પ્રથમ હરોળના અભિનેતાઓ માટેનાં મન્નાડેનાં ગીતો [૫]

Facebooktwitterredditpinterestlinkedinmail

મન્ના ડેએ ફિલ્મના નાયક માટે ગાયેલાં ગીતોની આપણી સફરમાં આપણે તેમણે ગાયેલાં દિલીપકુમાર, દેવ આનંદ, રાજ કપૂર, અશોક કુમાર, બલરાજ સાહની, ડેવીડ અબ્રાહમ, ભારત ભુષણ, કિશોર કુમાર, શમ્મી કપૂર, ગુરુ દત્ત , રાજ કુમાર અને રાજેન્દ્ર કુમાર માટેનાં ગીતોને યાદ કરી ચુક્યાં છીએ.

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ


મન્ના ડેની કારકીર્દીની સફર તરફ નજર કરતાં એક તારણ કાઢવાનું મન થાય છે – ‘૫૦ના પાછલા અને ‘૬૦ના પ્રથમ ભાગમાં બીજી પેઢીના જે અભિનેતાઓ નાયક તરીકેની ભૂમિકાઓમાં સફળતાને વર્યા તે બધાંની શરૂઆતની ફિલ્મોમાં તલત મહમુદ કે મુકેશ કે મોહમ્મદ રફી કે મન્ના ડે જેવા કોઈ પણ ગાયકે પાર્શ્વ ગાયન કર્યું, પણ એક વાર સફળતા ચાખ્યા પછી, અમુક અપવાદો સિવાય, પાર્શ્વ સ્વર માટે એ અભિનેતાઓ માત્ર મોહમ્મદ રફીને જ પસંદ કરતા હતા. કે કદાચ એવું પણ બન્યું હશે કે, તેમની સફળતા પાછળનું એક મહત્ત્વનું પરિબળ તેમણે મોહમ્મદ રફીને પ્રાર્શ્વ ગાયક તરીકે નક્કી કર્યા એ હશે ?

જોકે આપણે એ વાતની ચર્ચા નથી કરી રહ્યા. આપણો મૂળ ઉદ્દેશ્ય તો સફળ ગણાએલ નાયકો સાથે મન્ના ડેનાં પાર્શ્વગાયક તરીકેનાં ગીતોને યાદ કરવાનો છે.

પ્રેમ નાથ સાથે

ચરિત્ર અભિનેતા તરીકેના કેટલાક યાદગાર પાત્રો ભજવવા પહેલાં પ્રેમ નાથે રોમેન્ટીક હીરો તરીકે ઘણી ફિલ્મો કરી છે. રોમેન્ટીક હીરોને છાજે તેવાં રોમાંસ, છેડ છાડ, પ્રેમભંગ જેવાં ગીતો પણ તેમના પર ફિલ્માવાયાં છે. જોકે પ્રેમ નાથની કારકીર્દીના આ હીરો તરીકેના સમય ખંડમાં મન્ના ડે સાથેનો તેમનો સંબંધ નૌજવાન (૧૯૫૧)ના ક્રેડીટ ટાઈટલ ગીત – એક આગ દહકાતા રાગ હૈ જવાની – જેવાં પરોક્ષ ગીતોનો જ રહ્યો. મન્ના ડેનાં ચાહકોને એવાં ગીતોના સંદર્ભ ભલે યાદ નહીં હોય, પણ એ ગીતો તરત જ યાદ આવી જશે.

નસીબ હોગા મેરા મહેરબાં કભી ન કભી – ૪૦ દિન (૧૯૫૯) – આશા ભોસલે સાથે – સંગીતકાર બાબુલ – ગીતકાર કૈફી આઝમી

આ યુગલ ગીતમાં મન્ના ડેની ભૂમિકા સહાયક ગાયક તરીકે જણાય, પણ ગીતની ગાનાર મુખ્ય અબિનેત્રી (શકીલા)ની શોધ તો તેના પ્રેમી નાયક પ્રેમ નાથ માટેની જ છે.

ફિર તુમ્હારી યાદ આયી અય સનમ અય સનમ – રૂસ્તમ સોહરાબ (૧૯૬૩) – મોહમ્મ્દ રફી સાથે – સંગીતકાર: સજ્જાદ હુસૈન – ગીતકાર: ક઼મતર જલાલાબાદી

પર્દા પર આ ગીત ગાતા સૈનિકો ભલે પોતપોતાની યાદોને વાગોળે છે, પણ એ બોલ તેમના સેનાપતિ (પ્રેમ નાથ)ને પોતાની યાદોમાં ખેંચી જાય છે તે પણ સ્પષ્ટપણે દર્શાવાયું છે.

મોહમ્મદ રફી અને મન્ના ડેનાં શ્રેષ્ઠ યુગલ ગીતમાં સ્થાન મળવું એ દસ્તાવેજી મહત્ત્વ સાથે આ ફિલ્મ હિંદી સિનેમાના એક અદ્‍ભૂત સંગીતકાર સજ્જાદ હુસૈનની છેલ્લી ફિલ્મ તરીકે પણ ઇતિહાસમાં એક ખાસ નોંધ તરીકેનું સ્થાન મેળવે છે.

ના ચાહું સોના ચાંદી ના ચાહું હીરા મોતી યે મેરે કિસ કામ કે – બોબી (૧૯૭૩) – શૈલેન્દ્ર સિંગ અને લતા મંગેશકર સાથે – સંગીતકાર: લક્ષ્મીકાંત પ્યારેલાલ – ગીતકાર: વિઠ્ઠલ્ભાઈ પટેલ

આ ગીત જેટલું લોકજીભે રમતું થયું હતું, એટલું જ લોકપ્રિય થયું હતું પ્રેમ નાથનું ગોવાના સાદા, ગરીબ પણ સ્વમાની માછીમાર તરીકેનૂં ચરિત્રાત્મક પાત્ર.

રાજ કપૂરની પરંપરાગત શૈલી અનુસાર ફિલ્મના અંતમાં આ ગીતની પંક્તિઓ ફરીથી રજૂ કરાઈ છે.-

ખુલ ગયી પઘડી ગુલાબી હો ગયા બુઢ્ઢા શરાબી – આપ બીતી (૧૯૭૮) – કિશોર કુમાર સાથે – સંગીતકાર: લક્ષ્મીકંત પ્યારેલાલ – ગીતકાર: આનંદ બક્ષી

હળવી શૈલીનાં આ ગીતમાં કિશોર કુમાર અને મન્ના ડે પણ મુક્ત હળવાશથી ખીલી રહ્યા છે.

પ્રદીપ કુમાર (મૂળ નામ શીતલ બાતાબ્યલ) સાથે

પ્રદીપ કુમારની પહેલવહેલી હિંદી ફિલ્મ ‘આનંદમઠ’ (૧૯૫૨) હતી તે પછી ‘અનારકલી’ (૧૯૫૩) અને નાગિન (૧૯૫૪)આવી જે ટિકિટબારી પર ખુબ સફળ રહી. અત્યાર સુધી તેમનો પાર્શ્વગાયન સ્વર હેમંતકુમારનો (આનંદ મઠ, નાગિન) કે તલત મહમૂદનો (આનંદ મઠ) રહ્યો હતો. મન્ના ડેનો અને પ્રદીપ કુમારની પર્દા પર ભૂમિકા સૌ પ્રથમ વાર કંઈક અંશે ‘રાજ હઠ’માં એકબીજાં સાથે સંકળાયાં. જોકે અહીં પણ પ્રદીપ કુમાર પર ફિલ્માવાયેલાં યે વાદા કરો ચાંદ કે સામને માટે પાર્શ્વ સ્વર મૂકેશનો અને આયે બહાર બનકે લુભાકે ચલે ગયે માટે મોહમ્મદ રફીનો સ્વર પ્રયોજાયો હતો. પરંતુ, આપણે જે ગીતને યાદ કરી રહ્યા છીએ તે મન્ના ડેની કારકીર્દીમાં પણ એક સીમાચિહ્ન રૂપ ગીત છે, એટલી તેની નોંધ લેવી ઘટે.

ચલે સિપાહી ધૂલ ઊડાતે કહાં કોઈ ક્યા જાને – રાજ હઠ (૧૯૫૬) – સંગીતકાર શંકર જયકિશન – ગીતકાર શૈલેન્દ્ર

ફિલ્મમાં ગીત બેક્ગ્રાઉન્ડ ગીત તરીકે ફિલ્માવાયું છે.

‘મિસ ઈન્ડીયા” (૧૯૫૭) માં એસ ડી બર્મને પ્રદીપ કુમારનાં ગીતો મુખ્ય પાર્શ્વગાયક તરીકે મન્નાડેના સ્વરમાં રચ્યાં. મુખ્ય પુરુષ ગાયક તરીકે મન્ના ડેના સ્વરને પસંદ કરવો એ પણ એસ ડી બર્મન-મન્નાડેના સંગીતકાર-ગાયક તરીકેના વ્યાવસાયિક સંબંધમાં એક અપવાદરૂપ ઘટના હતી.

જાઉં મેં કહાં…યે જમીં યે જહાં છોડ કે – મિસ ઈન્ડીયા (૧૯૫૭) – લતા મંગેશકર સાથે – સંગીતકાર એસ ડી બર્મન – ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ

‘હે..હે..’જેવા બેફિકરા આલાપથી મન્ના ડે ગીતનો ઉપાડ કરે છે. તે પછી તરત દૃષ્ય બદલાય છે અને પોતાના પ્રેમીજનનાં પાસ હોવાની કરૂણતા નરગીસ વહાવે છે. @૫.૧૯થી શરૂ થતા અંટરામાં ફરી એક વાર બેફિકરા આલાપ બાદ પાશ્ચાત્ય નૃત્યના બોલ યે ભીગી ભીગી રાતેં યે ઉમડઘુમડ બરસાતેં..દ્વારા મન્ના ડે ગીતના ભાવને નાચતા કરી મૂકે છે.

માલિકને હાથ દિયે દો દો દિયે – મિસ ઈન્ડીયા (૧૫૭) – આશા ભોસલે સાથે

ક્લિપની શરૂઆતમાં બે હાથો તે કંઈ કામ કરવા આપ્યા છે તેવી ઘૃણા દર્શાવતા પ્રદીપ કુમાર પર કોઈ જાદુ થયો હશે એટલે નરગીસ સાથે બે હાથથી કામ કરીએ તો જીંદગીભર ઓશીયાળા ન રહીએ એવો પ્રેરણાત્મક સંદેશો મન્ના ડેના સ્વરની સાહજિકતાથી તેઓ ગાવા લાગે છે.

મેહનતસે ન ડર બન્દે હિમ્મત સે કામ લે – બટવારા (૧૬૩) – એસ બલબીર સાથે – સંગીતકાર: એસ મદન – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

ખાસાં મોઘાં દેખાતાં પેન્ટ -શર્ટમાં સજ્જ પ્રદિપ કુમારને હાથોથી ખુશખુશાલ હાલતમાં મહેનત કરતાં મજદૂરોને જોઈને તિક્મ-કોદાળી હાથમાં લઈને જોડાઈ જવાનું જ મન નથી થયું પણ હવે @૩.૪૮ પર આગે બઢા કદમ એક મર્દ બનકે જેવો પ્રેરણાત્મક લલકાર પુકારીને બીજાંનો જુસ્સઓ વધારવાનું પણ ફાવી ગયું છે !

યે દિન દિન હૈ ખુશી કે આજા રે આજા મેરે સાથી ઝિંદગીકે – જબસે તુમ્હે દેખા હૈ (૧૯૬૧)- સુમન કપ્યાણપુર સાથે – સંગીતકાર: દત્તારામ – ગીતકાર: શૈલેન્દ્ર

પ્રદિપ કુમાર પર ફિલ્માવાયેલાં આ યુગલ ગીત માટે પાર્શ્વગાયન માટે દત્તારામની પસંદ મન્ના ડે પર ઢળી છે.હિંદી ફિલ્મોની નિયતિ પણ કેવી ફાંટાબાજ છે કે પ્રદીપ કુમાર માટે મોહમ્મદ રફીના પાર્શ્વસ્વર પ્રયોજાયેલી ‘તાજમહલ’ પણ આ વર્ષમાં જ રજૂ થઈ. તેની સર્વાંગી સફળતાએ એક વધારે અભિનેતા માટે પહેલી પસંદના પાર્શ્વગાયક બનવાની શક્યતાને ફરી એક વાર ઠેલો દઈ દીધો !

સુનિલ દત્ત (મૂળ નામ બલરાજ દત્ત) સાથે

હિંદી ફિલ્મ જગતમાં પહેલું પગલું સુનિલ દત્તે ‘રેલ્વે પ્લેટફોર્મ’ પર મૂક્યું, જેમાં તેમના માટે પાર્શ્વગાયન મોહમ્મ્દ રફીએ કર્યું. એ પછી તેમની વિસરાઈ ચૂકેલી ફિલ્મ ‘કિસ્મતકા ખેલ’ (૧૯૫૬) આવી જેમાં તેમના માટે પર્દા પાછળ મન્ના ડે એ ગીત ગાયું. એ પછી આવેલ પોસ્ટ બોક્ષ ન. ૯૯૯ (૧૯૫૬)- પાર્શ્વગાયકો – હેમત કુમાર અને મના ડે) , ઈન્સાન જાગ ઊઠા (૧૯૫૯) – પાર્શ્વસ્વર – મોહમ્મદ રફી – જેવી ફિલ્મો આવતી ગઈ અને પહેલી પસંદના પાર્શ્વગાયક તરીકે મોહમ્મદ રફીનું સ્થાન મજબૂત બનતું ચાલ્યું. જોકે સુનિલ દત્ત અને મના ડેને સાંકળતાં ગીતો આગવી લોકચાહના બનાવી રહ્યાં.

કેહ દો જો કેહ દો છૂપાઓ ના પ્યાર – – કિસ્મત કા ખેલ (૧૯૫૬) = લતા મંગેશકર સાથે – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: હસરત જયપુરી

આ ફિલ્મ ભલે સાવ વિસરાઈ ચૂ કી હોઈ શકે , પણ શંકર જયકિશને ફરી એક વાર મન્ના ડે પર મૂકેલા વિશ્વાસની દુહાઈ દેતું આ યુગલ ગીત બહુ સહેલાઇથી યાદ આવી રહે છે.

મેરે દિલમેં હૈ જો બાત કૈસે બતાઉં ક્યા હૈ – પોસ્ટ બોક્ષ નં. ૯૯૯ (૧૯૫૬) – લતા મંગેશકર સાથે – સંગીતકાર: કલ્યાણજી વીરજી શાહ – ગીતકાર: પી એલ સંતોષી

કલ્યાણજી વીરજી શાહે આ પૂર્ણતઃ રોમેન્ટીક યુગલ ગીત માટે મન્નાડેને પસંદ કર્યા તો બીજી બાજૂ પ્રેમની યાદોમાં ખોવાયેલાં પ્રેમીજનોને વાચા આપતાં યુગલ ગીત – નીંદ ન હમકો આયે -માટે હેમંત કુમારને યાદ કર્યા.

દર્પણ જૂઠ ના બોલે – દર્પણ (૧૯૭૦) – સંગીતકાર: લક્ષ્મીકાંત પ્યારેલાલ – ગીતકાર: આનંદ બક્ષી

ગીત ગવાયું છે તો બેકગ્રાઉન્ડમાં, પણ ગીતનું ફિલ્માંકન બિલકુલ સ્પષ્ટ નિર્દેશ કરે છે કે ગવાયું છે તો સુનિલ દત્ત માટે જ.

આજની પોસ્ટનો અંત આપણે મન્ના ડેનાં એવાં ગીતથી કરીએ જે સીધી રીતે સુનિલ દત્ત પર ફિલ્માવાયું નથી, પણ મના ડેનાં ચિરસ્મરણી રહેલાં ગીતોમાં તેનું સ્થાન માનથી જોવામાં આવે છે.

જાનેવાલે સિપાહી સે પૂછો વો કહાં જા રહા હૈ – ઉસને કહા થા (૧૯૬૦) – સંગીતકાર સલીલ ચૌધરી – ગીતકાર મક઼્દુમ મોહીઉદ્દીન

ફિલ્મમાં સુનિલ દત્ત પર ફિલ્માવાયેલાં બે યુગલ ગીતો છે જેમાં સુનિલ દત્ત માટે પાર્શ્વગાયક તરીકે સલીલ ચૌધરીએ મોહમ્મદ રફીને પસંદ કર્યા – દુપટ્ટા ધાની ઓઢકે (રફી – લતા) અને ચલતે હી જાના (રફી – મન્ના ડે). ‘ચલતે હી જાના’માં મન્ના ડેનો સ્વર રાજેન્દ્ર નાથ માટે પ્રયોજાયો છે.

મન્ના ડેની કારકીર્દી તેમણે મુખ્ય અભિનેતાઓ માટે ગાયેલાં ગીતોની આ સફર હજૂ પણ ચાલુ છે.

3 comments for “પ્રથમ હરોળના અભિનેતાઓ માટેનાં મન્નાડેનાં ગીતો [૫]

 1. Samir
  September 28, 2019 at 1:37 pm

  એક ઉત્કૃષ્ટ ગાયક માટે નો એક ઉત્કૃષ્ટ લેખ. આ મહાન ગાયક ના માથે સફળતાએ કદી બંને હાથ મુક્યા નથી અને તોય કેવા કેવા ગીતો આપ્યા છે !
  છેલ્લે મારું અતિપ્રિય ” જાણે વાલે સિપાહી સે પૂછો” ખુશ કરી ગયું. મકદુમ મોહીઉદ્દીન જેવો ખ્યાતનામ શાયર હોય,સલીલદા જેવો સુરસર્જક હોય અને મન્ના ડેજેવો ગાયક હોય પછી પૂછવું શું ?
  ખુબ આભાર ,અશોકભાઈ !

  • September 28, 2019 at 1:50 pm

   મન્ના ડેને પારંપારિક માપ્દંડ અનુસાર મળવી જોઈએ એટલી સફળતા મળી નહીં એમ કહી શકાય, પણ શાસ્ત્રીય ગીતો, દેશ ભક્તિનાં ગીતો અને ‘ચોરી ચોરી’ જેવી કંઇ કેટલીય ફિલ્મોનાં રોમેન્ટીક ગીતોનો એમનો એક વિશાળ ચાહક વર્ગ રહ્યો છે.

   આ શ્રેણી હેઠળ મન્ના ડેનાં જાણીતાં તેમ જ ઓછાં જાણીતાં ગીતોને ફરીથી સાંભળવાની મને જે મજા પડે છે તેને વર્ણવવા મારી પાસે શબ્દો નથી.

   પ્રોત્સાહક પ્રતિભાવ બદલ આભાર.

 2. Gajanan Raval
  September 30, 2019 at 10:01 pm

  Janewale Sipahise puchho…How penetrative the song becomes on screen…!! Thank You Ashokbhai.. for such a collection..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *