






– ભગવાન થાવરાણી
પહાડી વહે નહીં અમસ્તી મહીંથી
હશે કંઈ મુલાયમ પહાડોની અંદર ..
આપણા કવિ નિરંજન ભગતનું એક વિખ્યાત કાવ્ય છે :
‘ હું તો બસ ફરવા આવ્યો છું
હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું ‘
પહાડી-નગરીમાં ફરતાં-ફરતાં એવા અનેક ગીતોનો ભેટો થાય છે જેમને મળીને સવાલ ઊઠે, ‘ અરે ! તો તમે પણ પહાડી, એમ ને ? ‘ એમને સૌને ગળે વળગાડીને પોતીકા હોવાનો હરખ વ્યક્ત કરવાનો, એમની ઓળખાણ આપ ભાવકોને કરાવવાની અને ભટકતાં-ભટકતાં રસ્તો કાપતા રહેવાનું ! આનાથી વધુ શું જોઈએ ?
આજે એક લટાર ગૈર-ફિલ્મી પહાડી ગીતો અને ગઝલો મધ્યે. (આ પહેલાંના ચૌદમા હપ્તામાં ગૈર-ફિલ્મી પહાડી ભજનો ચર્ચેલા). આ ગૈર-ફિલ્મી ગીતોની પણ એક અલાયદી મીરાત છે અને ખૈયામ, જયદેવ અને કમલ દાસગુપ્તા જેવા સંગીતકારો અને મધુકર રાજસ્થાની, પંડિત મધુર અને ફૈયાઝ હાશમી જેવા ગીતકારોએ દુનિયાને પોતાના કૌશલથી રોશન કરી ચુક્યા છે. આજે આવા ત્રણ ભાવ-ગીત અને ચાર ગઝલો જોઈએ.
પહેલાં કમલ દાસગુપ્તા નામના ગુણી બાંગલાદેશી સંગીતકાર અને ફૈયાઝ હાશમીની ખ્યાતનામ યુતિ દ્વારા સર્જિત કેટલીક પહાડી રચનાઓ. એક અવિસ્મરણીય ગીતથી શરુઆત. ગાયક પંકજ મલિક :
ये रातें ये मौसम ये हँसना हँसाना
मुझे भूल जाना इन्हें ना भुलानाये बहकी निगाहें ये बहकी अदाएँ
ये आँखों के काजल में डूबी घटाएँ
फ़िज़ा के लबों पर ये चुप का फसाना
मुझे भूल जाना ….चमन में जो मिल के बनी है कहानी
हमारी मुहब्बत तुम्हारी जवानी
ये दो गर्म साँसों का इक साथ आना
ये बदली का चलना ये बूँदों की रुमझुम
ये मस्ती का आलम ये खोए – से हम तुम
तुम्हारा मेरे साथ ये गुनगुनाना
मुझे भूल जाना इन्हें ना भुलाना …
૧૯૪૦ ના દાયકામાં રેકર્ડ થયેલ આ એક અદ્ભૂત ભાવગીત છે. પંકજ મલિકનો મર્દાના ખરજદાર અવાજ, ફૈયાઝની રેશમ-શી મુલાયમ કવિતા અને કમલ દાસગુપ્તાની પહાડી સુરાવલિઓ સમગ્ર બંદિશને એક અનોખી ઊંચાઈ બક્ષે છે. ન સાંભળ્યું હોય ( અને સાંભળ્યું હોય તો પણ ! ) તો આ ગીતને રાત્રિની નીરવતામાં નિતાંત મૌન વચ્ચે સાંભળવાની આથી કડક પણ વિનમ્ર સૂચના આપવામાં આવે છે ! મિલન વચ્ચે વિયોગની કલ્પનાનું ગીત છે આ. ‘મને ભલે ભૂલી જજે પણ આ ક્ષણોને યાદ રાખજે તું’. ગીત દરમિયાન એક ખૂબસૂરત મોડ આવે છે. પહેલો અંતરો ‘યે બહકી નિગાહેં’ મધ્ય-સપ્તકમાં ગાયા પછી બીજા અંતરા ‘ચમન મેં જો મિલ કે બની હૈ કહાની’ માં પંકજ દા છેક મંદ્ર સ્તરે ચાલ્યા જાય છે પણ એ જાણે આવનારા તોફાનની આગાહી રૂપે માત્ર ! પહેલી બે પંક્તિઓ ગાયા પછી અચાનક તાર સ્વરમાં ‘યે દો ગર્મ સાંસોં કા એક સાથ ચલના’ માં ગીત ચિત્કારમાં પરિવર્તિત થાય છે, જાણે કવિ એ વાતનું પૂર્વકથન કરતા હોય કે મિલનની આ પળો પણ જતી જ રહેવાની છે અને રહી જશે બસ યાદો, યાદો અને યાદો !
અહીં મૂકેલ વિડીયોમાં પંકજ દાના અસલ ગીત ઉપરાંત લતા મંગેશકરે એંશીના દાયકામાં એમને શ્રદ્ધાંજલિરૂપે અને એવા જ ભાવપૂર્વક ગાયેલી આ રચના પણ છે.
એક સાચા ચાહકે તો આ અને આવા અન્ય ભાવગીતો વિષે એમ લખ્યું છે કે આપણને કોઈક નિર્જન ટાપુ પર એકલા મોકલી દેવામાં આવે અને સાથે આવા ગીતો હોય તો પછી કેવી એકલતા ને કેવી વાત !
આ જ ગીતકાર-સંગીતકાર બેલડીની હેમંત કુમારના કંઠે બે અન્ય પહાડી બંદિશો :
मैं साज़ बजाऊं तुम गाओ
तुम गाओतारों में मैं तुम्हें सुना दुं
इस दिल की झंकार
गीतों में तुम मुझको कह दो
छुपी बात एक बार
मैं तुमको कुछ समझाऊँ
तुम मुझको कुछ समझाओ
मैं साज़ बजाऊं ..मेरे सुर में दर्द छुपा हो
एक जादू हो गीत तुम्हारा
हम तुम दोनों मिलें जहाँ
झूमे वो दरिया का किनारा
मेरी धुन पर मौजें तड़पें
तुम गीत से लहरों को शरमाओ
मैं साज़ बजाऊं …
भला था कितना अपना बचपन
दिन भर तू पेड़ों के तले
रहती थी पसारे आँचल
और मैं डालों से फेंका
करता था तोड़ के फल
माली था बस हमारा दुश्मन ..याद भी है वो खेल की बात
जब हम निकालते थे बरात
लड़के मुझको दुल्हा बनाते
सखियाँ तुझको बनाती दुल्हन ..दिन को खेल में और रातों को
बातों में खो जाते थे
राजा रानी के क़िस्से
सुनते – सुनते सो जाते थे
आँखों में नींद का नाम नहीं था
दिल से कोसों दूर थी धड़कन …
આ બન્ને રચનાઓ પણ એ સમયગાળાની છે જ્યારે હેમંત કુમાર હજુ હિંદી ફિલ્મ-જગતમાં પ્રવેશ્યા નહોતા. બન્ને પ્રેમ-ગીત છે અને બન્ને એકલ-સુરમાં હોવા છતાં જાણે બન્નેમાં નાયિકાની અદ્રશ્ય હાજરી છે. પહેલામાં, નાયક પોતાના મનમાં છુપાયેલી સુષુપ્ત ઇચ્છા વ્યક્ત કરે છે જ્યાં પોતે કોઈ સાજ બજાવતો હોય અને નાયિકા ગાતી હોય તો બીજા બેનમૂન ગીતમાં વીતેલા બચપણના નાજુક સ્પંદનો અને સ્મરણો, દરેક ભાવકને પોતાની કહાણી લાગે એ રીતે દર્શાવાયા છે.
ફૈયાઝ હાશમી અને કમલ દાસગુપ્તા બન્ને ગ્રામોફોન કંપની ઓફ ઇંડીયા (જે પછીથી HMV બની) ના પગારદાર કલાકારો હતા. એ જમાનામાં આમ સંગીતકારો, ગીતકારો અને ગાયકોને કાયમી નોકરીએ રાખવા સામાન્ય વાત હતી. ૧૯૫૧ માં ફૈયાઝ કલકતાથી ઢાકા બદલી પામ્યા અને ત્યાંથી કાયમ માટે લાહોર જતા રહ્યા. પાકિસ્તાની ફિલ્મોમાં કથા-પટકથા-સંવાદ અને ગીત લેખક તરીકે ખાસ્સું નામ કમાયા. એમને સૌપ્રથમ ખ્યાતિ મળી તલત મહેમૂદના ગૈર-ફિલ્મી ગીત ‘તસવીર તેરી દિલ મેરા બહલા ન સકેગી‘ થી. ફરીદા ખાનમ વાળી નઝ્મ ‘આજ જાને કી ઝિદ ના કરો‘ પણ એમની રચના. કમલ દાસગુપ્તાએ પણ કેટલીક હિંદી અને અનેક બંગાળી ફિલ્મોમાં સંગીત આપ્યું પણ હિંદી શ્રોતાઓમાં એ લોકપ્રિય બન્યા એમની ગૈર-ફિલ્મી રચનાઓથી. ઇસ્લામ અંગીકાર કરી એ કમાલુદ્દીન અહમદ બન્યા અને ઢાકામાં ૧૯૭૪ માં જન્નતનશીન થયા.
હવે કેટલીક પહાડી ગઝલો. શરુઆત ચિત્રા સિંહની ગાયેલી અને પાકિસ્તાની શાએરા મુમતાઝ મિર્ઝાની ગઝલથી કરીએ :
तुम को हम दिल में बसा लेंगे, तुम आओ तो सही
सारी दुनिया से छुपा लेंगे, तुम आओ तो सही
एक वादा करो अब हमसे न बिछड़ोगे कभी
नाज़ हम सारे उठा लेंगे, तुम आओ तो सही
बेवफ़ा भी हो सितमगर भी जफ़ा-पेशा भी
हम ख़ुदा तुम को बना लेंगे, तुम आओ तो सही
यूँ तो जिस सिम्त नज़र उठती है तारीकी है
प्यार के दीप जला लेंगे, तुम आओ तो सहीइख़्तलाफ़ात भी मिट जाएँगे रफ़्ता – रफ़्ता
जिस तरह होगा निभा लेंगे, तुम आओ तो सही
दिल की वीरानी से घबराके ना तुम मुँह मोड़ो
बज़्म ये फिर से सजा लेंगे, तुम आओ तो सही
राह तारीक है और दूर है मंज़िल लेकिन
दर्द की शम्एं जला लेंगे, तुम आओ तो सही ..
(ज़फा – पेशा = વ્યાવસાયિક દગાબાજ सिम्त = તરફ इख्तलाफात = મતભેદ बज्म = મહેફિલ तारीक = અંધારી )
જગજીત સિંહના પરમ ચાહકો માફ કરે પણ મને હમેશાં એવું લાગ્યું છે કે ચિત્રા સિંહ ગાયકીમાં એમના કરતાં દોરા ભાર પણ ઉતરતા નહોતા. પુત્રના અકાળ અવસાન બાદ એમણે ગાયકી છોડી એ ઉર્દૂ ગઝલ-વિશ્વને એક મોટો ઝટકો હતો.
અહીં મોહતરમા મુમતાઝ મિર્ઝા એવા પ્રેમની વાત કરે છે જે બિનશરતી છે (એ જ તો પ્રેમ છે !), સંપૂર્ણ છે અને શરણાગત છે અને પ્રેમી ‘તુમ આઓ તો સહી’ એ ગુઝારિશ કબૂલ કરે તો બીજું કશું યે ખપતું નથી ! એક શેરમાં તો ત્યાં સુધીની વાત છે કે ‘ હું જાણું છું કે તું બેવફા છો, જુલમગાર છો, અને ઝફા-પેશા પણ (ઝફા-પેશા એટલે જેના લોહીમાં દગો છે તેવો માણસ !!) પણ વાંધો નહીં, તને જ ખુદા બનાવી લઈશ એટલે આપોઆપ તું આ બધી બદીઓથી પર થઈ જઈશ મારા માટે !’ પ્રેમની આ તે કેવી ઊંચાઈ?
જગજીતની લાક્ષણિક પહાડી ધુનમાં વારાફરતી ગિટાર, સંતૂર અને વાંસળી મોહક પૂરણી કરે છે પણ કમાલ તો છે ચિત્રાની ! શરુઆતી આલાપથી માંડીને અંત સુધી સાક્ષાત્ પહાડી અને પ્રેમમાં પરોવાયેલા રાખે છે એ આપણને !
ગઝલ – એ ય પહાડી ગઝલની વાત હોય તો શહેનશાહે-ગઝલ મેંહદી હસનને શેં ભૂલાય ? એમની એક અમર ગઝલ અને આખરી મુગલ બહાદુરશાહ ‘ઝફર’ નો કલામ :
बात करनी मुझे मुश्किल कभी ऐसी तो न थी
जैसी अब है तिरी महफ़िल कभी ऐसी तो न थीले गया छीन के कौन आज तेरा सब्र- ओ – क़रार
बेक़रारी तुझे ऐ दिल कभी ऐसी तो न थीउनकी आँखों ने खुदा जाने किया क्या जादू
कि तबीयत मेरी माईल कभी ऐसी तो न थीचश्मे – क़ातिल मेरी दुश्मन थी हमेशा लेकिन
जैसी अब हो गई क़ातिल कभी ऐसी तो न थी …
(કુલ નવ શેરની અસલ ગઝલના મેંહદી હસન સાહેબે અક્સર ઉપરોક્ત ચાર શેર ગાયા છે)
ખુદ લતા મંગેશકર જેમના પ્રશંસક હોય એ ગઝલ-ગાયકીના પર્યાય એવા ગાયક વિષે શું લખવું ? ક્યારેક એવું લાગે કે ગઝલ એમનાથી શરૂ થાય છે અને એમનાથી જ ખતમ ! બાકીના બધા જ એમને અનુસરે છે ! શાસ્ત્રીય સંગીતના કોઈ ઉસ્તાદ સમ કેળવાયેલું ગળું અને ઉર્દૂના પરિશુદ્ધ ઉચ્ચારણો ! એ
જ્યારે કોઈ પંક્તિ, કોઈ શબ્દને બહેલાવે ત્યારે આખો રાગ ભાવક સમક્ષ મૂર્તિમંત થાય ! એમણે ગાયેલી કેટલીક ગઝલો સાંભળો તો પછી એ રાગના કોઈક ઉસ્તાદ ગાયકે ગાયેલ ઠૂમરી કે ખયાલ સાંભળવાની જરૂર જ નથી. એ રાગની જાણે બધી જ ખૂબીઓ અને બારીકીઓ એ એક જ ગઝલના શ્રવણમાં
આવી ગઈ! ૨૦૧૨ માં એમના ઈંતકાલ સાથે ગઝલનો એક યુગ અસ્ત થઈ ગયો !
એક વધુ જાણીતી ગઝલ. ગાયક ગુલામ અલી. શાયર નાસિર કાઝ્મી :
दिल में इक लहर सी उठी है अभी
कोई ताज़ा हवा चली है अभीशोर बरपा है ख़ाना-ए-दिल में
कोई दीवार- सी गिरी है अभीकुछ तो नाज़ुक मिज़ाज हैं हम भी
और ये चोट भी नई है अभीभरी दुनिया में जी नहीं लगता
जाने किस चीज़ की कमी है अभीतू शरीक-ए-सुख़न नहीं है तो क्या
हम-सुख़न तेरी ख़ामोशी है अभीयाद के बे- निशाँ जज़ीरों से
तेरी आवाज़ आ रही है अभीशहर की बेचिराग़ गलियों में
ज़िन्दगी तुझ को ढूँढती है अभीसो गये लोग उस हवेली के
एक खिड़की मगर खुली है अभीतुम तो यारो अभी से उठ बैठे
शहर में रात जागती है अभीवक़्त अच्छा भी आयेगा ‘नासिर’
ग़म न कर ज़िन्दगी पड़ी है अभी ..
(बरपा = વ્યાપ્ત शरीके सुख़न = કવિતામાં શામેલ जज़ीरा = ટાપુ )
ગુલામ અલી સાહેબે અલગ-અલગ મહેફિલોમાં આ ગઝલ અલગ-અલગ અંદાઝમાં (પણ પહાડીમાં જ) ગાઈ છે અને ગઝલના કુલ દસ શેરોમાંથી પણ દરેક સમયે અલગ શેર ગાયા છે. એમની એક ખાસિયત એ છે કે એ કોઈપણ ગઝલનો ઉપાડ અન્ય કોઈ શાયરના શેરથી કરે અને ગઝલ-ગાયકી દરમિયાન પણ ક્વચિત અન્ય શાયરનો શેર ગાઈને પાછા મુખ્ય ગઝલ ભણી વળે. ખરજદાર ગળું અને ગઝલ-વિધાના દરેક પાસા પર કમાલની પકડ. મહેફિલોના અને દીવાને-આમના ગાયક. એમણે ગાયેલી ગઝલોમાં બહુધા સંગીત પણ એમનું જ હોય છે.
નાસિર મૂલત: ઉદાસી અને નિરાશાના શાયર હતા. એમનો એક સંગ્રહ એમણે આપણા શૈલેન્દ્રને અર્પણ કરેલો, એમની પંક્તિઓ ‘દિનકા હૈ દૂજા નામ ઉદાસી’ ટાંકીને !
આમ તો આ ગઝલના બધા શેર એક-એકથી ચડિયાતા છે પણ મારો પસંદીદા શેર છે :
सो गए लोग उस हवेली के
एक खिड़की मगर खुली है अभी
એક દ્રષ્ય છે આ, જેની આસપાસ આખી કહાણી નીપજાવી શકાય. એક વિશાળ મહાલયની કલ્પના છે. મોડી રાત છે. બધું જ વિરમી ગયું છે. ચોમેર શાંતિ છે. સૌ સુઈ ગયા છે, હવેલીની અંદર અને બહાર. પણ એક બારી છે જે હજી ખુલ્લી છે. એમાંથી ઝાંખું અજવાળું બહાર રેલાય છે. બહાર પણ કદાચ કોઈક એક છે જે હજી જાગે છે અને પેલી ખુલ્લી બારીને તાકી રહ્યું છે. બારીની બન્ને બાજુએ કોણ જાગે છે, કેમ જાગે છે, કોને કોનો ઇંતેજાર છે, બધા સુઈ ગયા તો આ બે જ કેમ જાગે છે અેનો ઉત્તર સૌનો આગવો હોય. એમાં જ તો કવિતા છે !
અંતમાં, મન્ના ડેએ ગાયેલી, બહુ ઓછી જાણીતી પણ મારી અત્યંત પ્રિય ગઝલ. કલામ રાહત કાઝ્મી :
शाम हो, जाम हो, सुबू भी हो
तुझको पाने की जुस्तजू भी होदिल से दिल की कहानियाँ भी सुनें
आँखों-आँखों में गुफ़्तगू भी होझील – सी गहरी सब्ज़ आँखों में
डूब जाने की आरज़ू भी होसिर्फ़ तेरे बदन की शम्आ जले
और अंधेरा – सा चारसू भी हो ..
( सुबू = સુરાહી )
મન્ના ડેના ગૈર-ફિલ્મી ગીતો ઘણા છે, ગઝલો જૂજ. એમાં આ પહાડી ગઝલ અનેરી છે. એના રચયિતા રાહત કાઝ્મી વિષે ઝાઝી વિગતો ઉપલબ્ધ નથી. બહુ ઓછું લખ્યું હશે કદાચ એમણે. ગઝલના સંગીતકાર મરહૂમ યુનુસ મલ્લિક સ્વયં એક અચ્છા ગઝલ-ગાયક પણ હતા. ગઝલના ચારેય શેર આમ તો પ્રેમ-વિષયક છે પણ એ દરેકમાં ‘આ પણ જોઈએ અને તે પણ જોઈએ’ નું દ્વૈત છે. એ બન્ને ઈચ્છાઓ વિરોધાભાસી પણ નથી, જેમ કે અંતિમ શેર. ‘તારા દેહની જ્યોતનું અજવાળું હો પણ બાકી ચોતરફ અંધારું હો’. આપણને રાજેશ રેડ્ડીની ગઝલનો એક શેર સ્મરે :
दिल भी एक बच्चे की मानिंद अडा है ज़िद पर
या तो सब कुछ ही इसे चाहिये या कुछ भी नहीं ..
મન્ના ડેની દિલકશ ગાયકીમાં ગિટાર, સંતૂર, સારંગી અને વાયલીન સાથ પૂરાવતા રહે છે અને ગઝલ પૂરી થયા પછી પણ લાંબો સમય ભાવકનું દિલ ‘ પહાડી..પહાડી ‘ પોકારતું રહે છે !
આ સફરને અહીં વિરામ. આવતા હપ્તે ફરી ફિલ્મ સંગીતકારો અને એમની પહાડી રચનાઓના રાજ-માર્ગ પર .. શંકર-જયકિશન અને એમની પહાડી બંદિશો સંગે……
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
આ વખત ના પહાડી ના વરસાદે મન તરબતર કરી નાખ્યું .શરૂઆત પંકજ મલિક થી થાય તે પછી જોવાનું શું રહે ! એ પછી એક બાદ એક જગજીત-ચિત્રા,મેહંદી હસન ,ગુલામ અલી,અને છેલ્લે દિગ્ગજ મન્ના ડે થી પહાડી છવાઈ ગયો. વચ્ચે તલત મહેમુદ અને ફરીદા ખાનમ ના પહાડી જાદુએ આનંદ ફેલાવી દીધો. ફરીદાજી ની અમર રચના ની શ્રાવ્ય ગુણવત્તા પણ બહુજ સરસ છે.
પહાડી ના નવા નવા પડ ઉખળતા જાય છે તેમ આનંદ વધતો જાય છે.!
લગે રહો ભગવાનભાઈ ! ખુબ ખુબ આભાર.
ખૂબ ખૂબ ધન્યવાદ સમીરભાઈ !
હરદમ સાથે રહેવા બદલ ઓશીંગણ છું..
મન્ના ડેનાં આ ગૈર ફિલ્મી ગીત – शाम हो, जाम हो, सुबू भी हो -ને પહેલી જ વાર સાંભળવા મળ્યું.
એ ગઝલ મને એટલી ગમી કે એમાંથી ‘ પ્રેરણા ‘ લઈને એ જ રદીફથી મેં એક ગઝલ ઢસડી કાઢી !
very good.
આભાર !
ગૈર ફિલ્મી ગીતો નો પહાડી વરસાદ . ખૂબ મજા આવી.
મન્ના ડે નુ ગૈર ફિલ્મી शाम हो, जाम हो, सुबू भी हो પણ પહેલી વાર સાંભળ્યું. ધન્યવાદ અને આભાર.
આભાર મહેશભાઈ !
ગૈર ફિલ્મી ગીતો અને દરેક દિગગજ ગાયક, પછી શું કહેવાનું ? લેખ અદ્દભૂત !! सो गये है लोग उस खिड़की के, , एक खिड़की मगर खुली है अभी વિશે વાંચતા, એવી જ રાત્રીનો અનુભવ માણ્યો.. ખૂબ અભિનંદન સાહેબ જી
ખૂબ ખૂબ આભાર કિશોરભાઈ !