





હીરજી ભીંગરાડિયા
“અરે પણ આટલા બધા ખુંટિયા ? આ તે પાંઝરાપોળ કહેવાય કે ખુંટિયાખળી ?” ઘણા વરસો પહેલાં રામજીભાઇ ઈંટાળિયા સાથે મારે જૈનોની પાંઝરાપોળ પાવાપૂરી [રાજસ્થાન] જવાનું થયેલું, અને ગાયોની સંખ્યા તો ઠીક, પણ ખુંટિયાઓની બહુબધી સંખ્યા ભાળી હું રામજીભાઇને પૂછી બેઠેલો. રામજીભાઇએ કહેલું કે “આ જૈનોની પાંઝરાપોળ છે. અહીં લોકો નબળાં-દૂબળાં કે એમને ન જોઇતાં ઢોરાં મૂકી જાય છે, એમાં વાછરડા ઘણા આવે છે. અને વધારામાં આટલીબધી 4-5 હજાર ગાયોમાંથી કેટલીય અહીંના દવા-દારુ અને સારવાર પછી પાછી સાજી થઈ ગયેલી ગાયો વિયાંય પણ છે. એમાં પણ અરધો અરધ તો વાછરડા જનમતા જ હોય ! અને આ લોકો છે જૈનધર્મી ! એવું કરવામાં પાપ લાગે માની વાછરડાઓની ખસી પણ નથી કરાવતા, તેથી ખેડૂતો કોઇ હાંકવા લઈ ન જાય અને આમ ખુંટિયાઓની સંખ્યા વધતી જ રહે છે.”
એ વખતે તો રામજીભાઇએ પાંઝરાપોળના વ્યવસ્થાપકોને સમજાવી ને વાછરડાઓની ખસી શરૂ કરાવેલી અને સૌરાષ્ટ્ર-ગુજરાતના ઘણા ખેડૂતોને એ કાંકરેજ ટાઇપના ગોધલાની જોડ્યો મફતમાં લઈ જવાની છૂટ કરાવેલી અને પ્રશ્ન ઠીક ઠીક હળવો કરેલો.
પણ હવે તો આપણે ત્યાં જ આભ ફાટ્યું છે : તમે જુઓ ! ગામેગામ અને શહેરે શહેરની બજારોમાં અને ખેડૂતોના ખેતર-વાડીઓમાં ખુંટિયાઓએ કાળો કેર મચાવ્યો છે ! માત્ર હવેની જ ગાયો વાછરડીઓની જેમ વાછરડા જન્માવે છે, એવું નથી હો ભૈ ! પહેલાંના વખતમાંયે ગાયો વાછરડીઓ અને વાછરડા બન્ને જન્માવતી હતી. પણ આપણા વડવાઓએ બધું વ્યવસ્થિત ગોઠવવા રસ્તા ખોળી કાઢેલા ! વાછરડી મોટી થઈ ગાય બને, તો તેની પાસેથી દૂધ લેવાનું. અને વાછરડાને મોટા કરી તેની પાસેથી ખેતીકામ લેવાનું. અને એ કામ કરવામાં એનું ધ્યાન બીજે ન જાય, એ મારકણા ન થાય, અને એનું બળ બધું ખેતીકાર્યોમાં જ ઉપયોગમાં આવે એ માટે એને ખસી કરી, એવો એક રચનાત્મક ઉકેલ શોધી કાઢેલો કે જેથી અગાઉના જમાનામાં ખુંટિયાઓનો ત્રાસ ક્યારેય નજરે નહોતો ચડ્યો.
હવે સમયની સાથોસાથ લોકોની માનસિકતા પણ બદલાઈ છે. બધી બાબતોમાં બસ, પોતાનો સ્વાર્થ જોવાની વૃત્તિ દાખલ થઈ ગઈ છે. અન્ય વ્યવસાયોની જેમ ખેતી વ્યવસાયમાં પણ હિસાબ થવા લાગ્યો છે. વળી કૃષિના નવા વિજ્ઞાને ઓછા માનવ-શ્રમે વધુ કામ થઈ શકે તેવા યંત્રોની ભેટ ધરી છે. એટલે ખેતીકામોમાં પણ બળદિયા પાછળ કરવી પડતી દૈનિક નીરણ-પાણી,છાણ-વાસીદાં જેવી પળોજણ અને કાયમી નભામણી ન કરવી પડે અને માત્ર ચલાવીએ ત્યારે જ જરૂરી ઇંધણ કે ખોટક્યા-ભાટક્યા જેવા મામૂલી ખર્ચે, તેજ ગતિથી ખેતીના વિવિધ કાર્યો કરી શકાય તેવા ખેતયંત્રોને જ વહાલા લગાડી વ્યાપક રીતે અમલ આદર્યો છે.
ખેતીમાં નવાં નવાં ખેતયંત્રોની ભેટ વિજ્ઞાને ધરી તે આવકારવાદાયક ઘટના છે. પણ એ બધામાંથી આપણે ખેડૂતોએ કઈ કઈ બાબતોનો અમલ કરાય અને કઈ કઈ બાબતોનો ન કરાય તેનો વિવેક તો દાખવવો પડેને ? આપણે એવું ન વિચાર્યું કે આપણા ખેતીપાકો દ્વારા ફરજિયાત રીતે નીકળતી ઘાસ-પૂસ-પાંદડાં-ડાંખળાં જેવી આડપેદાશના ઉપયોગ માત્રથી કહોને કશાએ ખર્ચ વિના ધરતીની ભૂખ ભાંગે એવું ગોબર-મુત્ર આપવા ઉપરાંત ખેતીના તમામ કામો પોતાને કંધોલે ઝીલનાર બળદોને એક બાજુ શુંકામ ધકેલી રહ્યા છીએ ?
પેટ ચોળીને ઊભું કર્યું શૂળ ! હવે આ મીની ટ્રેકટર અને સનેડા જેવા યંત્રો ખેતીકાર્યો કરવા તો લાગ્યાં છે, પણ તેની પાછળ ઇંધણનો ખર્ચ થાય છે, એ પોદળો કરતા નથી, જમીનને ટૉર લગાડે છે અને ધુમાડો કાઢી પર્યાવરણને પણ બગાડતા હોવાછતાં ખેડૂતોને એ વહાલા લાગી રહ્યા છે. આના પરિણામે એક નવી આફત ઊભી થઈ છે ,જેણે ખેતી, ખેડૂતો, ગામડાં અને શહેરની આમજનતા, સૌને મુશ્કેલીમાં મૂકી હાથજીભ કઢાવી દીધી છે, તે છે આ જ્યાં ને ત્યાં રખડતા ખુંટિયાઓએ મચાવેલો તરખાટ !
ખેડૂતોના ખેતર-વાડીઓમાં : બીજાની પછી, પહેલાં મારી જ વાત કરું. હમણાં થોડા દિવસો પહેલાં ચોસલાથી મારા લખમણકાકા થોડું બળતણ ભરવા એનું ગાડું જોડી મારી વાડીએ આવતા હતા. મારગની પડખે એક ખુંટિયાને ઊભેલો જોયો, પણ “એને વતાવીએ તો વાંધોને ! આપણે તો આપણે રસ્તે ચાલ્યા જવું છે” એવું વિચારી એમણે ગાડું આગળ હાલવા દીધું. અને માળે બળદોને જોઇ, એના દુશ્મન માન્યા હોય એમ આગલા પગથી જમીન ખોદી, ત્રાડ દઈ, ઓચિંતાની જે હડી કાઢી કે લખમણકાકા ગાડામાંથી બડિયો લઈ ઉગામે ઉગામે એ પહેલાં જમણિયાળ બળદને એવી ઢીંક મારી દીધી કે બળદ તો પડી ગયો પણ ગાડાની ધૂંસરીએ ભાંગી ગઈ ! લખમણકાકાએ ગાડેથી હેઠા ઉતરી સોટેને સોટે સબોડ્યો ત્યારે આઘો ખસ્યો બોલો ! મજબુત બાંધાના લખમણકાકાની જગાએ એનો નાનો દીકરો હોત તો શી દશા થાત તે વિચારો !
અમારા પાડોહવાડિયા ગામ સાજણાવદરમાં એક ખેડૂતને 7 વિઘાના ખેતર ફરતી કાંટાળા તારની વાડ, અને અંદર આવન-જાવન માટે છેડે મૂકેલું એક ફાટક. રાત્રિ દરમ્યાન આ વાડીમાં ક્યાંથી ગરકવું એની શોધ કરતી કરતી ખુંટિયાની એક ટોળકી ફાટક ભાળી ગઈ ! એની કુદરતી સૂઝ તો જુઓ ! ટોળીમાંના એક ખુંખાર ખુંટડે ફાટકમાં શિંગડાં ભરાવી જે ઝટકો માર્યો કે ફાટક તો ઉંચકાઈ ગયું પણ ભરાઈ ગયું એની ડોકમાં ! અને 15-17ની ટોળકીને અંદર પ્રવેશવાનો માર્ગ થઈ ગયો મોકળો ! સાતેસાત વિઘા માહ્યલી કૂણી જુવાર, તલી, બકાલુ અને કપાસ-બધું ખાઇ-ખુંદી એવું બગાડી નાખ્યું કે જોઇને આંખે અંધારાં આવી જાય ! અને ડોકમાં ફાટકસોતો એ ખુંટિયો ત્રણ દહાડા રખડ્યો તોયે દૂબળો નહોતો પડ્યો બોલો ! બીજા રેઢિયાર ઢોર-વાછરડીઓ કે ગાયો-દૂબળાં પાતળાં ભળાશે, બાકી ખુંટિયો, તમે સીમમાં ભાળો કે શહેરની બજારમાં-ખુંટિયો એકેય દૂબળો નહીં !
વાડી-ખેતરોમાં નુકશાન તો રોઝડાં-ભૂંડડાંયે માપબારું કરે છે. પણ હાંકલા-પડકારા કે દંડાની બીક દેખાડીએ તો ભાગતાએ થાય છે. જ્યારે ખુંટિયા ? એ તો આગલા પગે માટી ખોદી માંડે ઉડાડવા ને ત્રાડ દઈ એવા સામા થાય કે આપણે જ દૂર ભાગવું પડે ! ગમે એવો પાળો હોય કે ભલેને હોય ઊંડી ચર સાથેની કાંટાળા તારની વાડ, રોજડાં કૂદે, તો આ માથું મારીને વાડ તોડીને અંદર પડ્યે પાર કરે ! પછી ભલેને શરીરે ઉઝરડા થઈ લોહીના ટસિયા આવી ગયા હોય ! શું વાત કરું તમને, એક-બે નહીં, નાનરું ખુંટડાંઓની તો 10-15-20ની મોટી ટોળકી જ હોય ! જે ખેતરમાં ખાબકે ત્યાં મોલાતની એવી દશા કરી મેલે કે ખેડૂતને માથે ફાળિયું ઓઢી રોવાનો જ વારો આવે !
ગામ અને શહેરની બજારોમાં : કોઇની રોડ પર ઊભેલી બાઇક-મોટરસાયકલોને એનું ડીલ ઘસી ઘસી પછાડી દીધાનું સાંભળ્યું હતું. પણ એકવાર તો એવું બન્યું કે ઢસામાં રોડની સાઈડે મારી જીપ પાર્ક કરી, એક કામ સબબ હું દુકાનના પગથિયાં પૂરા નહોતો ચડી રહ્યો ત્યાં એક ભાઇએ રાડ પાડીને મને સાદ કર્યો કે “દોડો દોડો હીરજીભાઇ, તમારી ગાડી સાથે ખુંટડો માથું ઘસવા માંડ્યો છે” હું તરત જ પાછો વળી, ફટ..ફટ પગથિયાં ઉતરી ગાડી પાસે પહોંચું પહોંચું ત્યાંતો ગાડીનો સાઈડગ્લાસ માથું ખંજોળી ખંજોળી તોડી નાખ્યો અને મને 1600 રૂપિયાની અડાડી !
ગામની શેરીમાં નીકળે એટલે ઉકરડો ભાળ્યો નથી કે શીંગડાં ભરાવી ભરાવી ફોળ્યો નથી ! અને એમાં કોઇ ખેડૂત જો ગાડું લઈને નીકળે તો આવી જ બને બળદિયાનું ! એટલે તો હવે વણલખ્યો નિયમ થઈ ગયો છે કે ગાડું લઈને કોઇને બજારે નીકળવું હોય તો બળદોના અંગરક્ષક તરીકે એક લાકડીવાળા જણે ગાડાની આગળ હાલવું પડે 1
ખુંટિયા રોડની ધારે ઊભા હોય એતો સમજાય, પણ રોડની વચ્ચોવચ બેસી જાય. અને એય પાછા એકલ-દોકલ બેઠા હોય તો તો રાહદારી કે વાહનચાલક એકબાજુ તરીનેપણ નીકળી જાય. પણ આખું ટોળું જાણે એના જ બાપનો સુંવાંગ રોડ હોય તેમ, હોર્ન કરીએ એતો એના મનમાંયે નહીં, બેઠા બેઠા વાઘોલતા હોય બોલો ! અરે ! શાકભાજીની દુકાન કે લારીવાળાના બે બડિયા ખાવા પડે તો કુરબાન પણ હે…હે…કરતા રહે તોયે દૂધી-તૂરિયા, ભીંડો કે ટમેટાં-જે ઝપટે ચડ્યું એનું મોઢું ભર્યે પાર કરે !
અમારે વિહલાકાકાનો લઘરો-એટલે કે માલધારીનો દીકરો, એ તો ગાયોનો ગોવાળ ગણાય ! ગોવંશ સાથે એને બહુ વહાલ. બજારે હાલ્યો જતો હતો એમાં એક ઊભો ઊભો ઉંઘી રહેલા ખુંટિયાને જોઇ વહાલ દેખાડી થોડો બુચકાર્યો ને કે ક્યાં જઈશ ? ખુંટિયે ઘૂરકીને એવી ઢીંક મારી-શિંગડે ચડાવી એવો પડતો મૂક્યો કે એની સોં તો વળતા વળી, પણ કડ્યના દુ:ખાવાની ભેટ કાયમની આપી ગયો.
મેં ઉગામેડીમાં નજરોનજર જોયું કે એક બાઇક-સવાર રોડ પર એની ધૂનમાં જઈ રહ્યો હતો.અને એની આગળ થોડે દૂર બે ખુંટિયાં સામસામા માથા ભરાવી બાથંબાથી કરી રહ્યા હતા. અને કુદરતને કરવું છે તે બરાબરનો એવો મેળ થઈ ગયો કે બાઇક-સવારને તે સ્થળે પહોંચવું ને ખુંટિયાઓનું એને હડફેટે લેવું, એકબીજા એવા ભટકાણા કે બાઇક ને અસવાર બન્ને ભૂંડાઇના પડ્યા ! ખુંટિયા તો નોખા પડી હાલતા થઈ ગયા પણ બાઇકને ગેરેજે અને ચલાવનાર જણને દવાખાને દાખલ કરવા પડ્યા.
અમારે કેશવબાપાની એક બહુસારી ગીર ગાય હીટમાં આવેલી. એનો ભાગિયો ગાયને દોરી રેવલાભાઇનો જાતવાન ખુંટડો દેખાડવા પાદરે જઈ રહ્યો હતો. એમાં બજારે ઊભેલ એક અલમસ્ત બાંગરિયા કાળિયા ખુંટની નજર આ ગાય પર પડી ને કે ક્યાં જઈશ ? ભાગિયો હે..હે..કરી ડંડો ઉગામતો રહ્યો તોયે ઝડપ કરી ગાયને માથે ફાળ ભરી, ગાયને ધરાહાર ફાલુ કરી ગયો ! ઉત્તમ એવો ગાયનો વંશવેલો બગાડવામાં પણ જેવું તેવું યોગદાન આ બાંગરિયાં ખુંટડાઓનું નથી હો ભાઇઓ !
પહેલાં તો “ગાયને વાછરડો આવે તો સારું” એવું ખેડૂતો ઇચ્છતા. અને જો વાછરડો જન્મે તો તેને સામો ધવરાવી, ખસી કરાવી, મોટા થયે તલના રેડ કઢાવી, ગોળસાથે ખવરાવી એવા જોશીલા બનાવતા કે જેથી ઘરની ખેડ્યની રોનક બદલી શકે. પણ સમય બદલાતા ખેડૂતોની એ માનસિકતા અને બળદો પ્રત્યેની લાગણી બધું બદલાયું. કહોને ગોધલા દ્વારા ખેતી કરવાનું વિજ્ઞાન જ ભુલાયું. અને ખેડૂતોના ખેતરોમાં જે રોજડાં અને ભુંડડાં બે નો જ ત્રાસ હતો એમાં ખેતીમાં આ નાનાં ટ્રેક્ટરો અને સનેડાનું રાજ થતાં બળદોનો ઉપયોગ બંધ થયો અને ગાયોને પેટે જન્મતા વાછરડાઓ વધી પડ્યા, અને પરિણામ બસ, આ આવીને ઊભું રહ્યું કે રખડતા ખુંટિયાઓ દ્વારા ખેતીને ખમદળવાનું ત્રીજું પરિબળ ઊભું થયું છે.
છે કોઇ ઉપાય આ ત્રાસમાંથી છૂટવાનો ? હા, આ ત્રાસમાંથી છૂટવાનો ઉપાય તો છે, પણ કોઇ એકલ-દોકલ ખેડૂતથી થઈ શકે તેવો નથી. આપણે ગોવધબંધીનો તો કાયદો કર્યો છે, એટલે વધી પડતા અને ખેતીને રંજાડતા વાછરડા-ખુંટિયાને કતલખાને ધકેલવાનો તો વિચાર સુધ્ધાં ન કરી શકીએ. જો કે સરકાર આ રોજ-ભૂંડ-ખુંટથી ખેતીપાકને બચાવવા ખેતર ફરતી કાંટાળીવાડમાં થોડી સહાય કરે છે, પણ એ કાયમી ઉપાય નથી. માનો કે 100 % ખેતરો ફરતી આવી વાડ થઈ જાય તો આ રખડતાં રોજ-ભુંડ-ઢોર-ખુંટિયાઓને ખાવું કઈ જગ્યાએથી ? અને ભૂખ તો બહુ ભૂંડી છે હો ભાઇઓ ! પછી કાંટાળી વાડ હોય તોયે ભલે અને ઊંડી ખાઇ હોય તોયે ભલે ! મરી જવું કુરબાન, બાકી ખાધા વિના થોડું ચાલવાનું છે ?
સરકાર ધારે તો બધુંયે થઈ શકે : સરકાર ધારે તો સીમ-ગામ અને શહેરોમાંથી રોજ, ભુંડ અને ખુંટિયાઓને પકડી પકડી ગીરના જંગલમાં છોડી મૂકે, જંગલ ફરતી મજબુત વાડ કરે. તો ખેતી તો એના ત્રાસમાંથી બચે જ, પણ વધારાના બે લાભ થાય. એક-જંગલના સિંહ-વાઘ જેવા શિકારી પ્રાણીઓને આવો કુદરતી ખોરાક મળી રહે અને એવા હિંસક પ્રાણીઓને માનવ-વસ્તીમાં આવી જાનમાલનું નુકશાન કરવાનું બંધ થાય.
ખુંટિયાઓની ભવિષ્યની વસ્તી ઘટાડવાનો ઉપાય-જે નવા વિજ્ઞાને શોધ્યો છે કે આપણને જરૂર હોય તો જ ગાયને વાછરડો જન્મે, બાકી એકલી વાછરડીઓ જ જનમાવ્યા કરે બોલો ! આ નવું વિજ્ઞાન ટવર્યું ટવર્યું અમલમાયે આવવા માંડ્યું છે.આપણા દેશની અને રાજ્યોની સરકારોએ આ વાતને ગંભીરતાથી લઇ વહેલામાં વહેલો એવા ખાસ માવજત આપેલ ખુંટ-બીજ [સીમેન] નો વ્યાપક અમલ ક્રુત્રિમ બીજદાન સેંટરો દ્વારા કરાવવો તે છે.
ખાટલે મોટી ખોટ કે………: અન્ય ધંધાર્થીઓને તો રોજ-ભુંડ કે ખુંટિયા દ્વારા ખેતી ઉપર થનારા ત્રાસની ગંભીરતા ન હોય તે સમજાય તેવી વાત છે. પણ ખેતી સાથે સીધો સંબંધ હોય-પછી જ્ઞાતિ ગમે તે હોય, પણ જેમના પૂર્વજો ખેતી કરતા હતા અને આજે જેમના ભાઇ-ભાંડુ અને સગાં-વહાલાં ખેતી કરી રહ્યા છે, કહોને જેમની નસોમાં ખેતી અને ખેડૂતોનું લોહી વહી રહ્યું છે, અરે ! ખેતી જીવતી રહે એવું વિચારી રહેલા કૃષિરસિકો પણ જ્યારે ચુંટાઇને રાજકારભારમાં ગયા પછી ખેડૂતો ગમે તેટલી રાડ્યો પાડે કે કિસાનસંઘ ગમે તેટલા સન્મેલનો ભરે, સમજાતું નથી કે તેઓને ખેતી પર આ રાની જીવો દ્વારા થઈ રહેલા ત્રાસમાંથી ઉગારવા બાબતે કેમ પેટનું પાણીયે હલતું નથી ? અને ત્યારે થાય છે કે ખલ્લાસ ! ખેતીની ભાંગતી દશા આવી રહી છે. દેશના વડાપ્રધાન ભલેને 22ની સાલ આવે ત્યાં ખેતીનું બમણું ઉજ્વલ ભાવિ ભાળતા હોય !
પણ મિત્રો ! એવું જો સરકારના આયોજનમાં સમાવિષ્ટ થાય તો તો ખેડૂતો અને ખેતીની ભેર કરી ગણાય ને ? રાજકર્તાઓને તો બીજા કામકાજ આડે આવું તો સ્વપ્નુંયે ન જ આવે ને ? એટલે ખેડૂતભાઇઓ ! આપમૂવા વિના સ્વર્ગે જવાતું નથી. થાકી ન જવાય એટલું-થઈ શકે એટલું કરીએ- અરે, ખેતી કરવી હોય તો કરીએ, નહીં તો હવે ના છૂટકે બીજું કંઇક કરીએ. અને નહીં તો પછી આવા બધા ત્રાસ સહન કરવાની આદત કેળવીએ, એજ છેલ્લો ઉપાય છે મિત્રો !
સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com
બહુ જ મુદ્દા ની વાત લખી પણ એનો ઉપાય શું ? આમે શહેર મા ખુંટીયા આડેધડ બેઠા હોય છે ને રાહદારી ઓ ને બાઇકવાળા ને ઉલાળતા હોય છે પણ કોઇ કાઇ પગલા લે તો પાછા એના સગલા થતા લોકો દોડી આવે ને રાજકારણી ઓ ને તો એટલું જજોઇતુ હોય તરત વિરોધ કરવા બેસી જાય
આ પ્રશ્ન વધશે ને એનો કોઇ ઉપાય પણ મળશે નહિ , દેશ રામભરોસે જ ચાલે છે