ગુજરે હૈ હમ કહાં કહાંસે : (૭) એ.વી.સ્કૂલ અને લોખંડી

Facebooktwitterredditpinterestlinkedinmail

જીવનના એ પડાવ ઉપર પહોંચ્યો છું જ્યાં ભૂતકાળમાં માણેલા વિવિધ પ્રકારના આનંદદાયી અનુભવો યાદ આવતા રહે છે. એ પૈકીના કેટલાક અહીં વહેંચવાનો અને એ સાથે જોડાયેલાં પાત્રોનું નિરૂપણ કરવાનો ઉપક્રમ છે. અમુક કિસ્સામાં પાત્રોનાં અને સ્થળનાં નામ ચોક્કસ કારણોસર બદલેલાં હશે.

પીયૂષ મ. પંડ્યા

—————*—————-*——————-*——————-*——————*—————-

સને ૧૯૬૩માં મારા બાપુજીની બદલી ગઢડાથી ભાવનગર થઈ ત્યારે હું પાંચમા ધોરણમાં હતો. વાર્ષિક પરીક્ષાને ત્યારે માંડ બે મહિના બાકી હતા. હવે મારે ભાવનગરની કોઈ નિશાળમાં પ્રવેશ લેવાનો થયો. મારે એ સમયની પ્રખ્યાત એ.વી.સ્કૂલ (એંગ્લો વર્નાક્યુલર સ્કૂલ)માં અથવા ઘરશાળામાં ભણવું હતું. પણ એ સમયે શિક્ષણખાતામાં કાર્યરત એવા મારા મોટાકાકાએ એને બદલે મને હલુરિયા (આવું નામ શું કામ હશે, ખબર નહીં!) પ્રાથમિક શાળામાં ‘બેસાડી’ દીધો. “હવે તું ઈ એ.વી. સ્કૂલનો ને ઘરશાળાનો ગાંઠિયો થા મા, છાનોમુનો હલુરિયે ભણી લે” આવા શબ્દો સહ તેઓએ મને સમજાવતાં આગળ કહ્યું કે અમારા કૌટુંબિક સ્વજન હસમુખભાઈ પંડ્યાનો શેખર પણ હલુરીયે જ જતો હતો અને આવા હોંશિયાર છોકરાઓ ભણતા હોય એ નિશાળમાં ભણવાથી મને ખુબ લાભ થશે. વધુમાં એમણે મને શેખરની ભાઈબંધી કરી લેવાની પણ સૂચના આપી.

જેવી ત્યાંની વાર્ષિક પરીક્ષા પતી કે મેં છઠ્ઠા ધોરણથી એ.વી.સ્કૂલમાં જ ભણવાની જીદ પકડી. હવે મને ઘરશાળાનો મોહ રહ્યો ન્હોતો. એનાં બે કારણો હતાં. એક તો મારા નવા બનેલા મિત્રોમાંના ઘણા એ.વી.સ્કૂલમાં ભણતા હતા. એ ઉપરાંત બીજું કારણ એ હતું કે એ નિશાળની સામે એક રેસ્ટોરાં હતું, જ્યાં રેડીઓ ઉપર વાગતાં રહેતાં ફિલ્મી ગીતો નિશાળના વર્ગખંડો સુધી સંભળાયા કરતાં એવી ખબર પડી હતી. આવી ‘સુવિધા’થી ઘરશાળાના વિદ્યાર્થીઓ વંચિત હતા એ પણ મેં જાણી લીધેલું. ધીમે ધીમે મારા મોરચામાં દાદા, દાદી અને બાપુજી ભળી ગયાં એટલે મોટાકાકાએ પીછેહઠ કરી. ” હા, એમ તો ત્યાં આપડા પ્રિયવદનભાઈનો જગદીશ ભણે છે, એનો ભાઈબંધ થજે” એમ કહી, તેઓએ મને એ.વી.સ્કૂલમાં દાખલ કરી દીધો.

ભાવનગરના ક્રેસન્ટ વિસ્તારમાં એક જ પરિસરની અંદર આવેલા મોટા મકાનમાં બે નિશાળો ચાલતી. એ.વી.સ્કૂલ કે જે પ્રાથમિક શાળા હતી એ બપોરની પાળીમાં ચાલતી જ્યારે વિદ્યામંદિર હાઈસ્કૂલ( હવે ધનેશ મહેતા હાઈસ્કૂલ) સવારની પાળીમાં ચાલતી. એ બન્ને શાળાઓ માત્ર છોકરાઓ માટેની હતી. સમાજના ઉન્નતભ્રુ વર્ગના લોકો પોતાના છોકરાઓને આ પરિસરમાં મૂકવાનું પસંદ ન કરતા. એનું કારણ એ હતું કે એ સમયના ભાવનગરના બહુ પ્રતિષ્ઠીત નહીં એવા વિસ્તારોનાં કુટુંબોના છોકરાઓ પણ અહીં પ્રવેશ લેતા. એમાંના લગભગ ૫૦% માત્ર સમય પસાર કરવા માટે જ આવતા હતા એવું મારું નિરીક્ષણ છે. મને યાદ છે કે મારા કેટલાયે સહાધ્યાયીઓ અધવચ્ચે અભ્યાસ પડતો મૂકી ને રખડતા ફરતા અને એમાં ને એમાં આડે રસ્તે ચડી જતા. અમૂક કિસ્સામાં છોકરાઓને કુટુંબની જવાબદારી વેંઢારવા માટે થઈને કામધંધે ચડી જતા પણ જોયા છે. જે નિશાળે આવતા એમાંના કેટલાયે વર્ગખંડમાં જ તોફાનો, મારામારી અને ગાળાગાળી છૂટથી કરતા રહેતા. એ પૈકીના નેતાગીરીના ગુણ ધરાવતા અમૂક તો બે તાસની વચ્ચે તેમ જ રીસેસ દરમિયાન મળતા અવકાશમાં ધુમ્રપાન, ગાંજાના કશ લેવા અને સાથેસાથે જુગાર રમી લેવા જેવી પ્રવૃત્તિઓ પણ કરી લેતા. ખેર, આ બધું હોવા છતાં સાહેબોનો કડપ એવો હતો કે આ બધી પ્રવૃત્તિઓ છાની છપની ચાલતી. ગમ્મે એવો માથાભારે છોકરો પણ સાહેબોની આમન્યા ચૂકતો નહીં. આ પ્રકારની નાની મોટી ક્ષતિઓ હોવા છતાંયે સંસ્થાનાં યાદ રાખવા જેવાં ઉમદા પાસાં ઘણી મોટી માત્રામાં હતાં. નિશાળ સમગ્રપણે વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓથી ધમધમતી રહેતી. અમારા પ્રેમાળ, ઉત્તમ અને ઉમદા શિક્ષકો સાવ છેવાડે બેઠેલા છોકરાઓને સીધે રસ્તે લઈ આવવા માટે પ્રયત્નો કરતા રહેતા. કેટલાક કિસ્સાઓમાં એમને સફળતા પણ મળતી જોઈ છે. ભણતર અને એની ઉપરાંતના ઘણાં જ્ઞાન આ એક જ પરિસર ઉપર વિતાવેલાં છ વર્ષ દરમિયાન મેળવ્યાં છે. ધોરણ છઠ્ઠામાં આંખમાં નકરા વિસ્મય સાથે ત્યાં પ્રવેશેલો હું મૂછના ફૂટેલા દોરા સહિત ત્યાંથી ધોરણ અગિયાર પસાર કરીને બહાર નિકળ્યો એ સમયગાળા દરમિયાન ત્યાંના ઉત્તમ શિક્ષકોએ ભણાવ્યા ઉપરાંત અમૂલ્ય જીવનસભર તાલિમ આપી. સાથેસાથે મારા સહપાઠીઓના સંસર્ગે મેળવેલ આનંદસભર અનુભવો વડે એ સમયગાળા દરમિયાન મારામાં ખાસ્સું મૂલ્યવર્ધન થયું છે એ ઋણનો હું નતમસ્તક સ્વીકાર કરું છું. આજની કડીમાં એ.વી. સ્કૂલમાં ગાળેલાં બે વર્ષ દરમિયાનના અનુભવો અને એની સાથે સંકળાયેલા મિત્રોની યાદ વહેંચું છું.

ઉનાળુ વેકેશન પછી નિશાળ ખૂલી અને મેં તાત્કાલિક અસરથી મોટાકાકાના મિત્રના દીકરા જગદીશને ગોતી કાઢ્યો. એક આદર્શ વરિષ્ઠજનની અદાથી એણે મને આવકાર્યો. જો કે એણે મને કીધું કે મેં ગઢડા જેવા ગામડામાં બે-તણ વરસ કાઢ્યાં, એમાં મારી બોલી બગડી ગઈ હતી. હવે શહેરમાં તો આવી દેશી બોલી જરાય નહીં ચાલે! પછી એણે મને પ્રોત્સાહન આપ્યું કે મૂળ તો હું શહેરી હતો અને એ ઝડપથી મને મારા જે કોઈ પણ ગામડિયા સંસ્કારો હશે એ ભૂલવાડી દેશે. એણે એ જ સમયે મારામાં સુધારા કરવાની શરૂઆત કરતાં મને સમજાવ્યું કે હું ‘ઓલ્યો’, ‘ઓલ્યા’, ‘ઓલ્યું’ અને ‘ન્યાં’ બોલતો હતો એ ગામડીયા ઉચ્ચારો હતા. એની જગ્યાએ હવેથી મારે અનુક્રમે ‘ઓલો’, ‘ઓલા’, ‘ઓલું’ અને ‘ત્યાં’ એવું શહેરી બોલવાનું રહેશે. વળી એની સૂચનાનુસાર મારે શાળામાં શક્ય એટલો વખત એની સાથે જ રહેવાનું હતું. સદનસીબે અમારા બન્નેનો સમાવેશ એક જ વર્ગમાં થયો. આ સુમેળનો આનંદ વહેંચતા અમે અમારા વર્ગ – ૬ ‘ક’ –માં ગયા અને દસેક મિનીટમાં તો મારે જીતુભા, ગુલામહુસૈન, ઈકબાલ, મજીદ, મહાવીર અને બહાદૂર જેવા નવા ભાઈબંધો પણ થઈ ગયા. અમારા વર્ગશિક્ષક જગન્નાથભાઈ સાહેબે આવીને ખુબ જ પ્રેમાળ શબ્દો વડે અમારું સ્વાગત કર્યું અને એમાં ને એમાં એ ગળગળા પણ થઈ ગયા. આમ બનતાં પાછળની હરોળમાં બેઠેલા બહાદૂરીયાએ અતિશય સિફતથી એમની નકલ ઉતારી અને એ સાથે એ નિશાળમાં વખતો વખત માણેલા મનોરંજનનો શુભારંભ થયો અમે સૌએ જાણ્યો. જો કે અમારા સાહેબ આ ઘટનાક્રમથી જરાય પ્રભાવિત થયા હોય એવું ન લાગ્યું. તાત્કાલિક ધોરણે એમનું સ્વરૂપ બદલાઈ ગયું અને એમણે આગળની હરોળમાં બેઠેલામાંથી પહેલો હાથે ચડ્યો એ સૈફુદ્દીન નામના પ્રમાણમાં નરમ લાગતા છોકરાને અડબોથ લગાવી દીધી. એ પછી એમણે અત્યંત કૃધ્ધ મુદ્રામાં અમને ધમકી આપી કે મૂળભૂત રીતે પોતે મીણથી પણ કોમળ હતા, પણ જરૂર પડ્યે ખડકથી યે કઠ્ઠણ થતાં એમને વાર ન્હોતી લાગતી. આ સ્વરૂપબદલાવને તાજા ભૂતકાળમાં અનુભવી ચૂકેલા સૈફુદ્દીન સામે ડોળા કાઢીને એમણે “બરાબર ને?” એવી ત્રાડ નાખી. આનો જવાબ સામુહિક સ્વરોમાં “હા જી, સાહેબ્બ!” જેવો મળતાં એમનું મીણમાં રૂપાંતર થાય એ પહેલાં જ નોટીસ આવી કે થોડી વાર પછી પ્રાર્થના માટે સૌએ સંમેલન હૉલમાં ભેગા થવાનું હતું.

જગદીશ અને હું વેળાસર ત્યાં પહોંચી, પહેલી જ હરોળમાં બેસી ગયા. ધીમે ધીમે સાહેબો એ ખંડમાં આવવા લાગ્યા અને એમાંના મોટા ભાગનાને ઓળખતો હોવાથી જગદીશે મને તે બધા વિશે અત્યંત મૌલિક શૈલીમાં પરિચય આપવાનું શરુ કર્યું. અમે બન્ને બિલકુલ આગળ જ બેઠા હોવાથી વાતો કરતા પકડાઈ ન જઈએ એનો ખ્યાલ અલબત્ત, રાખતા હતા. એવામાં હેડમાસ્તર સાહેબ દાખલ થયા. જગદીશે જણાવ્યું કે આમ ખુબ જ પ્રેમાળ એવા “ઈ બદલે તો કોઈના નહીં” એવા હોવાથી એમની ઝપટે ન ચડી જવાય એની મારે કાયમી ધોરણે કાળજી લેવાની હતી. એટલામાં તો હેડ માસ્તર સાહેબે અમને બધાને ઉભા થઈ જવાની સૂચના આપતાં જણાવ્યું કે અમને પ્રેરક પ્રવચન આપવા માટે એક મહેમાન પધારી રહ્યા હતા, જેવા મહેમાન પ્રવેશ્યા કે જગદીશ ખુશ થઈ ગયો. એ તો એના ઘરની આસપાસ જ રહેતા એવા એક સામાજિક કાર્યકર હતા! જગદીશે મને ખાસ નોંધ લેવા કહ્યું કે એક આંખે એ ત્રાંસું જોતા હતા અને એમની બીજી આંખ કાચની હતી. એણે કહ્યું, “ઈ એકહારે ફડ્ડો ને બાડ્ડો બેય છે” એનું આ મૌલિક શૈલીનું વર્ણન સાંભળતાં જ હું હસવું રોકી ન શક્યો. અમારી તરફ હેડમાસ્તર સાહેબનું ધ્યાન ખેંચાયું પણ ત્યારે હજી સ્ટેજ ઉપર બધા ગોઠવાઈ રહ્યા હતા એટલે એમણે એ બાબતે આંખ આડા કાન કર્યા. જગદીશ તો વધુ આગળ વધ્યો. કહે, “ઈ વિધવા છે, એની વહુ મરી ગઈ છે”! હવે મેં જ્ઞાન પ્રદર્શિત કરવાનો મોકો ઝડપ્યો. કીધું, “વિધવા તો બાયું થાય. ભાઈડાને કાંક બીજું બોલાય.” ‘ગામડા’ના બે વરસના નિવાસે મારું શબ્દભંડોળ ખાસ્સું સમૃધ્ધ કરી દીધેલું. એમાંના આવી શ્રેણીમાં આવતા પુરુષો માટે ઉપયોગે લેવાતા ચુનંદા શબ્દો યાદ કર્યા, ત્યાં જગદીશને યોગ્ય પ્રયોગ યાદ આવ્યો….”રાંડેલો છે!”

વ્યાજબી શબ્દ સત્વરે જડી ગયાની ખુશીમાં જગદીશનો અવાજ જરૂરથી મોટો થઈ ગયો. વળી ઉત્સાહમાં આવી જઈને અમે એકબીજાને તાળી આપીને નવાજ્યા. સંમેલનખંડમાં અમારી આજુબાજુમાં બેઠેલા કદરદાનોએ ખડખડાટ હાસ્ય અને તાળીઓ દ્વારા અમને અનુમોદન આપ્યું. અમે સૌથી આગળ બેઠેલા હોવાથી સ્ટેજ ઉપરના મોટા ભાગના મહાનુભાવોનું ધ્યાન સીધું જ અમારી તરફ ખેંચાયું. એ જ સમયે મહેમાનનો પરિચય કરાવવા માટે ઉભા થયેલા અમારા હેડમાસ્તર સાહેબે અમને બન્નેને પ્રાર્થના ખંડની બહાર નીકળી જવા માટે સૂચિત કર્યા. પહેલી જ હરોળમાંથી મને લઈ ને જગદીશ આખ્ખો હૉલ વીંધીને પાછલે બારણેથી બહાર નીકળ્યો, ત્યારે જેમ નવજાત કૃષ્ણને લઈ ને વસુદેવજી નીકળ્યા ત્યારે નદીએ માર્ગ કરી આપેલો એમ જ અમારા સહપાઠીઓએ અવનવાં સૂત્રો પોકારતાં પોકારતાં અમને માર્ગ કરી આપેલો! હું તો પહેલા જ દિવસે થયેલા તેજોવધથી એટલો ક્ષુબ્ધ થઈ ગયો કે એ માર્ગ જો નદીનો હોત તો મેં ત્યાં અને ત્યારે જ ડૂબી જવાનું પસંદ કર્યું હોત.

* * * * * * * *

અમારા એ જ વર્ગ – ૬ ‘ક’ -માં એક છોકરો હતો, જેનું મૂળ નામ અત્યારે યાદ નથી આવતું. સાહેબો સહિત બધા જ એને ‘લોખંડી’ તરીકે જ ઓળખતા. એ ઉજળો અને દેખાવડો હતો તેમ જ એકદમ મજબૂત બાંધો ધરાવતો હતો. એનામાં શારીરિક તાકાત એની ઉમરના પ્રમાણમાં નોંધપાત્ર માત્રામાં હતી. એના ચહેરા અને હાવભાવ ઉપરથી જ એની જાડી બુધ્ધિનો ખ્યાલ આવી જતો. વળી જેને સામુદ્રીકશાસ્ત્રનો ઝાઝો અભ્યાસ ન હોય એવા મારી જેવાઓને માટે એનાં વાણી અને વર્તન એ હકિકતની સાહેદી પૂરતાં. જો કે એની રમૂજવૃત્તિ ઘણી ઉંચી હતી. સમગ્રપણે જેને હડફો કહીએ એવું વ્યક્તિત્વ હતું. શાહબુદ્દીન રાઠોડ એમની એક જાણીતી વાતમાં નટો અને જટો નામના બે ભાઈઓનું વર્ણન કરે છે એ પાત્રવર્ણીમાં એ બિલકુલ ફિટ બેસે. એ પોતાના મોઢાનો ઉપયોગ બોલવા માટે કરે એના કરતાં વધારે ચાવવા માટે કરતો રહેતો. એ સમયે અમારામાં નિશાળે ઘરેથી નાસ્તો લઈ જવાનો ચાલ નહતો. નિશાળથી ઘર બહુ દૂર ન હોય એવા મોટા ભાગના છોકરાઓ મોટી રીસેસમાં પોતાના ઘરે જઈ, ઘી-મીઠું-રોટલી કે પછી ઘી-ગોળ-ભાખરી ખાઈ આવતા. જૂજ તાલેવંતો વાપરવાના પૈસા લઈને આવતા, જેના વડે એ બહારની લારીમાં મળતા શેવ-બટેટાં, પાઉં-ગાંઠીયા કે રગડો-પેટીસ લગાવતા. લોખંડીનું ઘર સ્કૂલથી સાવ નજીક હતું. પણ એ રીસેસમાં હલુરીયા ચૉકમાં આવેલા એક મંદીરે જતો. એના બાપા ત્યાં પૂજારી હતા. એ મંદીરમાં દર્શનાર્થીઓએ ધરાવેલા પ્રસાદની સામગ્રીને ભરપેટ ઝાપટી, એ રીસેસ પૂરી થતાં પહેલાં અચૂક પાછો આવી જતો, જેથી બહારની લારીએ ઉડી રહેલી જ્યાફતોમાં પણ સામેલ થઈ શકાય. સામાન્ય રીતે એ જે કોઈની પાસે જઈને “ભેરુ, આપડો ભગ્ગો” કહેતો, એ છોકરાઓ એની માંગણી સ્વીકારી લેતા. એની કાર્યપધ્ધતિ ચોક્કસ વ્યુહને અનુસરતી. શરૂઆતમાં ખુબ જ પ્રેમથી આદરેલી માંગણી જો વેળાસર ન સંતોષાય તો એ વિવિધ ધાક-ધમકીઓનો પ્રયોગ કરતો. એને ઓળખનારાઓ સુપેરે જાણતા હતા કે લોખંડી બોલનો બહુ પક્કો હતો. આપેલી ધમકીને અમલમાં મૂકતાં એને વાર ન લાગતી. આમ, એક પુખ્ત વયના પુરૂષ કરતાં પણ ખાસ્સી વધારે ગુંજાશ ધરાવતી એની હોજરીમાં ઈચ્છીત ખાદ્યપદાર્થો પૂરતી માત્રામાં પહોંચી જતા.

લોખંડીને એક વધારાનો ફાયદો એ હતો કે એની બા શીતળામાતાનાં પૂજારણ તરીકે વ્યવસાયિક ધોરણે સેવા આપતાં. આમ તો એમની પૂજા શીતળાસાતમના દિવસે થતી હોય, પણ ભાવનગરનાં કેટલાંક શ્રધ્ધાળુ સન્નારીઓ એ સિવાયના દિવસોમાં પણ પૂજા કરાવતાં. આ વિધિમાં પ્રસાદ તરીકે બાજરાના લોટમાં ઘી અને ગોળ ભેળવીને બનાવવામાં આવતી ‘કૂલેર’ નામની વાનગી ધરાવવામાં આવતી. જે દિવસે લોખંડીની બા આ વિધિ કરાવવાનાં હોય એ દિવસે એ નિશાળે ન આવી, પૂજાવિધિસહાયક તરીકે સેવા આપતો. બદલામાં એને એની અતિશય પ્રિય એવી કૂલેર ઈચ્છીત માત્રામાં મળી રહેતી. એ પૂજાવિધિના ભાગરૂપે લોકો ‘નેણાં’ અને ‘ફુલાં’ નામે જાણીતાં એકદમ પાતળી ચાંદીનાં બનેલાં ઘરેણાં પણ ચડાવતાં. દિવસના અંતે લોખંડીને એની બા આ ચીજો એમના ઓળખીતા ચોકસીની દૂકાને પાછી આપી, એનું રોકડમાં રૂપાંતર કરાવવા મોકલી આપતાં. એ રકમમાંથી લોખંડી પોતાનો ‘ભગ્ગો’ તારવી લઈ, બે-ત્રણ દિવસની ખિસ્સાખર્ચીનો મેળ પાડી લેતો.

એનાં ઘણાં પરાક્રમોમાંનું એક હજી યાદ રહી ગયું છે. એક વાર અમારી નિશાળના મેદાનમાં રીસેસ દરમિયાન એક મારકણો બોકડો આવી જતાં ત્યાં રમતા છોકરાઓમાં ભાગદોડ મચી ગઈ. આ ખબર પડતાં લોખંડીએ એ બોકડાને શિંગડેથી પકડ્યો અને એની ઉપર સવાર થઈ ગયો. હવે મૂંઝાવા/ગભરાવાનો વારો બોકડાનો આવી ગયો! એણે લોખંડીને ઉથલાવવા માટે ગોળ ગોળ દોડવાનું શરૂ કર્યું. આ મનોહર દ્રશ્યાવલી જોતે જોતે અમે હર્ષનાદો શરુ કર્યા. બોક્ડાને ખ્યાલ આવ્યો કે અમારા હર્ષનાદો તો લોખંડી માટે હતા આથી એની અકળામણમાં વધારો થયો. આખરે જીવ ઉપર આવી ગયેલા એ મૂક જનાવરે મહામુસીબતે લોખંડીને હેઠો પાડ્યો અને મેદાન છોડી ને ભાગ્યો. પટકાયેલો લોખંડી કપડાં ખંખેરતો ઉભો થયો અને “મજા આવી ગઈ, કાં”? કહેતો અમારું અભિવાદન ઝીલતો ઝીલતો વર્ગ તરફ ગયો.

એ સમયગાળામાં છૂટદડી નામની એક રમત ખુબ જ રમાતી. એ રમતમાં જેણે દાવ આપવાનો હોય, એ છોકરાએ દડાનો ઘા કરી, સાથે રમતા છોકરાઓને મારવાના હોય. અમે એ દડો જાતે બનાવતા. એક મધ્યમ કદનો પથરો લઈ, એની ઉપર કાગળ વીંટી દેવાનો. પછી સાયકલની ટયુબની પાતળી કાપેલી પટ્ટીઓ એ કાગળ ઉપર એવી રીતે ચડાવતા જવાની કે શક્ય એટલો ગોળાકાર બને. ટેનીસ દડા જેટલું કદ થાય એટલી પટ્ટીઓ ચડાવવાની. આવો દડો ખુબ જ ‘મારકણો’ બની રહેતો. આ દડાની ઘાતકતાનું માપ કાઢવા લોખંડીની સેવા લેવામાં આવતી. એને બોલાવીએ એટલે એ ખમીસ કાઢી, પીઠ ધરી ને ઉભો રહી જાય. નજીકના અંતરથી એક જણ નવો બનાવેલો દડો જોરથી એને મારે! કેટલી ય વાર એ બે ત્રણ પટ્ટીઓ વધુ ચડાવવાનું સૂચન કરતો. આખરે લોખંડી કહે કે ‘હા, હવે બરોબર વાગ્યો’, ત્યારે એ દડો ISI માનાંક માટે યોગ્ય ગણાતો. આવી સેવા એ નિ:સ્વાર્થભાવે અને બિનશરતી ધોરણે આપતો.

સાતમા ધોરણ પછી એ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં દાખલ થયો હતો એવી ખબર મળેલી. હું વિદ્યામંદીર હાઈસ્કૂલમાં હોવાથી અમારો સંપર્ક સાવ છૂટી ગયો. બસ, ત્યારથી લઈને આજ સુધી ક્યારેય એને જોયો નથી. આજે પણ કોઈ લોંઠકા જણને જોઉં એટલે મને એની યાદ આવી જાય છે. ક્યારેક તો વિચાર આવે છે કે છૂટદડી માટેનો દડો બનાવી, એને હાથમાં લઈ, ભાવનગર જઈ, એ.વી.સ્કૂલના મેદાનમાં આંટા મારું. વખત છે ને એ સામો આવીને ઉભો રહીને કહે, “ભેરુ! હજી બે-તણ પટ્ટીયું ચડાવ્ય ને પશી લગાવ્ય મારા વાંહામાં! બરાબ્બર વાગશે એટલે કહીશ.”


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

2 comments for “ગુજરે હૈ હમ કહાં કહાંસે : (૭) એ.વી.સ્કૂલ અને લોખંડી

  1. ધર્મેન
    September 29, 2019 at 9:53 pm

    આપે લખેલો આ સાતમો હપ્તો વેબ ગુર્જરી વાયા RSS READER “flym” app વાંચ્યો, તો વાંચીને એટલી બધી ઉત્કંઠા થઈ કે તરત વેબસાઈટ પર આવી, એક થી છ સુધી ના તમામ હપ્તા વાંચી ગયો. શૈશવના સ્મરણો વાંચવા હંમેશા આનંદ આપે છે, જૂની પેઢી ના તો ખાસ, કારણકે એમાંથી ભાર વિનાના ભણતર અને ભેળસેળ વિનાના જીવન ની મીઠી ખુશ્બુ આવતી હોય છે. પરંતુ આપની ભાષા સજ્જતા, ગ્રંથિહીન વિનોદ નો આનંદ અને ક્યાંય ન ખચકાતી વર્ણન શૈલી શ્રેણીને સ્પેશ્યલ બનાવી દે છે. આટલા અદભુત સ્મરણો અમારી સાથે વહેંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.

  2. ઉત્કંઠા
    October 10, 2019 at 7:25 pm

    બહુ જ સ-રસ. સારું છે કે તમને તમારા મોટાકાકાએ શાળામાં ‘બેસાડી’ દીધા. બાકી હવે તો ” મેં મારી દીકરીને ફલાણી શાળામાં ‘નાખી’, તમે તમારા દીકરાને ક્યાં ‘નાખ્યો’ ?” એવું જ સંભળાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *