સાયન્સ ફેર : શું આફ્રિકા ખંડ બે ટુકડાઓમાં વહેંચાઈ જશે?

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

એવું કહેવાય છે કે ટેક્ટોનિક ગતિવિધિઓને કારણે ૪ થી ૫ કરોડ વર્ષ પહેલા એક મસમોટ્ટો ભૂખંડ યુરેશિયન પ્લેટથી છૂટો પડેલો. આ ભૂખંડ એટલે જ આજનો ભારતીય ઉપખંડ. મૂળ પ્લેટથી છૂટો પડેલો આ ભૂખંડ આશરે છ હજાર કિલોમીટર કરતાં ય વધુ અંતર કાપીને એશિયન પ્લેટ સાથે જોડાયો! અને આ જોડાણ પહેલા ઇન્ડિયન ભૂખંડ અને એશિયન ભૂખંડ વચ્ચેના જબરદસ્ત ટકરાવને કારણે જે ગેડ પ્રકારની અઢી હજાર કિલોમીટર લાંબી પર્વતમાળા ઉદભવી, એ જ આપણો હિમાલય!

અહીં મહત્વની વાત એ છે કે હિમાલયની રચના જેને કારણે થઇ, એ પ્રકારની ટેક્ટોનિક એક્ટિવીટીઝ આજે પણ સતત ચાલુ જ છે. જો કે આધુનિક યુગમાં હિમાલય જેવી કોઈ મોટી ઘટના નોંધાઈ નથી. પરંતુ ગયા વર્ષે કેન્યામાં જે બન્યું, એણે હિમાલયની ઉત્પત્તિ માટે જવાબદાર પરિબળોની યાદ અપાવી દીધી!

૨૦૧૮ના માર્ચ-એપ્રિલ મહિના દરમિયાન કેન્યાના એક હાઈવેને કાપતી મોટી તિરાડ જોવા મળી. ભારે વરસાદને પગલે આ તિરાડનું કદ વધતું ગયું. જમીનમાં પડેલી આ તિરાડ એવડી મોટી અને લાંબી છે કે ભૂસ્તરશાસ્ત્રીઓ સાઉથ આફ્રિકામાંથી એક આખો ભૂખંડ – જમીનનો મોટો ટુકડો છૂટો પડી જવાની આગાહીઓ કરી રહ્યા છે! શું ખરેખર આવું થશે? અને જો આવું બને તો આફ્રિકામાંથી છૂટો પડેલો એ ભૂખંડ દરિયામાં તરતો રહીને નવા ટાપુની રચના કરશે? કરોડો વર્ષો પહેલા તો માનવનું અસ્તિત્વ જ નહોતું એટલે ત્યારે બહુ વાંધો ન આવ્યો, પણ આજની તારીખે જો આવી મહાન ઘટના બને તો તો આ ખંડો પર જીવતી માનવ વસ્તીનો તો ખુરદો જ બોલી જાય ને?! આ બધા પ્રશ્નો વચ્ચે ધરપત આપે એવી બાબત એ જ છે કે ખરેખર આવી કોઈ ઘટના જો આકાર લેશે તો એમાં અનેક સદીઓનો સમય લાગી શકે છે. એટલે હાલ પૂરતું આપણે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ આવી ઘટનાના વૈજ્ઞાનિક પાસાઓનો અભ્યાસ તો કરવો જ પડે ને!

સૌથી પહેલા એ સમજી લઈએ કે હાલના સમયમાં પૃથ્વી જે સ્વરૂપે છે, એ કઈ રીતે શક્ય બન્યું. ટેક્ટોનિક પ્લેટ્સના હલનચલન માટે જવાબદાર પરિબળો કયા, એ વિષે વૈજ્ઞાનિકો વચ્ચે સંવાદ-વિવાદ ચાલ્યા કરે છે. મોટા ભાગના વૈજ્ઞાનિકો આલ્ફ્રેડ વેગનર (ઇસ ૧૮૮૦-ઇસ ૧૯૩૦) દ્વારા પ્રસ્તુત કરાયેલી થિયરીને આધારભૂત માને છે. હાલમાં પૃથ્વીના ગોળા ઉપર સાત ખંડો છે : આફ્રિકા, એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા, યુરોપ, ઉ. અમેરિકા અને દ. અમેરિકા. પરંતુ આલ્ફ્રેડની થિયરી મુજબ આશરે ૨૦૦ મિલિયન વર્ષો પહેલા પૃથ્વીના ગોળા ઉપર માત્ર એક જ મોટો ભૂખંડ હતો. વૈજ્ઞાનિકો આ ભૂખંડને ‘પેન્જીયા’ (Pangaea) તરીકે ઓળખાય છે. સમયાંતરે જમીનના આ અતિવિશાળ ખંડમાંથી નાના-મોટા ટુકડાઓ છૂટા પડતા ગયા, જે બાદમાં અલગ અલગ ખંડોના નામે ઓળખાયા. સહુથી પહેલા પેન્જીયાનો એક મોટો હિસ્સો, જે ‘ગોન્દવાના’ તરીકે ઓળખાયો, એનું વિભાજન થયું અને આફ્રિકા, સાઉથ અમેરિકા, એન્ટાર્કટિકા જેવા ખંડો અને માડાગાસ્કર અને ભારતનો વિસ્તાર છૂટા પડ્યા. એમાં વળી માડાગાસ્કર અને ભારતનો જે ભૂખંડ હતો, એમાંથી ભારત દેશ છૂટો પડ્યો અને માડાગાસ્કર એક ટાપુ તરીકે રહી ગયો. છૂટો પડેલો ભારતીય ભૂખંડ દર વર્ષે ૧૫ સેન્ટીમીટરની (૬ ઈંચ) ઝડપે ‘યુરેશિયા’ (યુરોપ+એશિયા) તરફ ઓળખાતા ભૂખંડ તરફ સરકવા માંડ્યો. અગાઉ જણાવ્યું એમ, જ્યારે યુરેશિયા સાથે એની ટક્કર થઇ, ત્યારે આ ટક્કરને પ્રતાપે હિમાલય પર્વતમાળાની રચના થઇ. માડાગાસ્કર અને ભારતીય ભૂખંડની જેમ જ ગોન્દવાનામાંથી ઓસ્ટ્રેલિયા ખંડ પણ છૂટો પડ્યો. આ રીતે પેન્જીયા નામના એક જ ખંડમાંથી સમયાંતરે કુલ સાત ભૂખંડો અસ્તિત્વમાં આવ્યા. આ બધા માટે જવાબદાર હતી ટેકટોનિક પ્લેટ્સની ગતિવિધિઓ.

Major-tectonic-plates-on-earth | Credit: https://www.worldatlas.com/articles/major-tectonic-plates-on-earth.html

સાદી સમજણ માટે પૃથ્વીના પેટાળને ત્રણ ભાગમાં વહેંચીએ. સૌથી અંદર – કેન્દ્રમાં લાવારસ રહેલો છે. એની આસપાસનો જાડો થર ‘મેન્ટલ’ તરીકે ઓળખાય છે, જે ૨,૯૦૦ કિલોમીટર જેટલું જાદુ થર ધરાવે છે. મેન્ટલની આસપાસ ૧૦થી માંડીને ૭૦ કિલોમીટર જેટલી જાડાઈ ધરાવતો પોપડો રહેલો છે, જે પૃથ્વીનું સૌથી બાહરી આવરણ છે. આ પોપડો ક્રસ્ટ તરીકે ઓળખાય છે. આ ક્રસ્ટ અને મેન્ટલનો બહારી હિસ્સો ભેગા થઈને ‘લીથોસ્ફીયર’ની રચના કરે છે, જે અંદાજે ૧૦૦ કિમી જાડા સ્તરની રચના કરે છે. આ સ્તર ‘ટેકટોનિક પ્લેટ’ તરીકે ઓળખાય છે. (આ ટેકટોનિક પ્લેટ અંગેની સાદી સમજ છે.) હાલના સમયમાં પૃથ્વી ઉપર ૧૨ જેટલી પ્લેટ્સ છે. જ્યારે આ પ્લેટ્સ એકબીજા સાથે અથડાય ત્યારે એ અથડામણને કારણે પર્વત જેવી રચના થાય છે. થોડા સમય ઉપર પાકિસ્તાન નજીક સમુદ્રમાં આવો જ એક પર્વત ઉપસી આવેલો. કેન્યાની ઘટનામાં ઉંધુ બન્યું છે. પ્લેટ્સ એકબીજા સાથે અથડાવાને બદલે એકબીજાથી દૂર ખસી રહી છે. પરિણામે લીથોસ્ફીયરમાં તાણ પેદા થઇ અને આખરે આખા પોપડામાં તિરાડ પડી ગઈ. વૈજ્ઞાનિકોના મતે સમય સાથે આ તિરાડ પહોળી થતી જશે, આફ્રિકા ખંડ બે ભાગમાં વહેંચાઈ જશે અને એ બે ભૂખંડ વચ્ચે ભવિષ્યમાં કદાચ કોઈ નવું જળાશય કે દરિયો પણ બની જાય તો નવાઈ નહિ!

ટૂંકમાં, કુદરતના વિજ્ઞાનમાં ઊંડા ઉતરીએ તો એટલી સમજ પડે, કે માણસ પોતાના જીવનમાં ‘સ્થિર’ થવા ગમે એટલા ધમપછાડા કરે તો ય એનું જીવન આખરે તો ‘સ્લાઈડિંગ પ્લેટ્સ’ પર જ સરકી રહ્યું છે!


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.


Disclaimer: The images / videos in this post have been taken from net for non-commercial purpose. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *