લ્યો, આ ચીંધી આંગળી : અવિનાશ વ્યાસનો આરંભ શું ફિલ્મ ‘ગુણસુંદરી’થી ?

Facebooktwitterredditpinterestlinkedinmail

રજનીકુમાર પંડ્યા

૧૯૮૨ની સાલનું એક દૃશ્ય. અમદાવાદના ઘરડાઘરમાં એક ત્યાંસી વર્ષનો વયોવૃદ્ધ પુરુષ પલંગની ઈસ ઉપર બે હાથ ટેકવીને ઊંધી ડોકે રેડિયો સાંભળે. પ્રોગ્રામનું પૂરું થવું અને મારું ત્યાં પહોંચવું. દેડકાની ડોકી મરડતા હોય એમ રેડિયોની ચાંપ મરડીને મને કહે :

‘જોયું ?’

મારે તો એમના કંપાયમાન હોઠ સિવાય બીજું શું જોવાનું હતું? બંધ પડેલો રેડિયો જોઈને એમને જોઉં. નક્કી આમાંથી જ કશું પેદા થશે. ડોસો વિફર્યો હતો એ નક્કી. કોના ઉપર એ કોણ જાણે!

(અવિનાશ વ્યાસનો એક અન્ય રેડિયો કાર્યક્રમ, જેમાં તેમનો અવાજ સાંભળી શકાશે.)

કોઈ પણ વાત કઢાવવા માટે આ ઉત્તમ મુહૂર્ત સમજું. એટલે દબાતે અવાજે પૂછ્યું : “જુઓ ને હીરાલાલકાકા, આપણા દેશી રેડિયો ક્યાં જોઈએ તેવા વાગે છે ? ક્વોલિટી જ સાવ ડચ્ચર, હવે તો ઉલ્હાસનગરમાં એટમબૉમ્બ બનવાના છે.”

“અરે, રેડિયોની ક્વોલિટીની ક્યાં વાત કરો છો ?” હીરાલાલ ડોક્ટર નામે ડોસા બોલ્યા, “હું તો મારા નસીબને ભાંડું છું. આજે ત્યાંસી વરસની જીવનની સંધ્યાએ આ ઘરડાઘરમાં આપણા આ અંતિમ દિવસોમાં પણ આપણને આપણા વિશે બે વેણ સારા સાંભળવા ન મળે આપણા જ સ્વજનો તરફથી. અને વળી તદ્દન વાજબી હોય તો…. પણ બોલો….!”

એમનાં વાક્યોમાંથી ‘આપણે’ શબ્દનો અર્થસંકોચ ‘મને’ સુધી કરીને એમની વાત સાંભળી, તો વાત વાજબી લાગી. ઘટના કંઈ એવી બની હતી કે મારા પ્રવેશની ઘડીએ જ અમદાવાદ આકાશવાણી પરથી અવિનાશ વ્યાસનો ઈન્ટરવ્યુ પૂરો થયેલો અને એમાં અવિનાશ વ્યાસે પોતાની કારકિર્દીમાં ભાગ ભજવેલી મહત્ત્વની વ્યક્તિઓનાં નામનું લિસ્ટ આપ્યું. એમાં આ દાદાનું નામ જ ઠામુકું નહીં ! દાદા રાતાપીળા. મને કહે : ‘એનું પહેલું ગુજરાતી ચલચિત્ર ‘ગુણસુંદરી’ હતું એ વાત જ ખોટી. એનું પહેલું ગુજરાતી ચિત્ર તો મારું બનાવેલું હતું અને એનું નામ હતું ‘જીવનપલટો’. પછી હું જ બહેરો હોઉં એમ બૂમ પાડીને મને પૂછ્યું : ‘સાંભળ્યું છે –નામ કોઈ દિવસ આવી ફિલ્મનું ?’

સાંભળ્યું તો હતું. પણ નક્કી હતું કે ‘ના’ પાડવાથી વાત વલોવાશે ને વલોવાશે તો વધુ માખણ એમાંથી નીકળશે. એટલે કહ્યું, “જન્મ ધરીને આજદિન સુધી તો નહીં ! લો તમે અત્યારે બોલ્યા તે મેં સાંભળ્યું.”

આ સાંભળીને તેમણે મને જે સંભળાવ્યું તે ખરેખર સાંભળવાલાયક તો ખરું જ. કહે – “અવિનાશ વ્યાસ ફિલ્મોમાં દાખલ થયા એ પહેલાંથી હું એને ઓળખું. એના સગા મામા ઈશ્વરલાલ મહેતા તે દોલતરામ કાશીરામવાળા. તે મુંબઈમાં રંગોના મશહૂર વેપારી અને મારા મિત્ર એટલે અવિનાશ મને પણ ‘મામા’ કહીને બોલાવે. પહેલાં તો એ ‘નેશનલ ગ્રામોફોન કંપની’માં ગીત-ગરબા આપતા હતા. એટલે એને હું ‘ગરબામાસ્તર’, ‘ગરબામાસ્તર’ કહીને બોલાવતો.”

(યુવાનવયે અવિનાશ વ્યાસ)

“એ વખતે આપ શું હતા ?” આમ મેં પૂછ્યું અને ‘આપ’ શબ્દ ઉપર જરા મશ્કરીયો ભાર દીધો. ડોસાએ ચશ્માંમાંથી તીરછી નજરે મારા સામે જોયું. કહે : “ ‘આપ’ ફિલ્મલાઈનમાં માખી મારતા હતા, સમજ્યા ?”

પછી કહે, “તમારે લોકોને કંઈ સાંભળવું નથી, ને બસ ગોફણની જેમ સવાલો કર્યા કરવા છે, તો પૂછ્યું ‘આપ’ શું કરતા હતા ? ‘આપે’ ૧૯૨૫ની સાલથી ઈન્દુલાલ યાજ્ઞિકની ભાગીદારીમાં ફિલ્મકંપની શરૂ કરી, ત્યારથી ફિલ્મલાઈનમાં પ્રવેશ કર્યો હતો. ‘પાવાગઢનું પતન’ જેવી ફિલ્મો ઉતારી હતી. એમાં મે ‘ગોહરજાન ધી ડાન્સર’ ઉર્ફે ‘દેશસેવિકા’ અને બીજી ‘ગ્રેજ્યુએટ’ – એ બે ફિલ્મો બનાવેલી. તેને ગાંધીજીની ચળવળનો ટેકો આપનારી ગણીને સરકારે પ્રતિબંધિત કરી હતી. આથી હું પછી વી. એમ. વ્યાસના ‘સનરાઈઝ પિક્ચર્સ’માં જોડાયો હતો.”

મેં અકળાઈને કહ્યું : “હવે આપની વાતામાં અવિનાશ વ્યાસને પ્રવેશ કરાવો.. હું અધિર થયો છું, એમના વિશે સાંભળવા.”

“વચ્ચે ન બોલો, સાંભળો.” કહીને એમણે ઘરડાઘરના રસોડેથી આવેલી એમની ઠરી જતી થાળી ઉઘાડી. પછી વળી પળભર અટક્યા. બાજુમાંથી પસાર થતી વૃદ્ધાને અટકાવીને પૂછ્યું : “જરી પૂછી આવો તો, લીલાએ જમી લીધું ?”

આજે ઘરડાઘરમાં સ્ત્રીવૉર્ડમાં શેષ જીવન નિર્ગમન કરતાં એમનાં પત્નીનું નામ લીલાબહેન, તે હું જાણું એટલે બોલ્યો નહીં. એમણે જમી લીધાના ખબર આપ્યા ત્યાં સુધી હીરાલાલ ડૉક્ટર પણ કશું બોલ્યા નહીં. હું મારા મોં પરની અને એ એમના ભાણા પરની માખો ઉડાડતા રહ્યા. પત્નીએ જમી લીધાના સમાચાર અંકે કરીને પછી જ એ બોલ્યા : “એ વખતે હું વિલેપાર્લેમાં ને અવિનાશ સાંતાક્રુઝ રહે. વારંવાર મને ફિલ્મ લાઈનમાં દાખલ કરાવી દેવા માટે વિનવ્યા કરે ને હું એને ‘ગરબામાસ્તર’ કહીને ઉતારી પાડ્યા કરું. એક વાર પછી બહુ કહ્યું, એટલે મેં ‘સનરાઈઝ પિક્ચર્સ’માં મારી વગ વાપરી એ લોકોના સામાજિક તો નહીં, પણ એક હિંદી ધાર્મિક ચિત્ર ‘મહાસતી અનસૂયા’માં એનું ગોઠવી દીધું માંડ માંડ. મૂળ તો એમાં પ્રદીપજીનાં ગીતો લેવાનું નક્કી હતું. પણ મેં અવિનાશ વ્યાસનું તાણ્યું અને અંતે એમનું નક્કી થયું. એ વખતે એ નવોઢાની જેમ શરમાયા કરે. પૂરી વાતચીત પણ કરી શકે નહીં. કામ શરૂ તો કર્યું, પણ શરૂઆતમાં જ ધબડકો દેખાવા માંડ્યો. એટલે અમે એમાં શ્યામસુંદર નામના બીજા સંગીત નિર્દેશકને લીધા. પણ એય અમારી સમજ મુજબ ઢબ્બુ જણાવા માંડ્યો. એટલે પછી અંતે અમે પંડિત રવિશંકર જોડે કામ કરતા મશહૂર તબલાંવાદક અલ્લારખાંને લીધા.

આમ જ્યારે ‘મહાસતી અનસૂયા’ પડદે આવ્યું ૧૯૪૩માં ત્યારે એમાં અવિનાશ વ્યાસ, શ્યામસુંદર અને અલ્લારખાં, એમ ત્રણ નામ મ્યુઝિક ડાયરેક્ટર તરીકે અમારે ટાઈટલમાં મૂકવા પડ્યા. પણ પિક્ચર પૂરું થયે અવિનાશ વ્યાસને ‘સનરાઈઝ પિક્ચર્સ’માંથી છૂટા કર્યા. એને એ છૂટા કર્યા, ત્યારે મને સગા મામાની જગ્યાએ ગણીને અવિનાશ રડી પડ્યા. હું શું કરું ? લાચાર હતો. એમનું કામ અમને ગમ્યું નહોતું, છૂટા કરવા જ પડે, એમાં છૂટકો નહીં.

“પણ દાદા…..” મેં પૂછ્યું : “આમાં ‘જીવનપલટો’ની વાત ક્યાં આવી ?” પણ પછી વિચાર આવ્યો કે બનવાજોગ છે કે ‘જીવનપલટો’ એ ૧૯૪૮નું હીરાલાલ ડૉક્ટરનું છેલ્લું ચિત્ર હતું અને એથી એ વાત ઉપર જલદી બેસવા એ રાજી ન હોય. એ પછી એ ફિલ્મલાઈનમાંથી વીંટો વાળીને આવતા રહ્યા હતા અને પછી એક-બે નાના-મોટા વિસામા પછી વડોદરામાં બાયો કેમિસ્ટ્રીની કૉલેજ શરૂ કરી હતી. એમાંય ધબડકો થયો હતો, એ વાત હું જાણું.

“‘જીવનપલટો’ની વાત તમને કહું.” એ બોલ્યા. “એ મારી દુખતી પણ પંપાળવી ગમતી રગ છે. અત્યારે આપણે અવિનાશ વ્યાસની વાત આવે છે અને એમણે મને રેડિયોના ઈન્ટરવ્યુમાં યાદ ન કર્યો, એટલે એ મારી અત્યારની દુખતી રગ છે.”

“એ કઈ રીતે ?”

“‘મહાસતી અનસૂયા’માં નિષ્ફળ ગયા પછી અવિનાશ વ્યાસ રડી પડ્યા. મેં એને મારા મિત્ર વાડિયા શેઠ ઉપર ચિઠ્ઠી લખી આપી. અમે સાથે ‘કોહિનૂર ફિલ્મ કંપની’માં કામ કરેલું. એ વખતે એ ‘વાડીયા મુવિટોન’ના બેનર હેઠળ ગાયક માસ્ટર વસંત (જે સુરતવાળા) હીરો તરીકે લઈને ‘ક્રિષ્ણ ભક્ત બોડાણા’ નામની હિંદી ફિલ્મ બનાવતા હતા. સૌમ્ય, મૃદુ ચહેરાવાળા માસ્ટર વસંત ભક્ત બન્યા પહેલાંના બહારવટિયાના પાત્રમાં જામતા નહોતા અને આ તરફ અવિનાશ વ્યાસ સંગીતમાં જામતા નહોતા અને લાંબે ગાળે ચિત્ર પૂરું થયું કે તરત જ ભયંકર રીતે નિષ્ફળ ગયું. આ એમની બીજી હાર. અવિનાશ વ્યાસને ફરી છૂટા કરવામાં આવ્યા અને એમની ઉપર અપશુકનિયાળનું લેબલ લાગી ગયું. આ હતી ૧૯૪૪ની સાલ. માસ્ટર વસંતે પણ પછી ફિલ્મોમાં કામ કરવાનું નામ ન લીધું.

(માસ્ટર વસંત)

“માત્ર અવિનાશ વ્યાસના સંગીતના કારણે જ ‘ક્રિષ્ણ ભક્ત બોડાણા’ નિષ્ફળ ગયું ?”

“ના, સાવ એવું નથી. બીજી તકલીફો પણ થઈ હતી. માસ્ટર વસંત મહેફિલના માણસ. એમનું ગાન પોણો કલાક અને એમાં એકલો આલાપ જે દસ મિનિટ ચાલે. જ્યારે આમાં ત્રણ મિનિટમાં ગીત પૂરું કરવાનું હોય, કેમે કરીને એડજસ્ટ થાય નહીં. અંતે વાડિયા શેઠે કંટાળીને એમનાં ગીતો બીજા ગાયક પાસે પ્લેબૅક ગવડાવવા માટે છાપામાં જાહેરાત આપેલી. આની સાથે મેં મારા ‘સિને સેન્ટીનલ’ પખવાડિકમાં એમને ખુલ્લો પત્ર લખીને વાંધો ઉઠાવેલો કે આવા મશહૂર ગાયકને બીજાનું પ્લેબૅક અપાય ? અંતે એમણે આલાપ પડતો મૂકીને સીધા જ ગીત શરૂ કરવાનું નક્કી કર્યું. આ ઉપરાંત બીજો વાંધો એ હતો તે માસ્ટર વસંત થોડા તીણા, ઝીણા અવાજવાળા ગાયક અને સુંવાળા માણસ. બહારવટિયાના સંવાદ પણ થોડો અનુનાસિક લહેકો કરીને બોલે એટલે વરવું લાગે. આમ ‘ક્રિષ્ણભક્ત બોડાણો’માં પ્રોડ્યુસર બોડાઈ ગયો. ફિલ્મ ફ્લોપ….”

(ક્રીષ્ણભક્ત બોડાણાની જાહેરખબર)

“હવે ફરી અવિનાશ વ્યાસ….” મેં કહ્યું.

“અવિનાશ વ્યાસને મેં પ્રાણલાલ ઝવેરીના ‘કીર્તિ પિક્ચર્સ’માં મહામહેનતે ગોઠવી દીધા. પણ એનાં ગીતો પ્રફુલ્લ દેસાઈ લખે, એના ડાયરેક્ટર પણ ચતુભૂર્જ દોશી જેવા કવિજીવ. એમાં અવિનાશનું જામ્યું નહીં અને એમાંથી પણ એમને છૂટા થવું પડ્યું. આમ અપશુકનિયાળ અને બિનઅનુભવીનું લેબલ બરાબર ચોંટી ગયું. વળી એ જરા તોતડું બોલતા હતા. આવા કારમા અનુભવ પછી એમની એ હીનતાગ્રંથિ વધુ દૃઢ બની ગઈ અને મારી પાસે આવીને અનેક વાર ફરી ભાંગી પડ્યા ને મારે માટે એમને ક્યાં ગોઠવવા તે મૂંઝવણ થઈ પડી.”

“પછી ?”

“બસ,એ વખતે જ ‘જીવનપલટો’ આવે છે.” હીરાલાલ ડોક્ટર ગંભીર થઈ ગયા : “એ વખતે હું મુંબઈના મશહૂર ગીરગામ પર આવેલા વેન્ગાર્ડ સ્ટુડિયોવાળા જયંતીભાઈ સંઘવીના ફાઈનાન્સથી ‘જીવનપલટો’ નામનું ચિત્ર અમૃતલાલ ઠાકર સાથે બનાવતો હતો. હિરોઈન તરીકે નિરૂપારોય હતાં કે, જેને ‘રાણકદેવી’માં હિરોઈન રાણી પ્રેમલતા સાથે એક ગૌણ પાત્ર માસિક રૂપિયા દોઢસોના પગારે અમે આપ્યું હતું. ‘જીવનપલટો’ની જાહેરાત થતાં જ અવિનાશ વ્યાસ દોડતા મારી પાસે આવ્યા. મને કહે કે મામા, મને રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ કે પ્રફુલ્લ દેસાઈનાં ગીતોની તરજો બેસાડતાં ફાવતી નથી. પણ મને પોતાને સિચ્યુએશન પ્રમાણે ગીતો લખવાની રજા આપો. તો મને લાગે છે કે મને ફાવટ આવશે. કોણ જાણે કેમ પણ મારા સહકાર્યકરોની અનેક આનાકાની છતાં મેં એને ‘જીવનપલટો’માં આવી તક આપી. એણે આપેલાં અનેક ગીતોમાંથી મેં માત્ર ત્રણ પસંદ કર્યાં. બીજા બે રસકવિ રઘુનાથના અને એક કવિ વાલમનું લીધું અને એમ ચિત્ર પૂરું કર્યું. પણ કમનસીબે વિતરકો અને થિયેટરવાળા વચ્ચે ધંધાકીય ભાંજગડ થઈ અને ચિત્ર મુંબઈમાં રજૂ થયું નહીં અને અમદાવાદમાં સાત અઠવાડિયાં ચાલ્યું. પછી પાછું ખેંચાઈ ગયું. આમ, આ છેલ્લા ધબડકામાં તો હું પણ સાવ હોમાઈ ગયો અને હું બીમાર પડી ગયો.”

અમારી વચ્ચે આ વાત ચાલતી હતી, ત્યારે હીરાલાલ ડૉક્ટર છેક અમદાવાદ ઘરડાઘરમાં જિંદગીના છેલ્લા દિવસો વિતાવી રહ્યા હતા અને અવિનાશ વ્યાસ તો મુંબઈના અલ્ટામાઉન્ડ રોડ ઉપરના પોતાના ‘પુષ્પક’ નામના વિશાળ ફ્લેટમાં સુખ-સંપત્તિ વચ્ચે જીવી રહ્યા હતા. તો પછી એ ‘જીવનપલટો’ના પછીના ચાર દસકાઓએ એવી કઈ કરામત કરી હતી કે, જેમાં અવિનાશ વ્યાસ જ ગુજરાતી ફિલ્મોમાં છવાઈ ગયા હતા ?

(અવિનાશ વ્યાસના હસ્તાક્ષર)

પણ હવે પ્રશ્ન પૂછવાપણું રહ્યું નહોતું. ડોક્ટર હીરાલાલ ખુદ મને કહેતા હતા, “સમયનો ફજેતફાળકો ફર્યો, ભાઈ! ‘જીવનપલટો’ પછી હું નડિયાદ ને નડિયાદથી વડોદરા ફેંકાયો ને આ તરફ અવિનાશ વ્યાસ, રતિભાઈ પુનાતરને હાથે ચડીને ખરો જીવનપલટો પામ્યા. ‘ગુણસુંદરી’, ‘મંગળફેરા’, ‘ગાડાનો બેલ’ અને પછી તો અનેક…..અનેક….અનેક….. પછી એમણે પાછું વાળીને જોયું જ નહીં. ફિલ્મો ઉપરાંત હજારો બીન-ફિલ્મી ગીતો, નૃત્યનાટિકા અને કાર્યક્રમો. લોકલ ગાડી એકાએક ફાસ્ટ, સુપરફાસ્ટ અને સુપરડુપર ફાસ્ટ બની ગઈ. એમનો પુત્ર ગૌરાંગ પણ પ્રખ્યાત આબરૂદાર સંગીત દિગ્દર્શક બન્યો. અવિનાશને ગુજરાતે નવાજ્યા, ગુજરાત સરકારે નવાજ્યા અને એ મધુર સંગીતનો સૂર્ય બની ગયા. હું રાજી છું, ખૂબ રાજી છું. એની શક્તિમાં મેં મૂકેલી શ્રદ્ધા સાચી પડી એથી મને ઘણો આનંદ થાય છે. પણ…” એ અટકી ગયા. ફરી બોલવા ગયા : “પણ…”

‘પણ…..’ કહ્યા પછી એ કશું બોલી શક્યા નહીં. બંધ પડેલા રેડિયો સામે જોયું. ગુસ્સો આછરી ગયો હતો. પીડા પ્રસરી ગઈ હતી. એમની વાસના શી હતી ? માત્ર કોઈને વાજબી રીતે એક ચોક્કસ સમયે યાદ આવવાની એમની વાસના હતી, જે પૂરી ન પડી એટલે એમના હૃદય ઉપર એક ઘાત થયો હતો. ત્યાંસી વરસની ઉંમરે પણ હૃદયનું લોહી સુકાઈ જાય છે, એમ માનવાનું કોઈ કારણ નથી. માણસ માણસ જ રહે છે અને ઘરડાઘરમાં નિરાધાર અવસ્થામાં પણ એ માણસ જ રહે છે.

અમદાવાદના વિસનગરા નાગર પરિવારના અને 1912 ના જુલાઇની 21 મીએ જન્મેલા ગુજરાતને ગાતું કરનારા અવિસ્મરણીય અવિનાશ આનંદરાય વ્યાસ 1982 ના ઑગષ્ટની 20 સિત્તેર વર્ષેની વયે અવસાન પામ્યા એ પછી હીરાલાલ ડૉક્ટર પણ એ જ અરસામાં ગયા. 1984ની સાલમાં ઓગષ્ટના અંતમાં મુંબઈના ભારતીય વિદ્યાભવનમાં અવિનાશ વ્યાસની શોકસભામાં એમના પ્રથમ ચિત્ર તરીકે ‘ગુણસુંદરી’ બોલાયું હતું. ‘મહાસતિ અનસૂયા’ કે ‘જીવનપલટો’ નહીં. જો હીરાલાલ ડૉક્ટરે આ સાંભળ્યું હોત તો એક વધુ વાર એમના હૃદય પર એક ઉઝરડો પડ્યો હોત.

(અવિનાશ વ્યાસ)

અંતે પછી મેં બે મિનિટનું મૌન પાળ્યું. મૌનથી વાણી દબાતી હશે, પણ વેદના નહીં.

વિશેષ નોંધ:
સાધારણ રીતે એવું મનાય છે કે અવિનાશ વ્યાસનો ગુજરાતી ફિલ્મોમાં પ્રવેશ 1947 માં ‘દેવી હોથલ’ થી થયો, પણ નામના મળી 1948ની ગુણસુંદરીથી. પણ ડૉ. હીરાલાલની વાત વધુ અધિકૃત ગણાય કે જેમણે ફિલ્મોમાં અવિનાશ વ્યાસના સફળ કે નિષ્ફળ પ્રવેશની સાલ 1943 (‘મહાસતિ અનસૂયા’-હિંદી ફિલ્મ) ગણાવી છે.

કુલ 190 જેટલી ગુજરાતી ફિલ્મોમાં અવિનાશ વ્યાસે આશરે 1200 જેટલા ગીતો લખ્યાં. ઉપરાંત કેટલીક સંગીતનાટિકાઓ પણ સર્જી. અવિનાશ વ્યાસે 1943 થી 1985 સુધીમાં 62 જેટલી હિંદી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું. તેમણે સંગીતબદ્ધ કરેલાં હિંદી ગીતોની સંખ્યા છે ૪૩૬. આટલી વિપુલ સંખ્યામાં હિંદી ફિલ્મોમાં તેમનું સંગીત હોવા છતાં સમર્થ સમકાલિનોની મોજુદગી અને બીજા પણ વિવિધ કારણોસર ગુજરાતી ફિલ્મોના જાજવલ્યમાન માટે હિંદી ફિલ્મો પૂરતી તો સફળતા થોડી છેટી રહેવા પામી. જો કે ‘પિંજરે કે પછી રે’ અને ‘તેરે દ્વાર ખડા ભગવાન’ જેવી રચનાઓ આજે પણ લોકપ્રિય છે.

(હાર્મોનિયમ પર અવિનાશ વ્યાસ)

એક આડવાત પણ રસપ્રદ છે કે સુવિખ્યાત સાહિત્યકાર ધૂમકેતુની નવલકથા ‘જીવનસાથી’ પરથી નિર્માણ પામનારી એક ગુજરાતી ફિલ્મ માટે અવિનાશ વ્યાસની હિરો તરીકે પસંદગી થઇ હતી. સામે હિરોઇન તરીકે મુંબઇની શકુંતલા જૈન હાઈસ્કૂલનાં પ્રિન્સીપાલ સરલા બેનરજી હતાં. થોડું શૂટિંગ પણ થયું. પણ પછી કશું આગળ વધ્યું નહિં. પણ વરસો પછી 1949 ની ગુજરાતી ફિલ્મ ‘ગોરખધંધા’માં તેમણે હીરો બાબુ રાજેની સમાંતરની અગત્યની એક ભૂમિકા ભજવી હતી. તેમના અભિનયની પ્રશંસા પણ થઈ હતી.

નોંધ:

આ લેખ એના મૂળ સ્વરુપે મારા ગુજરાતી અને હિંદી પુસ્તક ‘આપકી પરછાઈયાં’માથી લેવામાં આવ્યો છે. એ પુસ્તકમાં હિંદી ફિલ્મસંગીતના દિગ્ગજ કલાકારોના અધિકૃત અને વિસ્તૃત શબ્દચિત્રો છે.ગુજરાતી આવૃત્તિનું પ્રાપ્તિસ્થાન:R.R. Sheth& Co. “Dwarkesh”, Near Royal Apartment,Khanpur, AHMEDABAD – 380 001/ Tel : (079) 25506573 –25506575 અને 99099 41801/

હિંદી આવૃત્તિ માટે લેખકનો સંપર્ક કરવા માટે સંપર્કો નીચે આપ્યાં છે.

**** **** ***

વધુ કંઈક…..

નામાંકિત સંગીતકાર-ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાય અવિનાશ વ્યાસના પટ્ટશિષ્ય છે. તેમના યશ અને કીર્તિ તો સર્વત્ર વ્યાપેલાં છે. પરંતુ એમના શાંત અને નિર્મળ ચરિત્રના સંગીતકાર સુપુત્ર ગૌરાંગ વ્યાસે પણ પિતાની મધુર અને સુગેય સંગીત પરંપરાનો વારસો જીવંત રાખ્યો છે. ગૌરાંગ વ્યાસ વિષેની વધુ માહિતી:

સ્વ. અવિનાશ અને વસુમતિબેન વ્યાસના સુપુત્ર શ્રી ગૌરાંગ વ્યાસ ( જન્મ ૨૪, નવેમ્બર, ૧૯૩૮)ને સંગીત જન્મ સાથે જ વારસામાં મળ્યું હોય તેમ એ જાતે જ માત્ર પાંચ વર્ષની ઉમરથી હાર્મોનિયમ પર વૈષ્ણવજન તો તેને રે કહીએવગાડતા થઇ ગયા હતા. એ જોઇને પિતા અવિનાશ પણ ચકિત થઇ ગયા હતો. ગૌરાંગનો વારસો બેવડા સ્રોતનો હતો કારણ કે, એમનાં માતા વસુમતિબહેન કે જેમનું પિયેરનું નામ જ્યોત્સના હતું, તેઓ પણ એક ઊત્તમ ગાયિકા હતાં. તેમને ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર રમણલાલ વસંતલાલ દેસાઇ ગુજરાતની કોકીલા તરીકે ઓળખાવતા. અવિનાશ વ્યાસનો હજુ ફિલ્મોમાં પ્રવેશ જ થઇ રહ્યો હતો ત્યારે તેમણે એમની પાસે ગવડાવેલું ગીત મારી વેણીમાં ચાર ચાર ફૂલડાં’ આજે પંચોતેર વર્ષના અંતરાલ પછી પણ એટલું જ અવિસ્મરણીય રહ્યું છે.

(અવિનાશ અને જ્યોત્સ્ના વ્યાસ)

ઉપર ગગન વિશાળઅને જેસલ તોરલમાં (પિતા સાથે) સહાયક સંગીત નિર્દેશક; જેમાં તેમને ઘણી લોકપ્રિયતા મળી. ગુજરાતી ફિલ્મ લીલુડી ધરતીમાં શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાય સાથે સંગીત આપ્યું. આ માટે શ્રેષ્ઠ સંગીતકારનો સહિયારો એવોર્ડ મળ્યો. ૧૯૭૬માં તેમણે લાખો ફૂલાણીમાં સ્વતંત્ર રીતે સંગીત નિર્દેશન કર્યું, જેમાં પાર્શ્વગાયક શ્રી પ્રફુલ્લ દવેએ મણિયારો તે હળુ હળુ..ગીતથી પહેલી જ ગુજરાતી ફિલ્મોમાં પ્રવેશ કર્યો. એ રીતે તેમણે એક ઉત્તમ અને ગરવા ગળાના ગાયકની ગુજરાતને ભેટ આપી.

(અવિનાશ અને ગૌરાંગ વ્યાસ)

૧૯૮૧માં કેતન મહેતા નિર્મિત ભવની ભવાઈમાં ગૌરાંગ વ્યાસના સંગીત નિર્દેશનને આંતર રાષ્ટ્રીય કક્ષાનું સન્માન મળ્યું. ગુજરાતી ફિલ્મોમાં સંગીત નિર્દેશન માટે 27થીય વધુ પુરસ્કારો તેમને મળ્યા છે.

ગુજરાતી ફિલ્મોમાં લતા મંગેશકર,આશા ભોંસલે, મુકેશ,મન્ના ડે અને કિશોરકુમારથી માંડીને સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપુર, ભૂપિન્દર, જગજીતસિંગ, પ્રીતિ સાગર જેવા બિનગુજરાતી કંઠનો તેમણે ઉપયોગ કર્યો. પારકી થાપણનું ગીત દીકરી તો પારકી થાપણ કહેવાય’ – લતા મંગેશકરના કંઠે બહુ જ લોકપ્રિય થયું.

સાતસોથી પણ વધારે ગુજરાતી ગીતોનું સ્વરાંકન કર્યું અને અત્યાર સુધીમાં સવાસોથીય વધારે ફિલ્મો અને પાંત્રીસથીય વધારે ટીવી સિરિયલ્સમાં સંગીત આપ્યું. ગુજરાતી રાસ-ગરબાઓમાં નવા નવા સંગીત પ્રયોગો કર્યા. અનેક નૃત્યનાટિકાઓ, ટેલિવિઝન, લોકસંગીત, ભજન સંગીતમાં પણ તેમનું બહોળું સંગીત પ્રદાન છે.

એચ.એમ.વી. એ તેમના સંગીતની શ્રવણ માધુરીઅને સાગરનું સંગીતરેકર્ડ બહાર પાડી હતી. ત્રણસો ઉપરાંત તેમની ઑડીયો સીડી છે. તેમનાં જાણીતાં આલ્બમો જલારામની ઝુંપડી, ભજન અનમોલ, ગંગા સતીનાં ભજનો, કહત કબીર, જલારામ બાપાનું હાલરડું છે. પ્રાચીન પ્રભાતિયાં, નોન સ્ટોપ દાંડીયા-રાસમાં પણ તેમનું ચિરસ્થાયી પ્રદાન છે.

તેમનો સંપર્ક: મોબાઇલ અને વ્હૉટસેપ +9198250 22137 અને ઇ મેલ: info.gvyas@gmail.com


( વિશેષ આભાર- શ્રી ગૌરાંગ અવિનાશ વ્યાસ, હરીશ રઘુવંશી અને બીરેન કોઠારી)


લેખક સંપર્ક –

રજનીકુમાર પંડ્યા.,બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો- +91 9898015545 અને વ્હૉટ્સએપ – +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / +9179-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

3 comments for “લ્યો, આ ચીંધી આંગળી : અવિનાશ વ્યાસનો આરંભ શું ફિલ્મ ‘ગુણસુંદરી’થી ?

 1. Prafull Ghorecha
  September 30, 2019 at 11:09 am

  અવિનાશ વ્યાસની ઘણી જ રસપ્રદ માહિતી, તમારી રસાળ શૈલીમાં.
  મજા આવી ગઇ.

 2. Bharat K Dave
  October 1, 2019 at 12:38 pm

  Gujarati film na mahan gitkar-sangitkar Shri Avinash vyas no saxatkar thayo. Aa xetre temanu nam “avinash” raheshe.
  Pandya saheb ne pranam….

 3. Samir
  October 1, 2019 at 2:24 pm

  મેં રજનીભાઈ નો આ લેખ વર્ષો પહેલા વાંચ્યો હતો. આજે ફરી થી તાજો થયો.
  ત્યારે વિચાર નહોતો આવ્યો પણ અત્યારે આવે છે કે આવા મહાન સર્જક પોતાના પાયા ના ટેકેદારો ને કેમ ભૂલી જતા હશે ?
  ખુબ ખુબ આભાર રજનીભાઈ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *