ફિર દેખો યારોં : પ્રદૂષણ ફેલાવીને પર્યાવરણની ચર્ચાની મજા

Facebooktwitterredditpinterestlinkedinmail

બીરેન કોઠારી

સમાચાર માધ્યમોમાં કોઈ ચોક્કસ પ્રસંગે અમુક પ્રકારની ઘટનાઓ કે તસવીરોનો એક રિવાજ બની ગયો છે. ધ્વનિપ્રદૂષણ અને જળપ્રદૂષણના જીવંત નમૂના જેવા ગણેશોત્સવનું સમાપન થાય ત્યારે કેટલા, ક્યાં ડૂબ્યા, તેના સમાચારો ચમકે છે. કયા શહેરમાં કેટલી સંખ્યામાં મૂર્તિવિસર્જન થયું, કેવો ચુસ્ત બંદોબસ્ત હતો, કેટલા સી.સી.ટી.વી. કેમેરા લગાવવામાં આવ્યા હતા, અને કેટલી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તૈનાત હતા આ બધી બાબતો પણ વિગતવાર આવે છે. હકારાત્મકતાને રવાડે ચડેલા કોઈક અખબારમાં પોતાની હાકલના પગલે કેટલા વધુ ટકા ઈકો-ફ્રેન્‍ડલી પ્રતિમાઓનું વિસર્જન થયું તેનું ગૌરવગાન કરવામાં આવે છે.

તો કોઈકે માટીની મૂર્તિનું સ્થાપન કરીને પોતાના ઘરમાં તેનું વિસર્જન કર્યું હોય તેનેય બીરદાવવામાં આવે છે. તસવીરોમાં મોટે ભાગે વિચ્છેદિત અંગવાળી ગણેશજીની પ્રતિમાઓ ઉપેક્ષિત અવસ્થામાં જળાશયના કિનારે પડેલી બતાવવામાં આવે છે અને આપણી શ્રદ્ધા કેટલી તકલાદી છે તે દર્શાવવાનો પ્રયત્ન થાય છે. આ બધી હરકતોની અસર જે તે અખબારના વાચકો પર થાય છે કે કેમ એ શોધનો વિષય છે, પણ પર્યાવરણ પર અવશ્ય થાય છે. સરકાર ખુદ પર્યાવરણની જાળવણી માટે ગણેશજીની માટીની પ્રતિમાના સ્થાપનનો અનુરોધ કરે છે એ દર્શાવે છે એ પર્યાવરણની તેને કેટલી ફિકર છે!

પર્યાવરણ પ્રત્યેની સરકારની ફિકર અને નિસ્બતને લઈને જ દરેક વાહનો માટે ‘પી.યુ.સી.’ પ્રમાણપત્ર ફરજિયાત કરવામાં આવ્યું છે. ‘પોલ્યુશન અન્‍ડર કન્‍ટ્રોલ’ અર્થાત ‘પ્રદૂષણ નિયંત્રણમાં છે’ દર્શાવતા આ પ્રમાણપત્રનું મૂલ્ય આપણા દેશમાં ખાનગી રાહે ચાલતી ઘણી યુનિવર્સિટીઓ દ્વારા અપાતા પ્રમાણપત્ર જેટલી જ છે. હવે સરકારે ટ્રાફિક નિયમોના ભંગ બદલ વસૂલાતા દંડની રકમમાં આકરો વધારો અમલી કર્યો છે. આમાં ‘પી.યુ.સી.’ ન હોવા બદલ કરાતા દંડની રકમ પણ વધી ગઈ છે. પરિણામે અત્યાર સુધી અસ્તિત્વની ઓળખની સમસ્યા ધરાવતાં ‘પી.યુ.સી.’ કેન્‍દ્રો પર અચાનક લાંબી કતારો લાગવા માંડી છે. કતારો એટલી લાંબી છે કે ઘણા કેન્‍દ્રવાળાને આ પ્રમાણપત્ર જેના માટે અપાય છે એવા વાહન દ્વારા ઉત્સર્જિત વાયુની માત્રા માપવાનો પણ સમય નથી. આવા કિસ્સામાં વાહનમાલિકો કેન્‍દ્રવાળાની મદદે આવે છે. પ્રમાણપત્રમાં જે તે વાહનની નંબરપ્લેટની છબિ મૂકવાની જોગવાઈ છે. પરગજુ વાહનચાલકો પોતાના વાહનની નંબરપ્લેટની છબિ પોતાના સેલફોન વડે જાતે જ ખેંચીને કેન્‍દ્રવાળાને આપે છે, અને આમ પ્રમાણપત્રની પ્રક્રિયા ઝડપી બને છે. આખી કવાયતમાં પ્રમાણપત્ર હોવાનું મહત્ત્વ છે, એન્‍જિન પ્રદૂષણ ઓકે છે કે નહીં એ ગૌણ બાબત છે. કોઈ પણ કેન્‍દ્રવાળાએ કોઈ વાહનને ઉત્સર્જિત વાયુની માત્રા અપ્રમાણસર હોવાને કારણે પ્રમાણપત્ર ન આપ્યું હોય એવો કિસ્સો ભાગ્યે જ કોઈના ધ્યાને આવ્યો હશે. આનો અર્થ એ કે આ પ્રમાણપત્રથી પ્રદૂષણ નિયંત્રણમાં રહે કે ન રહે, વાહનચાલક નિયંત્રણમાં રહે છે.

પ્રદૂષણનો મુદ્દો એવો મજેદાર છે કે તેના વિશે વાત કરવાથી આપોઆપ જાગ્રત નાગરિક હોવાનો સંતોષ પ્રાપ્ત થાય છે. આગામી દિવસોમાં ‘સીંગલ યુઝ પ્લાસ્ટિક’ના ઉપયોગને પ્રતિબંધિત કરતો કાયદો આવી રહ્યો છે. એવે વખતે જાગ્રત નાગરિકો ઘેરથી કપડાંની થેલી લઈને જ શાક ખરીદવા નીકળવાની અપીલો કરશે. ‘સીંગલ યુઝ પ્લાસ્ટિક’ કોઈ શોખથી વાપરતું નથી. તેનો ઉપયોગ પ્રતિબંધિત થાય એ આવશ્યક પગલું છે, પણ માત્ર તેના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાથી શું થશે? પ્રદૂષણ માટે કંઈક કર્યાનો સંતોષ થશે, પણ સમસ્યામાં કશો ફરક ભાગ્યે જ પડશે.

એમ તો બીજી ઘણી સમસ્યાઓ છે. શહેરોના રસ્તે રખડતાં ઢોરની સમસ્યા પ્રદૂષણ સાથે સંકળાયેલી નથી, પણ એ સમસ્યાની તીવ્રતા ઓછી નથી. આમ છતાં, એ હકીકત છે કે છેક ચંદ્ર પર યાન મોકલી શકતા આપણે રસ્તે રખડતાં ઢોરની સમસ્યાનું નિવારણ લાવી શકતા નથી. સમસ્યાના ઊકેલની જે વર્તમાન તરાહ છે, અને દરેક બાબતને વિકાસ સાથે સાંકળવાની ઘેલછા છે એ જોતાં આ સમસ્યાનું ભાવિ કેવું હોઈ શકે? આપણા છોડેલા ઉપગ્રહો છેક અવકાશમાંથી જે તે નગરમાં રસ્તે રખડતાં ઢોરની છબિ મોકલશે. રસ્તે પડેલા ખાડાઓની છબિ મોકલશે. અને ટેક્નોલોજીના આવા અદ્‍ભુત વિકાસ બદલ આપણે સૌ નાગરિક તરીકે પોરસાતા હોઈશું.

નવરાત્રિમાં સમયમર્યાદા વધારવાની ચર્ચાવિચારણાનો આરંભ થઈ ગયો છે, અને તેના માટે રીતસરનાં અભિયાન અમુક પ્રસાર માધ્યમ ચલાવતાં હોય એમ લાગે. કોઈ પણ ધર્મના તહેવારોની ઉજવણી એક પરંપરા લેખે કરવામાં કશો વાંધો ન હોય. પણ આ ઉજવણી હુંસાતુંસી, શક્તિપ્રદર્શન, નાણાં અને માનવશક્તિના ગુનાહિત વેડફાટની સાથેસાથે પ્રદૂષણને પણ ભયાનક હાનિ પહોંચાડતી હોય તો તેના અંગે પુનર્વિચાર કરવામાં શો વાંધો? બલ્કે એ અનિવાર્યપણે થવું જોઈએ.

શરીરમાં તાવ આવે એ કંઈ અસામાન્ય બન્યાની નિશાની છે. આથી ઈલાજ તાવનો નહીં, એ બિમારીને શોધીને તેનો કરવાનો હોય. પણ આપણી તાસીર સામાન્યત: તાવનો ઈલાજ કરીને, તેનું ગૌરવગાન કરવાની રહી છે. આને કારણે તાવ જે બિમારીને લીધે આવ્યો છે એ બિમારી પોતાની રીતે વકરતી રહે છે. ‘પી.યુ.સી.’ ન હોવા બદલ આકરો દંડ ભરવા સહિતના પ્રદૂષણને નાથવા માટેના ચિત્રવિચિત્ર કાયદાઓ છેવટે ભ્રષ્ટાચાર માટેની એક બારી જ ખોલી આપે છે. મૂળ હેતુ કદી સધાતો નથી.

નિયમપાલન, દંડ, તેનો વિરોધ, તોડ આ બધી સમસ્યાઓ જોતજોતાંમાં આપણા જીવનમાં એવા કેન્‍દ્રસ્થાને આવી ગઈ છે કે હવે પર્યાવરણના પ્રદૂષણનો મુદ્દો હડસેલાઈ ગયો છે. કંઈ વાંધો નહીં, નવરાત્રિ અને એ પછી દિવાળી આવે જ છે! એ દિવસોમાં હાઈ ડેસિબલનો ઘોંઘાટ પેદા કર્યા પછી, ધ્વનિ અને વાયુ પ્રદૂષણમાં પૂરતું પ્રદાન કર્યા પછી પર્યાવરણની ફરી એક વાર ફિકર કરીશું.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૯-૯– ૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


નોંધ: અહીં રજૂ કરેલ તસવીર નેટ પરથી લીધેલ છે અને પ્રતિકાત્મક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *