બાળવાર્તાઓ : ૧૧ : વેંતિયો અને સોના

Facebooktwitterredditpinterestlinkedinmail

પુષ્પા અંતાણી

એક છોકરી હતી. એનું નામ સોના હતું. એ જન્મી ત્યારે જ એની મા મૃત્યુ પામી હતી. સોનાનો ઉછેર બરાબર થઈ શકે તે માટે એના પિતા બીજી મા લાવ્યા હતા. બીજી માએ પણ દીકરીને જન્મ આપ્યો હતો. એનું નામ મોના હતું. સોના પાંચ વર્ષની થઈ ત્યારે એના પિતા પણ ભગવાન પાસે ચાલ્યા ગયા હતા. પિતા જીવતા હતા ત્યાં સુધી તો સાવકી માનું બહુ ચાલતું નહોતું, પરંતુ પિતાના મૃત્યુ પછી એ સોનાને દુ:ખ દેવા લાગી હતી. મા આખા ઘરના કામનો ઢસરડો સોના પાસે કરાવે અને બદલામાં જે કાંઈ વધ્યું હોય તે લૂખુંસૂકું ખાવા આપે. પોતે મા-દીકરી પેટ ભરીને મેવામીઠાઈ ખાય.

માને જોઈને મોના પણ સોના સાથે એ રીતે જ વર્તવા લાગી હતી. એ સોના સાથે લડે-ઝઘડે, એને હેરાન કરે, ખોટીખોટી ફરિયાદો કરીને મા પાસે માર ખવડાવે. સોના બહુ ભલી હતી. એ બધું મૂંગે મોઢે સહન કરી લેતી. એ કહે તો પણ કોને કહે? એની ફરિયાદ સાંભળનાર કોઈ નહોતું.

આજે સોનાનો જન્મદિવસ હતો. એણે એનાં કપડાંની થપ્પી નીચેથી પિતાનો ફોટો કાઢ્યો. એને પગે લાગી અને બોલી: “તમે મને છોડીને કેમ ચાલ્યા ગયા? મારું તો હવે કોઈ નથી. આજે મારો જન્મદિવસ છે. હું કોની પાસે જઈને મારો જન્મદિવસ ઊજવું?” એમ બોલતી-બોલતી એ રડી પડી. ત્યાં જ એને લાગ્યું, જાણે એના પિતા ફોટામાંથી એને કહી રહ્યા છે: “બેટા, દુ:ખી ન થઈશ. તને મારા આશીર્વાદ છે. ભગવાન તને ચોક્કસ મદદ કરશે અને સુખી કરશે.” આવી કલ્પના કરીને સોના ખુશખુશ થઈ ગઈ.

મા સોનાને એક ઘડી પણ સુખેથી જંપવા દેતી નહોતી. રોજ કંઈ ને કંઈ કામ ચીંધ્યા કરે. તળાવે કપડાં ધોઈ આવ, સીમમાંથી બળતણ લઈ આવ, કૂવેથી પાણી ભરી આવ. સોના રાતે ખૂબ થાકી ગઈ હોય, છતાં એને માના પગ દાબવા પડતા. મોના પણ એની પાસે જાતજાતનાં કામ કરાવે. બિચારી સોના રાતે મોડી સૂતી હોય, છતાં એને વહેલી સવારે ઊઠી જવું પડતું.

એક દિવસ સોનાને પેટમાં દુ:ખતું હતું. એને તાવ જેવું પણ લાગતું હતું. તેમ છતાં એણે ઘરનું બધું કામ પતાવ્યું. એ થોડો આરામ કરવા માગતી હતી ત્યાં જ માએ એને કહ્યું: “આજે ક્યારામાં નવા છોડ રોપવાના છે. તળાવકિનારેથી માટી લઈ આવ.” સોના જાણતી હતી કે જો એ ના પાડશે તો એને થપ્પડ ખાવી પડશે. તેથી એ ભરબપોરે તગારું અને પાવડો લઈ માટી લેવા નીકળી પડી.

સોનાને પેટમાં અસહ્ય દુ:ખાવો થતો હતો, છતાં એને ગણકાર્યા વિના પાવડાથી માટી ખોદવા લાગી. એના મોઢામાંથી “ઓહ, મા! ઓહ, મા” જેવો અવાજ નીકળી જતો હતો. એનો અવાજ છેક નીચે પાતાળમાં પહોંચ્યો. થોડી વાર પછી એને લાગ્યું કે કોઈએ એનો પાવડો પકડી લીધો છે. એ જોર કરીને પાવડો ખેંચવા લાગી, પણ પાવડો માટીમાંથી બહાર નીકળ્યો જ નહીં. એણે જોયું તો એક વેંતિયો પાવડો પકડીને ઊભો હતો. વેંત જેવડા માણસને જોઈ સોના ડરી ગઈ. એના હાથમાંથી પાવડો પડી ગયો. એ બીકની મારી જમીન પર બેસી પડી.

વેંતિયો કૂદકો મારતો સોનાના ખોળામાં આવ્યો. સોનાએ ડરતાં-ડરતાં એને પૂછ્યું: “તું કોણ છે?” વેંતિયાએ કહ્યું: “હું પાતાળલોકમાંથી આવ્યો છું. અમે બધા વેંતિયાં પાતાળમાં રહીએ છીએ. અમે દીન-દુ:ખિયાંને મદદ કરીએ છીએ. મને તારા સિસકારા પાતાળલોકમાં સંભળાયા. તેથી હું તને મદદ કરવા આવ્યો છું. બોલ, તને શું દુ:ખ છે?”

સોના કહે: “મારા દુ:ખનો કોઈ પાર નથી. તું આવડોક વેંતિયો મને શું મદદ કરી શકવાનો?” વેંતિયાએ જવાબ આપ્યો: “તું મારા કદનો વિચાર નહીં કર. મને મળેલી શક્તિની તને ખબર નથી. તું મને તારા દુ:ખની વાત કર.” સોનાએ એની સાવકી મા અને બહેન કેવાં કેવાં દુ:ખ આપે છે અને એ બંને કેવાં સુખચેનથી રહે છે તે બધી વાત કહી. સોનાની વાત સાંભળીને વેંતિયો બોલ્યો: “હું તને બધી મદદ કરીશ. હવે તારી મા અને બહેનની ખેર નથી. હું જેમ કહું તેમ તારે કરવાનું છે.” સોના એમ કરવા તૈયાર થઈ.

બંને જણ ઘર તરફ જવા લાગ્યાં. રસ્તામાં સોનાએ એને પૂછયું: “મા તારા વિશે પૂછશે તો એને શું કહું?” વેંતિયો કહે: “જો સાંભળ, હું તારા સિવાય બીજા કોઈને દેખાઈશ નહીં. તારું ઘર આવતાં જ હું તારા શરીરની અંદર પ્રવેશી જઈશ. તારે તો કશું જ કરવાનું નથી, જે કરવાનું છે એ હું કરીશ.”

ઘર આવી ગયું તે સાથે જ વેંતિયો સોનાના શરીરમાં પ્રવેશી ગયો. સોનાને આવતાં વાર લાગી હતી એથી એની મા ગુસ્સે થઈને દરવાજામાં ઊભી હતી. વળી સોના માટી લાવી નહોતી એથી એને વધારે ગુસ્સો આવ્યો. એણે બૂમ પાડી: “માટી ક્યાં?” એમ કહી એ સોનાની સામે ઊભી રહી ગઈ. હવે સોનાએ તો કશું કરવાનું નહોતું, એના શરીરમાં રહેલો વેંતિયો જ કરતો હતો. સોનાએ માને જોરથી ધક્કો માર્યો અને કડકાઈથી બોલી: “માટી કેવી ને વાત કેવી! જોઈતી હોય તો લઈ આવ જાતે જઈને!”

સોનાનો આવો કડક જવાબ સાંભળીને મા તો ડઘાઈ ગઈ. એ ગુસ્સાથી લાલચોળ થતી સોના તરફ ધસી. “તારી આવી હિંમત?” એણે સોનાને તમાચો મારવા હાથ ઊંચો કર્યો. તે સાથે સોનાએ માનો હાથ એટલો જોરથી પકડ્યો કે માની ચીસ નીકળી ગઈ. એ હાથ છોડાવવા ફાંફાં મારવા લાગી. મોના માને મદદ કરવા દોડતી આવી. એ નજીક આવી તે સાથે જ સોનાએ એના પગને આંટી મારી. મોના “ઓહ, મા!” બોલતી જમીન પર પટકાઈ.

સોનાએ માનો હાથ છોડી દીધો. માએ મોનાને ઊભી કરી. બંને એટલી બધી ગભરાઈ ગઈ હતી કે દોડતી એમના રૂમમાં ભરાઈ ગઈ. સોનામાં આટલી બધી હિંમત અને જોર ક્યાંથી આવ્યાં તે એમને સમજાયું નહીં. બહારથી સોનાની બૂમ સંભળાઈ: “સમયસર રસોઈ બનાવી મને જમવા બોલાવજો, નહીંતર તમારી ખેર નથી.”

મા અને મોના ધ્રૂજતી ધ્રૂજતી બહાર નીકળી જલદી જલદી રસોઈ બનાવવા લાગી. આજે વર્ષો પછી સોના પેટ ભરીને જમી. એની અંદર રહેલો વેંતિયો બધી રસોઈ સાફ કરી ગયો. મોના અને એની મા માટે તો જાણે એંઠવાડ સિવાય કશું જ બચ્યું નહીં. બંને ભૂખ્યા પેટે સૂવા જતી હતી ત્યાં સોના બોલી: “સવારે વહેલા ઊઠજો. ઘરનું બધું કામ પતાવી નાખજો. મારા માટે સરસ નાસ્તો બનાવી મને જગાડજો.”

મા મોનાને લઈને એના રૂમમાં ગઈ. વેંતિયો સોનાના શરીરમાંથી બહાર નીકળી નાચવા લાગ્યો. એ બોલ્યો: “જોયુંને, કેવી ઝપટમાં લીધી બંનેને!” સોના ઢીલા અવાજમાં બોલી: “બસ બહુ થયું. એમને હવે વધારે હેરાન નહીં કરીએ.” વેંતિયો એને સમજાવતાં બોલ્યો: “તું ભોળી છે. એમની સાન એટલી જલદી ઠેકાણે નહીં આવે. હું જે કરું તે જોયા કર. હવે હું જઈશ. અમે દિવસ આખો ગમે ત્યાં રહીએ, પણ રાતે તો અમારે પાતાળલોકમાં પહોંચવું જ પડે. તું આરામથી ઊંઘી જજે. હું સવારે આવી જઈશ.”

સવારે કૂકડો બોલ્યો તે સાથે જ વેંતિયો હાજર થઈ ગયો. કેટલાય દિવસો પછી નિરાંતે ઊંઘતી સોનાને એણે પ્રેમથી હાથ ફેરવી જગાડી. સોના મલકાતી મલકાતી બોલી: “તું આટલો વહેલો આવી ગયો?” વેંતિયો ફરીથી સોનાના શરીરમાં પ્રવેશી ગયો. સોના મોટા અવાજે બોલી: “ક્યાં છો બંને? જલદી આવો મારી પાસે.” મા અને મોના દોડતી દોડતી આવી.

સોનાએ રુઆબથી પૂછયું: “થઈ ગયું બધું કામ?” માએ ઢીલા અવાજે જવાબ આપ્યો: “હા, બધું કામ પતાવી દીધું છે.” મોનાએ પૂછ્યું: “સોના, હવે હું થોડી વાર આરામ કરું?” સોના ગુસ્સાથી બોલી: “સોના નહીં, સોનાબહેન કહે! ભાન નથી, હું તારી મોટી બહેન છું? અને આરામ કેવો? વર્ષો સુધી આરામ જ કર્યોં છેને? જા, મારા માટે નાહવાનું પાણી ગરમ કર.” મોનામાં તો ચાલવાની પણ શક્તિ રહી નહોતી. એ ધીરેધીરે જવા લાગી. ત્યાં તો સોનાએ ત્રાડ પાડી: “જલદી જા!” મોના ધ્રૂજી ઊઠી, પછી પાણી ગરમ કરવા દોડી.

આમ દરરોજ સવારે વેંતિયો આવે, સોનાના શરીરમાં પ્રવેશ કરે. મા અને મોનાએ સોનાને દુ:ખ આપવા જે જે કામ કરાવ્યાં હતાં તે બધાં કામ વેંતિયો એમની પાસે કરાવે. રાતે પતાળલોકમાં ચાલ્યો જાય. થોડા દિવસોમાં મા અને મોનાના હાલહવાલ થઈ ગયા. એક દિવસ મોનાએ કહ્યું: “મા, આવું જ રહેશે તો આપણે જીવી નહીં શકીએ, કાં’ક કરવું પડે.” મા બોલી: “બેટા, હું પણ એવું જ વિચારું છું. આમાંથી છૂટવા કાં’ક તો કરવું જ પડશે.”

બહુ વિચાર્યા પછી માએ એક યોજના ઘડી કાઢી. એક રાત્રે એણે સોનાના દૂધમાં ઘેનની ગોળી નાખી દીધી. વેંતિયો ગયો પછી સોના દૂધ પીને સૂવા ગઈ. થોડી વારમાં એ ઘસઘસાટ ઊંઘી ગઈ. એને બરાબર ઘેન ચડ્યું છે એની ખાતરી કર્યા પછી મા એક દોરડું લાવી. સોનાને દોરડાથી ખાટલા સાથે બાંધી. પછી મા-દીકરી બંને ખાટલો ઉપાડી થોડે દૂર આવેલા જંગલ તરફ જવા લાગી. થાક લાગે ત્યારે મા આગળથી ખાટલાને ખેંચે અને મોના પાછળથી ધક્કો મારે.

એમ કરતાં કરતાં સૂમસામ જગ્યા આવી. માએ કહ્યું: “બસ, આ યોગ્ય જગ્યા છે. આપણે એને અહીં જ છોડી જઈએ. જંગલી જાનવરો આવી એને ફાડી ખાશે.” આમ સોનાને જંગલમાં રેઢી મૂકી બંને ખુશ થતી ઘર તરફ પાછી જવા લાગી. મોના બોલી: “હાશ, બલા ટળી! હવે આપણે આરામથી જીવી શકીશું.” મા બોલી: “સાચી વાત છે. છેલ્લે છેલ્લે તો એણે આપણા નાકે દમ લાવી દીધો હતો.” ઘેર પહોંચીને બંને નિરાંતે ઊંઘી ગઈ.

આ બાજુ રાત તો સહીસલામત પસાર થઈ ગઈ. કોઈ જંગલી જાનવર ત્યાં આવ્યું નહીં તેથી સોનાને કશી તકલીફ થઈ નહીં. સવારે સોનાની આંખ ઊઘડી. એને સમજાયું નહીં કે એ ક્યાં છે. એ બેઠી થવા ગઈ ત્યારે ખ્યાલ આવ્યો કે એ ખાટલા સાથે બંધાયેલી હતી અને જંગલની વચ્ચે હતી. એ ગભરાઈ ગઈ. આવું કેમ થયું તેનો વિચાર કરતી હતી તે જ વખતે સોનાને ઘેર આવવા નીકળેલો વેંતિયો ત્યાંથી પસાર થયો. આવી જગ્યાએ ખાટલો જોઈ એ નજીક આવ્યો. જોયું તો ખાટલા પર સોના હતી. કોઈએ એને દોરડાથી બાંધી હતી.

વેંતિયો સમજી ગયો કે આ કારસ્તાન મા અને મોનાનું છે. એણે દોરડું છોડી સોનાને ઊભી કરી. સોના હજી ડરેલી જ હતી. વેંતિયો કહે: “તને કાંઈ સમજાય છે? જે મા-બહેનની તું દયા ખાતી હતી એ જ તને અહીં જંગલી જાનવરના ખોરાક માટે છોડી ગઈ. એ તો સારું થયું કે રાત વચ્ચે કોઈ પ્રાણી આવ્યું નહીં ને તું બચી ગઈ. ચાલ, ઘેર. હવે જોજે, હું એમની કેવી હાલત કરું છું.”

ઘર નજીક આવતાં વેંતિયો સોનાના શરીરમાં ઘૂસી ગયો. સોના હાકોટા-પડકારા કરતી, પગ પછાડતી, ઘરના દરવાજે ઊભી રહી. સોનાની આવી બૂમો સાંભળીને મા અને મોના જાગી ગઈ અને ખૂબ ગભરાઈ ગઈ. એમણે તો માન્યું હતું કે રાત વચ્ચે સોનાના રામ રમી ગયા હશે, પરંતુ આ તો જીવતીજાગતી પાછી આવી હતી. સોના આંખો ફાડી, ત્રાડો પાડતી, બોલવા લાગી: “મને મારી નાખવા માગતી હતી, કેમ? હવે જુઓ તમારી કેવી હાલત કરું છું!”

સોનાએ એક લાકડી ઉપાડી અને એમના તરફ ધસી. મા અને મોના બેય જણી જીવ બચાવવા ઘરના પાછલા દરવાજામાંથી બહાર ભાગી. આગળપાછળ જોયા વિના જાય દોડી, જાય દોડી. દોડી દોડીને થાકી ત્યારે એક જગ્યાએ માંડ થોભી. પાછળ જોઈ ખાતરી કરી લીધી કે સોના આવતી તો નથીને. હવે તો ઘરમાં પાછા જવાનો સવાલ જ નહોતો. બંને જાણતી હતી કે હવે સોના એમને જીવવા દેશે નહીં. બંને આમથી તેમ ભટકવા લાગી.

આ બાજુ વેંતિયો સોનાના શરીરમાંથી બહાર નીકળ્યો અને કહેવા લાગ્યો: “જોયુંને બંનેને કેવી ભગાડી દીધી!” પણ સોના તો બહુ ઉદાસ હતી. એ બોલી: “હવે એ બંને શું કરશે? ક્યાં જશે? મને એમની ચિંતા થાય છે.” વેંતિયો કહે: “તું કઈ માટીની બનેલી છે? એ મા-દીકરી તને મારી નાખવા સુધી તૈયાર થઈ અને તું એમની દયા ખાય છે? એમની ચિંતા કરે છે?”

સોના રડતી રડતી બોલી: “એ બધી વાત સાચી, પણ એ લોકો મારી મા અને બહેન છે. હું એમને ઘરમાંથી ભગાડવા માગતી નહોતી.” વેંતિયો સોનાને શાંત પાડવા લાગ્યો, પછી એણે કહ્યું: “તું ચિંતા ન કર. અમે પણ કોઈનું ખરાબ કરતા નથી. હું એમને રાત પહેલાં ઘેર પાછા લાવી દઈશ, ત્યાં સુધી એમને થોડી સજા ભોગવવા દે.”

સાંજે એણે સોનાને કહ્યું: “હું એમને લેવા જાઉં છું. અમે આવીએ ત્યારે તું મને ઓળખતી જ ન હોય એમ અજાણ રહેજે.” વેંતિયો બહાર ગયો. એ ફરતો ફરતો એક મંદિર પાસે આવ્યો. મંદિરના ઓટલે ભૂખી-તરસી બેઠેલી મોના અને એની મા સામે ઊભો રહ્યો. વેંત જેવડા માણસને જોઈને મોના ગભરાઈ ગઈ. એ માને વળગી પડી.

વેંતિયો બોલ્યો: “તમે ગભરાવ નહીં. તમે બંને દુ:ખી જણાવ છો, તેથી હું તમને મદદ કરવા આવ્યો છું.” મા બોલી: “તું આવડોઅમથો વેંતિયો અમારું દુ:ખ શું દૂર કરવાનો?” વેંતિયો હસવા લાગ્યો અને બોલ્યો: “તમારી તકલીફ શું છે એ તો મને કહો, પછી જુઓ હું એને કેવી રીતે દૂર કરું છું. મારામાં દૈવી શક્તિ છુપાયેલી છે.”

માએ રડતારડતા સોના વિશે બધી વાત કરી અને એણે એમને બેયને ઘરમાંથી કાઢી મૂકી છે તેવું જૂઠું બોલી. વેંતિયો કહે: “હું માણસના મનમાં છુપાયેલી સાચી વાત જાણી શકું એવી મને બક્ષિસ છે. તમે મને સાચી વાત જણાવી નથી. તમારું મન સાફ નથી. તમે સોનાને બહુ દુ:ખ આપ્યું છે. એની સાથે તમે ક્રૂર વર્તન કર્યું છે, એનું ફળ ભોગવો છો.”

મા સમજી ગઈ કે આ તો બધું જાણે છે, એની પાસે ખોટું બોલી શકાશે નહીં. એથી એણે બે હાથ જોડી કહ્યું: “તારી વાત સાચી છે. અમે સોના સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે, પણ ખબર નહીં, એકાએક એનામાં ક્યાંથી તાકાત આવી ગઈ છે. હવે અમને એનો ડર લાગે છે.” વેંતિયો બોલ્યો: “જે થયું તે થયું. જાગ્યા ત્યાંથી સવાર. જો તમે હવેથી એની સાથે પ્રેમથી રહેવાની ખાતરી આપતા હો તો હું તમને તમારા ઘરમાં પાછા લઈ જઈ શકું.” ગભરાયેલી મોના તરત જ બોલી ઊઠી: “ના, ના, મા, સોના તો હવે આપણને જીવતી છોડશે જ નહીં.” વેંતિયો કહે: “એ બધું તમે મારા પર છોડો, પણ ત્યાં ગયા પછી જો તમે એને ફરી હેરાન કરશો તો મને એની ખબર પડી જશે. પછી તમારા માટે કોઈ રસ્તો રહેશે નહીં.” માએ ફરી એવું નહીં બને તેવી ખાતરી આપી.

બધાં ઘેર જવા નીકળ્યાં. ઘેર પહોંચ્યા પછી વેંતિયાના કહેવાથી માએ ડરતાં ડરતાં બારણા પર ટકોરા માર્યા. સોનાએ દરવાજો ખોલ્યો. તે સાથે જ મા અને મોના ગભરાઈને થોડાં ડગલાં પાછળ ખસી ગઈ, પણ સોના તો એમને જોતાં જ આનંદમાં આવી ગઈ. એ બોલી ઊઠી: “આવો, મા!” એણે મોનાને બાથમાં લઈને કહ્યું: “આવ, મારી બહેન!” મા અને મોનાને તો કશું સમજાયું જ નહીં. એમણે આશ્ર્ચર્યથી વેંતિયાની સામે જોયું. વેંતિયો મલકાતો મલકાતો બોલ્યો: “જોઈને મારી જાદુઈ શક્તિની કમાલ!”

સોના જાણે એને ઓળખતી જ ન હોય એમ બોલી: “આ વેંત જેવડો કોણ છે?” માએ કહ્યું: “એ ભલે વેંત જેવડો છે, પણ એણે જ અમને સાચા રસ્તે વાળ્યા છે. અમને અમારી ભૂલ સમજાઈ છે. અમે તારી માફી માગીએ છીએ.” એટલું બોલી માએ બે હાથ જોડ્યા.

મોનાએ માનો હાથ પકડી લીધો અને બોલી: “મા, તમારે માફી માગવાની હોય જ નહીં. ચાલો, મેં સરસ મજાની રસોઈ બનાવી છે. વર્ષો પછી આપણે સાથે મળી આનંદથી જમીએ.” પછી વેંતિયા સામે જોઈને ઉમેર્યું: “તું પણ અમારી સાથે જમવા ચાલ.” માએ પણ કહ્યું: “હા, તારે કારણે જ આજે અમારા ત્રણેયનો મેળાપ થયો છે, ચાલ, તું પણ અમારી સાથે જમવા બેસ. ”

બધાં સાથે બેસીને જમ્યાં. વિદાય લેતી વખતે વેંતિયાએ મા અને મોનાને કહ્યું: “યાદ છેને મારી શરત?” એ બંને નીચું જોઈ ગઈ. મા બોલી “હા, બરાબર યાદ છે.”

સોના વેંતિયાને દરવાજા સુધી મૂકવા ગઈ અને બોલી: “ હું તારો આ ઉપકાર કદી નહીં ભૂલું.”

વેંતિયો હસતો હસતો પાતાળલોકમાં ચાલ્યો ગયો. તે દિવસ પછી મા અને મોનાએ કોઈ દિવસ સોનાને દુ:ખ આપ્યું નહીં. ત્રણેય જણી સાથે મળીને આનંદથી રહેવા લાગી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *