





-નિરંજન બુચ
અહીં અમેરિકામાં પ્લેનની કંપનીમાં નોકરી કરતા લોકોને કેટલી આલીશાન સગવડ મળતી હતી તેની આપણને ખબર નહિ હોય. (આ ૨૫/૩૦ વર્ષ પહેલા ની વાત છે હવે તો પરિસ્થિતિ બદલાઈ ગઈ છે). આપણને એમ કે માત્ર ગુજરાતની એસટમાં જ સ્ટાફ કહો એટલે આખા ગુજરાતમાં મફતની મુસાફરી કરી શકો; પણ એવું નથી. અમારું અમેરિકા કંઈ ગુજરાતથી પછાત નથી હો! અહીં પણ તમે જો અમુક મોટી ચોક્કસ એરલાઈન્સ માં નોકરી કરતા હો તો કેવી કેવી ને કેટલી કેટલી સગવડો સ્ટાફ મેમ્બર મફતમાં માણતા હોય છે તેનો તમને અંદાજ આપું તો તમને ઈર્ષ્યા તો નહિ થાય ને? બાપુ, ઈર્ષ્યા થાય તો પણ આપણે શું કરી શકીએ? જેવાં જેનાં નસીબ, ભોગવે કર્યાં કરમ એનાં, આપણે શું?.એરલાઈન્સના એક મિત્ર સાથે લાંબી વાતચીતમાં ઘણી સત્ય હકીકતો જાણવા મળી.
હા, તો પહેલાં તો આખા કુટુંબને આખું વર્ષ આખા અમેરિકા અને આખી દુનિયામાં પણ જ્યાં જ્યાં એ એરલાઇન્સની ફ્લાઈટ જતી હોય ત્યાં મફતમાં લઇ જાય. ( જ્યાં એમની ફ્લાઈટ ન જતી હોય ત્યાં બીજી એરલાઈન્સ સાથે પણ સાંઠગાંઠ હોય જ ને! એમાં પણ કોડ શેરિંગ). ભારતના એક રાજ્યની વસ્તી જેટલી તો અહીં ફ્લાઈટ્સ હશે. (રોજ ની ૮૭,૦૦૦ ફ્લાઈટ્સ X ૩૬૫ દિવસ). આમાં સ્ટાફને અનલિમિટેડ ફ્લાઈટ્સ તો નહિ હોય પણ થોડીક ઓફીશિઅલ ને થોડીક અનોફિશિઅલ ચાલતી હશે. બધો સ્ટાફ એમ જ કરતો હોય પછી કોણ પૂછે?
વળી તમે ખોટો સવાલ પૂછ્યો ને! આખું કુટુંબ એટલે? ભાઈ, તમે ઇન્ડિયાવાળા જ એમ જ માનો છો કે સંયુક્ત કુટુંબ માત્ર તમારે ત્યાં જ હોય છે અમારે કંઈ જ નહિ?. તો તમે ભૂલો છો. ખાંડ ખાઓ છો ખાંડ!. (ડાયાબિટીસવાળા ભલે સ્પ્લેન્ડા ખાય). અમારે મફતનો માલ ખાવાનો હોય ત્યારે તમારી હરીફાઈ અમે પણ કરી શકીએ છીએ જ વળી. ને એટલે આખા કુટુંબ માં ” નોકરો ” કરનાર પોતે ,એની સ્પાઉસ (વાઈફ), દીકરા દીકરી , ભૈલા, અમે તો ફેમિલી પ્લાનિંગ વગરના દેશના એટલે અમારે કંઈ “અમે બે ને અમારા બે” જેવું સંકુચિત માનસ નહીં રાખવાનું તેથી ૪, ૫, કે ૬ છોકરાં પણ હોઈ શકે ( અહીં ની એક વાન પાછળનું બમ્પર સ્ટીકર યાદ આવી ગયું – “ઝૂ જવાની શું જરુર છે અમારા ઘરમાં ૨ કુતરા, ૧ બિલાડી ને ૬ છોકરાંઓ -વાંદરા- છે જ). સ્પાઉસમાં જૂની પણ હોય ને નવી પણ હોય, ને વચ્ચે એક બે ફાસ્ટ ટ્રેનના પ્લેટફોર્મ જેવી પસાર પણ થઈ ગઈ હોય, તે તો ગણાય નહિ.
બસ એટલાથી કંટાળી ગયા હો તો સાંભળો , ” નોકરો ” કરનારનાં જન્મદાતાઓને ભૂલી જવાનાં ? જેણે નોકરી કરનાર ને આટલી જવાબદારી ભરેલી નોકરી કરવા સુધીની લાયકાત સુધી પહોંચાડ્યા હોય, સવારના વહેલા ઉઠાડીને, બ્રેકફાસ્ટ કરાવીને, લંચ બોક્સમાં શું આપવું તેની માથાફોડી કરીને, બેકપેકમાં પાણીની બોટલો ભરીને, એને કારથી સ્કૂલમાં મૂકીને,એની બર્થ ડે માટે રિટર્ન ગિફ્ટ શોધવા Toys R Us પાર્ટી સીટી, આઈ પાર્ટી ,વોલમાર્ટ, ટાર્ગેટ, વગરે જગ્યાએ દુર દુર પાર્કિંગ કરીને વરસાદમાં, સ્નોમાં, તાતડતા તાપમાં ભટક્યા હોય, અહીં ઓઝોનનું પડ પાતળું હોવાથી પાછો તાપ એવો આકરો પડે કે સન્સ ક્રીમ ન લગાવો તો સ્કીન કેન્સર થઇ જાય, જેનું કરીઅર ( લગ્ન પછી તો કુટુંબનો ભાર ઉપાડવાથી પ્રાઈવેટ કેરિયર બની જવાનો જ છે) બનાવવા માટે પિઆનો લેસન્સ, જિમમાં, સોકરનાં દુર દુર મેદાનો પર લઇ જવાની દોડાદોડ ,સ્કાઉટ કેમ્પમાં લેવા મૂકવા જવાની, સ્કુલનું હોમ વર્ક, કુમોન, ખાન એકેડેમી કરાવવા ની જેણે અથાગ જહેમત લીધી હોય, કરાટે, ટેક્વાંડો, સ્વીમિંગ, ટેનિસ, લાયબ્રેરી માટે પોતાની અંગત માંદગી, શોખનો ભોગ આપ્યો હોય એ માને જ ભૂલી જવાન ? તમે એમ માનો છો કે અમારું અમેરિકા એટલું નગુણું છે કે એટલી પણ કદર ન કરે? એટલે કુટુંબમાં મા તો હોય જ ને, ને બાપ ? એ તો જન્મદાતા છે ને આમેય આર્થિક બોજો ઉપાડવામાં એનો જ હિસ્સો મોટો હોય છે એટલે એ તો બાય ડિફોલ્ટ હોવાનો જ .બિચારો કર્મચારી આ આટલો બોજ ઉપાડતો હોય તો એની અન્નદાતા એરલાઈન્સ એનું ધ્યાન રાખે જ ને? તેથી થોડીક અમથી સગવડો પણ આપે એમાં વળી ઈર્ષ્યા શું કરવાની?
જ્યારે એરલાઈન્સોની શરૂઆત થઈ હશે ત્યારે માત્ર મફત મુસાફરીની લાલચ આપીને કામ પર રાખ્યા હશે પણ પછી એમ થયું હશે કે બિચારા આટલો આટલો ઢસરડો કરે છે તો થોડોક પગાર પણ આપવો જોઈએ, તેથી પગાર ચાલુ કર્યો હશે.( ઘણી બધી રેસ્ટોરાંમાં એવું જ છે ને પગાર તો સામાન્ય હોય પણ ગ્રેચ્યુઈટી – -અમે અહીં ટિપ જેવું હલકું નામ નથી લેતા, તેથી ગ્રેચ્યુઈટી કહીએ છીએ – તે ખુબ બધી મળે –આપવી પડે. ૬ થી વધારે અતિથિ હોય તો ૧૮% ગ્રેચ્યુઈટી રેસ્ટોરાં લઈ જ લે. ટકા ની ડોશી ને ઢબુ મુંડામણ).
હવે બિચારો કર્મચારી આટલો આટલો ઢસરડો કરતો હોય તો એને કંઈ શશી થરુરના “કેટલ ક્લાસ” માં તો મુસાફરી ન જ કરાવાય! એટલે એમને તો બિઝનેસ ક્લાસ આપ્યો જ છે . ( ભારત નામના એક દેશ મા એવું જ છે ને ફર્સ્ટ ક્લાસ કે સેકંડ એસીમાં રેલ્વે સ્ટાફ જ વધારે હોય છે ને પેઈડ પેસેન્જર તો ૨૫% પણ માંડ હશે. ) બાકી કેટલ ક્લાસ તો અમારા જેવા મુફ્લીસ માટે રીઝર્વ છે, ને અમે પણ શું કરીએ? વખાના માર્યા ઈકોનોમી ક્લાસમાં ટ્રાવેલ કરવું પડે છે કારણ કે એનાથી નીચો કોઈ ઊભા રહીને મુસાફરી કરવાનો ક્લાસ એરલાઈન્સે હજી દાખલ કર્યો નથી. એરલાઇન્સનો સ્ટાફ જ્યારે વધી જશે ને બિઝનેસ ક્લાસમા સ્ટાફ માટે પણ જગ્યા નહિ રહે ત્યારે એ સ્ટાફ મેમ્બરને ઈકોનોમી ક્લાસ મા સમાવવા માટે અમારે માટે ખાસ ” ઈકોનોમી સ્ટેન્ડી ” ક્લાસ ઊભો કરશે. એટલે ત્યાં સુધી તો અત્યારે તો બધા – હા, બધા જ સ્ટાફને બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરવી પડે છે. બિચારા ! દયા આવે છે આટલો ઢસરડો કરનારની.
હવે , મૂળ કામદાર — જો વળી, ઓફિસરનું અપમાન કર્યું…! કામદાર તો રશિયા જેવા સમાજવાદી દેશમાં કહેવાય, અહીં તો પટાવાળાને પણ એક્ઝીક્યુટીવ ક્લાસ ૧૦ કહેવાય!
હા, તો મૂળ કામદાર તો ઠીક છે કે કંપનીના કામે મુસાફરી કરે પણ એમના ઘરવાળાં કંઈ એમ ઘરમાં બેઠાં રહે? ને તેમાં પણ મા ને બાપ કરે શું આખો દી’, ઘરમાં રામાયણ થોડી માંડે અને અહીં મહાભારતવાળી કરે તો પોલીસ આવી જાય, તેથી માને એમ થાય કે મારો બીજો દીકરો બિચારો એકલો છે, એની ઘરવાળી પિયર ગઈ છે ને એ બિચારો રોટલે-પાણીએ દુખી હશે ને એને રાંધવા ની તકલીફ હશે તો લાવ ને રોટલી શાક કે ખીચડી મૂકતી આવું, તેથી એ તો એમનો અનલિમિટેડ ફ્રી પાસ લઈને પહોંચી જાય એરપોર્ટ પર ને જે વિમાન એના દીકરાના ગામ ભણી જતું ખાલી દેખાય તેમાં બેસી જાય. કોઈ પૂછે તો કહી દેવાનું સ્ટાફ – મારો એક મિત્ર ભુજ એસટી મા નોકરી કરતો પણ અમદાવાદ એ. એમ. ટી. એસ.માં પણ “સ્ટાફ…” કહીને મફત મુસાફરી કરતો, મેં કહ્યું, કોઈક દિવસ તું મને માર ખવડાવીશ .
હવે આમાં પ્રોબ્લેમ એ થાય કે સાંજના એક ખાસ મિત્ર કુટુંબને જમવાનું આમંત્રણ અપાઈ ગયું હતું તેનું શું ? કઈં વાંધો નહિ. સાંજ સુધીમાં રસોઈ કરીને પાછી આવી જઈશ. એટલા માટે પ્લેનની ૨ કલાકની ફ્લાઈટ લઈ, ત્યાંથી બસ લઈને દીકરાને ત્યાં રસોઈ કરી ને પાછી વળતાની ૨ કલાકની ફ્લાઈટ લઈને ઘેર પહોંચવું જ પડશે.
તો વળી પપ્પાને થાય કે મારે ઘરમાં બેસીને શું કાંદા કાઢવાના છે કે હું શું ભજન કરું? હાલો, હું પણ ક્યાંક ફરી આવું. હવે ક્યાં જવું એ તો કંઈ નક્કી નથી, તો કરવું શું ,કંઈ વાંધો નહિ. પહેલા એરપોર્ટ તો પહોંચવા દે પછી વિચારીશ. એરપોર્ટ પણ આવી ગયું હવે ક્યાં જવું ? આટલો વિષાદ તો અર્જુન ને પણ પોતાના ભાઈ ઓ ઉપર ગાંડીવ ચડાવતા નહિ થયો હોય એટલો વિષાદ થાય. કંઈ વાંધો નહિ જીવડા ! તારે તો ક્યાંઇક ફરવા જ જવું છે ને, તારે તો બસ ટાઈમ જ પાસ કરવો છે ને, તો પાર્થ, વિચાર ન કર ને જે ફ્લાઈટનો ગેટ સામે દેખાય એમાં બેસી જા ને એ તને જ્યાં લઈ જાય એ જ તારું ધ્યેય છે. માટે પાર્થ, બેસી જા. અને એ ગામના સ્ટાર બક્સની “તાજો” ચા ને બર્ગર કિંગનાં ભજિયાં -અનિયન રીંગ – ખાઈ આવ. અહિયાં થોડાં જ ગોંડલના મરચાનાં ભજિયાં કે દામાની ભેળ મળવાની! માટે જે મળે તે સર્વ શ્રેષ્ઠ છે એમ માનીને સ્વીકાર કર!
હવે મા ને બાપ તો સામાન્ય હોય એટલે અમેરિકામાં જ કોઈ જગ્યાએ પેટ ભરી લે, પણ અમે તો મૂળ સ્ટાફના ને જુવાન. અમે કંઈ એમ અમેરિકામાં જ જો ખાવાનું શોધી લઈએ તો અમારી આબરૂ ન જાય?. અમે તો ઇન્ટરનેશનલ માણસો છીએ એટલે અમને તો ઇન્ટરનેશનલ ક્યુસીન જ ચાલે. તો ગોતો આપણી ફ્લાઈટ ક્યાં ક્યાં જાય છે તે, ને માંડો શોધવા ત્યાંની હોટેલો ને એમાંની મનગમતી વાનગીઓ. બોલો પેરિસનો ક્રેપ ખાવો છે કે પછી લંડનનું ઊંધિયું ને ખીચડી કે બેલ્જીઅમનું વોફલ? .(હા અમે લંડનમાં એક જ પ્લેટની ડિનર ડિશમાં ઊંધિયું ને ખીચડી ખાધાં છે) – કે બેંગકોકનું ઓથેન્ટિક થાઈ ,અરે આ તો આપણે દર મહીને ખાઈએ જ છીએ ને, તો હવે બાપા છોડોને આ બધી લપ. આપણે પહોંચી જઈએ આપણા મુંબઈમાં ,બસ ને પછી તો જલસા ને જલસા જ ભાઈ.
પણ એમ મુંબઈમાં એકલા એકલા ઝાપટવાની મજા આવશે ? બળ્યું આ પણ ખરી ઉપાધી છે.કંઈ વાંધો નહિ , બોલાવો આપણી જ એરલાઈન્સના પેરીસના મનુભાઈ, લંડનના ચુનીભાઈ અને હોંગકોંગના વિનુભાઈ ને કે ફ્લાઈટ ૬૭૨, ૭૩૩થી રાતના મુંબઈ પહોંચીને ગેટ નંબર ૧૭ પર મળે પછી આપણે બધા લીઓપોલ્ડ કાફે મા વેહલી સવાર ની ચા પીવા જશું. પણ પછી પરમ દિવસ ની ડયુટીનું શું?. અરે ભૈલા, એ તો બપોરનું લંચ લઈ લંડનની ફ્લાઈટ પકડી લેશું, અને ત્યાં થી યુ. એસ.ની ફ્લાઈટમાં સૂઈ જશું તો ડયુટી આવર્સ પહેલાં ત્યાં!
પણ ડ્યુટી આવર્સ પછી મેડમ તો ઘરમાં નહિ હોય તેનું શું? કેમ મેડમ કેમ ઘરમાં નહિ હોય? અરે ભાઈ એમને અમારા ટાઉન નું બ્યુટી પાર્લર નથી ફાવતું એટલે એમનો પોગ્રામ ન્યુ યોર્કના મેનહટન ની ૩૭ th સ્ટ્રીટ પર આવેલ બ્યુટી પાર્લર પર જવાનો છે ને એમને એક વાર એ બ્યુટી પાર્લરમાં ન જાય તો પછી કોઈને ઘેર જવાનું એમને પસંદ નથી પડતું ને લેટ નાઈટ મા અમારે એક ડાંસ પાર્ટીમાં જવાનું છે એટલે તો એઓ કોઈ પણ હિસાબે મેનહટન જશે જ. પણ તો પછી પાર્ટીમાં ક્યારે જશો ? એ તો મને ફ્લાઈટમાંથી ફોન કરી દેશે એટલે હું એને એરપોર્ટ પરથી પિક અપ કરી લઈશ, પણ ફ્લાઈટમાંથી ફોન તો ૧ મિનિટના $ ૫ થી પણ વધારે હોય છે તેનું શું ? અરે બાપુ, તમે બહુ ભોળા છો; સમજતા કેમ નથી કે એ મારો કંપની સેલ ઉપાડી જશે જે કંપની એકાઉન્ટ પર છે પણ તો પછી મેડમ તમને કોન્ટેક્ટ કેમ કરશે? કેમ વળી મારા બાબાનો ફોન તો હું ઉપાડી આવ્યો છું ને ! મિત્રો, તો હવે રાહ શેની જુઓ છો, આવો “નોકરો” કરવાનો ઢસરડો કરવો હોય તો માંડો એપ્લીકેશન કરવા!
(એરલાઇન્સના એક મિત્ર સાથેની લાંબી વાતચીત અને આમાંની ઘણી હકીકત સત્ય હોવાના અનુભવ પછી લખાયું)
શ્રી નિરંજન બૂચનું વિજાણુ સંપર્ક સરનામું: nhbuch@gmail.com
શ્રી નિરંજનભાઈ વેબ ગુર્જરીના સક્રિય વાચક રહ્યા છે. વેબ ગુર્જરી પર પ્રકાશિત થતા લેખો પર તેઓ તેમનાં મંતવ્યોમાં તેમનાં વ્યક્તિત્વનાં અનેકવિધ પાસાંઓની ઝલક જોવા મળે છે.
મૂળ તેઓ ભુજના. બન્ને પુત્રો વ્યવસાય અર્થે અમેરિકામાં સ્થાયી થયા એટલે નિરંજનભાઈ પણ તેમનાં પત્ની, સરલાબહેન, સાથે છેલ્લાં ૨૨/૨૩ વર્ષથી અમેરિકામાં જ સ્થાયી થયેલા છે.
ગુજરાતી વાંચન,આંતરરાષ્ટ્રીય પ્રવાસ, આંતરરાષ્ટ્રીય શાકાહારી વાનગીઓની લિજ્જત માણવી અને ગીતસંગીત તેમના શોખ છે. ૮૪ વર્ષને ઉમરે તેઓ ડ્રાઈવીંગ પણ કરે છે.
વેબ ગુર્જરી પર લેખકની ભૂમિકામાં શ્રી નિરંજનભાઈ બૂચનું હાર્દિક સ્વાગત છે.
સંપાદક મંડળ – વેબ ગુર્જરી
વાહ , નિરંજનભાઈ, અમારી ગુજરાતની એસ ટીને ભૂલ્યા વિના અમેરિકાની એર લાઇ-ન્સમાંં કરમચારી (અમારે ત્યાંં કેટલાક લોકો કર્મચારીને કરમચારી કહે છે)ના પરિવારને મફત મુસાફરી કરવા મળે છે એની માહિતી આપી. પરંતુ તમે જે દાવો કરો છો કે અમેરિકા ગુજરાત કરતા પાછળ નથી એ ત્યારે જ સ્વીકારું કે તમારે ત્યાં વિમાનોમાં એકાદ બે બેઠક માટે ‘ધારાસભ્યો માટે અનામત” એમ લખ્યું હોય
બહુ નાવિન્યપૂર્ણ લેખ. અભિનંદન.
નિરંજનભાઈ નો રમુજ સભર લેખ ખુબ ગમ્યો. ભારત હોય કે અમેરિકા ,કર્મચારીઓ ની વૃતિ તો સરખીજ હોય !
ખુબ આભાર .