ત્યારે કરીશું શું?:[3]

Facebooktwitterredditpinterestlinkedinmail

પરિચયકર્તા- કિશોરચંદ્ર ઠાકર

ચરણ આપણાં ક્યાં વિરાજે?, સૌથી દલિત સૌથી પતિત રંકના ઝૂંપડાં જ્યાં
પાછામાં પાછાં, નીચામાં નીચાં, દૂબળાં બાપડાં જ્યાં બિરાજે ચરણ આપણાં ત્યાં

                                                     (ગુરુદેવ ટાગોરના એક કાવ્યના જુગતરામ દવેએ કરેલા અનુવાદની પંક્તિઓ)

ટોલ્સ્ટોયે જેને પરોપજીવી જીવન કહ્યું છે તેનાથી આપણે સુખીસંપન્ન લોકો એટલા બધા ટેવાઈ ગયા છીએ કે આપણને તેમાં કશું પણ અજુગતુ લાગતું નથી. એ જ રીતે પરાપૂર્વથી ગુલામીમાં કચડાયેલા લોકોને પણ પોતાની ગુલામી એ મનુષ્ય જીવનની સામાન્ય સ્થિતિ લાગે છે. આથી આપણે તરત જ કહીશું કે તો પછી ફરિયાદ શેની છે? પરંતુ આમ કહેવા માટે આપણા અંતરાત્મા તથા ન્યાયની ભાવનાને દબાવી દેવાં પડે છે, અન્યથા ગરીબોની કાંધે ચડીને વૈભવી જીવન જીવી જ કેમ શકાય? તેથી તો આપણે આ પ્રકારનું જીવન જીવવા માટે ગરીબોથી જેમ બને તેમ અળગા રહેવાનું પસંદ કરીએ છીએ. આપણા શ્રીમંતોની ખાવાપીવાની, પહેરવાઓઢવાની, સ્વચ્છતા અંગેની તથા આપણી કેળવણી માટેની મથામણ પણ ગરીબોથી અળગા રહેવા માટેની હોય છે. એક ઉદાહરણ આપીને ટોલ્સ્ટોય કહે છે કે જે લોકો માત્ર સૂકી રોટલી જ ખાતા હોય તેમની સામે બેસીને ગમે તેવો ક્રૂર માણસ પણ પાંચ પકવાનોથી ભરેલી થાળી જમી શકે નહિ. બીજી રીતે કહીએ તો ભૂખ્યા માણસની સમક્ષ પાંચ પકવાનોથી ભરેલી થાળી જમતી વખતે આપણું રૂંવાડું ના ફરકે તો જાણવું કે આપણે ઘાતકીપણાની સીમા ઓળંગી ગયા છીએ. પરંતુ આપણે એવા નથી. માટે આપણે ગરીબોથી છુપાઈને ખાઈએ છીએ. દસ ઓરડીનાં મકાનમાં જો આપણે એકલાએ રહેવું હોય તો એક ઓરડીમાં દસ માણસો રહેતા હોય તેમની નજરથી દૂર રહેવું પડે. આપણે કેળવણી જ એવી રાખી છે કે જેમાં પોષાક, કહેવાતી સભ્ય વાતચીત અને જેમને પારકી મજૂરી બહુ ગમે છે તે ઊજળા હાથ ઊંચા પ્રકારની સ્વચ્છતા)વડે આમ વર્ગથી જુદા પડી શકીએ મતલબ કે આપણી કેળવણી આપણી અને ગરીબો વચ્ચે દીવાલ ઊભી કરી દે છે.

ગરીબો માટે થોડું પણ કરવું હોય તો સૌ પ્રથમ આપણે આ દીવાલને તોડીને આપણી સામાન્ય જરૂરિયાતોનો બોજો શ્રમજીવીઓ ઉપર નાખવાનું બંધ કરવું જોઈએ. ઉદાહરણ તરીકે, આપણે જાજરૂપેટી વાપરીએ છીએ, પણ તે બીજાનાં માથે ઉપડાવીએ છીએ અને પછી તેમને માટે દુ:ખી થવાનો ડોળ કરીએ છીએ, તેમનું કામ હળવું કરવા ઇચ્છીએ છીએ અને તે માટેની તદબીરો શોધીએ છીએ. પણ સાદામાં સાદો ઉપાય કે આપણે જાજરૂપેટી વાપરવી હોય તો તે જાતે જ ઉપાડીને લઈ જવી અથવા શૌચ માટે બહાર જવું, તે આપણે કરતા નથી. ટોલ્સ્ટોયની આ વાત આપણાં ઘર, મહોલ્લા, શહેર તેમજ આપણાં કપડાં સુદ્ધાંને સ્વચ્છ રાખવાને લાગુ પડે છે. એક રીતે આપણી સ્વચ્છતા ઝુંબેશ એ બીજું કાંઇ નથી પરંતુ આપણું કામ જાતે નહિ કરવાની વૃત્તિનો પરિપાક છે.

ગરીબો શહેરમાં રોટલો રળવા આવે છે એવું આપણે બધા જાણીએ છીએ. આ વાતની વિસંગતતા તરફ ધ્યાન દોરતાં ટોલ્સ્ટોય કહે છે કે જેને એમણે રોટલો કહ્યો એ અનાજ, શાકભાજી કે દુધ વગેરે શહેરમાં થોડાં ઉત્પન્ન થાય છે? એ તો ગામડામાં જ ઉત્પન્ન થાય છે. પરંતુ આપણે વ્યવસ્થા જ એવી ઊભી કરી છે કે ધનવાન લોકો શહેરમાં એકત્રિત થાય છે અને પછી ત્યાં સરકારના રક્ષણ તળે સુરક્ષિત રહી ગામડાનું બધું અનાજ શહેરમાં ઘસડી લાવે છે. તેમની મોજમજા માટેની સેવામાં ગામડાના લોકોને જવું પડે છે. કદાચ કોઈને આત્યંતિક લાગે પણ ટોલ્સ્ટોય કહે છે કે કેટલાક ગ્રામવાસીઓ પૈસાદારોના ભાણાંમાં વધેલી એઠ ખાવા જાય છે. ગામડાના લોકોને શહેરમાં જવા માટેનું બીજું એક આકર્ષણ એ છે કે ધનવાનોનું શ્રમ વગરનું, સુખભર્યું અને સુરક્ષિત જીવન જોઈને પોતાને પણ ઓછામાં ઓછું કામ કરીને બીજાઓની મહેનતનો વધારેમાં વધારે લાભ ઉઠાવી શકાય એ પ્રકારનું જીવન ગાળવાનું મન થાય છે.

આ રીતે શહેરમાં જતા ગરીબોને શરૂઆતમાં તો પેલા ધનવાનોની મજૂરી જ કરવી પડે છે. પરંતુ પછી તે લોકો પેલા ધનવાનોની મોજમજામાં ભાગ લેવાનું ઇચ્છે છે, એમાં થોડાક લોકો સફળ થાય છે પરંતુ બાકીના એ સ્થિતિએ પહોંચ્યા પહેલાં ભાંગી જાય છે. પરંતુ મજૂરી કરવાની ટેવ છૂટી ગઈ હોવાથી અનીતિના માર્ગે વળી જાય છે કે ભીખનો ધંધો પકડે છે.

આ રીતે ટોલ્સ્ટોયે એક સાથે બે વાત સમજાવી, આપણને શહેરી ગરીબીની ઉત્પત્તિનું કારણ બતાવ્યું ઉપરાંત આપણે ગામડાના લોકોને આપણાં જેવું જ ખોટું જીવન જીવવાનો ચેપ લગાડીએ છીએ એ વાતનું આપણને ભાન કરાવ્યું. દરેક માણસે મહેનત કરવી એ આવશ્યક અને સ્વાભાવિક છે. તેમાંથી મુક્ત થનાર અને પોતાનું કામ બીજા પાસે કરાવનારને ચોર અને દ્રોહી ગણાવા જોઈએ. પરંતુ મહેનત નહિ કરનારાઓએ લોકોને ઉંધા પાટા બંધાવ્યા અને દાખલો એ આપ્યો કે જેમ મધમાખીઓમાં નર અથવા રાણીનું કાર્ય કામ કરનારી –શ્રમિક-મધમાખીઓ કરતા જુદું હોય છે તેમ તેઓ પોતે સમાજમાં વિશિષ્ટ હોઈ તેમણે શારીરિક મહેનત કરવાની જરૂર નથી!

જૂના વખતમાં લોકો ઈશ્વર કે ધર્મના નામે મજૂરી કરવામાંથી છટકી જતા. અને કહેતા કે અમે લોકોની મજૂરીનો લાભ લઈએ છીએ કારણ કે અમે ખાસ વર્ગના માણસો છીએ અને પરમેશ્વરે એ લોકો પર શાસન કરવાનું તથા ઊંચા સત્યો શીખવવાનું કામ અમારે માથે નાખ્યું છે. આ સત્યો કે જ્ઞાન એટલાં અમૂલ્ય છે તેમજ તેનાથી આમ લોકોને એટલો બધો લાભ થાય છે કે તેની સામે તેમની મજૂરીનું મૂલ્ય કશું જ નથી! (યાદ કરીએ આપણી વર્ણવ્યવસ્થા)

પરંતુ નવા જમાનામાં ઈશ્વર કે ધર્મને નામે વાત ચાલી શકે તેમ નથી, તેમ જ મનુષ્ય માત્ર સમાન છે એ વાત નકારી શકાય તેમ રહી નહીં હોવાથી આપણે લોકોએ શિક્ષણનો ક્રમ જ એવો ગોઠવ્યો છે કે થોડા પૈસાવાળા તથા સત્તાવાળા લોકો જ તેનો લાભ લઈ શકે. પરિણામે મહેનતમજૂરી કરતી આમજનતા તો ઠેરની ઠેર જ રહી.

હવે આપણને સવાલ થશે કે જેમાં શારીરિક મહેનત મજૂરી કરવી પડે છે એવાં આપણાં કામ જાતે જ કરીશું તો આપણા નિયમિત વ્યવસાય માટે કે વાંચંનલેખન જેવા માનસિક શ્રમનું કાર્ય કરવા માટે સમય રહેશે? આ વાતનો ટોલ્સ્ટોયે ઉત્તર આપ્યો તે પહેલાં એક મહત્વની વાત કરી કે જાતમહેનતથી માણસ શારીરિક રીતે તો મજબૂત થાય છે ઉપરાંત એની આધ્યાત્મિક જરૂરિયાત પણ સંતોષાય છે! આ વાત કદાચ કોઈને તરત જ ન સમજાય પરંતુ મહમદ પયગંબર સાહેબથી ગાંધીજી સુધીના મહાપુરુષોની આધ્યાત્મિકતામાં તેમના સ્વાશ્રયનું પ્રદાન ઊડીને આંખે વળગે તેમ છે.

ટોલ્સ્ટોયના પોતાના અનુભવ પ્રમાણે જ્યારથી તેમણે જાતમહેનત કરવાની શરૂ કરી ત્યારથી એમની જરૂરિયાતો (ગાંધીજી જેને હાજતો કહે છે) ઘટી ગઈ, તેમના વાંચનલેખનના કલાકો પણ વધી ગયા. પરંતુ જે ઘટી ગયા તે શ્રમને અભાવે આળસમાં પડી રહેવાના કલાકો. ઘરઆંગણે આપણે ગાંધીજીનું ઉદાહરણ લઈએ તો તેમણે શારીરિક શ્રમની સાથે આટઆટલા સત્યાગહો અને રચનાત્મક કાર્યો કર્યા તો પણ તેમનું લેખનકાર્ય કુલ એક કરોડ જેટલા શબ્દોનું થાય છે!

આ રીતે જાતમહેનતનું ભૌતિક તેમજ આધ્યાત્મિક મહત્ત્વ હોવા છતાં આપણે તેને સ્વીકારતા નથી અને શ્રમજીવીઓનું શોષણ કરીએ છીએ, આ પાતક કરવામાં જેને આપણે નાણું(ચલણ) કહીએ છીએ તેણે બહુ મોટી સુવિધા કરી આપી છે. અગાઉ બળજબરી કરીને કોઈ વ્યક્તિ પાસેથી તેનાં ગાય, બળદ, મકાન વગેરે છીનવી લેવામાં આવતું. પરંતુ આ છીનવાયેલી વસ્તુઓને સંઘરીને સાચવી રાખવું કપરું હતું .પરંતુ વસ્તુના અવેજમાં નાણું આવતા આ કામ સરળ બની ગયું. વળી આ નાણા વડે જ કોઈને ગુલામ બનાવી શકાય છે. ટોલ્સ્ટોયના કહેવા મુજબ ખેડૂતોએ તો લાંબા વખતથી જાણ્યું છે કે એક લાઠી કરતાં એક રૂબલથીમાણસને સાણસામાં વધારે સપડાવી શકાય છે. જે રીતે સામંતશાહીમાં જમીનદારો ખેડૂતોને ગુલામ બનાવતા તે જ રીતે આજે નાણાં વડે તેમને ગુલામ બનાવી શકાય છે. ફિજી ટાપુની પ્રજાને ગુલામ બનાવવામાં અંગ્રેજોએ કરેલા નાણાંના ઉપયોગનો ઇતિહાસ ટોલ્સ્ટોયે વિસ્તારથી કહ્યો છે. આ ઇતિહાસની વિગતો ઉપરાંત અર્થશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો, સાહિત્યકારો અને કલાકારો અંગે ટોલ્સ્ટોયના અભિપ્રાય વિષે હવે પછીના પ્રકરણમાં જાણીશું.

૦૦૦

ક્રમશ:


શ્રી કિશોરચંદ્ર ઠાકરનં સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in  । મો. +91 9714936269

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *