ગઝલાવલોકન – ૧૬ – ગઝલમાં ‘કેમ છો?’

સુરેશ જાની

એક ગુજરાતીની ઓળખ એટલે – ‘કેમ છો? ‘ – કદાચ સહુથી વધારે વપરાતું વાક્ય! મળતાંની સાથે જ આવી પૂછપરછ ન થાય તો એ બે જણ ગુજરાતી કહેવાય?! કવિઓએ પણ આની નોંધ લીધી છે.

અહીં પ્રયત્ન છે – કવિતા કે ગઝલમાં ‘કેમ છો?’ અથવા ‘કેમ છે?’ વાક્ય ક્યાં ક્યાં વપરાયું છે? આમ તો આ શોધ સાવ સરળ બની જશે એમ લાગતું હતું. પણ ધાર્યા મુજબ એ શોધ આ વાક્ય જેવી સરળ ન રહી. માત્ર આટલી પંક્તિઓ જ શોધી શકાઈ –

૧) કોણ જાણે હતી કેવી વર્ષો જૂની
જિંદગીમાં અસર એક તનહાઈની

કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું ‘કેમ છો?’
એને આખી કહાણી સુણાવી દીધી

                                                     – બેફામ

૨) હો ભીડમાં જ સારૂં, બધામાં ભળી જવાય,
એકાંતમાં તો જાતને સામે મળી જવાય;

સામે મળી જવાય તો બીજું તો કંઈ નહીં,
પણ ‘કેમ છો?’ કહીને ન પાછા વળી જવાય.

                                                   – મુકુલ ચોકસી

૩) મારાં પહેલાં કોણ આવીને ગયું,
એશ-ટ્રે ને કપરકાબી કેમ છે?

                                                 -ખલીલ ધનતેજવી

૪) હેમન્તનો શેડકઢો તડકો સવારનો
પીતાં હતાં પુષ્પ.
પીતાં હતાં ઘાસતૃણો
હીરાકણીશાં હિમચક્ષુએ મૃદુ
પુષ્પો ફોરે સૌરભપ્રશ્ન મૂક :
પૃથ્વીજાયાં તોય પ્રસન્ન શાં અમે !
કેમ છો તમે ?

                                                   – ઉમાશંકર જોશી

૫) દર્પણમાં જોએલા ચહેરાને રોજ રોજ
આમ  જ  પૂછવાનું  કામ  મારું  છે?
કેમ છો ? સારું છે ?

                                                   – ચિનુ મોદી

૬) કેટલા વરસે મળી ગ્યા ‘કેમ છો?’
સાવ બસ ભૂલી ગયા’તા ‘કેમ છો?’

અર્થ એના કેટલા એ કાઢશે?
કોકને પૂછ્યું’તું અમથા, ‘કેમ છો?’

                                                   – કૈલાસ પંડિત

૭) મુખ પર ઢંકાયેલી
મૃત્યુની ચાદરને સહેજ આઘી કરીને
તમે માત્ર ‘કેમ છો?’ એટલું જ પૂછ્યું હોત
તો હું જીવી ગયો હોત.

                                                – જયંત પાઠક

૮) આકાશે આમ ક્યાંક ઝુકી લીધું
ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?

                                               – જગદીશ જોષી

૯) મળે જો કોઈ રસ્તામાં મુંઝાયેલું ને રત ખુદમાં
કશું નહિ તોય એને ‘કેમ છો?’ પૂછાય ને, એમ જ

ઘણું છે તોય, ‘અહિંયા કેમ ?’ પૂછે કોઈ’ને સામે
હસીને આપણાથી એટલું કહેવાય ને – ‘એમ જ !’

                                                – ડૉ. નીરજ મહેતા

૧૦) આ નકાબો ને ફગાવી સાદ દેજો, ‘કેમ છે?’,
પ્રેમને સંતાડતા અમને કહેજો, ‘વ્હેમ છે’.

                                                   – મનીષ દેસાઈ


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

3 comments for “ગઝલાવલોકન – ૧૬ – ગઝલમાં ‘કેમ છો?’

  1. P. K. Davda
    October 3, 2019 at 3:38 am

    કેમ છો સુરેશભાઈ?

  2. October 3, 2019 at 5:46 am

    સ્ટાન્ડર્ડ જવાબ – ચાર વત્તા બે !
    ————-
    કેમ છો?!!

  3. Bhagwan thavrani
    October 5, 2019 at 5:46 pm

    ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને
    કદી ધીરેથી પૂછે કે ‘ કેમ છે ?’
    આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
    ને ઉપરથી કુદરતની રહેમ છે…

    – ધ્રુવ ભટ્ટ

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.