વલદાની વાસરિકા : (૭૪) પૃથ્વી ઉપર જીવન સંભવિત છે, પણ સલામત ખરું!

Facebooktwitterredditpinterestlinkedinmail

વલીભાઈ મુસા

આજકાલ દુનિયાના કોઈ એક કે અન્ય દેશોમાં હિંસાચારના સળગતા પ્રશ્નને લઈને મારું હૃદય દ્રવી ઊઠે છે અને તે અંગે મેં મારા અગાઉના લેખોમાં અવારનવાર કંઈક લખ્યું હોવા છતાં આજે થોડુંક વિશેષ લખવાની મને સ્ફુરણા થઈ છે. લશ્કરો કે નાગરિકો દ્વારા નિર્મિત એવાં યુદ્ધો કે આંતરિક સંઘર્ષો કદીય સમસ્યાઓનો કોઈ કાયમી ઉકેલ લાવી શકે નહિ. હિંસા કે બળના પ્રયોગોની નિષ્ફળતાને જગતે અનુભવી હોવા છતાં, હજુ આપણે મહાત્મા ગાંધીની સફળ પુરવાર થએલી અહિંસાની ફિલસુફી ઉપર ગંભીરતાપૂર્વક વિચારવા તૈયાર નથી. આજે વિશ્વ તિરસ્કાર અને હિંસાથી થાકી ગયું છે. ભૂતકાલીન અને વર્તમાન એટમ બોમ્બ કે બોમ્બબ્લાસ્ટ દ્વારા થએલા સમૂહગત હત્યાકાંડોએ એટલી બધી મોટી સંખ્યામાં માનવજિંદગીઓને હણી નાખી છે કે કદાચ તેઓ જીવિત રહ્યા હોત તો તેમના થકી બ્રહ્માંડના કોઈક ગ્રહ ઉપર નવીન દુનિયા શરૂ થઈ શકી હોત!

હું સહજ જ એક નવું સમીકરણ, દુનિયા=શાસકો+શાસિતો અર્થાત્ પ્રજાઓ, અહીં મૂકું છું. શાસકો ટોચ ઉપર છે, તો શાસિતો તળેટીએ છે. શાસકો થોડા જ છે, પણ શાસિતો તો અગણ્ય છે. બંને વિભાગો પૈકી જુલ્મીઓ થોડાક જ છે, મજલુમો બેસુમાર છે. ટોચથી માંડીને તળિયા સુધી, આમ જોવા જઈએ તો, પ્રમાણમાં થોડાક જ એવા છે કે જે લાગી પડેલા છે કે કેવી રીતે પૃથ્વીનો વિનાશ કરવો, તેની નિર્દોષ વસ્તીને પીડન આપવું, તેના સમતોલ પર્યાવરણને હાનિ પહોંચાડવી, તેની કુદરતી ભૂસંપત્તિને વેડફવી, તેના સામાજિક કાયદા અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવી, તેનાં સુખ અને શાંતિને ડહોળી નાખવાં, તેની સઘળી જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે ખૂબ જ મહત્ત્વની એવી પાયાની જરૂરિયાતોને છીનવી લેવી, તેની આધ્યાત્મિકતાઓ અને આદર્શોને ક્લુષિત કરવાં અને ઘણી બધી એવી ભૌતિક તથા ભાવનાત્મક અસ્ક્યામતોને છિન્નભિન્ન કરી નાખવી. આવાં જૂજ જુલ્મી તત્ત્વોના જુલ્મો હેઠળ કચડાતા એવા સામા પક્ષના વિશાળ શાસિત જનસમુદાયે એ નક્કી કરી લેવું ઘટે છે કે કોણ (કયા દેશો) એટમ બોમ્બ કે એવાં વિનાશક શસ્ત્રોનો ઉપયોગ કરે છે અને કોણ બોમ્બ બ્લાસ્ટ કે તેવી અન્ય સંહારાત્મક હરકતો દ્વારા શાંત નાગરિક જીવનને ભયગ્રસ્ત બનાવે છે અથવા બરબાદ કરે છે. તટસ્થ નિરીક્ષકો આવાં શાસકીય કે પ્રજાકીય મલિન તત્ત્વોને પૂર્વ કે પશ્ચિમ અથવા કોઈ વંશ કે ધર્મના સમગ્ર સમુદાય તરીકે નહિ, પણ તેમને એક જ પ્રકારના એવા જૂથ કે એકમ તરીકે ઓળખાવશે કે જે માનવતાનાં દુશ્મન હોવા ઉપરાંત ઈશ્વર અને તેની દિવ્યતા સામે બંડ પોકારનારામાંનાં છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘ (UNO) દ્વારા મહાત્મા ગાંધીના જ્ન્મદિવસ (બીજી ઓક્ટોબર)ને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. પણ, અહિંસા દિવસની માત્ર ઉજવણીનો મતલબ શો, જો તેનો હેતુ જ સિદ્ધ ન થાય તો! યુનોના સભ્ય દેશો વધારે નહિ તો માત્ર એટલું તો જરૂર કરી શકે કે પ્રાથમિક શિક્ષણ કક્ષાએ જ અભ્યાસક્રમમાં અહિંસાનો વિષય દાખલ કરવામાં આવે અને પછી જુઓ કે આપણે જગતભરમાં નવીન એક એવી પેઢીનું સર્જન કરી શકીશું કે જે અહિંસાના એક નવીનતમ ખ્યાલ વડે દુનિયાની શિકલ જ બદલી નાખવા સક્ષમ બનશે. અહિંસાના આ ક્રાંતિકારી વિષયનું શિક્ષણ આજથી જ શરૂ કરી દેવામાં આવે તો જગતને તેનાં સુખદ પરિણામો એક સૈકા પછી જોવા મળે. હું પ્રાચીન કાળની એક એવી વ્યવસ્થાને યાદ કરું છું કે જ્યાં દુશ્મનોના આક્રમણ સામે રક્ષણ મેળવવા રાજ્યની રાજધાનીના શહેર ફરતો ઈંટ અને પથ્થરનો કિલ્લો બનાવવામાં આવતો હતો. ક્યાંક એક કથન મારા વાંચવામાં આવ્યું છે કે ‘યુદ્ધોને અટકાવવા માટે શહેર ફરતા નહિ, પણ લોકોના દિમાગમાં કિલ્લાઓ બાંધવા જોઈએ!’. અહિંસાના પાઠ નવીન પેઢીના દિમાગમાં એવા કિલ્લાઓ બાંધવા માટે સમર્થ નીવડશે કે જે થકી જગતનું ભાવી ઉજ્જવળ બનશે અને આ પૃથ્વી ઉત્તમ રીતે જીવવા લાયક પુરવાર થશે.

હું રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય રાજનીતિશાસ્ત્રનો નિષ્ણાત નથી કે દુનિયાના ઇતિહાસનો અભ્યાસુ પણ નથી; પણ, મારા સાદા તર્ક અને મારી સમજથી હું એ નિષ્કર્ષ ઉપર આવ્યો છું કે શક્તિશાળી રાષ્ટ્રોએ રાજનૈતિક ભૂલો કરીને કેટલીક આંતરરાષ્ટ્રીય સમસ્યાઓને વૈકલ્પિક માર્ગોએ ઉકેલવાના બદલે યુદ્ધોનો માર્ગ પસંદ કરીને લાખો માનવજિંદગીઓને ભરખી લીધી છે. કેટલાક રાજકીય સમીક્ષકોએ તો ખુલ્લી રીતે કહી પણ દીધું છે કે શક્તિશાળી દેશોએ માનવજાતને સંહારક શસ્ત્રોથી બચાવવાના બહાના હેઠળ દુનિયા ઉપર યુદ્ધો ઠોકી બેસાડ્યાં છે અને ખૂબી તો જૂઓ કે તેમણે એ યુદ્ધોને શાંતિ માટેનાં યુદ્ધો તરીકેનાં નામ પણ આપી દીધાં હતાં. એ કહેવાતાં શાંતિ માટેનાં યુદ્ધોનાં પરિણામ આપણી નજર સમક્ષ છે અને આપણે માન્યા સિવાય છૂટકો જ નથી કે યુદ્ધો પછીનાં માનવજાતનાં દુર્ભાગ્યો એ વિશેષ કંઈ નહિ, પણ એ યુદ્ધોની આડપેદાશો જ છે.

પૃથ્વીના ભાગ્યની વક્રતા તો જુઓ કે વૈજ્ઞાનિકો એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે પૃથ્વી સિવાયના મંગળ જેવા અન્ય ગ્રહો ઉપર જીવન શક્ય છે કે નહિ; જ્યારે અહીં આ પૃથ્વી ઉપર જીવન સંભવિત તો છે જ, પણ સલામત નથી! માનવી યાતાયાતમાં, રસ્તાઓ ઉપર, દવાખાનાંઓમાં, ધંધાકીય જગ્યાઓમાં, ધાર્મિક સ્થળોમાં, નિશાળો કે કોલેજોમાં, ખેતરોમાં ક્યાંય સલામત નથી; અરે, એ બધી જગ્યાઓએ તો ઠીક, પણ પોતાનાં ઘરોમાં પણ એ જરાયે સલામત નથી!

વચ્ચે કેટલીક પળો પૂરતો હું મારી એક અંગત બાબત તરફ જઈશ કે જેને હું મારા આર્ટિકલમાં આગળ આવનાર એક મુદ્દા સાથે સાંકળવા માગું છું. મારા એક મિત્ર ડો. કે. એમ. પટેલની દીકરી ઊર્મિલા અમેરિકન નવલકથાકાર સોલ બેલો (Saul Bellow) ઉપર Ph. D. ની તૈયારી કરી રહી છે. હું તેણીને મદદરૂપ થવા કેટલીક વાંચન સામગ્રી માટે ઇન્ટરનેટ ઉપર ચેટીંગ કરતો હતો. અનાયાસે સોલ બેલોની નવલકથા ‘રેવલસ્ટરીન (Ravelsterin) ના એક સંવાદ ઉપર મારું ધ્યાન ગયું (નિખાલસતાથી કહું તો મેં આખી નવલકથા વાંચી નથી) કે જે મારા માટે અહીં માનવતાની હિમાયત કરવા બહુ જ મહત્વનો છે. એ સંવાદ આ પ્રમાણે છે: ‘એવું પણ ઘણી વાર બને છે કે હું ભીડભાડના સમયે સબવે (Subway) માં સફર કરી લઉં છું કે પછી ખીચોખીચ ભરેલા મુવી હાઉસમાં બેસી જાઉં છું જેને હું ‘માનવતાનું સ્નાન’ તરીકે સમજું છું. જેમ કેટલીક વાર પ્રાણીઓને પણ ચાટવા માટે નમક જોઈએ, તેમ હું પણ લોકો સાથેનો શારીરિક સંપર્ક ઝંખું છું.’

હું ઉપરોક્ત સંવાદપઠનમાંથી ‘માનવતાનું સ્નાન’ એ બે જ શબ્દો લેવા માગું છું અને મારા વાચકોને સંભવિત કે કાલ્પનિક એવા કોઈક ‘રૂધિર સ્નાન’ ના દૃશ્ય સાથે જોડવા માગું છું કે જે કોઈક બોમ્બ બ્લાસ્ટના પરિણામરૂપે સર્જાયું હોય અને જેના ભોગ કોઈ બિચારા વાહનોમાં સફર કરનારા મુસાફરો કે કોઈ થિયેટરમાં મુવી જોનારા પ્રેક્ષકો બન્યા હોય! એ માનવતાના દુશ્મનો પળવારમાં કેટલાય લોકોની જિંદગીઓને ખતમ કરી દેતા હોય છે, જ્યારે બીજા છેડે કોઈક એવા તબીબો પણ હોય છે કે જે કોઈ એક વ્યક્તિ માત્રની જિંદગી બચાવવા કલાકો સુધી ભારે ઓપરેશનની જહેમત ઊઠાવતા હોય છે. કોઈ માતા પોતાના બાળકને ઊછેરવા માટે પોતાની મહામૂલી જિંદગી સમર્પિત કરીને તેને યુવાન વય સુધી પહોંચાડે છે અને તે જ યુવાન માણસ સેકંડોની ગણત્રીમાં આવી માનવસર્જિત આફતનો ભોગ બની બેસે છે. કોઈ ડોક્ટર પોતાની જિંદગીનાં પચીસેક જેટલાં વર્ષોની દિવસરાતની મહેનત પછી ઘણા બધા દર્દીઓની જિંદગી બચાવવા સમર્થ બને છે અને તે જ ડોક્ટરની મુલ્યવાન જિંદગી આમ સાવ સસ્તી રીતે વેડફાઈ જતી હોય છે. વિશ્વભરના કેટલાય રક્તદાતાઓ સાવ અજાણ્યાઓની જિંદગીઓ બચાવવા રક્તદાન કરતા હોય છે અને અહીં કેટલાય નિર્દોષ માણસોનું પવિત્ર લોહી ઢોળાતું અને વેડફાતું હોય છે.

મહાત્મા ગાંધીએ સાચે જ કહ્યું છે કે ‘આપણે જોઈએ છીએ કે નફરતના આ ગાને માનવતાને કોઈ ફાયદો પહોંચાડ્યો નથી.’ મારા અગાઉના આર્ટિકલ “International Non-violence Day” માં મૂકવામાં આવેલા શબ્દોને અહીં પુનરાવર્તિત કરું છું અને કહું છું કે અહિંસાના માર્ગ ઉપર ચાલવું એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે અને ઘણીવાર તેમાંથી નિરાશાજનક પરિણામ પણ મળી શકે છે. મહાત્મા ગાંધીએ આવી શંકાનું સમાધાન પોતાના આ શબ્દોમાં કરતાં ખુલાસો કર્યો છે કે ‘ અહિંસા ઉપરનો મારો વિશ્વાસ હંમેશ માટે અડગ જ છે. અહિંસાના સાંકડા અને સીધા માર્ગ સિવાય પીડિત એવી આ દુનિયા માટે શાંતિની અપેક્ષા સંતોષવાનો અન્ય કોઈ વૈકલ્પિક માર્ગ બચતો નથી. મારા જેવા લાખો માણસો પોતાના જીવનમાં અહિંસાના આ સત્યને સિદ્ધ કરવામાં નિષ્ફળ જઈ શકે છે; અને જો તેમ થાય તો તે તેમની પોતાની જ નિષ્ફળતા ગણાશે, નહિ કે આ સનાતન સત્યના સિદ્ધાંતની!’

આ સંક્ષિપ્ત લેખના સમાપને, હું મારા ગુજરાતી વાચકોને ઝવેરચંદ મેઘાણીના ‘ઘણ રે બોલે! કાવ્યને વાંચવાની ભલામણ કરીશ. ઘણ અને એરણ લુહારનાં સાધનો છે. કવિએ સજીવારોપણ અલંકારમાં ઘણ અને એરણને અનુક્રમે ભાઈ અને બહેન તરીકે કલ્પ્યાં છે. અહીં ઘણ બોલે છે અને એરણ સાંભળે છે. ઘણ એરણ આગળ પોતાનો ઈરાદો વ્યક્ત કરતાં કહે છે કે હવે તેઓ માનવજાતના વિનાશ માટેનાં શસ્ત્રો બનાવવાના બદલે તેમના માટે ઉપયોગી એવાં સર્જનાત્મક સાધનો જ બનાવશે. આ એક સરસ મજાનું ભજનના રાગમાં ગાઈ શકાય તેવું ગેય કાવ્ય છે.

ચાલો આપણે બધા જગતના સુખ અને કલ્યાણ માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ.


* * *

શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:

ઈ મેઈલ – musawilliam@gmail.com  મોબાઈલ + 91-93279 55577 / / + 91-94261 84977

નેટજગતનું સરનામુઃ
William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ | માનવધર્મ – જીવો અને જીવવા દો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *