સંસ્કૃતિની શોધમાં : ૧૯ : “પ્રેતોનો ટીલો”

Facebooktwitterredditpinterestlinkedinmail

પૂર્વી મોદી મલકાણ

હરપ્પાનો અર્થ થાય છે “પ્રેતોનો ટીલો” આ સાઇટ ખરેખર અમને પ્રેતોના ટીલા જેવી જ લાગી. સૂમસાન…..નિઃસ્તબ્ધ સૂમસાન….કારણ કે આ સ્થળથી ગામ દૂર છે પણ આ સ્થળની આસપાસ અમને ઘઉંનાં ઘણાં ખેતરો જોવા મળ્યાં. કદાચ ઘઉં એ આ સ્થળનું અનાજ હોય તેવું અમને લાગ્યું, કારણ કે હરપ્પા મ્યુઝિયમમાં અમે અવશેષોમાંથી મળેલા સચવાયેલા ઘઉંનાં છોડવા અને ઘઉંનાં છોડવાવાળી ડિઝાઇન કરેલી સીલ પણ જોવા મળેલ. આ સીલ જોઈ ખ્યાલ આવેલો કે અહીં ખેતી કરનારા ખેડૂત વર્ગ પણ હતો. પણ તેમ છતાં યે હરપ્પાની સભ્યતા અને વિકાસ ઉપર આ વણિક લોકોનો હાથ વધુ હતો તેમ અમને લાગ્યું. જેઓ રાવી ઉપર શાસન વ્યવસ્થા કરતાં હતાં, વહાણો દ્વારા બિઝનેઝ ચલાવતાં હતાં.

મ્યુઝિયમ ચિત્ર

મ્યુઝિયમમાં ત્યાં જાણેલા ઇતિહાસ મુજબ મોહેં -જો-દારો અને આ હર્પ્પીયન સંસ્કૃતિ વચ્ચે લગભગ ૫૦૦ વર્ષનો ફર્ક હતો. જ્યારે મોહેં -જો-દારોનો સમય પૂરો થઈ રહ્યો હતો ત્યારે હરપ્પા હજી ઉદયમાન થઈ રહ્યું હતું. એક સમયે આ સ્થળેથી રાવી નદી વહેતી હતી અને રાવી નદીને કારણે આ સ્થળ ઉત્તમ નદી બંદર કહેવાતું હતું, પણ આજે રાવી નદી દૂર દૂર સુધી ક્યાંય દેખાતી ન હોવાથી રાવી પટનો વિસ્તાર આજે કોરો ધાકટ બનેલો છે. જ્યાં અમુક વૃક્ષો તો છે, પણ રેતીનાં ઢેર વધુ દેખાતાં હતાં.

સાઇટ પરની એક જગ્યા જ્યાંથી રાવીનો પ્રવાહ અહીંથી નીકળતો હતો, ત્યાં હવે રાવી રોડ છે..
બ્લોક્સ ખોદતાં મળેલું કબ્રસ્તાન જે બ્લોક્સ “એચ” ના નામે ઓળખાય છે.

રાવી પટ્ટની બાજુમાં કબ્રસ્તાન હતું. આ કબ્રસ્તાનની શોધ ૧૯૪૬ માં ખોદકામ દરમ્યાન કોઈક બ્લોક્સમાંથી થયેલી. બશીરજીનું કહેવું હતું કે હાલમાં આ નાનકડાં ગામમાં બે કબ્રસ્તાન છે. જેમાંથી આ કબ્રસ્તાનમાં રાવીનાં પાણીએ છીનવેલ મૃતકોને સુવડાવવામાં આવ્યાં છે. બશીરજીની આ વાતથી અમને આશ્ચર્ય થયું ત્યારે તેમણે કહ્યું કે; અત્યારે રાવીનદીનાં પાણી ગામથી લગભગ ૬ – ૮ માઈલ દૂર ચાલી ગયાં છે, પણ જ્યારે જ્યારે રાવીમાં પૂર આવે છે ત્યારે ત્યારે આ પાણી હરપ્પાની આ સાઇટ સુધી ચોક્કસ આવી જાય છે. આ પૂર જે જે જિંદગી લઈ જાય છે તે મૃતકો માટે આ કબ્રસ્તાન છે. હર્પ્પિયન સંસ્કૃતિનાં ચોરસાઓ સુધી પહોંચવા માટે અમારે આજ કબરો પાસેથી પસાર થવાનું હતું.

રાવી પટ્ટ

સાંજ પડવા આવી હતી. ક્યાંકથી કોઈક કૂતરાઓનો ભસવાનો અવાજ સંભળાતો હતો, તો સાથે સાથે ચીબરીની ચીખ પણ સંભળાતી હતી. આજુબાજુનાં ખેતરો પર કામ કરતાં લોકો સાઇકલ પર ગામ તરફ જઈ રહ્યાં હતાં. અમારી આસપાસનું જીવંત વાતાવરણ બધું જ બદલી રહ્યું હતું, જેમને આ હલનચલનનો કોઈ ફર્ક પડવાનો ન હતો તેવી આ જગ્યામાંથી પણ ક્યાંક એક -બે શાહુડીઓ લડતી દેખાઈ, તો ક્યાંક છછુંદરો અને સસલાં રમતાં દેખાયાં. આ શાંતિથી સૂતેલા લોકોની કબરો પરથી લાલીમા પોતાનો પડછાયો જે રીતે લાંબો કરતી હતી તે જોઈ અમને થોડો ડર લાગ્યો. ડર અમને આ મૃતકોનો નહીં, પણ અમારે જે જગ્યામાં પહોંચવાનું હતું તે જગ્યા માટેનો હતો. કારણ કે લાલીમાની પાછળ અંધકાર પણ આ ધરતી પર આવવા ઉતાવળો હતો. પણ કુદરતનો સાથ અમારી સાથે હતો, કારણ કે સંધ્યાને ય પોતાનું સામ્રાજ્ય ઝડપથી છોડવાની ઈચ્છા ન હતી અને અમારું તો શું કહેવું. અમારે તો અમારા મન-હૃદય અને મગજના પાત્ર પૂરેપૂરા છલકાઈ જાય તે રીતે વિતેલા યુગની એક એક સ્મૃતિ ભેગી કરી લેવાની હતી તેથી અમે જ્યારે આ બ્લોક્સ સુધી જવા માટે ઝડપથી પગ ઉપાડ્યાં ત્યારે મારી સામેની કબરમાં લખેલી “૧૬૫૪” ની સાલ તવારીખ ઝળકી રહી હતી અને હરપ્પાના વિવિધ સમયનાં અનેક આકારો અમારા પ્રત્યેક પગલાંની નીચે કચડાઈ રહ્યાં હતાં.

અવશેષ:-

કચડાતો સમય

આ માટીનાં ટુકડાઓની ડિઝાઇન, જાડાઈ ઉપરથી આ અવશેષ કેટલા વર્ષ જૂનો છે તેનું અનુમાન કરવામાં આવે છે. જમીન ખોદતાં જેમ નીચે જઈએ તેટલો સમય વધુ જૂનો. જે ટુકડાને હાથમાં પકડેલો છે તે મિડ હરપ્પન યુગનો છે અને પહેલો ફોટો અર્લી હરપ્પન યુગનો છે. આ ટુકડા પરથી ખ્યાલ આવે છે કે આજના માટલાની ડિઝાઇનમાં યુગોથી કોઈ ફર્ક થયો નથી.

આ સાઇટ પર અમને બહુ જાણીતા ન હોય અને મ્યુઝિયમમાં તેવા ઘણાં અવશેષો જોવા મળ્યાં; જેઓ વિવિધ સંજ્ઞાને પ્રસ્તુત કરતાં હતાં. આ અવશેષો અમને જોવા તો મળ્યાં પણ એનાં ફોટા લેવા ન મળ્યાં. તેનું કારણ એ હતું કે આ જગ્યાનાં અવશેષોને સરકારે ઓપન કરેલાં નથી. પણ સારા પૈસા મળશે તેવી આશામાં બશીરજી અમને જોવા માટે આપ્યાં, પણ એના ફોટાઓ જો વેબ પર આવી જાય તો બશીરજીને જેલમાં જવું પડે આથી આ અમે પણ બશીરજીની ઈચ્છા મુજબ અમુક અવશેષોનાં ફોટાઓ ન લેવાંનું નક્કી કર્યું, પણ અમારું મન ન માનતાં તેમનું ધ્યાન ચૂકવીને અમે અમુક ફોટાઓ લઈ જ લીધાં.

હરપ્પનયુગના અંતની આ પોટરી ઉપર ઊડતા મોર અને સૂર્ય, તારાનું પેઇન્ટિંગ કરેલ હતું.

સામાજિક જીવન અને ધર્મ:-

મ્યુઝિયમ ચિત્ર

જ્યાં જ્યાં અવશેષો કાઢવાની કામગીરી થતી હતી તેવી જગ્યાને બ્લોક્સ અને રૂમને નામે ઓળખવામાં આવતાં હતાં, આ આ બ્લોક્સની આસપાસ અમને બળદગાડા અને ભેંસાનાં હાડપિંજર અને શિંગ તેમજ પોટરીનાં કેટલાય ટુકડાઓ જોવા મળ્યાં.

ભેંસ કે તેનાં જેવા અન્ય પ્રાણીનું શિંગ-અવશેષ

આ અવશેષો પરથી એ ખ્યાલ આવ્યો કે લોકો કેવળ આ બે જ પ્રાણીઓનાં ગાડાઓનો ઉપયોગ રોજબરોજનાં જીવનમાં કરતાં હશે, આ બે પ્રાણીઓ સિવાય અન્ય કોઈ પ્રાણીઓનાં અવશેષો અમારા જોવામાં આવ્યાં નહીં. પણ આ લોકોનો ધર્મ કે માન્યતા શી હશે તે વિષે થોડું ચોક્કસ જાણવા મળ્યું. બશીરજીએ બતાવેલ એક અવશેષમાં એક અર્ધ તૂટી એક સ્ત્રીની મૂરત હતી. જેનાં ગર્ભમાંથી એક છોડ ઊગી રહ્યું હતું. આ છોડને જીવન સાથે સરખાવી શકાય છે. બશીરજીનાં કહેવા મુજબ આ મૂરત એ હર્પ્પિયન દેવી ઉરુરવા ઉર્વરતાની હતી, જે હરપ્પીયન ધર્મની મૂરત હતી. આ મૂરતની બીજી માન્યતા એ પણ છે કે તે સ્ત્રી એ પ્રજનન કરતી ધરતીદેવીનું પ્રતિક હતી. જેનું તેઓ પૂજન કરતાં હતાં. આ સાઇટ ઉપર ફરતાં ફરતાં અમે એક અન્ય ગ્રામવાસીને પણ મળ્યાં જેણે અમને કહ્યું કે હરપ્પા ગામના અંતે લાહોર જતાં આ દેવીની પ્રતિમાવાળું મંદિર તૈયાર કરાયું છે. જેમાં રોજ હિન્દુધર્મ મુજબ સવાર, બપોર અને સાંજ એમ ત્રણ સમય આરતી કરવામાં આવે છે, કેવળ આરતી. જ્યારે અમે લાહોર તરફ નીકળી રહ્યાં હતાં તે સમયે અમે આ મંદિર તરફ ગયેલાં, પણ અંધારું થઈ ગયેલું હોય આ સ્થળ મળ્યું નહીં. આ દેવીની વાતથી એક વાત ચોક્કસ નજરમાં આવી કે પાકમાં બીજા હિન્દુમંદિરોનું અસ્તિત્ત્વ ભલે માન્ય ન રાખવામાં આવ્યું હોય પણ હરપ્પા ….એક એવું ગામ જ્યાં હિન્દુઓનું નામોનિશાન જોવા મળતું નથી તેવાં ગામમાં આ ઉર્વરતા ધરતીનો મહિમા હોય તેઓએ હિન્દુ રિવાજ મુજબ આરતીને મહત્વ આપ્યું. કદાચ જે ભૂમિએ આપણને જન્મ આપ્યો છે તે ભૂમિનો આભાર માનવાની પ્રક્રિયા જ હશે.

બીજો અવશેષમાં અમને ટેરાકોટાનાં બનેલ લિંગ યોનિ જોવા મળ્યાં, જેના પર ભેંસ -અથવા વૃષભ ( બળદ ), હાથી, હરણ, વાઘ, માછલી, ગેંડો વગેરે એવી આકૃતિઓ કોતરાયેલી હતી. આ લિંગ અને આકૃતિ જોઈ મને લાગ્યું કે હર્પ્પિયન લોકો ભગવાન શિવને ચોક્કસ માનતાં હશે અને તે કોતરાયેલ આકૃતિ જોઈને એ ય સમજમાં આવ્યું કે એ સમયમાં પણ ભગવાન શિવનાં પશુપતિ રૂપમાં પૂજન થતું હતું. આજ લિંગમાં કોતરાયેલ પ્રાણીઓથી એ ખ્યાલ આવ્યો કે આ લોકોની આસપાસનાં જીવનમાંયે હરણ, વાઘ, માછલી, ગેંડો, બળદ, હાથી વગેરે પ્રાણીઓ હતાં. આ લિંગ, પ્રાણીઓની સાથે અમને તાવીજ આકારનાં બીબા પણ જોવા મળ્યાં, આ બીબા જોઈને ત્રીજો ખ્યાલ એ આવ્યો કે આ સંસ્કૃતિનાં લોકો ભૂત, જીન કે અન્ય નેગેટિવ એનર્જીમાં માનતાં હતાં. આ ઉર્વરતા દેવીની જેમ એક સીલ એવી અમારા જોવામાં જેની પર એક ભેંસ ઉપર સવાર સ્ત્રીની મૂરત બનાવવામાં આવેલ હતી, આ ચિત્ર જોઈ મને મહિષાસૂર મર્દીની દુર્ગાની યાદ આવી ગઈ. આ અવશેષ ઉપરાંત મોટાભાગની દરેકે દરેક સીલ વૃક્ષવેલીની જે ડિઝાઇન જોવા મળતી હતી તે ઉપરથી અમને આ લોકો વૃક્ષપૂજાને ય મહત્વ આપતાં હશે તેવું લાગ્યું. સીલ એટ્લે મુદ્રા. આ મુદ્રાની છાપ ઉપરથી વસ્તુનું મૂલ્ય નક્કી કરાતું હતું.

મ્યુઝિયમથી લઈ આ સાઇટ સુધીનાં વિસ્તારમાં અમને ઘણાં જૂના વૃક્ષો જોવામાં જેનાં થડ બિલકુલ પોલા હોય પણ જેમ વૃક્ષ ઉપર જાય તેમ હરિયાળું થતું જાય. આ વૃક્ષો તો એવા હતાં જે બહારથી દેખાતાં હતાં, પણ બ્લોક્સ ખોદતાં એક પથ્થર બની ગયેલ વૃક્ષ ( Petrified wood પેટ્રીફાઇડ બની ગયેલ વૃક્ષ) પણ મળી આવ્યું. જેનું થડ આજેય જમીનમાં ખૂંપેલું છે. બહારથી તે સામાન્ય વૃક્ષ જેવુ જ દેખાતું હતું, પણ હાથ ફેરવતાં જ અમને તે કાળની થપાટમાં કેટલું બદલાઈ ગયું છે તેનો ખ્યાલ આવી ગયો.

આ બ્લોક્સથી આગળ વધતાં વધતાં અમે રાવી નદીનાં પટ્ટ પર આવી પહોંચ્યાં. એ સમયે અહીંથી વધતી રાવી નદી ખૂબ વિશાળ હતી, ઉપરાંત અન્ય નાની મોટી નદીઓ આવીને રાવીનાં પાણીમાં અને ક્ષેત્રમાં વધારો કરતી હોય અહીં ઘઉં, કપાસ, કલિંગર, તલ, રાઈ, લીમડો, લીંબુ વગેરેની ખેતી થતી હતી. પણ આ નદીનાં પાણીમાં શંખ, કોડી વગેરે થતાં નહીં. મ્યુઝિયમમાં ફરતાં અમે કોડી-શંખ -છીપનાં બનેલાં અનેક આભૂષણો અમને જોવામાં આવેલાં. આથી એ વાતનો ખ્યાલ આવ્યો કે આ સંસ્કૃતિનાં લોકો સામુદ્રીક ધનનો ઉપયોગ કરતાં તો હતાં પણ આ ધન સૌરાષ્ટ્ર અને કરાંચી ( હાલ સિંધ ) નાં પ્રાંતમાંથી આવતાં હશે. હા; રાવી અને અન્ય નદીઓનાં વિશાળ પાણીનાં પ્રમાણે અહીં ઘઉં, કપાસ, જવ, લીમડો, લીંબુ, કલિંગર વગેરેની ખેતી થતી હતી. આ ખેતીમાં યે ઘઉં અને કપાસની ખેતીનું પ્રમાણ અમને વિશેષ લાગ્યું. કારણ કે મ્યુઝિયમમાં અમને આ બંને ધાન કોતરેલી અનેક સીલ જોવામાં આવેલી. આ સીલનો ઉપયોગ ધન તરીકે થતો હતો. ઘઉં અને કપાસની ખેતીમાં યે વિશેષતા એ હતી કે કપાસને હર્પ્પિયન લોકોની શોધ માનવામાં આવી હોય યૂનાની લોકોએ આ પ્રદેશને “સિડોન એટ્લે કે અત્યંત કોમળ પ્રદેશ” ને નામે ઓળખવું શરૂ કર્યું. અમે જ્યાં સુધી તે સાઇટ પર રહ્યાં ત્યાં સુધીમાં ૫ થી ૬ રૂમ બ્લોક જોયાં જ્યાં ત્યારે ખોદાઈ કામ ચાલું હતું. આ બ્લોક્સમાં એક બ્લોક્સમાં અમને એવાં દ્રશ્ય દેખાયાં જેનો ફોટો લેવાની લાલચ અમે રોકી ન શક્યાં. કારણ કે આ ફોટામાં રહેલ દૃશ્યો જ જીવનગાથા કહી જાય છે.

પણ જોવાનું એ કે આ ખોદકામમાં બુધ્ધાયુગનાં કોઈ અવશેષ મળ્યાં નથી, હા પ્રત્યેક રૂમની ખોદાઈ એક નવા ઇતિહાસનું પાનું ચોક્કસ ખોલી આપતું હતું. આ પાનાંઓ ફેરવતાં એ ય જાણવા મળ્યું કે હર્પ્પિયન લોકો ખેતીકાર્ય માટે લાકડા અને કાંસ્યમાંથી બનાવેલ ઓજારોનો ઉપયોગ કરતાં હતાં. પાછળથી અહીં કાંસ્ય, તાંબું મિક્સ કરી તેની વસ્તુઓ બનાવવા માટે ફેક્ટરી પણ નખાઈ હતી. આ તાંબું રાજસ્થાન અને અફઘાનિસ્તાનથી મંગાવવામાં આવતું હતું. અમે પહોંચ્યાં ત્યારે અન્ય રૂમો સાથે આ ફેકટરી ઉપર સિમેન્ટનું પોતું લગાવાઈ રહ્યું હતું, જેથી કરીને આ જૂની ઇમારતોનું વધુ ધોવાણ થતું અટકી જાય.

કાંસ્યયુગની પ્રથમ ફેકટરી

વ્યાપાર વાણિજ્ય:-

વ્યાપાર વાણિજ્ય માટે આ લોકો સીલનો ઉપયોગ કરતાં હતાં. સીલ એટ્લે મુદ્રા. આ મુદ્રાની છાપ ઉપરથી વસ્તુનું મૂલ્ય નક્કી કરાતું હતું. મ્યુઝિયમમાં અને આ સાઇટ ઉપરનાં બ્લોક્સનાં ખોદકામમાં અમે આ પ્રકારની અનેક સીલ જોઈ. આ ઉપરાંત વિવિધ જાતનાં પથ્થર અને રત્નો પણ જોવામાં આવ્યાં. અમને જોવા મળેલ પથ્થર અને રત્નો પરથી જાણવા મળ્યું કે હરપ્પાઇ લોકો નદી કિનારા અને પર્વતીય પ્રદેશમાંથી મળી આવતાં પથ્થર, ધાતુ કે રત્નોનો વ્યાપાર કરતાં હતાં, પણ તાંબું, ચાંદી, સોનું કે અન્ય ધાતુઓ અહીંથી મળી આવતી નહીં હોય તેથી આ વસ્તુઓ ભારત, અફઘાનિસ્તાનનાં અન્ય પ્રાંતોમાંથી આયાત કરવામાં આવતી હતી. રાવીનદીનાં પટ્ટની રેતીને અમે અમારા પગની નીચે ધમરોળી રહ્યાં હતાં ત્યારે વહાણોનાં કામમાં આવતી અમુક વસ્તુઓનાં અવશેષો જોવા મળ્યાં. આ અવશેષો જણાવતાં હતાં કે આ લોકો વ્યાપારિક વાણિજ્ય માટે બાહ્ય દેશો સાથે સંપર્કમાં રહેતાં હતાં.

મનોરંજન:-

મનોરંજન માટે આ લોકો માછલી પકડાતાં હતાં, આપસમાં કૂકડાં, કપોત લડાવતાં હતાં, ચૌપડ પાસા ખેલતાં હતાં, કે શિકાર કરતાં હતાં. આ બધી વાતો કેવળ મનોરંજન સુધી જ હતી મનોરંજનથી વિશેષ કશું જ ન હોય સમાજમાં મોટી લડાઈ થઈ હોય તેવા કોઈ શસ્ત્રો કે યુદ્ધ આધારિત વસ્તુઓ અમારા જોવામાં આવી નહીં.

મૃત્યુ વિધિ:-

વેપાર, વાણિજ્ય, મનોરંજન અને સામાજિક જીવનમાં આ લોકો માનતા હતાં તેમ મૃત્યુને ય માનતા હોય તેમ અમને લાગ્યું. આ બ્લોક્સ જોતાં જોતાં અમે આગળ વધતાં હતાં ત્યારે બશીરજીએ કહ્યું કે એક બ્લોક્સમાંથી ઘણી બધી રાખ અસ્થિઓ સમેત મળી આવેલ છે. આ બ્લોક્સ પર અમે પહોંચ્યાં ત્યારે બ્લોક્સનાં એક ખૂણામાં જમીનમાં અડધા દટાયેલાં એક હાડપિંજરનાં અમુક અવશેષો જોવામાં આવ્યાં. આ જોતાં અમે મૃત્યુ વિષે ત્રણ બાબતો જોવા મળી. કાં તો આખા શબ ને જમીનમાં દાટી દેતાં હશે અથવા પારસીઓની જેમ શબનાં અડધા ભાગનો ઉપયોગ પશુ-પ્રાણીઓનાં ખાદ્ય તરીકે કરી બાકીના અંશભાગને જમીનમાં દાટી દેવામાં આવતો હશે અથવા દેહનો પૂર્ણ દાહ સંસ્કાર કરી તે રાખ અને અસ્થિઓને દાટી દેવામાં આવતાં હશે.

બ્લોક્સમાંથી નીકળેલી કબરો

અંત:-

કોઈ સંસ્કૃતિ કાયમ નથી રહેતી તેનો ક્યારેક ને ક્યારેક અંત આવે જ છે. જે સંસ્કૃતિ નદી કિનારે વિકસિત થયેલી, તે સંસ્કૃતિનો અંત પણ આ નદીઓને કારણે જ આવ્યો. માન્યતા છે કે ધરતીકંપને કારણે રાવી નદીનો પ્રવાહ બદલાઈ ગયો તેથી જે વેપાર વાણિજ્ય નદીને કારણે ચાલતાં હતાં તે પડી ભાંગ્યા, નદી પ્રવાહને અવગણીને જ્યારે આ નગર ઊભું થવા પ્રયત્ન કરી રહ્યું હતું ત્યારે અહીં રોગચાળો ફાટી નીકળ્યો, આ રોગચાળામાંથી બહાર નિકળ્યું ત્યારે આક્રમણકારોએ નગરને તહસનહસ કરી નાખ્યું, આ આક્રમણનો સામનો કરીને લોકો ઊભા થયાં ત્યાં આગ ફાટી નીકળી. આમ આ નગરનો અંત થવા માટે ઘણાં બધાં કારણો જવાબદાર બન્યા. આ નગરનાં અંતની બીજી માન્યતા રાવી નદીના પૂરપ્રકોપ સાથે રહેલ છે. આ માન્યતા કહે છે કે પુરપ્રકોપ થયાં પછી રોગચાળો ફાટી નીકળ્યો. આ રોગચાળામાં અનાજ-વનવનસ્પતિ પણ પકડાયા. ત્યાર પછી ખાદ્ય સામગ્રી માટે લૂટફાટ થઈ અને અંતે આગ અને મારામારી અને મહામારીનો સમય પણ આવ્યો જેનાં કારણે ય કદાચ આ સંસ્કૃતિનો નાશ થયો હોવો જોઈએ. કારણ કોઈપણ હોય પણ એમ કહી શકાય કે જે સંસ્કૃતિ ૧૪૦૦ વર્ષ સુધી ફલિત રહી તે સંસ્કૃતિ ઇ.સ ૧૯૦૦ પૂર્વે સુધીમાં નાશ પામી અને જે લોકો બચી ગયાં તેઓ આ જમીનને શાપિત માનવાં લાગ્યાં તેથી તેઓએ આ ભૂમિ છોડી દીધી અને બીજી ભૂમિ પર વસી પોતાની બીજી નવી સંસ્કૃતિનું નિર્માણ કર્યું.

હર્પ્પિયન સંસ્કૃતિનો અંત શી રીતે આવ્યો જાણી અમને થોડું દુઃખ ચોક્કસ થયું, પણ દરેક સંસ્કૃતિ ક્યારેક ને ક્યારેક પરીવર્તન ચોક્કસ માંગે છે. આ સંસ્કૃતિમાં થયેલ પરીવર્તન ઉપર ભવિષ્યમાં અન્ય ઘણી સંસ્કૃતિ જન્મ લેવાની હતી તેથી આ સંસ્કૃતિનાં એક ભવ્ય યુગ વિશે વાતો કરતાં કરતાં અમે પણ લાહોર તરફ જવા ઉતાવળાં થયાં હતાં. ઉપરાંત આ એક મોટા હોલ્ટ પછી હજુયે અમારો એક હોલ્ટ હરિપુર સ્ટેશને લેવાનો હતો અને ઉર્વરતા દેવીનું મંદિર પણ શોધવાનું હતું તેથી અમે પણ ગાઈડ બશીરજીને સારી એવી ટીપ આપી ત્યાંથી નીકળી પડ્યાં ત્યારે સોહામણી સાંજ હરપ્પાનાં ખેતરોમાં સંતાતી જોવા મળી.

ખેતરો પર પથરાઈ રહેલ સંધ્યાનાં સોનેરી કિરણો

ફોટોગ્રાફી :- પૂર્વી મોદી મલકાણ અને મી.મલકાણ


© પૂર્વી મોદી મલકાણ યુ.એસ એ. |  purvimalkan@yahoo.com

1 comment for “સંસ્કૃતિની શોધમાં : ૧૯ : “પ્રેતોનો ટીલો”

  1. Bharti
    October 8, 2019 at 7:44 pm

    Beautiful, beautiful only beautiful Purviben. Hanmesh ni jem aaje y samay ne manyo.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *