





જગદીશ પટેલ
ભૂમિકાઃ
વિકાસશીલ દેશો કયાં આવ્યા છે એમ પુછો તો કહેવું પડે કે તે વિશ્વના તમામ ખંડોમાં છવાયેલા છે. યુરોપ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા. આ દેશોમાં રાજકીય વ્યવસ્થા, વહીવટ, આર્થિક સ્થિતિ, વસ્તી, સંસ્કૃતિ, સંગઠીત અને અસંગઠીત ક્ષેત્રોમાં કામદારોની સંખ્યા, મજુરકાયદાઓ અને તેનું અમલીકરણ તેમજ કામને સ્થળે થતા અકસ્માતો અને વ્યાવસાયિક રોગોની નોંધણીમાં આવતી અડચણોમાં બહુવૈવિધ્ય જોવા મળે છે. તેથી આ બધા દેશોની સરખામણી કરવાનું કામ કપરૂં છે. એટલે કે બધા દેશોમાં અડચણો સામાન્ય નથી.
વિકાસશીલ દેશો પૈકી કેટલાક દેશોમાં કામને સ્થળે થતા અકસ્માતો અને વ્યાવસાયિક રોગોના આંકડા ભેગા કરવાનું કામ સારું થાય છે જયારે કેટલાક દેશોમાં તે કામ બહુ નબળું છે. ઉપલબ્ધ માહિતીને આધારે એવું જોવા મળી રહ્યું છે કે વિકાસશીલ દેશો અને વિકસીત દેશો વચ્ચે માંદગી અને ઇજાઓના ગુણોત્તરમાં બહુ મોટો તફાવત જોવા મળે છે.
કામને સ્થળે જીવલેણ અકસ્માતો અને ગંભીર ઇજાઓઃ
ભારતમાં કામને સ્થળે સલામતી અને આરોગ્ય અંગેના કાયદાઓમાં અકસ્માતો અને વ્યાવસાયિક રોગોના બનાવોની નોંધણી કરાવવાની જોગવાઇ છે પરંતુ તેનો અમલ એટલો નબળો છે કે આઇ.એલ.ઓ. દ્વારા ભારતમાં કામને સ્થળે થતા જીવલેણ અકસ્માતો અને ગંભીર ઇજાઓ અંગે જે અંદાજો છે તે અને ભારત સરકાર આઇ.એલ.ઓ.ને જે આંકડા મોકલે છે તે બંને વચ્ચે મોટો તફાવત હોય છે. ભારતમાં ૨૦૧૦—૧૩ના ગાળામાં નોંધણી પામેલા કારખાનાઓમાં જીવલેણ અકસ્માતોનો દર કામે રખાયેલા પ્રતિ ૧ લાખ કામદારોએ ૨૦.૮૫ હતો જયારે આ જ સમયગાળા દરમિયાન યુરોપીયન યુનિયનના દેશોમાં આ દર ૧.૫૩ હતો. વિશ્વબેન્ક દ્વારા આ વિસ્તારમાં કામને સ્થળે થતી જીવલેણ અને ગંભીર ઇજાઓના અંદાજોને આધારે ભારત અને ચીનમાં જીવલેણ અને ગંભીર ઇજાઓનું જોખમ યુરોપ અને ઉત્તર અમેરીકા (એટલે કે વિકસીત અથવા સમૃધ્ધ) દેશોના કરતાં અઢી ગણું વધુ છે. આ તફાવત આફ્રિકાના (ખાસ કરીને સહારાના રણની દક્ષિણના) દેશોમાં પાંચ ગણો છે. સમૃધ્ધ દેશોમાં આ દર બહુ નીચો હોય છે. સ્વીડન અને બ્રિટનમાં અનુક્રમે દર લાખ કામદારે ૧.૯ અને ૦.૮ છે જયારે મોઝામ્બિકમાં ૭૯ અને કેન્યામાં ૨૧.૬ અને દક્ષિણ અમેરીકન દેશ બોલીવીઆમાં ૨૧.૯ છે (૨૦૦૭નો અહેવાલ)
વ્યાવસાયિક રોગોનીનોંધણીઃ
અકસ્માતના આંકડા કંઇકેય મળે છે પણ વ્યાવસાયિક રોગોના આંકડા તો ભાગ્યે જ મળે! વ્યાવસાયિક રોગોના નિદાન એટલા ઓછા થાય છે કે ઘણા વિકાસશીલ દેશોમાં તો હજુ પહેલો દર્દી પણ નોંધાયો નથી. જો નિદાન થાય તો પણ જાહેર અને ખાનગી ક્ષેત્રના તબીબો ઘણા કારણોસર નોંધણી કરાવતા નથી. ભારત સરકારના મજૂર મંત્રાલયે ૨૦૧૪,૨૦૧૫ અને ૨૦૧૬ના વ્યાવસાયિક રોગોના આંકડા જાહેર કર્યા છે. આ ત્રણ વર્ષ દરમિયાન ભારતના ૫ રાજયોએ વ્યાવસાયિક રોગોના કુલ ૧૩૨ દર્દી નોંધ્યા હતા. અન્ય રાજયોમાં કાં તો નિદાન જ થયા નહી અથવા નોંધણી કરાવી નહી.
નોંધણી શા માટે થતી નથી?
વ્યાવસાયિક રોગોની નોંધણી ન કરાવવા પાછળ ખાનગી તબીબોને પોતાના કારણો હોય છે જેમ કે નોંધણી કરાવીશું તો કામદાર નોકરી ગુમાવશે અને એ સંજોગોમાં તેના પુનઃસ્થાપન કે વળતરનું કામ કોઇ કરશે નહી. એટલે નોંધણી થશે તો કામદાર અંધારા ખુણામાં ધકેલાઇ જશે. વળી નોંધણીને કારણે એવા બનાવોનું પુનરાવર્તન થતું અટકશે તેની કોઇ ખાતરી નથી કારણ કાયદાનો અમલ કરાવનારું તંત્ર કામને સ્થળે પર્યાવરણમાં સુધારા થાય તે માટે કોઇ પગલાં લેશે નહી. દરેક ચૂંટાયેલી સરકારોને પોતાની પ્રાથમિકતાઓ, રાજકીય દબાણો અને તત્કાળ કરવાના કામોનું દબાણ હોય છે. ચૂંટાયેલી સરકારો નીતિ ઘડે છે અને કાયદાના અમલીકરણ તંત્ર અને વહીવટને પ્રભાવિત કરે છે. જુદા જુદા દેશોમાં મુદ્દા જુદા જુદા હશે પણ બધા દેશોમાં એક દોર સામાન્ય હોય છે, તે સંસાધનો ઉભા કરવાને સૌથી વધુ અગ્રીમતા મળે. રોજગાર સર્જન માટે ઉદ્યોગોને છૂટો દોર મળે અને તેની અસર નોંધણી પર થાય. જાહેર જીવન અને કાયદાના અમલીકરણમાં પરસ્પરના હિતો સાચવવામાં મળતા અંગત લાભની અસર કાયદાના અમલીકરણમાં અને ખાસ કરીને અકસ્માતો અને વ્યાવસાયિક રોગોની નોંધણી પર પડે છે.
સામાજીક વાતાવરણ અને સરકારી નીતિઓઃ
ભારતમાં તો હજુ એ સ્થિતિ છે કે હજારો લોકોને પોતે કયાં જન્મ્યા અને કયારે જન્મ્યા તેની જાણ હોતી નથી. ભારતમાં સાક્ષરતાનો દર ૭૪% (૨૦૧૧) છે જે એક સંકેત છે પણ તેથી એ વાતની ખાતરી થાય નહી કે આ બધા લોકોને પોતાના કાનૂની અધિકારોની માહિતી છે. બહુ ઓછા કામદારો સંગઠીત થયા છે અને ખાસ કરીને છેલ્લા બે દાયકામાં કામદાર સંગઠનો વધુ નબળા પડયા છે. સમાજ વર્ણ, વર્ગ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, પ્રદેશના આધારે વહેંચાયેલો છે. મજુર અધિકારો મેળવવા આડે આવતા વિઘ્નોમાં આર્થિક—સામાજીક અસમાનતા, નબળો વહીવટ, બળુકાઓની ધાક, સામંતી સંસ્કારોનો વારસો, ઉંડી આર્થિક ખાઇનો સમાવેશ થાય છે. અને હવે, વ્યવસાય કરવાની સરળતાને નામે મજુરકાયદાઓ વધુ ઉદાર કરાઇ રહ્યા છે જે કારણે વધુને વધુ કામદારો કાયદાના જાળામાંથી બહાર ફેંકાઇ રહ્યા છે. રાજયોના અને કેન્દ્રીય મજૂરખાતાઓમાં ખાલી પડેલી જગ્યાઓ વધતી જ રહી છે. કામના સ્થળોના નિરીક્ષણ માટેની નીતિઓમાં ફેરફાર કરીને રાજય અને કેન્દ્ર સરકારો અમલીકરણતંત્રની સત્તાઓ પર કાપ મુકી રહી છે. ટૂંકમાં, કામને સ્થળે થતા અકસ્માતો અને વ્યાવસાયિક રોગોની નોંધણી માટે એ પોષક સામાજીક વાતાવરણ પુરું પાડતું નથી.
આરોગ્ય સેવાઓઃ
વ્યાવસાયિક રોગોના નિદાન અને નોંધણી અંગે ઘોર અજ્ઞાન પ્રવર્તે છે. ભારતમાં ૮૦% આરોગ્ય સેવાઓ ખાનગી તબીબો કે દવાખાના/હોસ્પિટલ દ્વારા પૂરી પડાય છે જેના પર કોઇ કાયદા દ્વારા દેખરેખ રખાતી નથી. ગ્રામ્ય વિસ્તારોમાં ઊંટવૈદો સેવા આપે છે જેમને વ્યાવસાયિક આરોગ્યનું જ્ઞાન હોતું નથી. ગ્રામ્ય અને ખાનગી તબીબોમાં વ્યાવસાયિક રોગો અંગેની કાનૂની જોગાવઇઓનું અજ્ઞાન મોટા પ્રમાણમાં છે. કાનૂની જોગવાઇઓના પ્રચારમાં રાજય રોકાણ કરતું નથી.
કોણ જવાબદાર?:
મજૂરખાતા અને આરોગ્ય ખાતા વચ્ચે સંકલનનો અભાવ હોય છે. આરોગ્ય વિભાગમાં જ એક અલાયદો વિભાગ વ્યાવસાયિક આરોગ્યનો ઉભો કરાય અને તેને રાજયના તમામ આર્થિક ક્ષેત્રના કામદારોના આરોગ્ય પર દેખરેખ રાખવાની જવાબદારી સોંપાય તે એક ઉપાય હોઇ શકે.
આમ છતાં છેલ્લા બે દાયકામાં ધીમું પણ ચોકકસ પરિવર્તન આવતું જોઇ શકાય છે. તમામ અડચણો છતાં પરિવર્તનની કેટલીક હકારાત્મક કથાઓ જાણવા મળે છે. સીલીકોસીસ અને એસ્બેસ્ટોસીસ જેવા રોગોના નિદાન માટે તળમાં કામ કરનારી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા નિદાન કેમ્પ કે દવાખાના ચલાવી વૈજ્ઞાનિક આંકડા મેળવવા જેવા કામ થઇ રહ્યા છે. આ રીતે મેળવાયેલા આંકડા રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ સમક્ષ રજૂ કરી પંચ પાસેથી રાજય માટે આ રોગોને અટકાવવા, પીડિતોને પુનઃસ્થાપિત કરવા અને વળતર માટે ભલામણો મેળવાય છે. દક્ષિણ આફ્રિકામાં રાજયના વળતર બોર્ડ દ્વારા સોનાની ખાણમાં કામ કરતા દક્ષિણ આફ્રિકા જ નહીં પણ આસાપાસના દેશોમાંથી આવેલા અને હવે પોતાના વતનમાં પાછા ફરેલા કામદારો માટે તેમના દેશમાં જઇ નિદાન કેમ્પ કરી તેમને વળતર ચુકવવામાં આવ્યા. કર્મશીલોએ દર્દી કામને સ્થળે જે રસાયણોના સંપર્કમાં આવ્યા હોય તેની અને તે રસાયણોના જોખમોની માહિતી મેળવી તે માહિતી તબીબને પૂરી પાડી દર્દી અને તબીબ વચ્ચે માહિતીની ખાઇ પૂરી વ્યાવસાયિક રોગોના સફળતાપુર્વક નિદાન કરાવ્યા છે. કેટલાક રાજયોમાં કર્મશીલોએ રાજયની નીતિ પર હકારાત્મક પ્રભાવ પાડી વ્યાવસાયિક રોગોના નિદાન કરવાની અને પીડિતોને વળતર ચૂકવવાની વ્યવસ્થા ઉભી કરી. ભવિષ્યમાં કામને સ્થળે થતાં અકસ્માતો અને વ્યાવસાયિક રોગોની નોંધણી માટે ટેકનોલોજી મદદમાં આવી શકે જે કારણે નિષ્ણાતોને નોંધણી કરવા પ્રોત્સાહીત કરી શકાશે. દબાણ થતાં સરકારી હોસ્પીટલોમાં વ્યાવસાયિક રોગોના નિદાન માટે વ્યવસ્થા ગોઠવે. ભલે ધીમી ગતિએ પણ ભારત ઉપરાંત વિયેટનામ, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, તાન્ઝાનિયા, થાઇલેન્ડ અને મલેશિયા જેવા દેશોમાં પરિવર્તન આવી રહ્યું છે.
શું થઇ શકેઃ
૧. રાજયની ભૂમિકા મોટી છે. કાનૂની જોગવાઇઓનો પ્રચાર કરવામાં તેણે રોકાણ કરવું જોઇએ. તબીબોના સંગઠનોને પણ એ માટે પ્રોત્સાહિત કરી શકાય. કામદારો, તેમના સંગઠનો અને સ્વૈચ્છિક સંસ્થાઓને નોંધણીપાત્ર વ્યાવસાયિક રોગો અંગે પ્રશિક્ષિત કરી શકાય.
૨. કામના સ્થળનું પર્યાવરણ સુધારવા માટે સરકાર ઉદ્યોગોને મદદ કરે.
૩. કેન્દ્ર સરકારે એક સક્ષમ અધિકારીની નિમણુંક કરવી જોઇએ જે દેશમાં એકમાત્ર અધિકારી હોય જેની પાસે ખાણ, કારખાના, બાંધકામ, સેવાક્ષેત્ર અને અન્ય ક્ષેત્રોએ નોંધણી કરાવવાની હોય. કાયદામાં સુધારા કરી કોઇ પણ નાગરિકને નોંધણી કરાવવા સક્ષમ કરવા જોઇએ.
૪. નોંધણી કરાવનારની ઓળખ છૂપાવવાનું માન્ય રાખવું જોઇએ. ગુપ્તતાનું માન સૌએ જાળવવું જોઇએ.
૫. નોંધણી ઓનલાઇન થાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ અને તેની પહોંચ સામાન્ય નાગરિકોને હોવી જોઇએ જેથી સત્તાધારીઓ રેકોર્ડ સાથે ચેડાં કરી શકે તેવી શકયતા ઘટાડી શકાય અથવા નાબૂદ કરી શકાય.
. ૬. આંકડા એકઠા કરવા બહુવિધ રીતો અજમાવવી જોઇએ— સંશોધનમાંથી મળેલા આંકડા, સામાજીક સુરક્ષામાંથી મળેલા આંકડા, વળતર દાવાના આંકડા, દેખરેખ (સર્વેલન્સ)માંથીમળેલા આંકડા વગેરે.
૭. સરકારી હોસ્પિટલોમાં વ્યાવસાયિક રોગોના નિદાન માટે ઓપીડી ખોલવામાં આવે. ખાનગી હોસ્પિટલોને પણ એ માટે પ્રોત્સાહિત કરવામાં આવે.
૮. મેડિકલ કોલેજોને મેડિકલ રોગોના નિદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવે. તમામ મેડિકલ કોલેજોમાં વ્યાવસાયિક રોગોના નિદાનની ખાતરી કરવા મેડિકલ બોર્ડની રચના કરવામાં આવે અને તેની સમીક્ષા અને અપીલ કરવાની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવે.
૯. મેડિકલ રોગોના નિદાન અને નોંધણી માટે હોસ્પિટલોમાં નિદર્શન (ડેમોન્સ્ટ્રેશન) પ્રોજેકટ શરૂ કરવા જોઇએ. આવા પ્રોજેકટમાં પેરા મેડિકલ સ્ટાફને વ્યવસાયનો ઇતિહાસ દર્દી પાસેથી મેળવવા માટે તાલીમ આપવી જોઇએ અને મેળવેલી માહિતીનો ઉપયોગ નિષ્ણાતો કરે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા જોઇએ.
૧૦. વ્યવસાયનો ઇતિહાસ દર્દી પાસેથી મેળવી નોંધવા માટેના તાલીમ કાર્યક્રમ વિકસાવવા જોઇએ.
૧૧. વ્યાવસાયિક આરોગ્યના નિષ્ણાત તબીબો માટે કાયદામાં એવી જોગવાઇ હોવી જોઇએ કે તેઓ વર્ષમાં એકવાર પોતે જોયેલા વ્યાવસાયિક રોગોના દર્દીઓની માહિતી સરકારને જમા કરાવવા રીટર્ન ફાઇલ કરે.
૧૨. કામને સ્થળે થતા અકસ્માતો અને વ્યાવસાયિક રોગોમાં સમાજે વધુ રોકાણ કરવાની જરૂર છે જેમાં નિદાન અને નોંધણીનો સમાવેશ થઇ જાય.
કામનું ભવિષ્યઃ
ભારત અને બીજા કેટલાક વિકાસશીલ દેશોમાં પરિવર્તન આવતું જોઇ શકાય છે અને એ પરિવર્તનની એ પ્રક્રિયા વધુ મજબૂત બનશે. વિકાસશીલ દેશો જેમ જેમ આર્થિક રીતે સમૃધ્ધ થતા જશે તેમ તેમ વહીવટ સુધરે, જે કામને સ્થળે થતા અકસ્માતો અને વ્યાવસાયિક રોગોના સુધરી રહેલા આંકડામાં પ્રતિબિંબિત થાય. .લોકોને વધુ રાજકીય સત્તા પ્રાપ્ત થાય જે કારણે સામાજીક વાતાવરણ વધુ પોષક થાય અને એવી ટેકનોલોજી વિકસે જે કારણે વ્યાવસાયિક રોગોની નોંધણી કરાવવાનું સહેલું થઇ જાય. ટેકનોલોજીના વિકાસ સાથે કામના સ્થળો પણ વધુ આરોગ્યપ્રદ થતા જાય અને તે કારણે વ્યાવસાયિક રોગોનું પ્રમાણ ઘટે. બીજી બાજુ ગ્લોબલ વોર્મિંગ અને નવી ટેકનોલોજી જેમ કે ૩—ડી પ્રિન્ટીંગ, આર્ટિફિશલ ઇન્ટેલીજન્સ, ચાલક વગરના વાહનો વગેરેને કારણે વિકાસશીલ દેશોમાં બેકારી વધે. લોકશાહી હોય તેવા દેશોમાં નાગરિકો પોતાને પસંદ હોય તેવી સરકારોને સત્તા સોંપે છે. તેમણે રૂઢીચુસ્ત અને પ્રગતિશીલ રાજકીય પક્ષો વચ્ચે પસંદગી કરવાની રહે છે. તેમની પસંદગી વ્યાવસાયિક રોગોની નોંધણી સહીતના મજૂર અધિકારો અને સમગ્ર જીવનને અસર કરે છે.
પોતાની શતાબ્દીની ઉજવણીના ભાગ રૂપે આઇ.એલ.ઓ.એ વિશ્વના ૩૩ નિષ્ણાતો પાસે જુદા જુદા વિષયો પર લેખ મંગાવ્યા. આઇ.એલ.ઓ.ના આમંત્રણથી લખાયેલ લેખનો અનુવાદ. મૂળ અંગ્રેજી લેખ આ લિંક પર વાંચી શકાશે
https://www.ilo.org/safework/events/safeday/33thinkpieces/WCMS_680366/lang–en/index.htm
શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું: jagdish.jb@gmail.com || M-+91 9426486855
કામદારોની સલામતી માટે વધૂ એક માહીતિ વાંચી ખૂશી થયી પણ આ તો પાશેરામાં પહેલેથી પૂણી છે એટલા જગદીશભાઈ થી આ ભગીરથ કામ નહીં થાય આ પુસ્તિકા વધુ વંચાય સ્કુલમાં પણ એની નોંધ લયી વાંચનની પ્રેરણા અપાય ત્યારે આ મહેનત સફળ થતી એમ હૂ માનીશ.અભિનંદન.
Thank you Prakashbhai for your liberal comments
Jagdish