





આલેખન – રાજુલ કૌશિક
તસવીરો – કલ્યાણ શાહ

ભારત સદીઓ જુની સંસ્કૃતિ,સ્થાપત્ય,કલાકૃતિનો વારસો લઇને આજે પણ દેશ-પરદેશના લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ગુજરાતને પોતાની આગવી અસ્મિતા-આગવું ગૌરવ અને કલા વારસો છે. આજે એક એવા જ ઉત્તમ કલાવારસાની વાત કરવી છે.
.”પાટણની પ્રભુતા” દ્વારા પણ પાટણનો પરિચય હતો. ઇતિહાસની થોડી-ઘણી જાણકારી હતી એટલે એમાં રસ પણ વધારે હોય એ સ્વભાવિક છે. ઢળતી સાંજના ઉતરતા તડકાનો પશ્વિમી ઉજાસ અને સવારના ઊગતા તાપના પૂર્વીય અજવાસ એમ બંને સમયે ”રાણી ની વાવ” ની આભા જરા જુદી જ લાગે. ૨૩’-૫૧’ અક્ષાંસ ઉત્તરે અને ૭૨’-૧૧’ રેખાંશ પૂર્વે સ્થાપિત આ વાવ પાટણની પશ્વિમે-ઉત્તરે લગભગ ૨ કી.મી ના અંતરે છે. પાટણ એટલે કે પ્રાચીન અણહીલવાડ અણહીલપુરના નામે પણ જાણીતું છે. સરસ્વતિ નદીના તટે આવેલું અને ગુજરાતના મહેસાણાથી લગભગ ૫૭ કી.મીટરે આવેલું આ ઐતિહાસિક શહેર ૬૦૦ વર્ષ પૂર્વે ગુજરાતનું પાટનગર કહેવાતું. લગભગ ૮મી સદીથી ૧૪મી સદી દરમ્યાન રાણા ભીમદેવ તેમના પુત્ર કરણદેવ અને પૌત્ર સિધ્ધરાજ જયસિંહના આધિપત્ય સમયે અહીં મંદિર,મસ્જીદ,વાવ,તળાવ અને બીજી કેટલીક સમાધિ જેવા સ્થાપત્યની રચના થઇ .પરંતુ આ બધામાં ”રાણીની વાવ” એ સૌથી ભવ્ય અને અદ્દભૂત રચના છે.
રાણા ભીમદેવની પત્ની રાણી ઉદયમતીએ ૧૧મી સદી દરમ્યાન આ વાવની રચના કરાવી. પૂર્વ-પશ્વિમ દિશા સ્થિત આ વાવના પશ્વિમ દિશા તરફ તેનો મુખ્ય ભાગ તરફ જ કૂવો છે તે ૬૪ મીટર લાંબો,૨૦ મીટર પહોળો અને ૨૭ મીટર ઊંડો છે. આ વાવના સાત માળની રચના અનેક આકર્ષક કોતરણીવાળા સ્તંભના ટેકાથી કરવામાં આવી છે.
જમીનના લેવલથી નીચે ઉતરતા કુંડ સુધીના તમામ માળની પરસાળ, તેના સ્થંભ,ચારે બાજુની દિવાલો, મંડપની વિશેષતા એ છે કે પ્રત્યેક તેની સુંદર નકશીથી ઓપી ઉઠે છે. વાવની દિવાલો પર મહિષાસુરમર્દિની,પાર્વતી અને અલગ અલગ શૈવ પ્રતિમા ઉપરાંત ભિન્ન-ભિન્ન મુદ્રામાં વિષ્ણુની પ્રતિમા,ભૈરવ,ગણેશ, સૂર્ય, કુબેર,લક્ષ્મીનારાયણ,અષ્ટદિકપાલ જેવી નારી પ્રતિમાઓના પણ અનેક મુદ્રામાં આલેખન છે. વાવના તમામ સ્તંભ તેની કુંભીથી થાંભલાના મુખ્ય ભાગે પણ જટિલ કહેવાય તેવી કોતરણીથી સુશોભિત છે.
આ પગથિયાવાળી વાવનું આખુંય સ્થાપત્ય હિંદુ ધર્મના મંદિરના સ્મારક સમું અનેક દેવ-દેવીઓની મૂર્તિઓથી સમૃધ્ધ છે,પગથિયા ઉતરતા સામેની પશ્વિમ દિશાની દિવાલ પર સહસ્ત્રફણા નાગની શૈયા પર સૂતેલા વિષ્ણુની કોતરણીવાળો ગોખ આજે પણ એટલે જ જીવંત લાગે છે.

જ્યાં સુધી નજર પહોંચે ત્યાં દેવ-દેવીઓ ઉપરાંત પાટણના પટોળામાં વણાતી બારિક જાળી જેવી જોઇને પ્રશ્ર્ન થાય કે વાવની કોતરણી પહેલાં થઇ હશે કે પટોળાની ભાત પહેલાં પડી હશે? અત્યારના આધુનિક ટેકનિકના સમયની તુલનામાં ઘણી ઓછી અને પાછળ કહેવાય તેવી કાર્યશૈલીમાં પણ આવું સુંદર-બારિક નકશીકામ કેટલી મહેનતે પાર પાડયું હશે તે વિચાર માત્રથી મન દાદ આપ્યા વગર ન રહી શકે. લગભગ એક-મેકથી જુદી પડતી શિલ્પકૃતિઓથી અલંકૃત આ વાવમાં નીચે ઉતરવાની પગથારના પત્થરો લાકડાની ચીપથી જોડાયેલા છે. તે સમયનું આવું જોડાણ અને લાકડું પણ આજે ઘણી જગ્યાએ અકબંધ છે. એ જોઈને વળી મનને એક સવાલ થાય કે આવા નજીવા નુકસાન સામે ભૂકંપના એક ઝટકાથી જમીનદોસ્ત થતા બાંધકામોની સામે પછાત કહેવાય તેવી કાર્યશૈલીની રચનાઓ વધુ મજબૂત તો ખરી જ ને?
મૂળ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતી વણઝારાની પોઠોને પાણી અને પોરો એમ બંને એકજ સ્થાનેથી મળે તેવી આ વાવ બાંધવા પાછળ રાણી ભાનુમતીએ બીજા કેટલાય શ્રમિકોને, કારીગરોને,નકશીકારો,શિલ્પકારોને પણ રોજી-રોટી આપવાનું શુભકાર્ય કર્યું હતું.

સરસ્વતીના પ્રવાહની માફક જ લુપ્ત થતી પાટણની પ્રભુતાના અત્યંત ગૌરવશાળી આ સ્થાપત્ય સમી ”રાણીની વાવ” આજે પણ વાવની રાણી તરીકે જ ઓળખાય છે. કહેવાય છે કે આ વાવનું પાણી ઊંટાટીયા માટે અકસીર ગણાતું. ઊંટાટીયો શબ્દ આજની જનરેશન માટે ઉખાણા જેવો લાગશે પરંતુ તે સમયે તો આ વાવના ઔષધિય ગુણો ધરાવતું પાણી તેનો ઉત્તમ ઉપાય ગણાતો.
આ ”રાણીની વાવ”ની મુલાકાત દરમ્યાન એટલી તો ચોક્કસ અનૂભૂતિ થઇ કે આ બધી સ્થાપત્યકલાને પરદેશીઓએ આવીને જે નુકશાન પહોંચાડ્યું તે પછી પણ હવે સમય,કાળ,પવન કે પાણીના થપેડાઓ સામે પુરતી જાળવણી કરીને એ ઐતિહાસિક વારસો સચવાવો તો જોઇએ જ.
”રાણીની વાવ” તો હજુ પણ જોવાલાયક રહી છે જ્યારે એક સમયનું ઐતિહાસિક સહસ્ત્રલિંગ તળાવ તો આજે જે અવદશામાં છે ત્યારે તો ચોક્કસ એમ થાય કે આ હેરીટેજની વાતો માત્ર કરવા પુરતી જ છે? ખુબ આતુરતાથી-ઉત્સાહથી સહસ્ત્રલિંગ જોઇએ અને મનને જે થડકો લાગે તે એક નહીં સહસ્ત્ર ગણો હોય.સરસ્વતીના પાણીથી ભરાતા આ તળાવ પાછળની ઐતિહાસિક કથા તો સૌ જાણે છે. એવું કહેવાય છે કે સહસ્ત્રલિંગ પર ફરતા મંદિરોમાં એક જગ્યાએ ઘંટ વગાડવામાં આવે તો એક સાથે સહસ્ત્ર ઘંટારવ થતા.
જ્યારે પણ પુરાતત્વ ખાતા તરફથી તેના ખોદકામનું કાર્ય થાય છે ત્યારે એક આશા બંધાય છે કે ઊંડા ઉતરતા તેનો પણ વૈભવ ”રાણીની વાવ” ની જેમ આપણને માણવા મળે .બીજી એક ઊડીને આંખે બાઝે અને દિલને દુઃખાડે તેવી વાત ચારે બાજુ ગંદકી-અસ્વચછતા અને અવ્યવસ્થાની છે. આવા ભવ્ય વારસાને સાચવવા જવાબદારી સરકારની અને જનતાની પણ એટલી જ છે.
થોડી જાણકારીઃ
- રાણા ભીમદેવની પત્ની રાણી ઉદયમતીએ ૧૧મી સદી દરમ્યાન આ વાવની રચના કરાવી.
- આ વાવના સાત માળ ની રચના અનેક આકર્ષક કોતરણીવાળા સ્તંભના ટેકાથી કરવામાં આવી છે.
- પૂર્વ-પશ્વિમ દિશા સ્થિત આ વાવના પશ્વિમ દિશા તરફ તેનો મુખ્ય ભાગ એટ્લે કે કુવો છે તે ૬૪ મીટ્ર લાંબો,૨૦ મીટર પહોળો અને ૨૭ મીટર ઊંડો છે.
- વાવની દિવાલો પર મહિષાસુરમર્દિની,પાર્વતી અને અલગ અલગ શૈવ પ્રતિમા ઉપરાંત ભિન્ન-ભિન્ન મુદ્રામા વિષ્ણુની પ્રતિમા,ભૈરવ,ગણેશ,સુર્ય,કુબેર,લક્ષ્મીનારાયણ,અષ્ટદિકપાલ,જેવી નારી પ્રતિમાઓના પણ અનેક મુદ્રામાં આલેખન છે.
- વાવના તમામ સ્તંભ તેની કુંભીથી થાંભલાના મુખ્ય ભાગે પણ જટિલ કહેવાય તેથી કોતરણીથી સુશોભિત છે.
શ્રીમતી રાજુલ કૌશિકનાં સંપર્ક સૂત્રો
બ્લોગ રાજુલનું મનોજગત – http://www.rajul54.wordpress.com
ઈ-મેઈલ rajul54@yahoo.com
Bahu j saras.Anand aavyo.
ધન્યવાદ. તારા લખાણમાં પરિપક્વતા અને પ્રૌઢતા બંને જોવા મળે છે. હવેથી નિયમિત જોતો રહીશ. લખાણ કાવ્યમય ને સૂરિચિપૂર્ણ હોય છે. હજી વધુ સફળતા હાંસલ કરો એવી શુભેચ્છા.