





સમીર ધોળકિયા
વળી આપ સૌને થશે કે આ તો કોઈ સવાલ છે ! અલબત્ત સજાગ રહેવું જોઈએ. પણ મારી વિમાસણ એકબીજા પરિપેક્ષ્યમાં છે. તંદુરસ્તી અંગેની સજાગતા કેટલા અંશે અને કેટલી હદ સુધી હોવી જોઈએ……..
હમણાં એક માંદગીમાંથી હું બહાર આવ્યો ત્યારે એક મિત્રે પૂછ્યું કે આટલી સંભાળ રાખવા છતાં આવો ચેપી રોગ તમને કેમ થયો? મને પોતાને પણ એ જ વિચાર આવતો હતો કે આટલી સીધીસાદી જીવનશૈલી છતાં મને રોગ કેમ થયો. કોઈ વાર તો એમ થાય કે બધી સંભાળ કોરાણે મૂકી દઈને ત્રીસ-ચાળીસ વર્ષ પહેલાની (યુવાનીની)જીવનશૈલી પાછી અપનાવી લઈએ ! પણ એ થોડું જ શક્ય છે. વિચાર અને વાસ્તવિકતા વચ્ચે મોટું અંતર દેખાતું હતું એટલે એ વિચાર તો પડતો મુક્યો, પણ મનમાં એ વિમાસણ તો રહી જ કે તબિયતની કાળજી કેટલી હદે રાખવી અને આવી સંભાળ આપણને કેટલે અંશે રોગો સામે કવચ આપી શકે.
પહેલાં તો એ જ વિચાર આવે કે વધુપડતી કાળજી ન લેવી પણ તેમાં પાછો એ સવાલ થાય કે વધુપડતી એટલે કેટલી ? એનું કોઈ માપ છે ? સાચી વાત એ છે કે તેનું કોઈ જ માપ નથી. દરેક શરીર એક અલગ જ નમુનો છે અને કાળજીની કોઈ એક હદ કે નિશ્ચિત વ્યાખ્યા બનાવી ન શકાય. દરેક વ્યક્તિએ પોતાની હદ અને ક્ષમતા પોતે જ નક્કી કરવી પડે. આ નિયમ ખોરાક અને કસરત બંનેને લાગુ પડે છે. આ બંને પરિમાણ ઓછાં પણ ન હોવાં જોઈએ અને વધારે પણ નહિ. હદની કોઈ પણ તરફ વધુ રહીએ તો નુકસાન નક્કી .
મારી યુવાનીમાં એક મિત્રને ત્યાં ગયો હતો ત્યારે તેમનો નાસ્તો જોઈ ને મેં કહ્યું કે તમારો નાસ્તો મારા ભોજન બરાબર છે. તો એમણે સામો ટોણો માર્યો કે ઓછા ખોરાક ને કારણે જ તમે આટલા પાતળા છો અને બીમાર રહો છો! મેં જવાબ આપ્યો કે તે પોતે મારા કરતા ખુબ ઉંચો અને મોટો છે એટલે તેની જરૂરિયાત મારા કરતાં વધારે હોય તે સ્વાભાવિક છે. મેં એ વાત ન માની કે તે મિત્રથી સહેજ ઓછી (મારી) તંદુરસ્તી મારા ‘ઓછા’ ખોરાકને કારણે છે. અમે બંને અમારા અભિપ્રાયોમાં મક્કમ રહ્યા. પણ આજ સુધી આ પ્રશ્નનો બિલકુલ સચોટ અને સાચો જવાબ મને મળ્યો નથી. વ્યક્તિના કદ સાથે ખોરાકને કોઈ સીધો સંબંધ નથી. હા, વ્યવસાયમાં જો શારીરિક શ્રમ વધારે હોય તો એ વ્યક્તિને વધારે ઈંધણ જોઈએ તે સ્વાભાવિક છે. પણ ખોરાકને અને તંદુરસ્તીને તેમ જ ખોરાકને અને વ્યક્તિના કદને કોઈ સીધો સંબંધ દેખાતો નથી .
ઉપરોક્ત ઉદાહરણ એટલે આપ્યું કે ખોરાક ઓછો લઈએ કે વધારે તે કેટલું સુરક્ષા-કવચ આપી શકે છે તે વિષે કોઈ એક મત નથી. નિયમિત કસરત/યોગ કરીએ તો સુરક્ષા-કવચમાં ચોક્કસ વધારો થાય છે. પણ તો ય અમુક રોગો તો થવાના હોય તે થાય જ છે ! ભલે, ખોરાક અને કસરત પર ગમે તેટલું ધ્યાન આપ્યું હોય ..
આજના યુગમાં વોટ્સેપ અને વર્તમાનપત્રોમાં અને ટીવીમાં તંદુરસ્તી માટે એટલી બધી માહિતી આવે છે કે દરેક વ્યક્તિ પોતાને નિષ્ણાત માનવા લાગે. તેમાં ઉમેરો થયો છે ગુગલગુરુનો, પછી બાકી શું રહે ? આ બધી માહિતીઓના અતિરેકથી મારા ઘણાં મિત્રોએ તંદુરસ્તી વિષે વાંચવું સદંતર બંધ કરી દીધું છે ! ઘણી માહિતીઓ અત્યાર સુધી મળેલ સલાહ કરતાં બિલકુલ વિરુદ્ધ પણ હોઈ શકે. અત્યાર સુધી તેલ-ઘી-માખણ હાનિકારક ગણાતાં હતાં. હવે ઓચિંતા એવા અહેવાલો વાંચવા મળે છે કે તે બધાં તબિયત માટે એટલાં હાનિકારક નથી, ઉલટું થોડાં લાભકારક છે ! કેટલાય ખોરાક આપણે પેઢીઓથી કોઈ તકલીફ વગર ખાતા આવ્યાં છીએ પણ હમણાં જાણ થાય છે કે એ નુકસાનકારક છે. તેથી થોડી મૂંઝવણ થવી સ્વાભાવિક છે.
મને જયારે હૃદયરોગ થયો ત્યારે ડોકટરે એના કારણમાં જનીન તત્વ (genes) ની જવાબદારી દર્શાવી હતી.હવે જો આ તત્વથી જ તકલીફ ઉભી થતી હોય અને થવાની હોય તો બહુ બધી આગોતરી સંભાળ રાખવાની શું જરૂર છે? અત્યારના યુગમાં જયારે આર્થિક સુખાકારી વધી છે અને મહેનત ઓછી કરી આપતી સગવડો અને સાધનો ખૂબ વધ્યાં છે, ત્યારે સ્વાભાવિકપણે દૈનિક શ્રમનું પ્રમાણ ઘટી ગયું છે અને આ હકીકત જ સંખ્યાબંધ રોગોનું મૂળ હોઈ શકે છે. આપણે આજુબાજુમાં જોઈએ છીએ કે ઘણી વ્યક્તિઓ પોતાની તંદુરસ્તીની કશી સંભાળ ના રાખતી હોવા છતાં રોગમુક્ત રહે છે અને કેટલાય ખૂબ સંભાળ રાખવા છતાં નિયમિત માંદા પડે છે. આનું કારણ તેમની જિંદગીમાં શ્રમ વધારે હોય અને/અથવા તેઓને કુદરતી બક્ષીસ કે માતાપિતાનો વારસો હોઈ શકે છે, જેનું વૈજ્ઞાનિક નામ ‘જીન ‘ છે.
ઘરે કામ કરવા આવનાર શ્રમજીવીઓને ભાગ્યે જ મધુપ્રમેહ કે રક્તચાપ(BP), હૃદયરોગ કે ઘૂંટણની તકલીફ જોવા મળે છે. તેઓને કદાચ કોઈ વારસો કે જનીનતત્વ નહિ નડતાં હોય ! જેઓની જીવનશૈલીમાં શ્રમ વણાયલો હોય તેને રોગ સાથે બહુ ઓછી મુલાકાત થાય છે. હા,પ્રદૂષણથી થતા રોગોનો ભોગ બધાં બને છે.
અહીં મૂળ પ્રશ્ન એ હતો કે કાળજી કેટલી રાખવી. ઘણી વ્યક્તિઓને આ કાળજી ઘેલછા કે વળગણની હદે હોય છે. આ પ્રશ્નનો ઉકેલ શાણપણથી શોધવાની જરૂર છે. કાળજીનો અતિરેક કુટુંબીજનો માટે તકલીફ ઉભી કરી શકે છે. ઘરની બહાર ૧૦/૧૨ કલાક ફરતા કુટુંબીઓને બાહ્ય ખોરાક અને પ્રદૂષણથી દૂર રાખવા શક્ય નથી. તે જોતાં ખરેખર તો એ જ સાચું છે કે આપણે બધાં આપણી પ્રતિકારશક્તિ વધારીએ. પણ તે કહેવું સહેલું છે. હાંસલ કરવું અઘરું છે… દરેક વ્યક્તિની પ્રતિકારશક્તિ અલગ અલગ હોય છે જેને ખોરાક, કસરત કે આર્થિક સ્થિતિનાં બંધન નથી હોતાં. કદાચ નબળી આર્થિક સ્થિતિવાળા લોકોની પ્રતિકારશક્તિ તેમનાથી આર્થિક રીતે સબળા વર્ગ કરતાં વધારે જ હોય છે. વિદેશીઓ જે બેશક આપણાથી વધુ મજબુત હોય છે તે અહીં આવીને બીમાર થઈ જતાં હોય છે કારણ કે અહીં તેમનું સુરક્ષા-કવચ પાતળું પડી જાય છે ! અમે મિત્રો ઘણી વાર મજાક કરીએ કે અત્યારે તો સૌથી અગત્યનું એ છે કે આપણી અશુદ્ધ ખોરાક અને પાણી પચાવવાની શક્તિ વધે !
તો એમ કહી શકાય કે કોઈ એક જ પરિબળ તંદુરસ્તી/માંદગી માટે જવાબદાર નથી.ખોરાક, કસરત, શ્રમ, પર્યાવરણ અને માબાપનો મળેલ વારસો –આ બધાં પરિબળો તેમાં ભાગ ભજવે છે. કોણ કેટલો ભાગ ભજવે છે તે કહેવું મુશ્કેલ છે. ઉપરાંત જીવનશૈલી પણ આમાં પોતાનો ભાગ ભજવે છે.તેથી ધ્યાન જરૂર આપવું પણ તેનો અતિરેક પ્રતિકારશક્તિ પર અસર પાડી શકે છે.
તો શું કરવું ? કોઈ જ ધ્યાન ન આપવું અને બિંદાસ જીવવું? યુવાનીમાં તે શક્ય બની શકે છે પણ ઉંમર વધે તેમ તે પણ શક્ય નથી હોતું .આ બધી ચર્ચા પછી એક નિયમ સલામત અને સાચો લાગે છે. સારા તબીબનું કહ્યું માનવું, બધું ખાવું પણ પોતાના શરીરને અને પોતાની પાચનક્ષમતાને નજરમાં રાખીને ખાવું. કોઈ કોઈ વાર ભાવતી વાનગી બરાબર દબાવી પણ લેવી ! જેથી તંદુરસ્તીની જરૂરિયાત અને માનસિક ઇચ્છા વચ્ચે સમતોલન રહે અને કોઈ અફસોસ ના રહે.
જ્યાં પરિણામ નક્કી ન હોય ત્યાં વિમાસણ હોય જ. કાં તો ખાઓ-પીઓ, મજા કરો અને પછી તેનાં પરિણામ ભોગવો, અથવા થાય એટલી સંભાળ રાખો અને તંદુરસ્ત રહો….. ક્યાં સુધી, એ કોઈને ખબર નથી …!
તમે શું કરશો ? બહુ ધ્યાન રાખશો કે પછી …………
શ્રી સમીર ધોળકિયાનો સંપર્ક spd1950@gmail.com સરનામે થઈ શકશે.
મને પણ ક્યારેક એમ લાગે છે કે આપણે વધારે પડતા ચીકણા થઇ ગયા છીયે , ને તબિયત માટે જરુરત કરતા વધારે કાળજી લેનારા થવા છતા મહારોગ નો ભોગ બનીયે છીયે , જોકે આપણા દેશ મા મોટા ભાગ ના રોગ પાણીજનય થાય છે , ને એનું કારણ આપણી આદતો જ છે .
ગંદકી , રખડતા ઢોર , ભુંડ ને કારણે જ માંદા પડીયે છીયે , ડાયાબિટીસ થવા નું કારણ પણ , આપણી ફુડ હેબીટસ જ છે
ચારે દિશાઓ માંથી આવતી માહિતી ને કારણે બધા થોડે અંશે તંદુરસ્તી પ્રત્યે સજાગ થઇ ગયા છે. કેટલાક ચીકણા થઇ ગયા છે. પણ છતાં એ હકીકત છે કે રોગો વધુ થાય છે.જયારે આપણો ખોરાક અને વાતાવરણ શુદ્ધ થશે ત્યારે લોકો ની તબિયત ચોક્કસ સુધરશે .
સજાગ અને વધુ પડતા સજાગ વચ્ચે નો તફાવત સમજવો ખુબ જરૂરી છે.
પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર
ખોરાક, કસરત, શ્રમ, પર્યાવરણ અને માબાપનો મળેલ વારસો –આ બધાં પરિબળો તો પોત્પોતાનું સોંપાયેલું કામ કરે છે. આપણે પણ આપણાં શરીર પાસેથી મળતા પ્રતિભાવને ‘સાંભળીએ’ તો કુદરતની મૂળ વ્યવસ્થા આપણને પણ મદદ કરે જ.
હળવા સૂરમાં તો એમ જ કહેવાય કે એક જ ચિંત અન કરવી (કે એક જ કામ કરવું) – આવી બધી પંપજાળ છોડીને થતું હોય એ થવા દ્યો.
આમ પણ એમ જ થાય છે. !
આપે બિલકુલ સાચી અને મુદ્દા ની વાત કરી કે કુદરત ની મૂળ વ્યવસ્થા આપણને મદદ કરે જ છે. તેના માટે શરીર ના સંદેશાઓ સાંભળવા પડે .
સજાગ રહેવું પણ ચિંતા ના કરવી તે બરાબર લાગે છે. પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર !
મધ્ય પ્રદેશ રહેતા મારા એક સંબંધીનો કિસ્સો. મારી સ્મૃતિની હદો છે ત્યાં સુધી મેં એમને આજીવન મદ્યપાન કરતા જોયા છે અને એય દિવસમાં બે વાર ! એક પણ દિવસ પાડ્યા વિના !
એ ગયા વર્ષે 80 વર્ષની ઉંમરે ગુજરી ગયા સાવ અચાનક. કારણ હાર્ટ એટેક !
ઘણા લોકો સારી તબિયત ના વરદાન સાથે જન્મે છે .આપના સબંધી એવા જ ભાગ્યશાળી હશે. મેં પણ એવા દાખલાઓ જોયા છે તેમાં લોકો આખી જિંદગી ખાંડ અને તેલ મન ભરી ને ખાતા હોય અને છતાં કોઈ પણ રોગ થી મુક્ત હોય. એણે સારું ભાગ્ય કહેવું કે સારો વારસો કહેવો તે નક્કી કરવું પડે !
પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર !
અન્ય પરિબળો હોવા છતાં એક વાત તો સાચી છે કે વ્યાયામ, મોર્નીંગ વોક અને યોગથી ફાયદો થાય છે અને તે આપણાં હાથમાં છે.
બીજું, આપણું શરીર જ આપણને કહે છે કે તેને શું અને કેટલું માફક આવે છે. તો શરીરની તાસીરને અનુસરો.
આમાં કોઇ વિમાસણ જેવું નથી.
આપણે અમર તો નથી જ પણ જીવનપર્યંત સામાન્ય તંદુરસ્તી જળવાઈ રહે એવી ઈચ્છા જરુર રાખવી ગમે.
બાકી તો હરિ ઈચ્છા બળવાન છે.
આપે બિલકુલ સાચું કહ્યું કે વ્યાયામ વી. થી ફાયદો ચોક્કસ થાય જ છે. અને શરીર ના સંદેશાઓ વિષે પણ આપની વાત સાચી છે. પણ શરીર ની તાસીર સમજવા ની તૈયારી બધાની હોતી નથી.
પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર !
ખૂબ સરસ ચર્ચા . સારું જીવન જીવવા માટે સારું આરોગ્ય જરૂરી છે અને આરોગ્ય સચવાઇ રહે તે માટે આપણે ખાસ કરીને મોટી ઉંમરે ચિંતિત રહીએ છીએ અને કાળજી રાખતા હોઈએ છીએ અને રાખવી પણ જોઈએ, પરંતુ આ કાળજી રાખવી એ આપણા માટે બોજો ના બની રહેવી જોઈએ. કેટ્લીક વાર એવું જોવા મળે છે કે શારીરિક આરોગ્ય એ જ જીવનમંત્ર બની જાય છે. ક્યારેક બગીચામાં એવી રીતે કસરત કરતા લોકો જોવા મળે છે કે આજ ને આજ બધું આરોગ્ય લૂટી લઈએ! મૂળ વાત એ છે કે જેમ આપણી નિયમિત પ્રવૃતિ આપણને બોજારૂપ ના લાગે તેમ કરવી જોઈએ એ જ રીતે આરોગ્ય માટેની કાળજી જેમાં કસ્રરતનો પણ સમાવેશ થાય છે તે પણ બોજો ન બની રહે તેમ હોવા જોઈએ. જરૂરી કાળજી રાખ્યા પછી પણ બિમારી આવે તો કુદરતે ધેરામાં કરેલો ઘા (ટોળા પર ફેંકેલો પથરો ) સમજી આપણા પર પડ્યો તો ભલે પડ્યો એમ સમાધાન કરવું.
શરીર પ્રત્યે ની કાળજી ની માત્રા જરૂર કરતા વધી જાય ત્યારે આજુબાજુ વાળા ને અને ખાસ કરી ને કુટુંબીઓ ને તકલીફ શરુ થઇ જાય છે. ! ખુબ સંભાળ પછી પણ બીમાર તો લોકો પડે જ છે ત્યારે લોકો બીમાર થવા ના “વાંક” ની શોધ માં ફરતા હોય છે. તેની ચોક્કસ એક પ્રમાણ માં શોધ કરવી જ જોઈએ જેની પાછળ બહુ પડ્યા સિવાય ભવિષ્ય માટે ના પગલા ભરીએ તે વધુ સારું રહે છે.
પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર !