





– મિર્ઝા ગ઼ાલિબ
વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
નુક્તા–ચીં હૈ ગ઼મ–એ–દિલ
(શેર ૧ થી ૩)
નુક્તા-ચીં હૈ ગ઼મ-એ-દિલ ઉસ કો સુનાએ ન બને
ક્યા બને બાત જહાઁ બાત બતાએ (બનાયે) ન બને (૧)(નુક્તા-ચીં = દરેક વાતમાં દોષ કાઢવાવાળો; બાત બનના= મનોકામના પૂરી થવી; બાત બનાના= સુફિયાણી વાત કરીને કોઈને છેતરવું, જૂઠું બોલવું, મીઠી મીઠી વાતો કરવી)
ગ઼ાલિબની ખૂબ જ વિખ્યાત ગ઼ઝલો પૈકીની આ ગ઼ઝલ ચલચિત્રો, ટી.વી. શ્રેણીઓ અને મહેફિલોમાં અચૂક સ્થાન પામી છે અને એકાધિક ગાયકોએ પોતાના મધુર કંઠે તેને ગાઈ છે. દર્શકો અને શ્રોતાઓની દાદ દ્વારા પોરસાયેલી આ ગ઼ઝલનો મત્લા શેર લાજવાબ છે. શેરના ઉલા (પ્રથમ) મિસરા ‘ઉસ’ને અનુલક્ષીને કહેવાયો છે, જે ‘માશૂકા’ માટે અભિપ્રેત છે. ઉર્દૂમાં ‘માશૂક’ શબ્દ પ્રિયતમ અને પ્રિયતમા બંને માટે સામાન્ય તરીકે પ્રયોજાય છે, આપણે બેઉ માટે અનુક્રમે માશૂક અને માશૂકા એમ જ રાખીશું. શાયરની માશૂકા દરેક વાતમાં દોષ કાઢવાવાળી અર્થાત્ આલોચક છે અને તેથી તે પોતાના દિલની ગમગીનીને તેની આગળ બયાન કરવાનું મુનાસિબ સમજતા નથી. આમ જ્યારે માશૂકા સાથે કોઈ વાત થતી જ ન હોય તો પછી પોતાના દિલના દર્દને હળવું કરવાની તેમની વાત કઈ રીતે બને, અર્થાત્ તેની મનોકામના કઈ રીતે સિદ્ધ થઈ શકે.
મૈં બુલાતા તો હૂઁ ઉસ કો મગર ઐ જજ઼્બા–એ–દિલ
ઉસ પે બન જાએ કુછ ઐસી કિ બિન આએ ન બને (૨)
(જજ઼બા-એ-દિલ= મનોભાવ, મનનો આવેશ)
‘ન બને’ રદીફ અને તેની પૂર્વેના કાફિયા – શબ્દાંતે ‘આએ’ પ્રાસ થકી ગ઼ઝલ સુમધુર અને મનનીય બની રહે છે. ગ઼ઝલકારની રદીફ અને કાફિયાની યોગ્ય પસંદગી એ ગ઼ઝલની અર્ધી મંઝિલ સર કરી શકે છે. ગ઼ઝલના આ બીજા શેરમાં કમાલની વિભાવના પેશ થઈ છે. શાયર પોતાના મનોભાવને અભિવ્યક્ત કરવા માશૂકાને પોતાની પાસે બોલાવે તો છે, પણ તેણીના પક્ષે એવું કંઈક બની જાય છે કે તે આવતી નથી અને દૂરી જ નિભાવે છે. આમ શાયર અફસોસ કરે છે કે તેના આવ્યા વગર તેનો મનોભાવ તો કેવી રીતે પ્રગટ થઈ શકે. ગ઼ાલિબની ગ઼ઝલોના શેરમાં આવા સૂક્ષ્માતીત સૂક્ષ્મ સંવેગો ગુંથાતા હોય છે કે આપણે આફરિન આફરિન પોકારી ઊઠીએ. ગ઼ાલિબ માનવીય વર્તણૂકો (Human behavior)ના એવા અભ્યાસુ છે કે આપણે ભાવુકો તેમને બિરદાવ્યા વગર રહી જ ન શકીએ.
ખેલ સમઝા હૈ કહીં છોડ઼ ન દે ભૂલ ન જાએ
કાશ યૂઁ ભી હો કિ બિન મેરે સતાએ ન બને (૩)
શેરના ઉલા મિસરામાં માશૂક એવી ભીતિ મહસૂસ કરે છે કે માશૂકા ઇશ્કને ખેલ સમજીને તેનાથી દૂર ભાગી જાય કે તેને ભૂલી પણ જાય. પરંતુ તરત પાછા સાની મિસરામાં મન મનાવી લેતાં માશૂક કહે છે કે માશૂકા પક્ષે પોતાના તરફની અવહેલના ત્યારે જ શક્ય બને, જ્યારે કે તે તેને સતાવતા હોય કે પરેશાન કરતા હોય! ગ઼ાલિબની મોટા ભાગની ગ઼ઝલોમાં વિપ્રલંભ (વિયોગ) શૃંગાર રસ પ્રયોજાયેલો જોવા મળે છે અને તેથી જ તો તેમની ગ઼ઝલોમાંથી આપણે લુત્ફ લઈ શકીએ છીએ. આમેય કહેવાય પણ છે જ ને કે ‘જો મજા ઇંતઝારમેં હૈ, વો પાનેમેં નહીં’.
* * *
(ક્રમશ:)
* * *
ઋણસ્વીકાર :
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) http://techwelkin.com/tools/transliteration/ (દેવનગરી-ગુજરાતી સ્ક્રીપ્ટ કનવર્ટર)
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) Courtesy : https://rekhta.org (અંગ્રેજી વર્ઝન)
* * *
English Version :
I cannot pour my heart to her, for she does criticize
How can I get my goal when I, cant even verbalize (1)
I do call out to her, my feelings, but what can I say
Something happens and she cant help but stay away (2)
She should not forsake forget me, for it is no play
Without my teasing, if only, she found it hard to stay (3) – Courtesy : https://rekhta.org
* * *
સંપર્કસૂત્રો:
ઈ મેઈલ – musawilliam@gmail.com ||મોબાઈલ : + 91-93279 55577 // +91 942161 84977
નેટજગતનું સરનામુઃ
William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) || વલદાનો વાર્તાવૈભવ | | માનવધર્મ – જીવો અને જીવવા દો
આ ગ઼ઝલની કેટલીક યુ-ટ્યુબ ક્લિપ્સ :
अनीता सिंघवी –
जद्दन बाई –
ज़िया मोहीउद्दीन –
ગાલીબની એક પસંદગીની રચનાનું રરસઘટન વાંચ્યા પછી ગઝલ સાંભળવાની કંઈક ઓર મજા આવી. શ્રી વલીભાઈને સાદર પ્રણામ સાથે અભિનંદન.
આભાર, નીતિનભાઈ. નાદુરસ્ત તબિયતના કારણે મે વેબગુર્જરીના સાહિત્ય વિભાગના સમ્પાદનકાર્યમાથી નિવૃત્તિ લીધી છે. મારી ત્રણ શ્રેણી ડિસે.’૧૯મા પૂરી થનાર છે અને તેમાથી પણ નિવૃત્ત થવાનો હતો. પરન્તુ મારી તબિયતમા થોડો સુધારો થતા ૨૦૨૦મા બે શ્રેણી ચાલુ રાખીશ અને છેલ્લે ૨૦૨૧ મા માત્ર ગાલિબની એક શ્રેણી ચાલુ રાખીશ, ઈન્શા અલ્લાહ (If God wills). ગાલિબ ઉપરનુ કામ એડવાન્સમા ચાલુ કરી દીધુ છે. કુશળ હશો.