ફિર દેખો યારોં : પ્લાસ્ટિકીયું નહીં, પ્લાસ્ટિક વિશેનું ચિંતન

Facebooktwitterredditpinterestlinkedinmail

-બીરેન કોઠારી

આગામી સપ્તાહે ‘સીંગલ યુઝ પ્લાસ્ટિક’ના ઉપયોગ પર પ્રતિબંધનો અધિકૃત અમલ કરવામાં આવે એવી શક્યતા છે. પ્લાસ્ટિકનો ઉપયોગ વિવેકપૂર્વક કરવાની વાત આવે એટલે પોતાને જાગ્રત ગણતા મોટા ભાગના નાગરિકો એ બાબતે સંતોષ લેતા હોય છે કે પોતે શાકભાજી કે ફળફળાદિ હંમેશાં કપડાંની થેલીમાં જ ખરીદી લાવે છે. નાગરિકોનો આવો અભિગમ બેશક અભિનંદનને પાત્ર છે, પણ પ્લાસ્ટિક થકી થતા પ્રદૂષણ માટે કેવળ આટલું કરવું જળાશયમાં દૂધના ટીપા જેટલું કહી શકાય. સામાજિક નેટવર્કિંગનાં માધ્યમોના જમાનામાં હવે તો કોઈ પણ કામ કરો કે ન કરો, એ કરતા હોઈએ એવી છબિ મૂકવી અનિવાર્ય છે, આથી વાસ્તવિકતાને બદલે એટલી આભાસી દુનિયા પૂરતા જ રચ્યાપચ્યા રહેનારાને એમ જ લાગે કે બસ, હવે પ્લાસ્ટિકનો દુરુપયોગ ખતમ થવામાં છે. પણ આભાસ અને વાસ્તવિકતા વચ્ચે આ જ મુખ્ય ફરક છે. જરા વિચારવા જેવું છે કે આપણી અનિચ્છાએ રોજ કેટલું નકામું પ્લાસ્ટિક આપણા ઘરમાં પ્રવેશી જાય છે? એ પ્લાસ્ટિકનો નિકાલ કે પુન:ઉપયોગ આપણે શી રીતે કરીએ છીએ? આજકાલ હવે ખરીદી માટે શૉપિંગ મૉલમાં જવાની અને ત્યાંથી કામની ચીજો ભેગી જરૂર વિનાની ચીજો પણ ખરીદી લાવવાની પ્રથા છે. બિસ્કીટનું એક નાનું પૅકેટ કે ચોકલેટ યા પીપરમીન્‍ટ ખરીદીએ તો પણ તેના પેકિંગમાં સાથે આવતું પ્લાસ્ટિક તરત કચરાપેટી ભેગું જ કરવામાં આવે છે. આનો મતલબ એ નહીં કે પ્લાસ્ટિકના પેકિંગમાં આવતી તમામ ચીજો ખાવાનું આપણે ત્યાગી દેવું!

વિચારના દોરને આનાથી સહેજ આગળ લઈ જઈએ. પેકિંગમાં પાતળા પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો હતો ત્યારે શેના વડે તે થતું હતું? ઘણાને યાદ હશે કે ચીજો કાગળના પેકિંગમાં આવતી. કાગળ વૃક્ષમાંથી બને છે. એનો અર્થ એ કે પેકિંગના એક જ વખત વપરાતા કાગળ માટે ક્યાંક, કોઈક વૃક્ષનો ખો ઊડતો, જેની અસર પર્યાવરણ પર વિપરીત જ હોય. કાગળ હોય કે પ્લાસ્ટિક, વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં ન આવે તો તે પર્યાવરણના વિનાશને જ નોંતરે છે. વિવેકની કોઈ સર્વસામાન્ય વ્યાખ્યા નથી. બીજાઓ દ્વારા થતો ઉપયોગ સૌને અવિવેકી અને પોતાના દ્વારા થતો ઉપયોગ વાજબી યા અનિવાર્ય લાગતો હોય છે. પ્લાસ્ટિકની શોધને ખરા અર્થમાં ક્રાંતિકારી ગણાવી શકાય, જેણે લોકોની જીવનશૈલી બદલી નાખી. એવી અનેક ચીજો પ્લાસ્ટિકને કારણે સુલભ બની, જે હજી ત્રીસ-ચાલીસ વર્ષ અગાઉ સ્વપ્ન સમાન હતી. એ રીતે જોઈએ તો આ શોધ વરદાનરૂપ પુરવાર થઈ. કમનસીબે આ વરદાન, આપણા પુરાણોમાં દર્શાવવામાં આવે છે એમ, રાક્ષસને અપાયેલું વરદાન બની રહ્યું. સરવાળે તે વિનાશ તરફ દોરી જનારું બની રહ્યું. પ્લાસ્ટિકના અજાયબી સમા ગુણધર્મો જાણ્યેઅજાણ્યે ઉપભોક્તાવાદને ઉત્તેજન આપનારા બની રહ્યા. તેણે જીવનને અનેક રીતે સુવિધાયુક્ત બનાવ્યું છે. આને કારણે અમીર હોય કે ગરીબ, એકે એક વ્યક્તિના જીવનમાં પ્લાસ્ટિક અનિવાર્ય બની રહ્યું છે. પ્લાસ્ટિકનો ઉપયોગ એટલો વિશાળ અને વ્યાપક છે કે તેની કલ્પના આવવી મુશ્કેલ છે.

આવા માહોલમાં ‘સીંગલ યુઝ પ્લાસ્ટિક’ પર મૂકાતો પ્રતિબંધ કેટલો ફળદાયી નીવડી શકે એ પણ વિચારવા જેવું છે. સૌથી પહેલો સવાલ છે ‘સીંગલ યુઝ પ્લાસ્ટિક’ની વ્યાખ્યા સંબંધે. કેવળ એક જ વાર ઉપયોગ કરીને ફેંકી દેવામાં આવતી પ્લાસ્ટિકની તમામ ચીજોનો આમાં સમાવેશ થાય છે. પેકિંગ માટે વપરાતી મોટા ભાગની ચીજોમાં વપરાતું પ્લાસ્ટિક આમાં આવી જાય, જેમાં કેરી બેગ સૌથી પહેલી યાદ આવે. આ ઉપરાંત પ્લાસ્ટિકની ડિશો, પાણી યા અન્ય પ્રવાહીની બૉટલ, પીણું પીવા માટેની ભૂંગળીઓ, પ્લાસ્ટિકના કપ, એ કપમાં આવતી ચમચીઓ, શેમ્પૂ, ગુટખા કે એવી અન્ય પેદાશોમાં વપરાતાં સેશે સહિત બીજી અનેક ચીજોનો આમાં સમાવેશ થાય. થિયેટરમાં, સામાજિક મેળાવડાઓમાં, બગીચા જેવાં જાહેર સ્થળો સહિત બીજાં અનેક સ્થાન કે સ્થિતિમાં આવું પ્લાસ્ટિક બેફામ વપરાય છે. આ તમામ ચીજોના વિકલ્પનો વિચાર કર્યા વિના તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકાય તો ખાસ અર્થ ન સરે.

કોઈ પણ સરકાર હોય, આપણા દેશમાં કોઈ પણ નવી બાબતને અમલી બનાવવાની પદ્ધતિ એવી જ રહી છે કે તે હંમેશાં ઉપરથી લાદી જ દેવામાં આવે. અત્યાર સુધી અનેક બાબતે જોવા મળ્યું છે એમ, કેવળ આકરા દંડની જોગવાઈથી કાનૂનનો અર્થ રહેતો નથી, અને સરવાળે તે ભ્રષ્ટાચાર માટેની વધુ એક બારી ખોલી આપે છે.

અત્યાર સુધી જેટલી માત્રામાં ‘સીંગલ યુઝ પ્લાસ્ટિક’ પેદા થઈ રહ્યું છે તેના પુનરુપયોગ બાબતે કોઈ નક્કર પ્રણાલિ છે નહીં. જે પ્રણાલિ છે એ નાને પાયે, અને અધકચરી, પ્રદૂષણમાં વધારો કરે એવી છે. ઘન કચરાના વ્યવસ્થાપન બાબતે પણ આમ જ છે. પોતપોતાને ઘેર, અને બહુ બહુ તો કચરો એકઠો કરનારી વાનમાં સૂકો અને ભીનો કચરો અલગ રાખવામાં આવે છે. પણ લૅન્‍ડફીલ તરીકે ઓળખાતા કચરો ઠાલવવાના સ્થળે તમામ પ્રકારનો કચરો સહજીવન ગાળે છે. તાત્પર્ય એટલું જ કે કેવળ એક પગલું ભરવાથી સમસ્યાનું સમાધાન આવતું નથી.

પ્લાસ્ટિકની સમસ્યા પણ એવી જ ગંભીર અને સંકુલ છે. શાક ખરીદતાં આપણે ઘેરથી કપડાંની થેલી લઈને જઈએ એ સારું છે, પણ પૂરતું નથી. પ્લાસ્ટિક આપણા જીવનનો એ હદે હિસ્સો બની રહ્યું છે કે તેને દૂર કરવું લગભગ અશક્ય છે. તેના ઉપયોગને ઘટાડી શકાય, તેનો પુનરુપયોગ કરી શકાય, છતાં વ્યક્તિગત સ્તરે તે એક હદથી વધુ કારગત ન નીવડી શકે. આમ છતાં, આ દિશામાં વિચારવાની પહેલ થાય એ ઈચ્છનીય છે. ડર એક જ છે કે પહેલા પગલે સ્થગિત ન થઈ જવાય, ખોટીમોટી ઘોષણાઓથી એમ માની ન લેવાય કે પ્લાસ્ટિકની સમસ્યા નિયંત્રણમાં આવી ગઈ છે, અને ભ્રષ્ટાચાર તરફની વધુ એક નવી દિશા ન ખૂલે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૬-૯– ૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)પાદ નોંધ: અહીં લીધેલ તસ્વીરો નૅત પરથી સાભાર લીધેલ છે અને પ્રતિકાત્મક છે.

1 comment for “ફિર દેખો યારોં : પ્લાસ્ટિકીયું નહીં, પ્લાસ્ટિક વિશેનું ચિંતન

  1. Gajanan Raval
    October 3, 2019 at 10:00 pm

    Really thought provoking article.. Any rational person would be agree with You..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *