રસ્તો..+ દ્વાર ખોલી જાય છે

Facebooktwitterredditpinterestlinkedinmail

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

              રસ્તો..

કાખઘોડીથી સરકતો હોય છે,
હાંફતો ચિક્કાર રસ્તો હોય છે.

ભીડનું ભેલાણ આઘું રાખવા,
પગરવોને એય કસતો હોય છે.

સાંજ પડતાં ટૂંટિયું વાળી પછી,
દર્દથી એ પણ કણસતો હોય છે.

શૂન્યતા એનેય ગભરાવે સતત,
હમસફરને એ તરસતો હોય છે.

આખરી મંઝિલ સુધી પહોંચાડવા,
એ પ્રયત્નો ખૂબ કરતો હોય છે.

મૂક સેવા, આશ બદલાની નહીં,
સ્થિરતા એનો શિરસ્તો હોય છે.

માર્ગભૂલ્યા માનવો માટે કદી,
એ પ્રગટ ગેબી ફરિશ્તો હોય છે.

ચામડી ‘ચાતક’ ભલે આસ્ફાલ્ટની,
લાગણીથી એ ધબકતો હોય છે.

                   + + +

                  દ્વાર ખોલી જાય છે

એક આંસુ આંખમાંથી બ્હાર ચાલી જાય છે,
ભીતરી સંવેદનાનું દ્વાર ખોલી જાય છે.

હોઠ પર આવી અને અટકી ગયેલી વાતને,
આંખમાં થીજી ગયેલા ભાવ બોલી જાય છે.

કોઈની ઉત્તેજના, આંસુ, વ્યથા, આઘાતને
ફેરિયો વાંચ્યા વિના સસ્મિત તોલી જાય છે !

ને હૃદયના કોઈ ખૂણામાં મુકેલી લાગણી
બર્ફની માફક સમય બિન્દાસ છોલી જાય છે.

ઝૂમવા માટે મદિરા જોઈએ એવું નથી,
પ્રેમમાં માણસ વિના પીધેય ડોલી જાય છે.

કોઈ તો સંબંધ ‘ચાતક’ એમની સાથે હશે,
એમના દર્દો મને શું કામ ફોલી જાય છે ?


લોસ એન્જેલસમાં રહેતા ગઝલકાર શ્રી દક્ષેશ કોન્ટ્રાક્ટરની ગઝલો અગાઉ વે.ગુ.પર પ્રસિધ્ધ થઈ ચૂકેલી છે. ‘ચાતક’ નામે તખલ્લુસથી લખતા દક્ષેશભાઈની ચોટદાર ગઝલો કાબિલેદાદ હોય છે.

તેમનો બ્લોગઃ http://www.mitixa.com.

વેગુ’ સાહિત્ય સમિતિ વતી…દેવિકા ધ્રુવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *