સાયન્સ ફેર : જો ક્યારેક તૂટતો તારો જુઓ તો…

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

એક બાબતમાં આપણા બોલીવુડના ફિલ્મ ડિરેક્ટર્સની અદભૂત હથોટી છે. ગમે એ વિષયમાં તેઓ રોમાન્સનો એન્ગલ ઘૂસાડી શકે છે. કોઈ ઐતિહાસિક ફિલ્મ હોય કે પછી પોલિટિકલ ડ્રામા હોય.. રોમાન્સના મરીમસાલા ભભરાવ્યા વિના ભાગ્યે જ કોઈ ડિરેક્ટરને સંતોષનો ઓડકાર આવતો હશે. બોલીવુડ મૂવીઝમાં શત પ્રતિશત વૈજ્ઞાનિક ગણાતી ઘટનાઓમાં પણ મૂળ એન્ગલ તો રોમાન્સનો જ હોય, દાખલા તરીકે ખરતો તારો! હીરો-હિરોઈન અગાશીમાં ઈશ્ક લડાવતા હોય, ને એવામાં આકાશમાં ખરતા તારાનો તેજ લીસોટો દેખાય, એટલે આ ઘટના પાછળની વૈજ્ઞાનિક હકીકત જાણ્યા વિના હીરો-હિરોઈન મંડે આંખો મીંચીને ઈચ્છાપૂર્તિ માટેની પ્રાર્થના કરવા! ખેર, ફિલ્મોમાં તો આવું જ હોવાનું, પરંતુ વાસ્તવમાં દરેક ખરતો તારો રોમેન્ટિક નથી હતો! બલ્કે કેટલાક તો આકાશમાંથી ખાબકતા બોમ્બ જેવા જીવલેણ નીવડી શકે છે!

આ લખાય છે ત્યારે ખબર છે કે એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ કરતા પણ મોટા કદનો ખડક પૃથ્વી તરફ ધસમસી રહ્યો છે. આ ખડક ૧૦ ઓગસ્ટે પૃથ્વીની નજીકથી પસાર થશે, અને એ સમયે એની સ્પીડ હશે ‘માત્ર’ ૧૬,૭૪૦ કિલોમીટર પ્રતિ કલાક! આ ખડકનું નામ છે 2006 QQ23, જેનો ડાયામીટર છે ૫૬૯ મીટર. આવો ઉંચો પહોળો ખડક જો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે તો કેવી અફરાતફરી મચી જાય?! આ ખડકને ‘નીઅર અર્થ ઓબ્જેક્ટ’ તરીકે ઓળખવામાં આવે છે, એટલું જ નહિ પણ એને ‘પોટેન્શિયલી હેઝાર્ડસ ઓબ્જેક્ટ’ની કેટેગરીમાં મૂકવામાં આવ્યો છે. જો કે ડરવાનું કારણ નથી, કેમકે તમે આ લેખ વાંચવા હેમખેમ છો, એ જ બતાવે છે કે 2006 QQ23 પૃથ્વીને કોઈ પણ જાતનું નુકસાન કર્યા વિના બારોબાર નીકળી ગયો છે. છતાં આપણે આ પ્રકારના સંભવિત અવકાશી ‘હુમલાઓ’ વિષે જાણવું તો જોઈએ જ. પહેલા તો થોડી ટર્મીનોલોજી સમજી લઈએ.

સૌરમંડળના ગ્રહો અને ઉપગ્રહો વચ્ચેનું અંતર માપવા માટે જે એકમ વપરાય છે, એને એસ્ટ્રોનોમિકલ યુનિટ – au તરીકે ઓળખવામાં આવે છે. એક એસ્ટ્રોનોમીકલ યુનિટ એટલે આશરે ૯૩ મિલિયન માઈલ. હવે અવકાશીય ભ્રમણકક્ષાઓમાં ફરતા જે ખડકો સૂર્યથી ૧.૩ au કે એથી ઓછું અંતર ધરાવતા હોય, એ સ્વાભાવિક રીતે પૃથ્વીની પણ નજીક હોવાના. આ પ્રકારના ખડકોને નીઅર અર્થ ઓબ્જેક્ટ – NEO તરીકે ઓળખવામાં આવે છે. NEOની ભ્રમણકક્ષા ઘણીવાર પૃથ્વીની ભ્રમણકક્ષા સાથે ઓવરલેપ થતી હોય છે. આ NEO પૈકીના જે ૦.૦૫ au કરતા પણ ઓછું અંતર ધરાવતા હોય કદમાં ૧૪૦ મીટર (૪૬૦ ફીટ) કરતા વધુ હોય, એમને પોટેન્શિયલી હેઝાર્ડસ ઓબ્જેક્ટ (PHO) – એટલે કે પૃથ્વી માટે ખતરારૂપ બની શકે એવા ઓબ્જેક્ટની કેટેગરીમાં મૂકવામાં આવે છે. આવા PHOમાં ઉલ્કાઓ, એસ્ટરોઈડ્સ અને ધૂમકેતુનો સમાવેશ થાય છે. હાલના તબક્કે અવકાશ વિજ્ઞાનીઓએ ૨૦,૦૦૦થી વધુ NEO અને ૧,૮૮૫થી વધુ PHOને વર્ગીકૃત કરવામાં સફળતા મેળવી છે. એમાંય ૧૫૭ જેટલા PHO તો કદમાં એક હજાર મીટર કરતાં મોટી સાઈઝના છે! જરા વિચારો કે હજારો કિલોગ્રામ વજનનો આવડો મોટો ખડક છે…..ક અવકાશમાંથી દેમાર સ્પીડે ખરીને પૃથ્વીના કોઈ વિસ્તાર ઉપર પટકાય તો એ વિસ્તારની શું વલે થાય?! અહીં ધરપત આપનારી વાત એ છે કે મોટા ભાગના PHO ની ભ્રમણકક્ષા એ પ્રકારની છે કે આવનારા ૧૦૦ વર્ષો સુધી તેમની પૃથ્વી પર ખાબકવાની કોઈ શક્યતા જણાતી નથી! થેંક ગોડ! ૧૦ ઓગસ્ટે પૃથ્વી નજીકથી પસાર થનાર PHOની પૃથ્વી સાથે ટક્કર થાય એવી કોઈ જ શક્યતા નથી. તેમ છતાં અવકાશ વિજ્ઞાનીઓ એની ગતિ પર ચાંપતી નજર રાખશે. વિજ્ઞાનીઓ માને છે કે ભવિષ્યના વર્ષોમાં આવો કોઈ બિન બુલાયે પૃથ્વીની મુલાકાતે આવી ચડેલો ‘મહેમાન’ જ સમગ્ર સજીવ સૃષ્ટિનું નિકંદન કાઢશે. વિજ્ઞાનીઓની ચિંતા અસ્થાને નથી જ.

જરા યાદ કરો, ડાયનોસોર કઈ રીતે નાશ પામ્યા? ૬૫ મિલિયન વર્ષ પહેલા ખાબકેલા એસ્ટરોઈડએ કારણે જ સ્તો! હવે જો આજના સમયે આવી કોઈ ઘટના બને તો? ઇસ ૨૦૨૮માં 1997XF11 નામનો અવકાશી ખડક પૃથ્વીની અતિશય નજીકથી પસાર થવાનો છે. જો કે એ પૃથ્વી સાથે ટકરાય એવી કોઈ શક્યતા નથી. પણ ધારો કે કંઈક અવકાશી લોચો થાય અને ૩૦,૦૦૦ માઈલની ઝડપે ધસી રહેલો એકાદ માઈલ પહોળો આ ખડક પૃથ્વી સાથે ટકરાય તો એની અસરો માપવા માટે ભાગ્યે જ કોઈ બચે! આટલી ઝડપે થતી ટક્કરને પરિણામે એક મિલિયન મેગાટનનો બોમ્બ ફૂટવા બરાબર એનર્જી છૂટી પડે! આં આંકડો અતિશય મોટો છે, માટે કલ્પનાનું કદ જરા ઘટાડીએ. એક માઈલ પહોળા ખડકને બદલે એક સામાન્ય ઘરની સાઈઝનો ખડક આટલી ગતિએ ખાબકે તો ૨૦ કિલોટનનો બોમ્બ ફાટવા જેવી અસર થાય! સરખામણી ખાતર જાણી લો કે હિરોશીમા પર ફેંકાયેલ બોમ્બ પણ ૨૦ કિલોટન જેટલી જ એનર્જી ધરાવતો હતો. આવી અથડામણ પછી ગ્રાઉન્ડ ઝીરોની આજુબાજુનો દોઢેક માઈલનો વિસ્તાર તો ઘડીના છઠ્ઠા ભાગમાં ખરેખર ઝીરો જ થઇ જાય. આવી ટક્કર દુનિયાના કોઈ પણ શહેરને સંપૂર્ણપણે તબાહ કરી શકે છે. જો ખડકની સાઈઝ ૨૦ માળના મકાન જેવડી હોય તો ૨૫ થી ૫૦ ટન એનર્જી – લેટેસ્ટ ન્યુક્લીયર બોમ્બ જેટલી એનર્જી – મુક્ત થાય! અને આટલી એનર્જી દુનિયાના કોઈ પણ શહેરને તબાહ કરી નાખવા પૂરતી છે.

તો ભાઈ મોરલ ઓફ ધી સ્ટોરી ઇઝ, હવે પછી કોઈ ખરતો તારો જુઓ તો હિન્દી ફિલ્મોની અસર હેઠળ હરખ પદુડા થઈને રોમેન્ટિક ઈચ્છાપૂર્તિને બદલે એવી પ્રાર્થના કરજો, કે આ તારો ખરીને આપણી વહાલી પૃથ્વી ઉપર ન ખાબકે!


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.


Disclaimer: The images / videos in this post have been taken from net for non-commercial purpose. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *