





– બીરેન કોઠારી
સંગીતકારોની સફળતામાં ઘણો હિસ્સો તેમના કાબેલ સહાયકોનો રહ્યો છે. કાબેલ સહાયકો સ્વતંત્ર સંગીતકાર બની શક્યા હોય એવા દાખલા છે ખરા, પણ તેમને એટલી સફળતા નથી મળી. અપવાદરૂપ કિસ્સો ગુલામ મહમ્મદનો છે. તેઓ વયમાં નૌશાદથી સિનીયર હોવા છતાં તેમના સહાયક તરીકે કામ કરતા હતા, અને ફિલ્મસંગીત સાથે નૌશાદ કરતાં ઘણા વહેલા સંકળાયેલા હતા. સ્વતંત્ર સંગીતકાર તરીકે પણ તેઓ કામ કરતા હતા. એમ તો કલ્યાણજી વીરજી શાહ અને રવિ પણ એક સમયે હેમંતકુમાર સાથે સંકળાયેલા હતા, અને આગળ જતાં તેઓ સ્વતંત્ર સંગીતકાર તરીકે લોકપ્રિય બન્યા, તો લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ કલ્યાણજી-આણંદજીના સહાયક તરીકે કામ કરતા હતા અને પછી તેમણે પણ સ્વતંત્ર સંગીતકાર તરીકે આગવું સ્થાન જમાવ્યું. રાહુલ દેવ બર્મન પિતા સચીન દેવના સહાયક હતા. રાહુલ દેવના કાબેલ સહાયકો બાસુ તેમ જ મનોહરી સ્વતંત્ર સંગીતકાર તરીકે ખાસ પ્રદાન કરી શક્યા નહીં. આ કિસ્સાઓ અહીં ભલે વધુ લાગતા હોય, પણ અપવાદરૂપ છે.
સંગીતની જાણકારી હોવી એક વાત છે, અને ફિલ્મોમાં સ્વતંત્ર સંગીતકાર તરીકે કામ કરવું અલગ બાબત છે. સહાયક સંગીતકાર તરીકે નોંધપાત્ર પ્રદાન કરનાર આવા એક સહાયક હતા ગુરુશરણસિંહ કોહલી.

ઓ.પી.નય્યરના સહાયક તરીકે તેમણે કારકિર્દી આરંભી અને ઓ.પી.નય્યરની ‘સી.આઈ.ડી.’, ‘મિ.એન્ડ મિસીસ 55’, ‘આરપાર’, ‘નયા દૌર’, કશ્મીર કી કલી’ જેવી ફિલ્મોની સફળતામાં તેમનું માતબર પ્રદાન રહ્યું. ઢોલકમાં તેઓ અત્યંત કુશળ હતા. આ ઉપરાંત પણ તેઓ અનેક વાદ્યો વગાડી જાણતાં. સ્વતંત્ર સંગીતકાર તરીકે તેમને પહેલી તક ‘લંબે હાથ’ (1960) માં મળી, જેમાં તેમણે ‘જી.એસ.કોહલી’ના નામે સંગીત પીરસ્યું. બધું મળીને તેમણે 14 હિંદી ફિલ્મોમાં સંગીત આપ્યું. તેમની છેલ્લી ફિલ્મ ‘પૈગામ’ (1988) હતી.
કોહલી સંગીતકાર તરીકે ખાસ સફળ રહી શક્યા નહીં તેનાં કારણો અનેક હશે. તેમણે સ્વતંત્રપણે સંગીત આપવાની સાથોસાથ સહાયક તરીકેનું કામ પણ ચાલુ જ રાખેલું. અલબત્ત, સંગીતપ્રેમીઓને કોહલીનાં ટ્રેડમાર્ક સમા ગીતો અવશ્ય યાદ હશે, જેમાં ‘પ્યાર કી રાહ દીખા’ (લંબે હાથ), ‘ઓ મતવારે સાજના’ (ફૌલાદ),’બહારોં થામ લો’ (નમસ્તેજી), ‘માના મેરે હસીં સનમ’ (એડવેન્ચર્સ ઑફ રોબિનહૂડ) વગેરેનો સમાવેશ થાય છે. જો કે, કોહલીનાં ‘શિકારી’નાં ગીતો કદાચ સૌથી લોકપ્રિય હશે. ‘શિકારી’નું ‘તુમ કો પિયા, દિલ દિયા’ (લતા, ઉષા)તો વિવિધભારતીનું ખાસ ગીત હોય એમ લાગે.

1963માં રજૂઆત પામેલી, એફ.સી.મહેરા નિર્મિત, મહમ્મદ હુસેન દિગ્દર્શીત ‘શિકારી’નાં છ ગીત હતાં, જે ફારૂખ કૈસર (4 ગીત) અને કમર જલાલાબાદીએ (2 ગીત) લખ્યાં હતાં. ‘માંગી હૈ દુઆયેં હમને સનમ‘ (આશા, ઉષા મંગેશકર), ‘બાજે ઘુંઘરૂ છુન છુન છુન‘ (લતા/ગીતકાર: કમર જલાલાબાદી), ‘ચમન કે ફૂલ ભી તુજકો ગુલાબ કહતે હૈ‘ (લતા, રફી), ‘અગર મૈં પૂછું જવાબ દોગે‘(લતા, રફી) તેમજ ‘યે રંગીન મહફિલ ગુલાબી ગુલાબી‘ (આશા/ગીતકાર: કમર જલાલાબાદી). ‘તુમ કો પિયા‘ ગીતની ગતિ અને ઢોલકનો ઉપયોગ આજે પણ એકદમ તરોતાજા લાગે છે.

અહીં આપેલી આખી ફિલ્મની લીન્કમાં 0.09 થી ટાઈટલ મ્યુઝીક શરૂ થાય છે, જે 1.58 સુધી છે. આખી ટ્રેકમાં ઢોલક સહિત અનેક ભારતીય વાદ્યોનો ઉપયોગ ધ્યાનાકર્ષક રીતે થયો છે. અમુક ઠેકાણે ઓ.પી.નય્યરની શૈલીની ઝાંખી પણ થાય છે.
એ જાણવું જરૂરી છે કે ‘શિકારી’ નામની કુલ પાંચ ફિલ્મો બની છે. પહેલી 1932માં (સંગીતકાર: પ્રો. બી.આર.દેવધર), બીજી 1946માં (સંગીતકાર: સચીન દેવ બર્મન), ત્રીજી અહીં જેનો ઉલ્લેખ છે એ 1963માં (સંગીતકાર: જી.એસ.કોહલી), ચોથી 1991માં (સંગીતકાર: અનુ મલિક) અને પાંચમી 2000માં (સંગીતકાર: આદેશ શ્રીવાસ્તવ).
(તમામ તસવીરો અને લીન્ક નેટ પરથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
રસપ્રદ આલેખ !
ઓ પી નૈયરના કેટલાય ગીતો સાંભળીને લાગ્યા વગર રહે નહીં કે હો ન હો, આ ધુન ચોક્કસ કોહલીની બનાવેલી હશે !
લતા મંગેશકારને આમ તો ઓ પી નૈયરના નિર્દેશનમાં આપણે ચાહકો ક્યારેય સાંભળી શક્યા નહીં પણ લતાનું જી એસ કોહલીના દિગ્દર્શનનું કોઈ ગીત સાંભળીએ તો એવો એહસાસ થાય જાણે લતાને ઓપી હેઠળ સાંભળીએ છીએ !
વાહ, ભગવાનભાઈ! ઓ.પી.-લતાના ન થઈ શકેલા સંયોજનને માણવાનું તમે આ મૌલિક પરિમાણ આપ્યું.
લગે હાથો એક બીજી વાત.
છેલ્લા ત્રણ-ચાર વર્ષોથી અમે થોડાક મિત્રો અહીં રાજકોટમાં એક અનોખો ઉપક્રમ ગોઠવીએ છીએ. એક મિત્ર નામે મહેશ જોશીના ઘરે દર બે’ક મહિને એક બેઠક જેમાં વીતી ગયેલા જમાનાના સાવ કોરાણે મુકાઈ ગયેલા સંગીતકારોના વિડિઓ-ઓડીઓ ગીતો સાથે બેસીને માણીએ. એ સંગીતકારો એટલે આપણે વાત કરી એ જી એસ કોહલી, એસ મોહિન્દર, લચ્છીરામ, દાન સિંગ, કમલ દાસગુપ્તા, વિનોદ અને શાર્દુલ ક્વાત્રા જેવા અભેરાઈએ મુકાઈ ગયેલા ગુણી-જનો ! જાણીતા એકકેય સંગીતકાર નહીં.
સમગ્ર પ્રોગ્રામનું સંકલન મહેશભાઈ કરે જે પોતે આવા ઉત્ખનનને જીવન-રસ માને છે !
મહેશભાઈનાં ઘરની દિવાલપર માખી થઈને એ બેઠક માણવા મળે તેવું વરદાન માગવાનું મન થઈ આવે છે.
વાહ! અદભુત.