મંજૂષા: ૨૭. આપણા ભાગે આવતી માત્ર એક જ જિંદગી

વિનેશ અંતાણી

જિંદગીની નવી રીતે અને નવી જગ્યાએ શરૂઆત કરવી એક વાત છે, મૂળિયાં ઉખેડીને પલાયન કરી જવું જુદી વાત છે

–   –     –   –   –   

કાલ્પનિક આધેડ મહિલાની નોાંધ: ‘આખો દિવસ વરંડામાં બેસીને રસ્તા પર પસાર થતા લોકોને જોયા કરું છું. દિવસ જેમતેમ પસાર થઈ જાય. સાંજે બીજાં ઘરના લોકો ઘેર પાછાં આવતાં દેખાય અને હું એની વાટ જોવા લાગું. મને થાય કે એ પણ બેન્કમાંથી પાછો આવશે. સ્કૂટરનો અવાજ સાંભળતાં હું આંગણાનું ફાટક ખોલવા દોડતી જઈશ. એ થાકેલો આવશે. હું એના માટે ચા બનાવીશ. એ પૂછશે: ‘આખો દિવસ શું કર્યું?’ હું કહીશ… શું કહીશ એને? એ તો કેટલાંય વર્ષોથી પાછો આવ્યો જ નથી. હું એને જોતી રહીશ અને એ મને જણાવ્યા વિના એક દિવસ ચાલ્યો ગયો હતો તેમ જ ફરી મારી સામેથી ગૂમ થઈ જશે.’

મેં નાનપણમાં એક સ્ત્રીને દીકરા સાથે એકલી રહેતી જોઈ હતી. એનો પતિ અચાનક કોઈને જણાવ્યા વિના ઘરમાંથી ચાલ્યો ગયો હતો. સ્ત્રીએ અને સગાંવહાલાંઓએ બહુ તપાસ કરી, પરંતુ એની ભાળ મળી નહીં. એ લોકો ગામનાં કૂવા-તળાવમાં પણ શોધ કરી આવ્યાં હતાં. ન એ આવ્યો, ન તો એનો મૃતદેહ મળ્યો. એ મહિલાએ પારકાં ઘરનાં કામ કરીને દીકરાને મોટો કર્યો. એના મોઢા પર ગમગીની કાળી છાયા છવાયેલી રહેતી. એ સ્મિત કરવાનું ભૂલી ગઈ હતી. એ એવી જિંદગી જીવી, જેના માટે એ કોઈ પણ રીતે જવાબદાર નહોતી. જવાબદાર હતો તે પુરુષ હંમેશને માટે ગાયબ થઈ ગયો હતો. ક્યાં ગયો, શા માટે ગયો, જીવે છે કે નહીં તેવી કોઈ પણ બાબતની ખબર જ પડી નહીં. એ સ્ત્રી ન તો સધવાનું જીવન જીવી શકી, ન તો વિધવાનું.

આવા ઘણા કિસ્સા બને છે. લોકો કોઈ દેખીતા કારણ વિના ઘર છોડીને ચાલ્યા જાય છે. એમની પાછળ એમનો પરિવાર જીવન ઘસડતો રહે છે. એ કયો મૂંઝારો હોય છે, જે એમને ઘર છોડીને જવા માટે મજબૂર કરે છે? બધા કિસ્સામાં માત્ર મૂંઝારો જ નથી હોતો, બીજાં ઘણાં કારણો હોય છે, પરંતુ એમના પરિવારની યાતના એક જ પ્રકારની હોય છે.

૧૯૮૯માં બનેલી મૃણાલ સેનની આર્ટ ફિલ્મ ‘એક દિન અચાનક’ યાદ આવે. એમાં પણ આધેડ પ્રોફેસર એક સાંજે વરસતા વરસાદમાં ઘરમાંથી બહાર જાય છે અને ફરી ક્યારેય પાછો આવતો નથી. આઘાત અને અનેક પ્રશ્ર્નોમાં ઘેરાયેલો પરિવાર જીવનમાં સ્થિર થવાની કોશિશ કરે છે, પરંતુ તેઓ અંદરથી ઊખડી ગયાં છે. એમને એક જ પ્રશ્ર્ન છે કે એ શા માટે ચાલ્યો ગયો. બધાં પોતપોતાની રીતે એનો જવાબ શોધવા મથે છે. કોઈને લાગે છે કે એ એના જીવનમાં કશુંક બહુ મોટું કામ કરવા માગતો હતો અને કરી શક્યો નહીં તેની હતાશામાં ચાલ્યો ગયો. કોઈ વિચારે છે, કદાચ એ પોતાને બીજા લોકોથી ભિન્ન સાબિત કરવા માગતો હતો. પરિવાર સિવાયના લોકો પણ પ્રોફેસરનું અલગ – અલગ રીતે મૂ્લ્યાંકન કરે છે, જેનો કશો જ અર્થ હોતો નથી. એ ઘર છોડીને ચાલ્યો ગયો, પરંતુ એનો ગમગીન પડછાયો આખા ઘર પર મંડરાતો રહે છે. પ્રોફેસર ખોવાઈ જઈને પણ એના મનના ખાલીપાની ભેટ પરિવારને આપતો જાય છે.

હિન્દીના સુપ્રસિદ્ધ સર્જક નિર્મલ વર્માની વાર્તા છે: ‘કૌએ ઔર કાલા પાની.’ એ વાર્તામાં ઘર છોડીને ચાલ્યો ગયેલો માણસ કેન્દ્રમાં છે. પરિવારનો બીજા નંબરનો દીકરો અચાનક ચાલ્યો જાય છે પછી પિતા અને ભાઈઓએ હૉસ્પિટલોમાં, પોલીસથાણામાં, શબઘરોમાં એની નિષ્ફળ શોધખોળ કરી હતી. દસ વર્ષો પછી એક પહાડી ઇલાકામાંથી એનો પોસ્ટકાર્ડ મળે છે. સૌથી નાનો ભાઈ એને મળવા આવે છે. દસ વર્ષોથી પહાડોની વચ્ચે એકલા રહેતા પુરુષને બીજા લોકો સંન્યાસી માને છે. નાના ભાઈ સાથેની વાતચીતમાંથી ઘર છોડીને ચાલ્યા ગયેલા માણસના મનની કેટલીક બાબતો વાંચકને સમજાય છે. પરિવારને છોડ્યા પછી પણ એ કશું જ ભૂલી શક્યો નથી. ભાઈ પૂછે છે કે બીજા લોકોને સાવ છોડી દેવા શક્ય હોય છે? એનો જવાબ છે કે એ શક્ય હોતું નથી. ઘર છોડ્યા પછી પણ એ માનસિક રીતે પરિવાર સાથે જોડાયેલો રહ્યો હતો. કદાચ એમાંથી હંમેશને માટે છુટકારો મેળવવા એણે દસ વર્ષ પછી પરિવારને પત્ર લખ્યો હતો.

કેટલાક લોકો કોઈ પણ જગ્યાએ હોય, તેઓ હોઈને પણ ન હોવા જેવા હોય છે. જિંદગીની નવી રીતે અને નવી જગ્યાએ શરૂઆત કરવી એક વાત છે, મૂળિયાં ઉખેડીને પલાયન કરી જવું જુદી વાત છે. જરૂરી નથી કે ઘર છોડીને ચાલ્યા જતા લોકો જ ઘરની બહાર વસતા હોય. ઘણા લોકો ઘરમાં પરિવારની વચ્ચે રહેતા હોય, છતાં ગેરહાજર જેવું જ જીવન જીવતા હોય છે. એવા લોકો અથવા ઘરમાંથી ચાલ્યા જતા લોકો જાણતા નથી કે આપણા ભાગે આવેલી જિંદગી એક જ વાર જીવી શકાય છીએ.


શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.