






દેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન યુએસએ.
પ્રિય નીના,
પત્ર ટૂંકો પણ સંવેદનાઓથી ભર્યો ભર્યો લાગ્યો.આ વખતે ઊધું થયું! પ્રમાણમાં, ગંભીર તો હું ગણાઉં. કંઈ વાંધો નહિ. ચાલ, આજે તને હસાવવાનો વારો મારો. સાચી વાત તો એ છે કે તારા છેલ્લાં વાક્યે કે, ”હમણાં થોડીવારમાં જ બારણે દૂધવાળા, છાપાવાળા, કામવાળા, લારીવાળા વગેરેની ચહલપહલ શરુ થશે!” વાંચતા જ મનમાં એક હાસ્યની લ્હેરખી ફરી વળી. હવે આટલા વર્ષો અહીં રહ્યા પછી સવારનું એ ચિત્ર કેવું લાગે છે, નહિ? જો કે, હું તો જ્યારે જ્યારે ભારત જાઉં ત્યારે ત્યારે એવી ધમધમતી સવાર માણું છું. મને તો હજી યે ખુબ ગમે છે. તને યાદ આવે છે એક વખત તેં તારા લ્હેકાથી લારીઓવાળાની બૂમો ‘એ લીલાં લીલાં શાક્ભાજી લઈ લ્યો, મારી બેનો…ઓ લીલા,લીલા….” ની મીમીક્રી કરી સૌને હસાવ્યાં હતાં! ને પાછું તેં થોડું ખીસાનું ઉમેર્યું પણ હતું કે એક લીલાબેન બહારથી આવીને ઝઘડવા માંડ્યા યે ખરા કે, અલ્યાં, હવારે હવારે આ મારા નામની રાડ્યુ ચમ પાડ સ? હીધું બોલ ને મારા ભઈલા !! એક તો પૈશો યે ઓસો લેતો નહિ ને વરી પાસો હુસિયારી કરે હેં…
ગઈકાલે નેટ સર્ફીંગ કરતા કરતાં એક મઝાનું ગહન વાક્ય વાંચ્યું.” આ દિવસો પણ વહી જશે.” કેટલી સાચી વાત છે? હોસ્પીટલની તારી વેદનાવાળી વાતના અનુસંધાનમાં કહું તો, સારાં કે ખોટાં કોઈના, કોઈ દિવસો એના એ રહેતા નથી. તને તો ખબર છે અમે છ ભાઈબેનોએ બાળપણ ખૂબ આકરું વીતાવ્યું હતું. તે સમયે મારા સૌથી મોટાભાઈએ “આ દિવસો પણ વહી જશે”એ વાક્યને સતત દીવાદાંડીની જેમ નજર સમક્ષ રાખ્યું હતું, આજે પણ રાખે છે અને એ રીતે અમે આગળ વધતા રહ્યાં છીએ. ૪૬-૪૭ વર્ષ પહેલાં વિદેશની ધરતી પર તું પણ કેટલાં સંઘર્ષોમાંથી પસાર થઈ હશે? હું તો દ્રઢપણે માનુ છું કે, સાહિત્ય જીવનનું પ્રતિબિંબ છે અને સારું સાહિત્ય સાચું જીવન જીવાડે છે. જાણે અજાણે એનો વારસો નવી પેઢીને મળતો રહે છે.
નવી પેઢીના વિચારે એક વાત યાદ આવી. ૧૯૮૧ની સાલ હતી. સાડા ૯ વર્ષનો એક ભારતીય છોકરો ન્યૂયોર્કની સ્ટ્રીટસ વટાવતો,ચાલતો નિશાળે જતો હતો. અચાનક એણે રસ્તા ઉપર કશુંક ચમક્તું જોયું. વાંકા વળી હાથમાં લીધું તો એ વસ્તુ એક સુંદર,હીરા મઢેલી આકર્ષક નાની ઘડિયાળ હતી. સ્કૂલે જઈ એ સીધો પ્રિન્સિપાલની ઓફિસમાં ગયો અને પેલી ઘડિયાળ ક્યાંથી મળી તેની વાત કરીને આપી દીધી. તેના આશ્ચર્ય વચ્ચે, પોતાના ક્લાસમાં ગયો તો પબ્લીક સ્કૂલના એ પ્રિન્સિપાલે સવારની ‘એનાઉન્સમેન્ટ’માં આખી સ્કૂલ વચ્ચે આ છોકરાનું નામ જાહેર કરી એના કામને ખુબ બિરદાવ્યું, ઈનામ આપ્યું અને ઘડિયાળ અંગે યોગ્ય કાર્યવાહી કરી. માએ જ્યારે શિક્ષકના ફોન-કોલથી આ જાણ્યું ત્યારે એને બે-ત્રણ વાતનો ખુબ પોરો ચડ્યો. (૧ ) કશું યે ઝાઝુ,સીધું શીખવાડ્યા વગર દીકરાનું હૈયું સંસ્કારોથી સભર હતું. (૨) પારકા દેશમાં, પબ્લીક સ્કૂલમાં પણ હીરાની પરખ થાય છે એટલું જ નહિ મૂલ્યોના પાઠ ભણાવવામાં આવે છે અને (૩) ભારતીયોની એક સરસ છાપ આ રીતે ઉભી થાય છે. આ વાતને તો વર્ષો વીતી ગયાં.આજે તે છોકરાંના અહીં જન્મેલા છોકરાઓ ભલે ભાષા અંગ્રેજી બોલે/જાણે કે ભણે પણ તેનું ભીતર તો પાયાની સાચી કેળવણીથી ઝગમગતુ જ હોય ને ? ભાષા તો માત્ર અભિવ્યક્તિનું માધ્યમ છે. અંગતપણે હું તો દરેક ભાષાનો આદર કરું છું. ભાષા વિષેના મતમતાંતરો વળી એક જુદો જ મુદ્દો છે.એની પણ ક્યારેક વાત કરવી છે.
ભારતીયોની છાપ અંગે થોડી વિપરીત વાતો પણ છે. વકીલોની જેમ સામસામે ઘણા દાખલા પૂરાવા હવે તો હાથવગા છે. પણ આપણે ક્યાં ન્યાયાધીશનું કામ કરવું છે?!!! તું લખે છે તેમ Bad times become good lessons. આપણને તો સારા ચણતરમા/ઘડતરમાં રસ છે ને? અત્યારે એ લેખકનું નામ બરાબર નથી યાદ આવતું પણ કદાચ તેં જ કોલેજ કાળમાં એ પૂસ્તક વાંચવા આપ્યું હતું. મોટેભાગે લલિતકુમાર શાસ્ત્રી લિખીત “હ્રદયપિયાસી’માં વાંચ્યું હતું. તેમાં લખ્યું હતું કે,”કુંભારના ચાકડાની માફક જીંદગીનો ચાકડો ફરતા તો ફરી ગયો પણ એના ઉપર મૂકેલા માટીના પિંડમાંથી મનગમતો આકાર ઉત્પન્ન કરવો એના જેવું અઘરું કાર્ય બીજું એકે નથી.”
ગમ્યુ? સાચું છે ને? લેખકનું નામ બરાબર યાદ હોય કે યાદ આવે તો લખજે.
ચાલ, આજે અહીં અટકું છું.
દેવીની યાદ.
ક્રમશ:
દેવિકા રાહુલ ધ્રુવ : હ્યુસ્ટન :: ddhruva1948@yahoo.com || નયનાબહેન પટેલ, લેસ્ટર, યુકે. : ninapatel47@hotmail.com