે હાનિ પહોંચવા લાગી ત્યારે બધું ય કોરે રહ્યું… મેં જે કાંઈ જ્ઞાન મેળવ્યું છે તે પુસ્તકો વાંચીને જ. ને હજુ પણ એ બાબત હું કેવું સમજું છું તે કોઈ જાણતું નથી ને જણાવીને કામે શું છે? ઉલટું સ્ત્રીનું ઉંડાણ જાણી સારા વિચાર બાંધનારા થોડા ને નઠારા બાંધનારા ઘણા. વળી મારા મનમાં એવો અભિમાન હતો કે જે ન જાણે તે રહે તેમાં શું? પણ બધું જાણ્યા પછી રહે તે ખરી! પણ તે તો રહ્યો નહિ! તેનું કારણ મનગમતો ભર્તા મળ્યો નહિ તે જ. હું ઘણીએ સમજું છું કે મારે તમારા ઉપર શાને ક્રોધ કરવો જોઈએ? પણ એને બોલે મારી પ્રકૃતિ એવી જન્મની જ છે તે જતી નથી. હું નાની હતી ત્યારે મારી મા ચીડાય ત્યારે કહેતી કે, ‘લે ને આટલી બધી આડાઈ કરે છે પણ પાછી પિયેરનાં ઝાડ જોવા નહિ પામે’ ત્યારે હું કહેતી કે ‘હું પિયેર તરફ ઓશીકું કરીને સુનાર પણ નથી. જા તારે ગમે તો તેડવા મોકલજે.’ આવું સાંભળી તે બિચારી રડે પણ મારી ટેવ ગઈ જ નહિ! તેમાં હું જાણું જે મારી ઉપર સ્નેહ રાખે છે તેના ઉપર તો મને સહજ રીશ થઈ આવે. તમારે ને મારે શું? બાકી હું ધારૂં છું તેવું જોડું કોઈનું બંધાયું હોય તેનો રંગ જુદો જ ઉઠે!

આપ પોતાની મરજી પ્રમાણે લખીને તેના અર્થ ફેરવતાં વાર લગાડતા નથી. પણ જે રૂપે લખ્યું હોય તે જ રૂપે કબુલ કરો તો હું કાંઈ તમારો દંડ લેવાની છું? આવી વકીલાત મને પસંદ નથી. માટે મારી સાથે કૃપા કરીને જેમ બને તેમ સરળતા રાખવી. મારી સાથે એમ વાદ કરવા જ સંબંધ બાંધ્યો હોય તો મારામાં તમને જીતવાની શક્તિ નથી. માટે નમ્રતાથી કહું છું કે ‘હું હારી ને તમે જીત્યા !’ ‘હવે ક્ષમા કરો !’

આપ લખો છો કે ‘પ્રેમને હું ઇચ્છું છું પણ પાપથી ડરૂં છુ’ તો હું પણ તમારો જીવ કચવાવાને રાજી નથી. ભલે, તમે પાલન થાય એવો પ્રેમ મારા તરફ રાખશો. એમાં મારૂંએ ભલું જ છે. મારૂં મન ચોંટ્યું તો તમારા જેવા સુજ્ઞ પુરૂષ ઉપર ચોંટ્યું એથી હું મને ભાગ્યશાળી સમજું છું કે ‘અરે! મને ખરેખરા પાપના પંકમાંથી કાઢી તે એ નર મળ્યા તો જ.’ આપ મારા ઉપર પત્ર લખો તેમાં ગમે તેમ લખશો તે બધાથી હું રાજી થઈશ, પણ ‘હું તુચ્છને વીસરી જાઓ’ એવી આજ્ઞા કોઈ દિવસ કરશો માં. એ વચન વાંચીને મને બહુ દુઃખ થાય છે. માટે મારા પર દયા લાવી એમ ન લખવું. અરે ! શું હું તમને તુચ્છ જ ગણું છું અથવા તમારી ભક્તિ કરું છું તે તમારી આજ્ઞા માનીને કે મારી ખુશીથી જ તમને યાદ કરૂં છું? કે તમે કહેશો કે ‘વીસરી જાઓ’ એટલે વીસરી જઈશ ? બીજું તો શું લખું પણ દયારામમાં ‘સખી હું તો જાણતી જે સુખ હશે સ્નેહમાં’માં એ ગરબી વાંચવાની પ્રાર્થના કરું છું.

લિ. … … …

♣♣

પત્ર ૧૧

૧૪-૯-૮૫

બલા જાણે જીવાશે કે નહિ તેનો પણ ભરૂસો છૂટી ગયો છે. વૈદો તો જોઈ જોઈને નવી ગ૫ હાંકે છે. કોઈ કહે છે કે ‘ક્ષય થયો છે.’ કોઈ કહે છે ‘તંબોલીયો ક્ષય છે.’ આ સાંભળીને મણિકુંવર ને તમારા ભાઈએ તો મારા નામની પછેડી ઓઢી છે. પણ મને તો ધીરજ છે કે હમણાં હું તો કંઈએ નહિ મરૂં–વારૂ, મને કંઈ થાય તો તમને કંઈ થાય કે નહિ? બીજું તો શું પણ એટલું તો ખરું કે પ્રિયંવદામાં લખનાર એક અક્કલનું બારદાન બાઈ મળવા દુર્લભ ! વળી તે પણ આવી આવી ગમ્મત ને ચતુરાઈની પરિસીમા જેવી તમારા જોવામાં ભાગ્યે જ આવી હશે.

હું ધારૂં છું કે તમને કોઈ પત્ર લખવાની પ્રાર્થના કરતું હશે કે ‘સાહેબ, પત્ર લખશો, પત્ર લખવા કૃપા કરશો’ ત્યારે કલમ હાથમાં લેતા હશો, નહિ વારૂ? પણ અમે તો એમ જ કહીશું કે ખુશી હોય તો જ પત્ર લખવાની તસ્દી લેવી. મુંબઈ પધારવાના છો તેથી મુંબઈના ગવ૨નરને અમે કહી રાખ્યું છે કે શામળદાસ કોલેજના પ્રોફેસર સાહેબની સવારી આ માસ આખર મુંબઈ આવનારી છે તો નામદારે તમામ દરવાજા ખુલ્લા મુકવા. એમણે કહ્યું કે ‘ઠીક.’, જુઓ હસવા માટે લખ્યું છે માઠું લગાડશો નહિ.

લિ. … ના પ્રણામ.


દિવાળીબાઈના પત્રો‘ વિકિસ્રોત પરથી સાભાર લીધેલ છે.

1 comment for “દિવાળીબાઈના પત્રો – # ૧૦ અને # ૧૧

  1. Kishor Thakr
    October 14, 2019 at 5:28 pm

    હાસ્ય લેખક સ્વ. વિનોદ ભટ્ટે ‘મણિંલાલ ન દ્વિવેદીના આત્મવૃતાંત’ નો પરિચય વર્ષો પહેલા કોઇ છાપામં લખેલો અને ત્યાર બાદ બે ચાર મહિના પછી એ પુસ્તક મારા વાંચવામાં પણ આવેલો. અસાધારણ હિંમતથી તેમણે પોતના સ્ખલનો કબુલ્યા છે, અને આથી જ પોતાના મૃત્યુ પછી જ પુસ્તક પ્રગટ કરવાની જવાબદારી ધીરુભાઈ ઠાકરનેમાથે આવેલી , ધીરુભાઇ ઠાકરની હિંમત તો મણિલાલ દ્વિવેદીના મૃત્યુ પછી પણ આ પુસ્તક પ્રગટ કરવાની ન ચાલી પરંતુ તેમના પર દબાણ આવતા પ્રગટ કરવું પડેલું આ ઇતિહાસ તો જાણીતો છે, અત્યારે તો આ પુસ્તકની વિગતો ભૂલી ગયો છું અને દિવાળીબાઇના પત્રો તો યાદ જ નથી. આ પત્રો અહી ંં મૂકવા બદલ વે ગુ. નો આભાર માનું છું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *