ત્યારે કરીશું શું?:[૪]

Facebooktwitterredditpinterestlinkedinmail

પરિચયકર્તા- કિશોરચંદ્ર ઠાકર

ગુલામોનો હું માલિક છું એ વિચારથી હંમેશા હું શરમ અનુભવું છું. પરંતુ નવ વર્ષનાં બાળક પાસેથી સાડાબાર કલાક કામ લેવાની આશા રાખવા જેટલી ક્રૂરતા કોઇ પણ માણસ કરી શકે એવું વેસ્ટ ઈ‌ન્ડીઝમાં અમે કલ્પી શકતા નથી. તમે તો કબૂલ કરો છો કે એ તમારે ત્યાં સામાન્ય વાત છે”.

-ઔદ્યોગિક ક્રાંતિ પછીની યુરોપની સ્થિતિના સંદર્ભમાં વેસ્ટ ઇ‌ન્ડીઝનો ગુલામોનો એક માલિક-

આપણે જોયું કે ટોલ્સ્ટોયના મત મુજબ નાણું એ લોકોને ગુલામ બનાવવા માટેનું સરળ સાધન છે. આ માટે તેમણે દક્ષિણ પેસિફિક મહાસાગરનાં પૉલિનેશિયા નામના ટાપુઓના સમૂહમાં રહેતા ફિજી લોકોનું ઉદાહરણ આપ્યું. અગાઉ ફિજી લોકો સુંદર ખેતી અને પશુપાલન કરતા અને ચીજવસ્તુઓના વિનિમય વડે વ્યવહાર ચલાવીને પોતાનું સુખી જીવન જીવતા. ટાપુઓ પર મૂળ વતનીઓની વસ્તી 1,50,000 લોકોની હતી. ઉપરાંત ત્યાં અમેરિકાથી આવેલા 1,500 ગોરાઓ પણ હતા. જમીન ખૂબ ફળદ્રુપ હતી. આથી અમેરિકાનો ડોળો આ ટાપુઓ ઉપર પડ્યો. પરાપૂર્વથી પેલી વાર્તામાંના વરુઓ બકરીઓ સાથે કરતા આવ્યા છે તે મુજબ અમેરિકાએ ફિજી લોકોના રાજા ઠાકોમ્બો પર ત્યાંના અમેરિકનોને રંજાડવાનો આક્ષેપ મૂકીને 45,000 ડોલરનો દંડ ફટકાર્યો અને ઉત્તરોત્તર દંડની રકમ વધારતા જ ગયા. દંડ વસૂલ કરવા માટે એક લશ્કરી કાફલો મોકલ્યો, જો નાણાં ન મળે તો ટાપુઓને દારૂગોળાથી ઉડાડી મૂકવાની ધમકી આપી. પરંતુ રાજા નાણાં લાવે ક્યાંથી? અહીં તો તેનું ચલણ જ ન હતું. આથી થોડા ગોરાઓની સલાહથી મેલબોર્નના વેપારીઓની મદદ માગી

આ વેપારીઓએ તેને ડોલર તો આપ્યા, પરંતુ બદલામાં કોઇપણ પ્રકારની જકાત કે વેરો નહિ ભરવાનો કરાર કરીને આ ટાપુઓ પર વેપાર કરવા માટે ‘પૉલિનેશિયા’ નામની કંપની બનાવી. ઉપરાંત ત્યાંની ઉત્તમમાં ઉત્તમ જમીન માગી. હવે બન્યું એવું કે પેલી કંપનીએ તો રાજાને દોઢિયું પણ આપવાનું ન હતું, અને લોકો પાસે પણ ઘણી જમીન છીનવાઈ ગઈ હોવાથી તેઓ પણ રાજાને કર પેટે કંઈ આપી શકે તેમ ન હતા. રાજનાં કાજ કંઈ કરવેરા વિના થોડાં થાય? આ ઉપરાંત રાજાને તો પેલા વેપારીઓને ચલણી નાણાંમાં દેવું ચૂકવવાનું હજુ બાકી હતું, ‘નબળો માટી બૈરા પર શૂરો’ એ ન્યાયે તેણે સ્થાનિક પ્રજા પાસે રોકડમાં કર ચૂકવવા માટે કડક ઉઘરાણી કરી. પરિણામે લોકોએ પોતાના ઢોરઢાંખર અને રહીસહી જમીન ગોરાઓને અથવા જેમની પાસેથી પણ નાણું મળ્યું તેમને વેચી દેવા પડ્યાં. છેવટે ઉદરપૂર્તિ માટે કંઈ સાધન ન રહેતા ગુલામ તરીકે વેચાવું પડ્યું. (અહીં આ વાત સંક્ષિપ્તમાં જ કરી છે, પુસ્તકમાં તો નાણાંના ખેલ વડે ફિજી ટાપુના લોકોને ગુલામ બનાવવાની વાત ખૂબ વિસ્તારથી કરી છે.)

આમ છતાં અર્થશાસ્ત્રીઓ તો નાણાને સરળ વ્યહવાર માટેનું નિર્દોષ સાધન જ માને છે. ટોલ્સ્ટોય તો તેમને અનર્થશાસ્ત્રી કહે છે. કોઇપણ કારીગર-મજૂર પોતાની મજૂરીનો માલિક ત્યારે જ બની શકે કે જ્યારે ઉત્પાદનનાં સાધનોનો પોતે જ માલિક હોય. પરંતુ ઔદ્યોગિક ક્રાંતિને (ધ્યાન રહે કે ટોલ્સ્ટોય એ સમય—1828 થી 1910-માં થઈ ગયા કે જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ ખૂબ આગળ વધી ચૂકી હતી) પરિણામે તેનાં આ સાધનો ઝૂંટવાઈ ગયા અને પોતે માલિક મટી ગુલામ બન્યો. ઉદાહરણ તરીકે કાપડ વણતા વણકર પાસે જ્યાં સુધી પોતાની હાથશાળ હતી ત્યાં સુધી તે માલિક હતો. પરંતુ ઔદ્યોગિક ક્રાંતિને લીધે તેનું આ સાધન છીનવાઈ ગયું અને પોતે કાપડની મિલના માલિકનો ગુલામ બની ગયો. આ વાત મોચી, સુથાર લુહાર વગેરે કારીગરો, ખેડૂત, તેમજ બધા જ મજૂરવર્ગોને પણ લાગુ પડે છે. છતાં અર્થશાસ્ત્રીઓ તો એમ જ માને છે કે મજૂર પોતાની મજૂરીનો માલિક છે. ખરેખર એ જો માલિક હોય તો પોતાની ઇચ્છા મુજબ અથવા તો પોતાનું ગુજરાન સારી રીતે ચાલે એ પ્રમાણે કાંઈક વાજબી દામ લઈ શકે. પરંતુ એ તેમ કરી શકે તેમ રહ્યું નહિ. તેથી પોતાને પસંદ ન પડે એ રીતે શહેરની ગંદી વસ્તીનાં ઘોલકાંઓમાં રહેવું પડ્યું, છેવટ જતાં ક્યારેક ભિખારી પણ બનવું પડ્યું,

ટોલ્સ્ટોયે સતત ભારપૂર્વક કહ્યા કર્યું કે આપણી જરૂરિયાતો માટે આપણે જ શ્રમ કરવો જોઈએ. પરંતુ આમ નહિ કરવા માટે કેટલાક બૌદ્ધિકોએ જુદી જુદી ફિલસુફીઓ વિકસાવી છે. તેમાંની એક ફિલસુફી પ્રમાણે જેમ શરીરના દરેક અવયવને પોતપોતાનું કામ સોંપવામાં આવ્યું છે, તે પ્રમાણે માનવસમાજને એક શરીર કલ્પીને તેના જુદા જુદા વર્ગોને તે શરીરના અવયવો કલ્પવામાં આવ્યા, જેમાંના શ્રમજીવી વર્ગને તો શારીરિક મહેનત કરવાની જ રહે છે. હેગલ જેવાએ તો ત્યાં સુધી કહી દીધું કે જે સમયમાં સમાજમાં જે પણ પરિસ્થિતિ પ્રવર્તતી હોય તે ન્યાયસંગત જ છે! આમ કહીને તેમણે જુલમો અને શોષણને ન્યાયી જ ઠરાવી દીધા. આપણા કહેવાતા ઉજળિયાત વર્ગને તો આવી ફિલસુફીઓ શીરાની જેમ સહેલાઈથી ગળે ઉતરી જાય તેવી છે. પરંતુ માનવસમાજને માનવશરીર કલ્પવું એ જ તદ્દન ભૂલભરેલું છે એમ કહીને ટોલ્સ્ટોયે આ પ્રકારની ફિલસુફીને તેના પાયામાંથી જ ખોટી સાબિત કરી દીધી.

ધર્મગુરુઓનો પરપોટો તો આપણા સામાજમાં અવારનવાર ફૂટતો જ રહે છે, એથી એ બાબતે વિશેષ કહેવાની જરૂર નથી. ટોલ્સ્ટોયે તો એમના સમયમાં જ કહી દીધું કે “જ્યાં સુધી ખ્રિસ્તી સાધુઓએ કષ્ટો વેઠ્યાં ત્યાં સુધી ખ્રિસ્તી સંપ્રદાય શુદ્ધ તપતો રહ્યો. પરંતુ સાધુઓ જ્યાં ખાનપાન અને મોજશોખમાં પડી ગયા, ત્યાં જ એ સંપ્રદાયની આભા જતી રહી. આખી વાત સરળીકરણ કરીને તેમણે આ રીતે મૂકી. “પહેલા ધર્મગુરુઓ સોનાના હતા અને તેમના કમંડલ લાકડાનાં હતા. આજે કમંડલ સોનાનાં થયા છે, પણ ધર્મગુરુઓ લાકડાના થઈ ગયા છે. આ વાત તમામ ધર્મસંપ્રદાયના અધિપતિઓ માટે પણ એટલી જ સાચી છે.

આધુનિક રાજ્યોને કલ્યાણ રાજ્યો કહેતાં આપણે થાકતા નથી, પરંતુ એ રાજ્યોના વાહકો એવા સરકારી નોકરોનું જીવન અને વર્તન જોઈએ તો તે લોકો પણ સામજના ગરીબ વર્ગો પર બોજો બનેલા જ લાગશે.

જે વૈજ્ઞાનિક શોધોને આપણે માનવજાતને માટે આશીર્વાદ માનીએ છીએ તેને માટે પણ ટોલ્સ્ટોય કહે છે કે આ શોધોથી પણ અમુક વર્ગને જ લાભ મળ્યો છે. આ માટે રેલ્વેનું ઉદાહરણ આપીને તેઓ કહે છે કે આપણે ભલે માનીએ કે રેલ્વેને કારણે મજૂરોનું પગે ચાલવાનું બંધ થયું. પરંતુ ખરેખર તો રેલ્વે‌એ તેમનાં જંગલો બાળી નાખ્યાં છે તે મજ તેમનું અનાજ પણ તે લઈ ગઈ છે, રેલ્વે અને કારખાનાં બાંધતી વખતે ઇજનેરોએ તથા મૂડીપતિઓએ તેમનાં લોહીનું છેલ્લું ટીપું નિચોવી લેવા સિવાય બીજો કશો વિચાર કર્યો નથી.

દાકતરી વિજ્ઞાનને તો ટોલ્સ્ટોય પાખંડ જ કહે છે. આ વિજ્ઞાનનું કામ તો જે લોકો પોતાનું કામ બીજાની પાસે કરાવતા હોય તેવા લોકોને જ સાજા કરવા માટેનું છે. વળી દાકતરી વિજ્ઞાન પોતાનું કામ કરી શકે તે માટે તેને ખૂબ જ ખર્ચાળ સાધનો, મોંઘી દવાઓ, સ્વચ્છ અને મોટા ઓરડાઓ જોઈએ, એક દરદીને સાજો કરવા માટે આ ખર્ચનો બોજો જેમના પર પડે છે તેમને ભૂખે મારવા પડે. આરોગ્યના નિષ્ણાતો તો ત્યાં સુધી કહે છે કે જે સ્થિતિમાં મજૂરી કરનારા લોકો રહે છે ત્યાં તેમને માટે આરોગ્ય અશક્ય છે. વળી આ લોકોનું મોટામાં મોટું દુ:ખ એ છે કે તેમની પાસે પૂરતું ખાવાનું જ નથી. આથી જેનો ઇલાજ પોતે કરાવી શકે તેમ નથી એવી બીમારીઓમાં તેઓ સહેલાઈથી સપડાય છે. આમ ગરીબ એવા આ મજૂરો માટે દાક્તરી વિજ્ઞાન કશા જ કામનું નથી.

વિજ્ઞાનની અન્ય શોધો તેમજ સાહિત્ય, નાટક, સંગીત કે ચિત્રકામ જેવી કળાઓ બાબતે પણ સંજોગો જ એવા છે કે એ બધું મજૂરોને ઉપયોગી થઈ શકતું નથી, ઉલટાનું સાહિત્ય પરિષદોના ભવનો, નાટ્યશાળાઓ, ચિત્રાલયો-સંગ્રહાલયો, જે તેને સહેજ પણ કામમાં લાગે તેમ નથી તેમને બાંધવામાં મજૂરનું તો શોષણ જ થાય છે, સંગીત કે નાચગાનનાં સાધનો પણ બનાવે છે તો પેલા મજૂરો, પરંતુ તેમને તો તે કદી ઉપયોગી થતું જ નથી.

આ રીતે આપણો જમાનો વિજ્ઞાન અને બીજી અનેક વિદ્યાઓ માટે જે ગૌરવ લે છે, તે ગૌરવમાં ટોલ્સ્ટોયે ટાંકણી ભોંકી છે. આપણે એવી વ્યવસ્થામાં જીવીએ છીએ કે જેમાં કોઇ પણ વિદ્યા કે સંશોધન જાણે ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ પડતો હોય તેમ સુખીસંપન્ન કે બળવાન લોકો તરફ ખેંચાઈ જાય છે. ટોલ્સ્ટોયના મત મુજબ આ નિયમને તોડવા માટેની શરૂઆત આપણે વ્યક્તિગત જીવનમાં ફેરફાર કરવાથી જ થઈ શકે છે, આ માટે આજની મહિલાઓ શું કરી શકે તેમ છે તે ઉપરાંત ટોલ્સ્ટોયે અત્યાર સુધી જે કાંઈ કહ્યું છે તેમાંથી ઊભા થતા આપણા સંશયો અંગે હવે પછીના પ્રકરણમાં વાત કરીશું.


ક્રમશ:


શ્રી કિશોરચંદ્ર ઠાકરનં સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in  । મો. +91 9714936269

2 comments for “ત્યારે કરીશું શું?:[૪]

 1. Samir
  October 6, 2019 at 1:37 pm

  મહાન રશિયન લેખક ટોલ્સટોય સાથે બધી બાબતે સંમત થવું અઘરું છે. રેલ્વે અને તબીબી વિજ્ઞાન વિષે તે સાચા જણાતા નથી. તબીબી વિજ્ઞાન ની ઉણપો સાથે તેણે માનવજાત ની સુખાકારી નિસંદેહ સુધારી છે. દરેક શાસ્ત્ર કે શોધ ની આડ અસર તો હોવાની જ .રેલ્વે થી વ્રુક્ષો કપાઇ ગયા પણ દુર જવાની સવલત કેવી વધી .આપણે ચેન્નાઈ જવું હોય તો બીજો કોઈ વિકલ્પ ખરો ? મોટા ભાગ ના અન્વેષણ સુખી વર્ગ ને વધુ કામ આવે છે અને ગરીબ વર્ગ ને ઓછા .તેનો ઉપાય છે ગરીબ વધુ સુખી થાય એ નહિ કે અન્વેષણ બંધ થઇ જાય.
  ફરી થી એક વિચારપ્રેરક લેખ માટે ખુબ ખુબ આભાર, કિશોરભાઈ !

 2. October 12, 2019 at 8:26 pm

  સમીર ભાઈની વાતને હું ટેકો પૂરાવું છું. એક જૂનું અંગ્રેજી કથન યાદ આવી ગયું –

  If at the age of 20 one does not believe in socialism , one has no heart.
  At the age of 40 one still has faith in it, one has no brain.

  This is the reality proven by time,

  In my opinion, the design of life on earth IS this way. One has to struggle to go up. Unfortunately those who go up from the abyss long for a heaven further high , and simply forget their brethren in tha abyss.

  Failure of reservation policy in India – 70 years old proves this thought.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *