ચેલેન્‍જ.edu :: ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી સારું બનાવવા ઉપાયો

Facebooktwitterredditpinterestlinkedinmail

રણછોડ શાહ

ઍમિટી સ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની શાળા છે. ભરૂચના ઔદ્યોગિક વિકાસને કારણે શાળામાં વિવિધ રાજયોના બાળકો અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ લે છે તથા મોટા ઉદ્યોગગૃહોમાં કામ કરતાં કર્મચારીઓની પત્નીઓ શિક્ષિકા તરીકે જોડાતા હોય છે. વિવિધ પ્રકારની સંસ્કૃતિ અને ભાષાની ઓળખ લઈને આવેલા આ વિદ્યાર્થીઓ અને નિયુકત થયેલ શિક્ષિકાબહેનો થકી આખુ સંકુલ મિની હિન્દુસ્તાન લાગે ! આ વાતાવરણમાં અભ્યાસનું માધ્યમ અંગ્રેજી હોય તે સ્વાભાવિક છે પણ ગુજરાતની અસ્મિતા જળવાઈ રહે તે હેતુથી ગુજરાતી શિક્ષકો દ્વારા ઉત્તમ ગુજરાતી શિખવાડાઈ રહ્યું છે. પણ આજે વાત કરવી છે ગુજરાતી માધ્યમમાં ઉત્તમ અંગ્રેજી શિક્ષણની.

ઉપર જણાવ્યા મુજબ અંગ્રેજી માધ્યમમાં ભણી સ્નાતક અને અનુસ્નાતક થયેલ શિક્ષિકાબહેનોના સીધા સંપર્કમાં અમારા ગુજરાતી માધ્યમના શિક્ષકો આવે તેથી અમારી શાળામાં વિશાળ કોમન સ્ટાફ રૂમ છે. દરેક ગુજરાતીભાષી શિક્ષક સાથે અંગ્રેજી બોલતા શિક્ષકોને બેસાડયા છે તથા વાતચીતનું માધ્યમ અંગ્રેજી સ્વીકારાયું છે. સ્ટાફ મિટીંગની સૂચનાઓ પરિપત્રો અંગ્રેજી ભાષામાં રજૂ થતા હોવાથી શિક્ષકો અંગ્રેજી શિખવા માટે તત્પર બન્યા છે. ગુજરાતીભાષી શિક્ષકોને શાળા સમય પહેલાં અંગ્રેજી ભાષા શિખવાના વિશેષ વર્ગો ચલાવાય છે, જેનું સંચાલન અમારા અંગ્રેજી માધ્યમના શિક્ષકો કરે છે.

ખાસ વાત તો એ છે કે અમારા ગુજરાતી માધ્યમમાં પહેલા ધોરણથી અંગ્રેજી માધ્યમનું અંગ્રેજી શિખવાય છે. રાષ્ટ્રીય કક્ષાના અંગ્રેજી અભ્યાસક્રમ મુજબના પુસ્તકો તૈયાર કરતા Oxford University Press, Orient Blackswan વગેરે દ્વારા પ્રકાશિત થયેલ English Reader, Grammar, Supplementary Reading વગેરે પુસ્તકો અંગ્રેજી માધ્યમ કરતાં બે ધોરણ નીચે રાખી ગુજરાતી માધ્યમમાં શિખવવામાં આવે છે. ઉપરાંત આ ભાષા શિખવનાર શિક્ષકો પણ અંગ્રેજી માધ્યમના હોય છે, જેથી વર્ગખંડમાં અંગ્રેજીનું ગુજરાતી ન થતાં અંગ્રેજી ભાષા અંગ્રેજીમાં શિખવાય છે. ખૂબ સરળ અંગ્રેજીમાં બોલતા આ શિક્ષકો ધોરણ–૧માં અભિનય અને હાવભાવની મુદ્રા ધારણ કરી અંગ્રેજી શબ્દોના ભાવ પ્રગટ કરે છે. ખૂબ જ ધીરજ રાખી બાળકોને સૌ પ્રથમ સાચું અંગ્રેજી સંભળાવવાનો પ્રયાસ કરાય છે તથા તે જ રીતે બોલવા માટે પ્રોત્સાહન અપાય છે. આમ વાતચીતના માધ્યમથી અંગ્રેજી શીખવા–શિખવવાનો અભિગમ દાખલ કર્યો છે.

The times Of India દ્વારા પ્રગટ થતું Student Special ગુજરાતી માધ્યમના ઘણા વિદ્યાર્થીઓ હોંશે હોંશે વાંચે છે. વિષયશિક્ષક આ સમાચાર વાંચી–વંચાવી પાઠયપુસ્તકની બહારની દુનિયામાં લઈ જાય છે. શાળાના પુસ્તકાલયમાં એવા ઘણાં પુસ્તકો એવા છે જેનો અંગ્રેજી અનુવાદ અથવા ભાવાનુવાદો ઉપલબ્ધ હોય. અહીં ગુજરાતી શિક્ષક આ પુસ્તક વિશે ગુજરાતીમાં વાત કરી મૂળ અંગ્રેજી પુસ્તક વાંચવાની ભલામણ કરે છે. નેશનલ બુક ટ્રસ્ટના આવા પુસ્તકો થકી શિક્ષકો ખૂબ સમૃધ્ધ બન્યા છે.

અંગ્રેજી શબ્દભંડોળ વધારવા વર્ગના બુલેટિન બોર્ડ પર ચિત્રો અને શબ્દો વારંવાર પ્રગટ કરાય છે. પ્રાર્થના સંમેલનમાં દરરોજ Thought of the day, News reading અંગ્રેજીમાં થાય છે. સહઅભ્યાસ પ્રવૃત્તિઓ વેળાએ વિદ્યાર્થીઓ દ્વારા થતા કાર્યક્રમ સંચાલનમાં ઉદ્‌ઘોષણા અને મહેમાનોના પરિચયમાં ઘણું બધું અંગ્રેજીમાં બોલાય છે. અહીં પહેલા ધોરણથી શિખવાતું કોમ્પ્યુટર વિદ્યાર્થીઓને અંગ્રેજી વાંચવામાં ખૂબ ઉપયોગી થઈ પડે છે. શાળાની ઈન્ટરનેટ જોડાણથી સજજ ત્રણ કોમ્પ્યુટર લેબમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ ઈન્ટરનેટ પરની અંગ્રેજીમાં લખેલ માહિતી વાંચવા પ્રેરાય છે અને ન સમજાય તો કોમ્પ્યુટરમાં ડિક્ષનરી તો છે જ, વળી દરેક વિદ્યાર્થી માટે ‘નાનો કોશ’ અને ‘અંગ્રેજી ડિક્શનરી’ શાળામાં લાવવી ફરજિયાત છે.

શાળાની મધર્સ કલબ દ્વારા અંગ્રેજી શીખવા ઈચ્છતી બહેનોને અમારા શિક્ષકો દ્વારા ટૂંકા સમયગાળાના વર્ગો ચલાવી આ મમ્મીઓને અંગ્રેજી વિષયમાં રસ લેતી કરવામાં આવે છે, જેથી તેમના બાળકોને મમ્મી પણ પ્રેરણારૂપ બને. બાળકોને વિવિધ કાર્ય કરવા બદલ પ્રોત્સાહન આપવા હંમેશા પુસ્તકો ભેટરૂપે અપાય છે. અહીં પણ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને સરળ અંગ્રેજીમાં લખાયેલ પુસ્તકો અપાય તેવી કાળજી લેવાય છે. શાળા દ્વારા પ્રકાશિત થતા શાળાસામયિક ‘મૈત્રી–સેતુ’નો મોટાભાગનો હિસ્સો અંગ્રેજીમાં લખાય છે તથા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં કાવ્ય, ટૂચકા, ઉખાણાં વગેરે લખવા પ્રેરણા આપવામાં આવે છે. અન્ય વિષયોના શિક્ષણમાં પણ પારિભાષિક શબ્દો ગુજરાતીની સાથો સાથ અંગ્રેજીમાં પણ શિખવાડવામાં આવે છે જેથી આ વિષયના અંગ્રેજીમાં લખાયેલ સંદર્ભ પુસ્તકો આ બાળકો વાંચવાનો પ્રયાસ કરી શકે.

ગુજરાતી માધ્યમમાં અંગ્રેજીને ઘનિષ્ઠ બનાવવા માટે કરેલા પ્રયોગો

નીચેના જેવા પ્રયત્નો કરી શકાય :

(૦૧) સૌ પ્રથમ તો અંગ્રેજી માધ્યમના એલ.કે.જી.માં (બાલમંદિરના પ્રથમ વર્ષમાં) અભ્યાસ કરાવીએ તે જ પુસ્તકો ગુજરાતી માધ્યમના ધોરણ એકમાં ચલાવવા જોઈએ. ગુજરાત રાજ્યે નિર્ધારિત કરેલ પાઠયપુસ્તકો ઉપરાંત આ પુસ્તક વર્ગખંડમાં નિયમિત ધોરણે શીખવવામાં આવે. પહેલી ભાષા ગુજરાતી અને બીજી ભાષા અંગ્રેજીને ગણી શકાય. બીજી ભાષા હોવાથી લખવા કરતાં બોલવા, સાંભળવા અને વાંચવા ઉપર વિશેષ ધ્યાન આપવાનું રહે. વળી ગુજરાત રાજયના પાઠયપુસ્તકો સિવાયના પુસ્તકો પસંદ કરવાથી બાળકને સ્વાભાવિક રીતે રાષ્ટ્રીય કક્ષાના પુસ્તકો પ્રકાશિત કરતા પ્રકાશકોના સીધા સંપર્કમાં આવવાની તક પ્રાપ્ત થાય. આ પ્રકાશકો રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત થયા છે. તેમના લેખકો પણ સ્વાભાવિક રીતે આ જ કક્ષાના હોય. તેનો સીધો લાભ ગુજરાતી માધ્યમના બાળકોને એ રીતે થાય કે તેઓ પ્રાથમિક કક્ષાથી જ તેમના નામ અને કામથી જાણકાર થાય.

(૦ર) ગુજરાતી માધ્યમના નિબંધના વિષયો જેવા જ વિષયો પર અંગ્રેજી માધ્યયમાં નિબંધલેખન કાર્ય કરાવી શકાય. આ વિષયો પસંદ કરતી વખતે જે નવા શબ્દો ઉપયોગમાં લેવાના છે તેની અલગ યાદી તૈયાર કરી બાળકોને જે તે ધોરણમાં વર્ષની શરૂઆતમાં આપી દઈ શકાય. આ શબ્દો અવારનવાર વર્ગના બુલેટિન બોર્ડ ઉપર મૂકાય. આ શબ્દો ચિત્રો દ્વારા દર્શાવી શકાય તો તેના ચિત્રો વર્ગમાં મૂકવાની કાળજી શિક્ષક રાખી શકે. અલબત્ત, આ બાબતે વિદ્યાર્થીઓ અને વાલીઓનો સહકાર લઈ શકાય. અનુભવે સમજાયું છે કે કેટલાક વાલીઓ તો સતત શાળાને પ્રત્યેક ક્ષેત્રે સહકાર આપવા તત્પર જ હોય છે, પરંતુ શાળાઓમાં આ બાબતે કેટલીકવાર ઉદાસીનતા જોવા મળે છે. આ વાલીઓનો સહકાર અંગ્રેજીના વિકાસ અને પ્રભુત્વ માટે ઘણો ઉપયોગી બને છે.

(૦૩) ગુજરાતી ન જાણતા હોય તેવા અંગ્રેજી માધ્યમના શિક્ષકોને ગુજરાતી માધ્યમના વર્ગોમાં મોકલવાથી બાળકો અંગ્રેજીનું મહત્વ સમજતા અને સ્વીકારતા થાય. વળી આ શિક્ષકોને પણ મજા આવે. કેટલીકવાર તો લાંબા સમયના સહવાસ બાદ ગુજરાતી માધ્યમના શિક્ષકો કરતાં અંગ્રેજી માધ્યમના શિક્ષકો ઘણું સારું ગુજરાતી બોલતા અને લખતા થાય છે, એટલું જ નહીં તેઓ તો વ્યાકરણની ભૂલો શોધીને બતાવતા પણ થાય છે. આ રીતે રાષ્ટ્રીય એકતાનો એક ઉત્તમ ઉદ્દેશ સિદ્ધ થાય. આ શિક્ષકો તેમના રાજયમાં જઈ શિક્ષક થશે અને ગુજરાતી બાળકો સાથે શિક્ષણકાર્ય કરતી વખતે કયારેક ગુજરાતીમાં બોલશે ત્યારે કાર્યમાં અદ્‌ભુત સફળતા પ્રાપ્ત થશે. ગુજરાતી વિદ્યાર્થીઓને પોતાપણું લાગશે.

(૦૪) શિક્ષકોએ અગત્યના અને વિદ્યાર્થીઓને રસ પડે તેવા સમાચારોના કટિંગ્સ અંગ્રેજી સમાચારપત્રોમાંથી કાપીને બુલેટિન બોર્ડ ઉપર મોટી સાઈઝની ઝેરોક્ષ કરાવીને મૂકવા જોઈએ. જરૂર પડે શાળાઓ અંગ્રેજી છાપાની એક કરતાં વધુ નકલ મંગાવે જેથી તે દિવસના સમાચારનાં કટિંગ્સ તે જ દિવસે બુલેટિન બોર્ડ ઉપર મૂકાઈ જાય. જરૂર પડે તો અંગ્રેજી ભાષાના અથવા અન્ય કોઈપણ શિક્ષક આ સમાચાર કે માહિતીનું વર્ગમાં વાચન કરે. વિદ્યાર્થીઓ સાથે અંગ્રેજીમાં ચર્ચા કરે. વિષય પસંદ કરતી વખતે બિનજરૂરી વિવાદમાં ન પડાય તેની કાળજી રાખવી જરૂરી છે. ‘માય નેમ ઈઝ ખાન’થી લઈને ‘મહિલા બીલ’ અંગેના કે આઈપીએલના સમાચારનો સહારો લઈ શકાય. શકય હોય તો જે તે ગામમાં બનેલા સમાચાર તો અચૂક બાળકો સમક્ષ રજૂ કરીએ.

(૦પ) અંગ્રેજીના શિક્ષક સારું અંગ્રેજી જાણતા વિદ્યાર્થીઓની મદદથી પોતાના ગામ, શહેર, તાલુકા કે જિલ્લાના અગત્યના સમાચાર જે છાપામાં આવ્યા ન હોય તે અંગ્રેજીમાં લખી–લખાવી પ્રાર્થનાસભામાં વંચાવે. અંગ્રેજીમાં સમાચાર વાંચવા કે લખવા માટે ઘણી મોટી સંખ્યામાં બાળકો ઉત્સુકતા ધરાવે છે, તેવો અનુભવ છે. અંગ્રેજી ભાષાનું મહત્વ તેમને પણ ખબર છે. તેઓ તેમાં કાબેલિયત પ્રાપ્ત કરવા આતુર હોય છે.

(૦૬) સપ્તાહમાં કે પખવાડિયામાં એક દિવસ શાળાની તમામ (શકય હોય તો) કાર્યવાહી અંગ્રેજીમાં થાય. તમામ શિક્ષકો બાળકો સાથે અંગ્રેજીમાં વાતચીત કરે. (જેવું આવડે તેવું) બાળકો પણ શાળા સમય અગાઉ, રીસેસમાં કે શાળા છૂટયા બાદ અંગ્રેજીમાં વાતચીત કરે. ઘેર અંગ્રેજી જાણનાર માતાપિતા હોય તો તેમની સાથે પણ તે દિવસ પૂરતી શકય હોય તેટલી વાતચીત અંગ્રેજીમાં કરે. આ રીતે અંગ્રેજીનો બિનજરૂરી હાઉ (ગભરામણ) પણ દૂર કરી શકાય.

(૦૭) શાળામાં પ્રાર્થના સંચાલન બબ્બે દિવસ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં રાખી શકાય. ત્રણે ભાષાઓ બોલવા અને સાંભળવામાં ઉપયોગ કરવાની આ ઉત્તમ રીત છે.

(૦૮) અંગ્રેજી ભાષા અંગે શાળાના અંગ્રેજી જાણકાર શિક્ષક, વાલી કે શાળા શુભેચ્છક દ્વારા વધારાના વર્ગોનું આયોજન કરી શકાય.

(૦૯) પ્રત્યેક વર્ગ પોતાના વર્ગની સાંસ્કૃતિક સમિતિ બનાવે. આ સમિતિ દરેક માસમાં એક નાનકડો અંગ્રેજી નાટયપ્રયોગ પોતાના વર્ગ સમક્ષ રજૂ કરે. વર્ષાન્તે પોતાના વર્ગના ઉત્તમ નાટકને રજૂ કરી શાળા અંગ્રેજી નાટયપ્રયોગોની સ્પર્ધાનું આયોજન કરી શકે. આજ રીતે કાવ્યપઠન કે વાર્તા કહેવાની સ્પર્ધાનું આયોજન વિચારી શકાય. કયારેક સાંપ્રત બનાવોને પણ સાંકળી શકાય. આજ રીતે સ્પેલીંગથી લઈને તે વાકયરચના સુધીની સ્પર્ધાનું આયોજન વિચારી શકાય.

(૧૦) ધો. ૧ થી ૯ સુધીના ગુજરાતી માધ્યમના બાળકો માટે એક પૂરકવાચનનું પુસ્તક પસંદ કરી જે તે વર્ગોમાં ચલાવી શકાય. નાના ધોરણોમાં ગીજુભાઈની બાળવાર્તાઓથી (અંગ્રેજીમાં મળે છે) લઈને ધીમેધીમે જવાહરલાલ નહેરૂની સંક્ષિપ્ત આત્મકથા સુધી લઈ જઈ શકાય. કયારેક આ પુસ્તક પસંદગીમાં સહેલા કાવ્યો, રમૂજી ટૂચકાઓ, ડો. ભાભા કે ડો. વિક્રમ સારાભાઈ જેવા વૈજ્ઞાનિકોના જીવનચરિત્ર્યો પણ લઈ શકાય. નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા સસ્તા અને સારા પુસ્તકો પ્રાપ્ત થાય છે. તેમણે ઘણા ગુજરાતી પુસ્તકોનું અંગ્રેજીમાં ભાષાંતર કરાવી પ્રકાશિત કર્યા છે. શાળા ખરીદી કરે તો વીસ ટકા સુધીનું વળતર આપે છે. ગ્રામ્ય વિસ્તારની શાળાઓને આ વ્યવસ્થામાં ખર્ચની મુશ્કેલી આવે તો ગામમાંથી કોઈ દાતા શોધી મફત અથવા તો થોડીક ઓછી કિંમતે પણ આપી શકાય. એક વિદ્યાર્થી શાળામાં નવ વર્ષ ભણે તો તેની પાસે અંગ્રેજી ભાષાના નવ ઉત્તમ પુસ્તકો પોતાના અંગત પુસ્તકાલયમાં પ્રાપ્ત થશે. કદાચ આ પુસ્તકો નાના ભાઈઓ–બહેનોને પણ કામમાં આવે. અલબત્ત આ કાર્યમાં રસ ધરાવતા શિક્ષકને પસંદ કરી આ પુસ્તકોની પસંદ કરવાની સત્તા આપવાની રહેશે. આ શિક્ષકે પ્રત્યેક વર્ષે નવું પુસ્તક પસંદ કરવા પચાસ જેટલા નવા પુસ્તકો વાંચવાની જવાબદારી સ્વીકારવાની રહેશે. પ્રત્યેક શાળામાં એકાદ શિક્ષક તો આવા મળી જ રહે.

(૧૧) આજકાલ મોટાભાગની શાળાઓ વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ ગોઠવે જ છે. આ ઈનામ વિતરણમાં અંગ્રેજીના પુસ્તકોનો સમાવેશ કરી શકાય. શાળાકીય વિષયોના ઈનામ આપવાના હોય તો જે તે વિષયના અંગ્રેજી પુસ્તકો પસંદ કરી શકાય. રમતગમત ક્ષેત્રે વિજેતાને રમતના કે રમતવીરોના પુસ્તકો આપી શકાય. વિજ્ઞાનના વિષયમાં વૈજ્ઞાનિકોના અને સાહિત્ય કે કલાક્ષેત્રે જે તે ક્ષેત્રના નામાંકિત વ્યકિતઓના અંગ્રેજી પુસ્તકો ઉપર પસંદગી ઉતારી શકાય. કેટલીકવાર અંગ્રેજી પુસ્તકોની કિંમત વધુ હોય તો એક જ વિદ્યાર્થીને ત્રણ કે ચાર ઈનામો મેળવતો હોય તો તેને તમામ સિધ્ધિઓ ભેગી કરી એક પુસ્તક આપી શકાય.

(૧ર) કેટલીક શાળાઓ જન્મદિને અથવા અન્ય પ્રસંગોએ શિક્ષકોને પુસ્તકો ભેટ આપે છે ત્યારે અંગ્રેજી પુસ્તકો પસંદ કરી શકાય. સમારંભમાં પધારતા અતિથિઓ કે મહાનુભાવોનું સ્વાગત અંગ્રેજી પુસ્તક દ્વારા કરી શકાય.

(૧૩) શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન અંગ્રેજીમાં કરી શકાય. આ કાર્યક્રમની સ્ક્રિપ્ટ અંગ્રેજીના શિક્ષક લખે. ઉદ્‌ઘોષકની કામગીરી વિદ્યાર્થી દ્વારા કરાવી શકાય. આ વિદ્યાર્થી ઉદ્‌ઘોષણા અંગ્રેજીમાં કરે. આવા વિદ્યાર્થીઓ ઉત્તમ અંગ્રેજી શીખ્યા હોય તેવા અનેક ઉદાહરણો છે.

(૧૪) શાળા સામયિકમાં અંગ્રેજીનો અલગ વિભાગ હોય. તેમાં અત્યંત સામાન્ય વિષયો ઉપર પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકો અંગ્રેજીમાં લખવાની ટેવ પાડે તો અંગ્રેજી ચોક્કસ સુધરે.

(૧પ) ગામમાં અંગ્રેજી માધ્યમની શાળાઓની મુલાકાત ગોઠવી વિદ્યાર્થીઓ અને શિક્ષકો અરસપરસ મળે, વાતચીત કરે તેવું આયોજન કરી શકાય. મુલાકાત બાદ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ તેમના મિત્રોને અંગ્રેજીમાં પત્ર લખે અને બીજા છેડેથી ગુજરાતીમાં જવાબ આવે તો બંને શાળાના વિદ્યાર્થીઓમાં મૈત્રીનો વિકાસ થાય.

(૧૬) શાળાની વિવિધ પ્રવૃત્તિઓ વિશે વિદ્યાર્થીઓ તેમના વાલીઓને અંગ્રેજીમાં પત્રો લખે.

(૧૭) શાળામાં કોઈ મહેમાન આવે ત્યારે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ મહેમાનનો આભાર અંગ્રેજીમાં પત્ર લખીને માની શકે.


(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )

3 comments for “ચેલેન્‍જ.edu :: ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી સારું બનાવવા ઉપાયો

 1. October 11, 2019 at 11:12 am

  છેલ્લાં થોડાં વર્ષોનાં ૧૦મા અને ૧૨મા દોરણની પરીક્ષાઓ પછીથી વિદ્યાર્થીઓનાં ‘ગુજરાતી’ વિષય’ અંગેના પરિણામોને કારણે ગુજરાતી માધ્યમમાં ગુજરાતી વિષે પણ ચિંતા વ્યક્ત થાય છે.
  અંગેજી માધ્યમમાં ભણતાં વિદ્યાર્થીઓની અંગ્રેજી કે ગુજરાતી બાબતે સ્થિતિ બહુ સારી નહીં હોય એમ માની શકાય.
  શ્રી રણ્છોડભાઈનો આજનો લેખ આબાતે પણ તત્ત્વતઃ ઉપયોગી નીવડ્વો જોઇએ એમ મારૂં માનવુમ છે.
  જોકે શિક્ષણના ક્ષેત્રે પ્રત્યક્ષ કામ કરવાના તેમના અનુભવને કારણે અહીં ણાવેલ બાબતો વિષે તેમની પાસેથી કંઈ વધારે નવા ભિગમ સાથેનું જાણવ અમળે તેવી અપેક્ષા રહે છે.

 2. Gajanan Raval
  October 11, 2019 at 9:50 pm

  Hearty congrats to You for attempting such a useful work to inculcate skills in enhancing Gujarati & English..!!
  You can get help from Foreign language University- Hyderabad..(previously known CIEFL) which is acclaimed all over the world to do such work.
  With unending best wishes…

 3. ken
  March 20, 2020 at 12:25 am

  ભારત કે લિએ આવશ્યક શિક્ષા નીતિ:
  યદિ ભારત મેં અંગ્રેજી શિક્ષા બેહતર હૈ તો સભી ક્ષેત્રીય ભાષાઓં મેં અંગ્રેજી પાઠ્યક્રમ કા અનુવાદ ક્યોં ન કરેં ઔર સભી કો સમાન શિક્ષા / સૂચના પ્રદાન ક્યોં ન કરેં? ક્યા લોગ વેબસાઇટ પર સભી ક્ષેત્રીય ભાષાઓં મેં પી.એમ. કે મન કી બાત નહીં પઢ઼તે હૈં? ક્યા વે સભી ભારતીય ભાષાઓં મેં બાઇબલ નહીં સિખાતે? સંસ્કૃત કે વિદ્વાન અનુવાદ ઔર લિપ્યંતરણ કે માધ્યમ સે અંગ્રેજી મેં પશ્ચિમી લોગોં કો વૈદિક જ્ઞાન પ્રદાન કરતે હૈં લેકિન ભારતિય લિપિયોં મેં ભારતીયોં કે લિએ વૈસા નહીં કરતે હૈ.ક્યોં? ગુજ઼રાત ને મહાન રાજનીતિક નેતાઓં કે સાથ-સાથ રાષ્ટ્ર કો સરલ ગુજનાગરી લિપિ ભી દી હૈ ઔર ફિર ભી હિંદી કો એક જટિલ પ્રિંટિંગ ઇન્ક વેસ્ટિંગ સ્ક્રિપ્ટ મેં પઢ઼ાયા જાતા હૈ. ક્યોં?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *