






પૂર્વી મોદી મલકાણ
હરપ્પા મ્યુઝિયમમાં પ્રવેશતાં જ અમારી નજર એક બોર્ડ પર પડી જેના પર ઇજીપ્ત, મેસોપોટેમિયા, ચીન અને સિંધુ સંસ્કૃતિ એમ વિશ્વની ચાર પ્રાચીન સંસ્કૃતિઓ જણાવેલ હતી. અમે ગાઈડ બશીર અહેમદ કાજીને મળ્યાં જેમણે અમને ફોટાઓ લેવાની ના કહી દીધી. પણ હું જ્યારે આ જગ્યાનો ઇતિહાસ જાણવા બશીરજી સાથે ફરી રહી હતી તે દરમ્યાન મી. અને મિસીસ કારીબે ઘણા બધા ફોટાઓ લઈ લીધા. આ મ્યુઝીયમમાં રખાયેલ મૂર્તિઓમાં સ્ત્રીઓની મૂરત અમને વધુ દેખાઈ જેથી અમે અનુમાન લગાવ્યું કે આ સંસ્કૃતિ સ્ત્રીસત્તાત્મક હોવી જોઈએ. આ ઉપરાંત માછલીનો શિકાર કરવા માટેનાં સાધનો, તે સમયનાં ઘરેણાં, માટીનાં વાસણો (થાળી, કટોરા, ચમચા, ગ્લાસ વગેરે), કપડાં, માટીની મહોરો-સીલ, ટેરાકોટાનાં રમકડાં, માટીના સિક્કા, પથ્થરના સિલવટા, સહિયારાં સ્નાનગૃહો, અનાજના કોઠારો, પથ્થરનાં મોતી, અનાજની અને પાણીની કોઠી, ગટરનું ઢાંકણું, વહાણ માટેનાં રિંગ સ્ટોન, વાળ કાપવા માટે ઉપયોગમાં આવતાં તાંબાનાં સાધનો જેવા કે અસ્ત્રો- દાંતિયા, વાળ બાંધવાની શત્તિ ( ક્લિપ ) વગેરે, ચૌપડનાં (શતરંજ ) પ્યાદાઓ, ટેરાકોટાના રમકડાંઓ વાઘ, સિંહ, ઘેંટા, મોર, ચકરડી, ભમરડો વગેરે.
આ ઉપરાંત છીપલામાંથી બનાવેલ પ્લેટ્સ, શંખ, હાથીદાંત, વાઘનખ, વ્હેલ માછલીનાં દાંતમાંથી, છીપમાંથી અને ટેરાકોટામાંથી બનેલ આભૂષણો, વિવિધ પ્રકારનાં જેમ સ્ટોન્સ (પન્ના, રૂબી વગેરે) ના અવશેષો મળેલા છે. આ સંસ્કૃતિની પ્રજા શાંતિપ્રિય હોય તેમ પણ અમને લાગ્યું, કારણ કે અહીં રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતી વસ્તુઓ સિવાય અન્ય કોઈ ધારદાર કે અણીવાળા સાધનો કે હથિયાર અમારા જોવામાં આવ્યાં નહીં.
સીલધન:-
મ્યુઝિયમમાં અમે એવી ઘણી વસ્તુઓ જોઈ જેને આપણે ધનનું નામ આપી શકીએ. દા.ત અમુક એવી વસ્તુઓ જોઈ જેના પર મહોરની છાપ હતી. આ મહોર પાકી માટી અને ટેરાકોટામાંથી બનાવવામાં આવેલ હતી. જેને ઓળખી શકાય તે માટે શંખાકાર, ગોળાકાર, ચોરસ, લંબચોરસ, વેલણાકાર, ઢોલાકાર એમ વિવિધ આકાર બનાવવામાં આવેલ હતાં અને વિનિમય માટે સરળ પડે તે માટે લિપિ કોતરવામાં આવેલી. આ સાઇટમાં થતી શોધખોળ દરમ્યાન ગામલોકોની અહીં સતત અવરજવર થતી જ હશે તે આ મુદ્રાઓ જેવી અમુક બીજી (કદાચ રેપ્લિકા) મુદ્રાઓ ગાઈડ પાસે હતી. જે તેમણે નીકળતી વખતે અમને વેચી દીધી. એ લોકો માટે આ મુદ્રાઓનું ભલે એટલું મૂલ્ય ન હોય પણ અમારે માટે આ મુદ્રાઓનું મૂલ્ય આંકી ન શકાય તેવું છે, જેણે અમને એ સંસ્કૃતિ અને સમય સાથે બાંધી રાખેલ છે.

અર્થ ઉપાજન માટેની સીલ
મ્યુઝિયમમાં ફરતાં જેને જોતાં ઈજિપ્તનાં મમીઝની યાદ આવી જાય અને જેનાં પરથી નજર પીડા સાથે પાછી ફરી જાય છે તેવા બે-ત્રણ હાડપિંજર પણ જોવામાં આવ્યાં જે કાચની પેટીમાં રાખવામાં આવ્યાં હતાં. આ હાડપિંજરમાંથી એક પિંજર એક પ્રેગ્નેંટ સ્ત્રીનું હતું જેનું ડિલિવરી દરમ્યાન મૃત્યુ થયેલું હતું.

આ પિંજર પછી બીજું પિંજર એક પ્રૌઢનું હતું, જેની ખોપરીઓ સાંધેલી હતી એટ્લે કે તે વ્યક્તિનાં માથા પર માર લાગેલો હશે અને તેનું સ્કલ ફાટી ગયેલું હશે. આ વ્યક્તિના ખોપરીના એક ભાગ પર ખીલા અને લાકડાની ચૂરીઓ લાગેલ હતાં એટ્લે કે આ વ્યક્તિ કોઈ વહાણવટી હશે અને એ પડ્યો હશે ત્યારે ખીલા અને લાકડ આ બંને તેનાં માથામાં ઘૂસી જતાં તેનું તત્કાળ મૃત્યુ થયું હશે. આ વ્યક્તિનું પિંજર માટી અને પથ્થર વચ્ચેથી મળી આવ્યું હતું. આ વ્યક્તિનું પિંજર એ પણ દર્શાવતું હતું કે તે સમયમાં ધાતુ બનાવવાની શરૂઆત થઈ ગઈ હતી. જ્યારે ત્રીજું પિંજર એક બાળકનું હતું જે બીમારીમાં મૃત્યુ પામેલ. (આ પિંજર એ હર્પ્પીયન યુગનાં અંતનું હતું. )


અમારા ગયા પછી બશીરજીએ વધુ ૧૫ મિનિટ આ મ્યુઝિયમ ખુલ્લું રાખ્યું ત્યાર પછી અમને એ મુખ્ય સાઇટ ઉપર લઈ ગયા. આ સાઇટ મ્યુઝિયમથી ૨૦ મિનિટનાં અંતરે દૂર આવેલ હતી. હરપ્પા વિષે એટલું વાંચ્યું છે કે આ સ્થળ અમને ફરી એ સમયનાં અતીતમાં ખેંચતો હોય તેવું અમને વારંવાર લાગ્યું. પણ તેમ છતાં યે આ સાઇટ પર પહોંચ્યાં પછી અમને સૌથી વધુ આનંદ આવ્યો આ સાઇટ જોવાની. કારણ કે પાકિસ્તાન હેરિટેજ એસોશિયેશન પાસે કે ગવર્મેન્ટ પાસે એટલું ફંડ ન હોવાથી આ સ્થળમાં અમને ઠેર ઠેર ઇતિહાસ વેરાયેલો દેખાયો હતો.
ફોટોગ્રાફી :- પૂર્વી મોદી મલકાણ અને કારીબજી
© પૂર્વી મોદી મલકાણ યુ.એસ એ. | purvimalkan@yahoo.com
History ma farvu gamyu. Ne site na photo ma upar ni taraf koi ubhu che teno parichay karavasho Purviben?
ભારતીબેન તે કારીબજી છે. અમે પહોંચ્યાં ત્યારે સાંજ પડવા આવી હતી, ને આ ફોટો બરાબર પરફેક્ટ ટાઈમે પડાયો છે એવું મને લાગે છે.