શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓ : ૧૯૫૩

Facebooktwitterredditpinterestlinkedinmail

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ

સંગીતકાર બેલડી તરીકે શંકર જયકિશનનું ટીમવર્ક ઉદાહરણીય રહ્યું છે. તેમના વચ્ચે જેટલી વ્યાવસાયિક સંવાદિતા હતી એટલી જ ઘનિષ્ટ તેમની અંગત દોસ્તી હતી. તેમની સદાસાથી ગીતકાર બેલડી, શૈલેન્દ્ર અને હસરત જયપુરી, સાથે તેમનાં સંયોજને આપણને એક નવીન પ્રયોગોશાળી, અદ્‍ભૂત સર્જનાત્મક સંગીત ચતુષ્કોણ પૂરો પાડ્યો. આ ચતુષ્કોણનાં ‘બાદલે’ લાંબા સમય સુધી, સતત, અવનવાં, મધુર, સુગેય ગીતોની ધોધમાર ‘બરસાત’માં આપણને ભીંજવ્યાં છે. ફિલ્મ જગતના ફટકિયા સંબંધોની દુનિયામાં, આટઆટલી સફળતા પછી પણ આ ચારેયનો સંબંધ, આટલા લાંબા સમય સુધી, કેમ નાની સરખી પણ તિરાડ વગરનો રહ્યો, એ આજે પણ નવાઈ પમાડતો વિષય છે. સંગીતના બે બીનપરંપરાગત કસબીઓએ હિંદી ગીતોના શબ્દોના જાદુગરો સાથે જે કામ કર્યું તે હિંદી ફિલ્મ સંગીતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું પ્રકરણ બની રહ્યું છે.

ઓક્ટોબર શંકરનો જન્મ મહિનો (૨૫ ઓક્ટોબર, ૧૯૨૨ – ૨૬ એપ્રિલ, ૧૯૮૭) છે. ગયાં વર્ષથી તેમની યાદમાં આપણે દર ઓક્ટોબર મહિને, શૈલેન્દ્રનાં ગીતોની શંકર (જયકિશન)ની સંગીત રચનાઓને યાદ કરવાનો ઉપક્રમ શરૂ કરેલ છે. હયે વર્ષે આપણે તેમનાં ૧૯૪૯થી ૧૯૫૩નાં વર્ષોનાં વીસારે પડી રહેલાં ગીતોને યાદ કર્યાં હતાં. ૧૯૫૩નું વર્ષ શંકર જયકિશનની અત્યાર સુધીની મહેનતની લણણીનું વર્ષ હતું. સાત ફિલ્મો અને ૫૫ જેટલાં ગીતોનો મબલખ પાક તેમણે તેમના ચાહકોને પીરસ્યો હતો. આ સાત ફિલ્મો પૈકી આપણે ગયા વર્ષના અંકમાં ‘આહ’ આસ’ અને ‘બુટ પોલિશ’નાં કેટલાંક ગીતો સાંભળી ચૂક્યાં છીએ. આજે આપણે ૧૯૫૩ની બીજી ચાર ફિલ્મોનાં ગીતોને યાદ કરીશું.

આડવાત

સમાંતરે, હસરત જયપુરીની (શંકર) જયકિશને સંગીતબધ્ધ કરેલાં ગીતોની લેખમાળા પણ આપણે ‘વિસરાતી યાદો…સદા યાદ રહેતાં ગીતો’ના મચ પર માણી રહ્યાં છીએ.

ઔરત (૧૯૫૩)

ફિલ્મનાં શીર્ષક પરથી આ ફિલ્મને પરંપરાગત નારીવાદી ફિલ્મ માની લેવાની ભૂલ કરવા જેવું નથી. ગ્રીક પુરાણશાસ્ત્રની સેમસન અને ડેલાઈલાહની કથા પરથી પ્રેરીત આ ફિલ્મનું કેન્દ્ર ડેલાઈલાહને સમાંતરે રચાયેલું મુખ્ય નાયિકાનું પાત્ર છે. ફિલ્મના પર્દા પર તે પાત્ર બીના રાયે અદા કર્યું હતું.

દર્દ-એ-જિગર ઠહેર જ઼રા…દમ તો મુઝે લેને દે – લતા મંગેશકર

નાયિકા પોતાના પ્રેમીજનની યાદને ગીતમાં ગાતી જાય એવી સીચ્યુએશન હિંદી ફિલ્મોમાં બહુ સામાન્યપણે પ્રચલિત રહી છે. ગીતના પ્રારંભમાં પિયાનોના મંદ મંદ સ્ટ્રોક મૂકીને શંકર જયકિશને ગીતની વાદ્ય રચનાને પોતાનો આગવો સ્પર્શ આપ્યો છે. પછીથી તેમના આવા અભિનવ પ્રયોગ માટે તેમના ચાહકો ચાતક ડોળે રાહ જોતાં. શંકર જયકિશનની સામાન્યતઃ પરિચિત શૈલી કરતાં ગીતની ધુન અઘરી જણાય છે.

દર્દ-એ-ઉલ્ફત છુપાઉં કહાં, દિલકી દુનિયા બસાઉં કહાં – લતા મંગેશકર

ગીતમાં પ્રેમના એકરારની ખુશી છલકે છે. અહીં પણ કાઉન્ટર મેલોડી તેમજ અંતરાનાં સંગીતમાં પ્રયોજાયેલ હાર્મોનિયમના ટુકડા ગીતના ભાવને અલગ ઉઠાવ આપે છે.

યે દુનિયા બનાઈ હૈ કિસ બેરહમને – લતા મંગેશકર

કરૂણ ભાવને વણી લેતું આ ગીત ફિલ્મમાં બીજી નાયિકા પર ફિલ્માવાયું છે. હિંદી ફિલ્મો વિશે સારી જાણકારી ધરાવતા બ્લૉગ લેખકોના કહેવા મુજબ એ અભિનેત્રી પૂર્ણિમા રાઝી છે.

નયા ઘર (૧૯૫૩)

ફિલ્મમાં શૈલેન્દ્રએ, લતા મંગેશકરનાં સ્વરમાં રેકોર્ડ થયેલાં, ત્રણ સૉલો ગીતો લખ્યાં છે. આપણે તે પૈકી એક સૉલો ગીત અહીં લીધું છે. તે સાથે તલત મહમૂદનું એક ખુબ જાણીતું રહેલું સૉલો ગીત પણ ફરી યાદ કર્યું છે.

જવાં હૈ જહાં ઝૂમ ઊઠી હર નજ઼ર, મૈં હૂં કે જીંદગી હૈ ઝહર – લતા મંગેશકર

ફરી એકવાર ગીતની રચના થોડી મુશ્કેલ અંદાજમાં છે. નહિવત કાઉન્ટર મેલોડીની વાદ્ય સંગત અને બીજા અને છેલ્લા અંતરામાં લયમાં થતો સુક્ષ્મ ફેરફાર શંકર જયકિશનની પ્રયોગશીલતાની સાહેદી પૂરે છે.

ઉન્હેં તૂ ભુલ જા અય દિલ, તડપને સે ક્યા હાસિલ – તલત મહમૂદ

પિયાનોના સૂરની આસપાસ વણાયેલ ગીતનો વાદ્યપૂર્વાલાપ શંકર જયકિશનનાં ગીતોની આગવી પહેચાનનો એક યાદગાર નમૂનો છે. તલત મહમૂદના સ્વરમાં ગવાયેલું ગીત તેમની કારકીર્દીના સદાબહાર ગીતોમાં સ્થાન મેળવતું રહ્યું છે.

પતિતા (૧૯૫૩)

દેવ આનંદ માટે શંકર જયકિશને તલત મહમુદના સ્વરને મ્હોર મારી છે. તલત મહએમૂદના સ્વરમાં ગવાયેલાં ત્રણે ત્રણ ગીત – અંધે જહાં કે અંધે રાસ્તે, તુઝે અપને પાસ બુલાતી હૈ તેરી દુનિયા અને હૈ સબસે મધુર વો ગીત– શંકર જયકિશન, શૈલેન્દ્ર અને તલત મહમૂદ એમ ત્રણેયની શ્રેષ્ઠ રચનાઓમાં સ્થાન પામે છે. હસરત જયપુરીએ લખેલું એક માત્ર ગીત, હેમંત કુમાર અને લતા મંગેશકરે ગયેલું યુગલ ગીત યાદ કિયા દિલને કહાં હો તુમ પણ સદાબહાર ગીત બની રહ્યું છે. લતા મંગેશકરનાં સ્વરમા રેકોર્ડ થયેલાં બીજાં બે ગીતો પણ એટલાં જ યાદગાર હોવા છતાં આ ચાર ગીતોની લોકચાહનાના પડછાયાં ઢંકાઈ જતાં લાગે છે.

કિસીને અપના બનાકે મુઝકો મુસ્કરાના સિખા દિયા – લતા મંગેશકર

‘જે ખ્વાબ રાતે પણ નથી આવતું, તે દિવસમાં સાચું પડી રહે છે’ જેવા સરળ શબ્દો અને એટલી જ સરળ ગીત રચના, વાંસળીનાં પ્રાધાન્ય સાથેના પૂર્વાલાપ અને વાયોલિન સમુહનો અંતરાનાં સંગીતમાં અભિનવ સ્વરૂપે રજૂ થતો પ્રભાવ આપણને ગીતના ભાવ સાથે એકરસ કરી મૂકે છે.

મિટ્ટી સે ખેલતે હો બાર બાર કિસ લિયે, ટૂટે હુએ ખિલોનોંસે પ્યાર કિસ લિયે – લતા મંગેશકર

માટી સાથે અને ટૂટેલાં રમક્ડાં સાથે રમતાં બાળકની મજબૂરીનાં રૂપકને શૈલેન્દ્રએ નાયિકાનાં દિલનાં દુઃખ સાથે વણી લીધેલ છે. રહી રહીને ઉત્કટ થતી દૂઃખની પીડા અંતરાની પહેલી પંક્તિની ઊંચા સ્વરમાં થતી શરૂઆત વડે શંકર જયકિશને મૂર્ત કરી છે. આખાં ય ગીતમાં સાથ આપતું કાઉન્ટર મેલોડી વાદ્યસંગીત ગીતના ભાવ અને માધુર્યને વધારે ગહન બનાવવામાં સુક્ષ્મ ફાળો નોંધાવે છે.

શિકસ્ત (૧૯૫૩)

દિલીપ કુમાર અને નલિની જયવંતની મુખ્ય ભૂમિકાઓ સાથેની આ ફિલ્મ પહેલી વાર રજૂ થઈ ત્યારે બહુ સફળ નહોતી ગણાઈ. પણ, પછીથી જ્યારે જ્યારે તે રજૂ થતી ત્યારે તેનાં ગીતોના ચાહક વર્ગે એવી દરેક રજૂઆત વખતે આ ફિલ્મને થિયેટરમાં માણી હતી.

હમ તો હૈ કઠપુતલી કાઠ કે હે રામ – હેમંત કુમાર

સંકર જયકિશને તપ્ત દિલોને ઈશ્વરના હાજરીથી શાતા આપતાં ગીતને અનુરૂપ બની રહે તેમ હેમંત કુમારના ધીર ગંભીર સ્વરનો બહુ અસરકારક પ્રયોગ કર્યો છે.

સપનોં કી સુહાની દુનિયા કો આંખોંમેં બસાના મુશ્કિલ હૈ – તલત મહમૂદ

‘દિદાર’ (૧૯૫૧)થી નૌશાદે ભલે દિલીપ કુમાર માટે મોહમ્મદ રફીના સ્વરનો સફળ પ્રયોગ કરી લીધૉ હતો એવા સમયે શંકર જયકિશને તલત મહમૂદના સ્વરને પસંદ કર્યો અને તલત મહમૂદનું એક વધુ અમર ગીત આપણી સમક્ષ રજૂ કરી દીધું.

જબ જબ ફૂલ ખીલે.. દેખ અકેલા હમેં ઘેર લિયા ગ઼મને – તલત મહમૂદ, લતા મંગેશકર

તલત મહમૂદ અને લતા મંગેશકરનાં યુગલ ગીતમાં આપણને જે કંઈ અપેક્ષા હોય તે બધી જ અપેક્ષાઓ શૈલેન્દ્ર અને શંકર જયકિશન એકદમ સહજતાથી પૂરી કરે છે.

ગુલશનમેં જલ રહા હૈ ઉલ્ફતકા આશિયાના – મોહમ્મદ રફી

ફિલ્મના કરૂણ અંતની ચોટને ધારદાર કરવા શંકર જયકિશને મોહમ્મદ રફીને યાદ કર્યા.

મોહમ્મદ રફીના સ્વરની આ એક પંક્તિ પણ આપના આજના અંકની પરંપરાગત પૂર્ણાહુતિને સંપૂર્ણ કરવા માટે પૂરતી બની રહે છે.

૧૯૬૦ના દાયકાનાં ગીતોની સરખામણીમાં સંગીતનાં દરેક પાસાંમાં ચાર આંગળી ચડતાં હોવા છતાં ઓછાં પુરસ્કૃત થયેલાં ૧૯૫૦ના દાયકાનાં ગીતોની આપણી સફર હજૂ પણ એટલી રસપ્રદ છે…

4 comments for “શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓ : ૧૯૫૩

 1. Bhagwan thavrani
  October 12, 2019 at 7:30 am

  અદભુત દુનિયા..અદભુત ધૂનો..અદભુત કવિતાઓ..કેવા કેવા કલાકારો !
  આપણને એવું લાગે કે એ દુનિયામાંથી બહાર નીકળી વાસ્તવિક ( અને એય આજના ! ) જગતમાં નથી જવું. ત્યાં જ પડ્યા-પાથર્યા રહીએ !
  આભાર !

  • October 13, 2019 at 9:19 am

   એ સમયનાં ફિલ્મ સંગીતની દુનિયામાં ડૂબકી માર્યા અપ્છી એક પછી એક અદ્‍ભૂત અનુભવો થતા રહેતા જ હોય છે. તે અનુભવોની મસ્તીમામ્થી ક્યારેય બહાર ન આવીએ એ લાગણી સાથે ૧૦૦ % સહમત.

 2. Samir
  October 12, 2019 at 2:56 pm

  આ ગીતો એક જુદીજ દુનિયા માં લઇ જાય છે ! એક વાત અલગ છે કે આ ગીતો લોકપ્રિયતા ની દ્રષ્ટીએ કદાચ પહેલી હરોળ માં નહિ આવતા હોય પણ શોખીનો ના મન માં કાયમ માટે વસેલા છે.
  ખુબ આભાર !

  • October 12, 2019 at 3:55 pm

   હિંદી ફિલ્મોની વ્યાવસાયિક સફળતા માટે તેના બોલ, ધુન, ગાયકી, પર્દા પરની રજૂઆત જેવાં બધાં જ અંગ સામાન્ય શ્રોતા પણ સ્રળતાથી ગણગણી શકે તેમ હોય તેવું માની શકાય.
   ‘૫૦નો દાયકો એવો હતો કે જેમાં બોલ અને સંગીતની ગુણવત્તા સાથે બાંધછોડ કર્યા સિવાય સફળ રચના બનાવવ અપર મોટ અભાગન સંગીતકારોનો ઝોક રહેતો હતો.
   ‘૬૦ના દાયકામાં ફિલ્મોને ટિકિટબારી સફળ કરવ અમાટે તેનાં ગીતો પણ સફળ થાય તે ઉપર વધરે ભાર અપાવા લાગ્યો, જેને કારણે ગીતોની ગુણવત્તાનો ક્ષય થતો ગયો. ગીતો સફળ વધારે થતાં પણ તેમની શ્રોતાઓની યાદદાસ્તમાં આવરદા ઘટતી ગઈ.

   એ ગીતો લગભગ દરેક ફિલ્મ સંગીત ચાહકે અનેક વાર સાંભળ્યાં પણ હશે.
   આપણે એવાં સફળ ગીતો સિવાયનાં ગીતોને યાદ કરવાનો જ ઉપક્રમ રાખેલો છે.
   આપણે પણ આ ભિગમ પસંદ પડેલ છે તે આનંદની વાત છે અને આ પ્રકારની વધારે રોચક સામગ્રી તૈયાર કરવા માટેનું પ્રેરક બળ પૂરૂં પાડે છે.

   ખુબ ખુબ આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *