ટાઈટલ મ્યુઝીક : ૧૯ : દાસી (૧૯૪૪)

Facebooktwitterredditpinterestlinkedinmail

બીરેન કોઠારી

હિન્દી ફિલ્મના સંગીતકારોની પહેલવહેલી જોડી હુસ્નલાલ-ભગતરામની છે. હકીકતમાં તેઓ ત્રણ ભાઈઓ હતા. તેમાંના ત્રીજા એટલે પંડિત અમરનાથ. માત્ર 35 વર્ષનું આયુષ્ય ભોગવીને પં.અમરનાથે વિદાય લીધી. તેમણે 17 હિન્દી અને 2 પંજાબી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. ‘ગર્મ કોટ’ (1955)ના સંગીતકાર તરીકે અમરનાથ હતા, પણ એ સંગીતકાર અલગ હતા. ભગતરામ નિષ્ણાત હાર્મોનિયમવાદક હતા, જ્યારે હુસ્નલાલ વાયોલિનના ઉસ્તાદ હતા. હિન્દી ફિલ્મસંગીતમાં પંજાબી ઠેકો લાવનારા આરંભિક સંગીતકારોમાંના તેઓ એક હતા. પં.અમરનાથની પહેલી ફિલ્મ રૂપ કે. શૌરીની ‘નિશાની’ 1942માં રજૂઆત પામી, તો હુસ્નલાલ-ભગતરામે ‘ચાંદ'(1944) થી પ્રવેશ કર્યો.

પં.અમરનાથનાં ઘણા બધા ગીતોમાં ઝીનત બેગમ, શમશાદ બેગમ અને એસ.ડી. (શિવદયાલ) બાતિશનો સ્વર સાંભળવા મળે છે. 20 ફેબ્રુઆરી, 1947માં તેમનું નિધન થઈ ગયું, એટલે કદાચ લતા મંગેશકર જેવા પાતળા સ્વરવાળી ગાયિકા પાસે ગવડાવવાનું તેમના ભાગે ખાસ આવ્યું નહીં. પં.અમરનાથે સ્વરબદ્ધ કરેલાં ‘મિર્ઝા સાહીબાં’નાં નૂરજહાંના તેમજ અન્ય ગીતો આજે પણ દિલમાંથી ખસી શકતાં નથી.

(દીનાનાથ મધોક)

‘પ્રધાન પિક્ચર્સ, લાહોર’ દ્વારા નિર્મિત, હીરેન બોઝ દિગ્દર્શીત ‘દાસી’માં પણ પં.અમરનાથનું સંગીત હતું. રાગિણી, નજમૂલ હસન (દેવિકા રાણી ફેમ), જ્ઞાની, ઓમપ્રકાશ જેવા કલાકારો તેમાં હતા. આ ફિલ્મનાં કુલ 10 ગીતો હતાં. મઝાની વાત એ છે કે આ ફિલ્મનાં ગીતોમાં મહિલા સ્વર ઝીનત બેગમનો અને પુરુષ સ્વર એસ.ડી.બાતિશનો જ છે, જ્યારે ગીતો દીનાનાથ મધોક, નાઝિમ પાણીપતી (1 ગીત) તેમજ અઝીઝ કશ્મીરી (1 ગીત) દ્વારા લખાયાં છે.

‘મેરી આરઝૂ દેખ ક્યા ચાહતા હૂં’, હો રસિયા, ‘કભી તૂ લે ચલ જમના કે પાર’, ‘ધાન કે ખેત મેં ન જઈયો મોરે રાજા’, મિલ કે બિછડ ન જાના’, ‘સુબહ હુઈ ઔર પંછી જાગે’, ‘રાતેં ન રહી’, ‘ખામોશ નિગાહેં યહ સુનાતી હૈ કહાની’ (બે ભાગમાં), ‘જાઓ સજન હરજાઈ’, તેમ જ ‘દેખા કરો ભગવાન’ જેવાં ગીતોમાંથી ‘ખામોશ નિગાહેં’, ‘રાતેં ન રહી’ જેવાં ગીતો તો સંગીતપ્રેમીઓ આજે પણ ગણગણે છે.

આ ફિલ્મ દલસુખ પંચોલીનું જ નિર્માણ હોય એમ લાગે છે, જેમનું લાહોરમાં બહુ મોટું નામ હતું. (તેઓ મૂળ હળવદના). ફિલ્મના ટાઈટલ મ્યુઝીકનો આરંભ એકદમ ઝડપી લયવાળા સંગીતથી થાય છે. આ શૈલી હુસ્નલાલ-ભગતરામની શૈલીની યાદ અપાવે છે. એ પણ ખ્યાલ આવે છે કે હજી ટાઈટલ્સમાં ક્રમ અને નામનું પ્રાધાન્ય ગૌણ હતાં, અને માત્ર નામ આવે એ જ અગત્યનું હતું. ટાઈટલ્સની સાથે એક છાયાચિત્ર બનાવેલું દેખાય છે. એ સમયે આવાં છાયાચિત્રો અને ટાઈટલ્સ સુદ્ધાં લખનારા ઘણા કલાકારો હતા, જેમાંના એક કલાકારના પરિવારજનોની રજનીકુમાર પંડ્યાએ થોડા મહિના અગાઉ જ મુલાકાત લીધી હતી. અમદાવાદ રહેતા નાનુભાઈ ચોકસી પણ ‘બૉમ્બે ટૉકીઝ’ની ફિલ્મોનાં ટાઈટલ્સ ચીતરતા હતા.
લાહોરમાં સ્થિત એક ગુજરાતીની કંપની હોવાથી ટાઈટલ્સમાં પંચોલી, દવે, કચ્છી જેવી ગુજરાતી અટકોની સાથોસાથ બાલી, સેઠી, આનંદ, ક્વાત્રા જેવી પંજાબી અટકો વાંચવા મળે છે.

યૂ ટ્યૂબ પર ‘દાસી’નાં બધાં ગીતો ઉપલબ્ધ નથી, પણ અહીં આઠેક ગીતો સાંભળી શકાશે. https://gaana.com/album/daasi ખાસ તો ઝીનત બેગમના સ્વરમાંનાં ગીત સાંભળવા જેવાં છે. એક વાર સાંભળ્યા પછી તે મનમાં રીતસર ચોંટી જશે.

અહીં આપેલી આખી ફિલ્મની લીન્‍કમાં 0.05 થી શરૂ થતા ટાઈટલ મ્યુઝીકનો લય 0.54 થી બદલાય છે, અને 1.24 પર તો તે પૂરું થઈ જાય છે.


(All the photos and link are taken from net)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

1 comment for “ટાઈટલ મ્યુઝીક : ૧૯ : દાસી (૧૯૪૪)

  1. October 7, 2019 at 1:26 pm

    ‘દાસી’ એટલી જૂની ફિલ્મછે કે તેનાં ગીતો આજની પેઢીમાંથી પણ ફિલ્મ સંગીતના અઠંગ રસિયાઓએ જ સંભળ્યાં હોય એ સ્વાભાવિક છે. આજે બીરેન ભાઈએ એ સમયનાં સંગીત સાથે ગીતો સિવાયનો સંબંધ સ્તાપી આપ્યો.
    વાયોલિન સમુહની દ્રુત ગતિમાં સજ્જ ટાઈટલ મુઝિક ‘એ’ સમય’નું જરા પણ ન લાગે.
    સંગીતકારનું નામ નિર્માતા અને દિગ્દર્શકના નામની છેલ્લી બે ત્રણ સ્લાઈડમાં આવે છે તે પંડિત અમરનાથનાં વરિષ્ઠ્ત્વની સાહેદી પૂરે છે. સંગીતકાર્નું નામ આવે એટલે ટાઈતલ મ્યુઝિક પોતાનો તાલ બદલીને અંતની શરૂઆતનો રાગ પકડી એ પ્રથા પણ અહીં – આટલા સમય પહેલાં – પણ જોવા મળે છે., જે આજે પણ લગભગ વણલખ્યા નિયમ જેમ ચાલુ રહી છે.
    બીરેનભાઈનો ખુબ ખુબ આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *