પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પત્ર નં. ૧૨

નયના પટેલ, લેસ્ટર, યુકે.

પ્રિય દેવી,

મારા ગયા વખતના પત્રમાં મારા સ્વભાવ વિરૂધ્ધ થોડી ગંભીર થઈ ગઈ હતી નહી? હમણા જ પૂજ્ય મુરારીબાપુનું એક વાક્ય વાંચ્યું, ‘રડતાં તો જીંદગી શીખવશે, હસતા શીખો, સાહેબ.’બસ, એ મુજબ હંમેશા હસતી–રમતી નીનાને જીંદગીએ રડતા શીખવ્યું છે તેનો આછેરો ચિતાર આપ્યો.બાકી તો ‘જો તુમ હંસોગે તો દુનિયા હંસેગી, રોએંગે તુમ, તો ના રોયેગી દુનિયા’ ને હંમેશા હું અનુસરું છું.

હવે આવું તારા પત્રના વિષયો તરફ. સાચ્ચે જ તારા મોટાભાઈએ રાખેલા દીવાદાંડી સમાન વાક્ય– ‘એ દિવસો પણ વહી જશે’ ને સલામ. એ વાક્ય વાંચવું સહેલું છે પરંતુ જીવનના કેટલાંક વળાંકો પર આવું હકારાત્મક વલણ રાખવું કેટલું મુશ્કેલ છે તેનો સ્વાનુભવ પણ છે.

હવે તેં લખેલા પેલા ભારતીય છોકરાની પ્રમાણિકતાની વાત. પૂ.પાંડુરંગ શાસ્ત્રીએ કરેલી એક વાત યાદ આવી. તેમણે કહ્યું હતું કે, ‘ ભારત બહાર રહેતો દરેક ભારતીય ભારતનો પ્રતિનિધિ/એમ્બેસેડર છે. આપણું વર્તન, વાણી અને વિચારનું પ્રતિબિંબ કેવું પડે છે તેને માટે દરેકે સજાગ રહેવું જોઈયે. પોતાના ઘરે થીંગડાવાળા કપડાં ચાલે; બહાર નીકળીએ ત્યારે વ્યવસ્થિત રહેવું જોઈયે’. કેટલું સાચું છે!

માત્ર લોહીમાં વણાયેલા સંસ્કાર ઉપરાંત પણ આપણે કામ કરવું પડશે અને હું ખાસ કરીને યુ.કે.ની વાત કરું છું. મેં ૯ વર્ષ અહીં યુથવર્કરનું કામ કર્યું છે અને ખાસ કરીને આપણા એશીયન યુથ સાથે. દેવી, હું નકારાત્મક વાત નથી કરતી પરંતુ વાસ્તવિકતા એ છે કે ત્રણ ત્રણ સંસ્કૃતિને ત્રિભેટે ઊભેલો યુવાન માર્ગદર્શન માંગે છે. ત્રિભેટે એટલા માટે કહું છું કે અમારે ત્યાં મોટા ભાગના એશિયનો આફ્રિકાથી આવ્યા છે. એટલે મૂળ ભારતથી આવેલા પૂર્વજોનો સાંસ્કૃતિક વારસો, આફ્રિકાની થોડી અસર અને હવે પશ્ચિમની સંસ્કૃતિમાં ઉછરતો આપણો યુવા વર્ગ.

કમાવા માટે જ ભારત બહાર નીકળેલા માતા–પિતાનું ધ્યેય પહેલું કમાવાનું એટલે બાળકને જોઈતો સમય આપી ન શકવાની તેમની મજબૂરી, સાથે સાથે પહેલી પેઢી અહીં સ્થાઈ થયેલી તેમને નડતો ભાષાનો પ્રોબ્લેમ અને વિપરિત સાંસ્કૃતિક મૂલ્યો વચ્ચે ભીંસાતો આપણો યુવાન!

તેં લખ્યું છે તેમ, આપણે ન્યાયાધીશ કે વકીલ ન બનીએ, આવતી પેઢીના માર્ગદર્શક બનીએ અને તે પણ‘ઑપન માઈન્ડ’ રાખીને, તેમની સંવેદનાને આત્મસાત કરીને અને સહાનુભૂતિ સાથે સાથે વાસ્તવિકતાનો  સ્વીકાર કરીને.

ઉપર લખેલું બધું જ કરવા ઉપરાંત આપણે સૌએ ‘સાંભળતા’ શીખવાની જરુર છે એવું તને નથી લાગતું?આદરણીય ફાધર વાલેસે ‘શબ્દલોક’ નામના એમના પુસ્તકમાં વાતચીતની કળા પર ખૂબ સરસ લખ્યું છે– ‘ વાતચીતનો પહેલો ધર્મ સાંભળવાનો છે. કાનથી સાંભળો, મનથી સાંભળો, દિલથી સાંભળો વચ્ચે બોલવાનું નહી……બરાબર સાંભળ્યું એટલે બોલવાનો અધિકાર મળ્યો, એનો પૂરો ઉપયોગ કરો–પૂરી સમજણ સાથે’. આજના યુવાનોને વડીલો તરફથી ઉપદેશ મળે, ક્યાં તો સલાહ–સૂચનો મળે કે ક્યાંતો‘અમારા જમાનામાં…’ અથવા ‘તમારા કરતાં…’!!!!!!!!

આપણે એ લોકોને ફાધર વાલેસે કહ્યું તેમ સમય ફાળવીને, દિલથી–મનથી અને સંવેદના અને સહાનુભૂતિથી સાંભળીયે–પછી એ પૂર્વ હોય કે પશ્ચિમ. આપણે વડીલોએ સાંભળવાની કળા શીખવી જોઈએ એમ મને લાગે છે. ભણતર તેમાં થોડો ભાગ ભજવે તો સારું છે. જેમકે આજના જમાનાને સમજવા માટે તેમની પાસે વાંચન, મોર્ડન ટેકનોલોજી વિષેનું જ્ઞાન અને દુનિયાની માહિતી ધરાવતા હોવાથી થોડું‘ઓપન માઈન્ડ’ હોવું જોઈએ.

મને લાગે છે અમેરિકામાં કદાચ પરિસ્થિતિ જુદી હશે કારણ મોટા ભાગના એશીયનો ભારતથી આવી વસ્યા છે વળી અમેરિકન કાયદા મુજબ લગભગ વ્યવસાયિક લોકો વધારે હશે–એટલે કે ભણેલા લોકો વધારે હશે–ત્યાંની પરિસ્થિતિ જણાવજે, વાંચવું ગમશે.

યાર, વિષયો જ એવા નીકળે છે ને કે ન થવું હોય તો ય ગંભીર થઈ જવાય!

તેં ‘કુંભારના ચાકડા…’ના લેખકના નામ વિષે પૂછ્યું છે, પરંતુ યાર, આટલા વર્ષો પછી સાચે જ યાદ નથી.આટલા વર્ષોની ક્યાં વાત કરું, હું ભારત ગઈ તે પહેલાં મેં મારા ફાઈલિગ કેબિનેટની ચાવી ખબર નહી ક્યાં રાખી છે આટલા દિવસો થઈ ગયા – પ્રયત્ન કરી કરીને થાકી ગઈ, યાદ જ નથી આવતું!

બદામની બરણી પૂરી થઈ ગઈ પણ બદામ લાવવાનું પણ આજે ભૂલી ગઈ, માનીશ!

હવે બીજી એક હસવાની વાત લખી વિરમું– મેં આગળ લખ્યું તેમ અહીં આવેલા પ્રથમ હરોળની પેઢીના જેમનું અંગ્રેજી ભાષાનું જ્ઞાન ઓછું હતું તેવા બહેને મને એકવાર એમને ઘરે ‘ડેમોલિશન’માં જવા આમંત્રણ આપ્યું! મેં પૂછ્યું, ‘ કેમ, કાંઈ ભાંગતોડ કરવાની છે?’ તો કહે ‘ના, ના, ટપરવૅરનું ડેમોલેશન (કહેવા માંગતા હતાં’ડેમોસ્ટ્રેશન’) છે!!!

ચાલ હસવું આવ્યું કે નહી તે લખજે.

નીનાની સ્નેહયાદ

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.