ફિર દેખો યારોં : વ્યંગ્યચિત્રોમાં ગાંધીજી કદી અપ્રસ્તુત બનવાના નથી

Facebooktwitterredditpinterestlinkedinmail

-બીરેન કોઠારી

“મૃત્યુને આટલાં વર્ષ વીતવા છતાં કાર્ટૂનોમાં આ હદનું ચિત્રણ અન્ય કોઈ નેતાનું થયું નથી. આપણા રોજ-બ-રોજના રાજકારણનો સમયાંતરે હિસાબ લેવા માટે તેમની જન્મ તથા મૃત્યુતિથિએ તેઓ નિયમીતપણે દેખા દે છે. વચગાળામાં કશું ભયાનક ખોટું થાય, ત્યારે કાર્ટૂનિસ્ટો તેમને એ બાબતના આધારચિહ્ન તરીકે દર્શાવે છે કે સાચું શું છે. સામાજિક મૂલ્યો ખતરામાં આવી પડે એવી ઘટનાઓ બનવા લાગે ત્યારે તેઓ ખાસ દેખા દે છે. જેમ કે, દેશમાં લદાયેલી કટોકટી, બાબરીધ્વંસ, અને હમણાં હમણાંથી જ્યારે પણ રાજદ્રોહનો ગુનો લગાડવામાં આવે ત્યારે. કલમ 124-(અ)ને ગાંધીજીએ ‘ભારતીય દંડસંહિતાના રાજકીય વિભાગોમાંના રાજકુમાર’ તરીકે ઓળખાવી હતી. 1922માં ગાંધીજી પર રાજદ્રોહનો આરોપ લગાડવામાં આવ્યા પછી આજ સુધી તે એટલો જ ચલણી બની રહ્યો છે. ગાંધીજી એ કાર્ટૂનિસ્ટની ચેતવણીસૂચક પ્રણાલિ છે. તેઓ કાર્ટૂનમાં વારંવાર જોવા મળે એ સૂચક છે કે આપણા દેશમાં કશુંક ભયાનક હદે ખોટું થઈ રહ્યું છે.”

આ લખાણ ‘ઈન્‍ડિયન એક્સપ્રેસ’ના ખ્યાતનામ કાર્ટૂનિસ્ટ ઉન્નીનું છે, જે તેમણે રવિવાર, 29 સપ્ટેમ્બરના અખબારમાં લખ્યું છે. જ્યારે સઘળું પતનને આરે આવતું જણાય ત્યારે ત્યારે ગાંધીજીને તેમણે એક બેન્ચમાર્ક, રાજકીય બેરોમીટર અને સંકેતસૂચક દીવાદાંડી તરીકે ગણાવ્યા છે. ઉન્નીનું આ લખાણ આગવું મહત્ત્વ ધરાવે છે. ગાંધીજીની દોઢસોમી જન્મજયંતિની ઉજવણીઓ ઠેરઠેર રંગેચંગે થઈ રહી છે અને સૌ પોતપોતાની રીતે ગાંધીજીનું માહાત્મ્ય મનાવી રહ્યા છે. આમાં કશું ખોટું નથી, બલ્કે આનંદની વાત છે. ‘ગાંધીજી આજે કેટલા પ્રસ્તુત?’થી લઈને ‘ગાંધીજી આજે હોત તો?’ જેવા વિવિધ વિષયો પર કટાર, નિબંધ લખાઈ રહ્યાં છે, વક્તવ્યો યોજાઈ રહ્યાં છે. ગાંધીવિચારની ખાસિયત એ છે કે તે બંધિયાર નથી, અને તેનો કેવળ શબ્દાર્થ પકડી રાખવાનો નથી. પણ ગાંધીજીની વિદાય પછીના ઘણા વરસો સુધી આ બધું એક રિવાજલેખે એવું ચાલતું રહ્યું કે ગાંધીવિચાર ગાંધીવાદ થઈને સાવ બંધિયાર બની રહ્યો.

કાર્ટૂનિસ્ટો વ્યંગ્ય દ્વારા ધાર્યું નિશાન તાકતા હોય છે. વક્રોકિત તેમનાં મુખ્ય આયુધોમાંનું એક છે. કોઈ પણ ક્ષેત્રે વિરોધાભાસી પરિસ્થિતિઓ સર્જાય એ કાર્ટૂનિસ્ટ માટે આદર્શ સ્થિતિ બની રહે છે. આથી ગાંધીવાદના નામે જે કંઈ શરૂ થયું તેમાંથી કાર્ટૂનિસ્ટોને પૂરતી સામગ્રી મળતી રહી. જેમ કે, ગાંધીજીએ ‘સૂતરના તાંતણે સ્વરાજ’ દ્વારા રેંટિયાનો બરાબર મહિમા કર્યો. એ હદે કે પોતાના જન્મદિવસ ભાદરવા વદ બારસને તેમણે ‘રેંટિયા બારસ’ તરીકે ઉજવવાનો અનુરોધ કર્યો. રેંટિયો વખત જતાં દેખાડાનું પ્રતીક બનીને રહ્યો. આ પરિસ્થિતિ કાર્ટૂનિસ્ટ રવિશંકર કેવી સચોટ રીતે દર્શાવે છે! એક સ્થળે મૂકાયેલા રેંટિયા આગળ મૂકાયેલી તક્તીમાં લખ્યું છે: ‘બાપુ અહીં કાંતતા હતા.’ એ જ સ્થળે કરોળિયા સ્વરૂપે એક નેતા બતાવાયો છે, જેણે એ રેંટિયો મૂકાયેલો છે એ ખૂણે જાળું વણ્યું છે. તે કહી રહ્યો છે: ‘અને હું અહીં કાંતું છું.’

આ વરસે ગાંધીજીની દોઢસોમી જયંતિની ઉજવણી થઈ રહી છે. એ અગાઉ 1985માં રાષ્ટ્રીય મહાસભા(ઈન્‍ડિયન નેશનલ કૉંગ્રેસ)ની શતાબ્દિની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. રવિશંકરે પોતાના એક કાર્ટૂનમાં એક તરફ ભવ્ય ઉજવણી થતી બતાવી હતી, અને એ ઉજવણીથી દૂર, એક ખૂણે બેસીને ગાંધીજીને ચરખો કાંતતા ચીતર્યા હતા.

મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને ભોજન આપવામાં આવે છે. 2013માં બિહારની એક શાળામાં ખોરાકી ઝેરની અસર થવાથી 23 વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં. ભલભલા પાષાણહૃદયીને ધ્રુજાવી દે એવી આ કરુણાંતિકા હતી. આ દુર્ઘટનાને અનુલક્ષીને બનાવાયેલા, કાર્ટૂનિસ્ટ શ્રેયસ નવરે દ્વારા બનાવાયેલા એક કાર્ટૂનમાં મૃત્યુ પામેલાં બાળકો સ્વર્ગમાં ગાંધીજીને વળગીને આંસુ સારતાં બતાવાયાં હતાં. બાળકો કહેતાં હતાં: ‘ભોજન કરતાં ભૂખમરો બહેતર હતો, બાપુ!’

છેક હમણાં બનાવાયેલા ઉન્નીના જ એક કાર્ટૂનમાં એક અધિકારી ગાંધીજીને ફોન પર જણાવી રહ્યા છે: ‘નેશનલ જૉબ ગેરન્‍ટી સ્કીમ’ના એક ભાગ અંતર્ગત અમે તમને રાખી રહ્યા છીએ, પણ તમને આધાર કાર્ડ મેળવી લેવાની સલાહ આપવામાં આવે છે.’ આ સાંભળીને બીજે છેડે ફોનનું રિસીવર બાજુએ રાખીને ગાંધીજી ચિંતિત ચહેરે વિચારે છે: ‘મારી બાયોમેટ્રિક (આંગળાની છાપ) વિગતો મારી સામેના જૂના રાજદ્રોહના કેસ સુધી દોરી જઈ શકે છે.’ કેદીઓના આંગળાની છાપ લેવાય છે અને આધાર કાર્ડ લેવા માટે પણ એ જ પ્રક્રિયા છે. કાર્ટૂનિસ્ટનો નિર્દેશ પરોક્ષ છે, છતાં સમજાય એવો છે.

ગાંધીજી વિશેનું પહેલવહેલું કાર્ટૂન સંભવત: 1906માં પ્રકાશિત થયું. તેમના જીવનપર્યંત તો ખરા જ, મરણોપરાંત પણ તેઓ કાર્ટૂનિસ્ટોનો પ્રિય વિષય બની રહ્યા છે. ગાંધીજીને જનમાનસમાં નીચા બતાવવાની કે ભૂલાવવાની કોશિશો આયોજનપૂર્વક થતી આવી છે. છતાં ગાંધીવિચારનો પ્રભાવ એવો છે કે ગાળો દેવી હોય તો પણ તેમને યાદ કરવા પડે. કોઈક પોતે કડક ખાદી અપનાવીને ગાંધીવિચારને અનુસરવાનો સંતોષ લે છે, કોઈક તેમના હાથમાં ઝાડુ પકડાવીને તેમને સ્વચ્છતા પૂરતા મર્યાદિત કરીને તેમનું માહાત્મ્ય કરે છે, કોઈક તેમના નામે ભવ્ય સ્મારકો બનાવીને જીવનનું સાર્થક્ય માને છે. આ બધું થતું જોઈને એવી હવા ફેલાય છે કે ગાંધીજી હજી જીવંત છે. આવા સમયે જ કાર્ટૂનિસ્ટો વહારે આવે છે. પોતાના નામે કંઈક સારું થતું જોઈને ગાંધીજી કાર્ટૂનમાં રાજી થાય છે, તો સમગ્રપણે માનવમૂલ્યો યા માનવજાતની વિરુદ્ધ કોઈક દુર્ઘટના બને ત્યારે કાર્ટૂનમાં તેઓ દુ:ખી પણ થતા બતાવાય છે. વાત તો સાચી છે. ઘરમાં કંઈક ખોટું થતું જણાય તો ઘરના વડા એવા પિતા સમક્ષ રજૂઆત કરવામાં આવે છે. એમ દેશમાં કશું ખોટું થતું લાગે તો રાષ્ટ્રપિતાના ધ્યાને આવવું યા લાવવું જોઈએ, એવું કાર્ટૂનિસ્ટોને લાગે છે. જીવતેજીવ રાષ્ટ્રપિતાનું બિરુદ પામવું પૂરતું નથી. એ જવાબદારી મરણોત્તર પણ નિભાવવી પડે છે. ગાંધીજી બીજે ક્યાંય પ્રસ્તુત કેવા અને કેટલા રહ્યા હશે એનો આધાર તો તેમને અપનાવનાર પર છે, પણ કાર્ટૂનોમાં સદાકાળ પ્રસ્તુત રહ્યા છે એ આશ્વાસન ઓછું નથી.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૩-૧૦– ૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *