ભર્તા

Facebooktwitterredditpinterestlinkedinmail

દર્શના ધોળકિયા.

“પ્રિયનો વિયોગ અને અપ્રિયનો યોગ એ મનુષ્યની નિયતિ છે.” એવું દર્શન ગૌતમ બુદ્ધને ને જગતના કોઈ પણ પ્રાજ્ઞજનને લાધ્યું છે ને લાધતું રહ્યું છે. તેમ છતાં, આ દર્શનથી લગભગ અજ્ઞ રહેતો આમસમાજ પ્રિયના યોગને વાંછતો રહેતો હોય છે. ‘પ્રિય’ સંજ્ઞામાં આમ તો અનેક સંબંધોનો સમાવેશ થતો હોય છે પણ તેમ છતાં એ સંજ્ઞા આજ સુધી અનામત તો રાખવામાં આવી છે પ્રિયતમ-પ્રિયતમા કે પતિ-પત્નીના સંબંધ માટે જ. રામાયણમાં રામના જીવનમાં આવેલી પતિની ભૂમિકા પણ અખંડ રીતે વ્યક્ત થઈ છે.

જીવનાભિમુખ એવા ઋષિકવિ વાલ્મીકિએ પોતાના આ મહાકાવ્યમાં કામતત્વનું મહિમાજ્ઞાન કરીને મનુષ્યજીવનની અનિવાર્ય આવશ્યકતાઓનો કેવો તો આદર કર્યો છે એ તો કાવ્યમાં પ્રવેશતાંવેંત સમજાય છે. કામમોહિત ક્રૌંચયુગલમાંના એકને પારધીએ હણતાં ઋષિ દુભાયા છે ને પારધીને ક્યારેય શાંતિ ન મળવાનો શાપ ઉચ્ચારી બેઠા છે ! તેમને મતે પારધીએ બે દોષ આચર્યા છે – નિર્દોષની હત્યા ને તે ય પાછી કામાસક્ત યુગલની રતિક્ષણે થયેલી. વાલ્મીકિની આ પ્રકારની સૂક્ષ્મ સંવેદનશીલતાનું આથી જ બ્રહ્માએ પણ અભિવાદન કરીને તેમને કવિત્વનું વરદાન આપવાની સાથોસાથ રામના જીવનની અંગતમાં અંગત ક્ષણો પણ વાલ્મીકિથી છૂપી નહીં રહેવાનું, પહેલા વરદાનથીય અદકેરું વરદાન આપી દીધું છે.

બ્રહ્માના આ વરદાનને પ્રતાપે રામ-સીતાની ગુજ-ગોષ્ઠિને વાલ્મીકિ સાંભળી ગયા છે એટલું જ નહી, પણ એ ગોષ્ઠિની નિર્મળતાએ કરીને આકર્ષાયેલા ઋષિએ એને ઉદઘાટિત કરવામાં ઔચિત્ય જોયું છે. રામની-રાજા રામ, દશરથપુત્ર રામ, વનવાસી રામ, માતૃભક્ત રામ, પ્રતાપી ધનુર્ધર રામ-ની હૃદયગુહામાં વિરાજતા રાને વાલ્મીકિ માધુર્ય ને માર્દવથી ઊઘાડતા ગયા છે. વિરલ ગુણસ્વરૂપા પત્ની સીતાને રામે બાહુબળથી, શિવના ધનુષનો ભંગ કરીને, વીર્યની કિંમતે મેળવી છે. સીતાનું વજન રામ જાણે છે. નવા પરણેલા રામને સીતા ધીમે ધીમે પ્રિય થતી ગઈ છે એનાં કારણો ભલે સ્થૂળ છે. રાજા જનક દ્વારા એ અપાયેલી છે. પતિવ્રતા છે ને સુંદર તો છે જ. આ કારણો કંઈ નવાં નથી ને તેથી માત્ર એ વાંચીને ભર્તા રામની છવિ વ્યક્ત પણ થતી નથી.

ભર્તા રામ તો ખૂલે છે વનમાં, જનની વચ્ચે રહેલા રામ માત્ર ભર્તા જ નથી, યુવરાજ પણ છે, પુત્ર પણ છે ને ક્ષત્રિય પણ. વળી મૂળેથી રામ મિતભાષી છે. વ્ય્ક્ત થવું એમની પ્રકૃતિમાં જ નથી. આથી અરધા કાવ્ય સુધી રામના દાંપત્યનું ચિત્ર સાંપડ્યું જ નથી. પણ વનમાં પ્રિયતમ રામને વાલ્મીકિ નિરાંતે પ્રગટ કરે છે.

વનપ્રવેશ કરીને સ્થિર થયેલ રામ સાથે સીતાનો પ્રથમ સંવાદ શસ્ત્રનો ઉપયોગ ન કરવા વિશે છે. સીતાને મતે, આવાં રમ્ય સ્થ્ળોએ રામે ક્ષત્રિયધર્મનું સ્મરણ વિસરીને સુખપૂર્વક રહેવું વિશેષ ઉચિત છે. પ્રિયાનાં વચનોને સાદર સ્વીકારતાં રામે પહેલી વાર સીતા પ્રતિ પોતાનો હાર્દિક પ્રેમ પ્રગટ કરતાં જણાવ્યું છે : “શોભને, તારું આ કથન તારે યોગ્ય તો છે જ, તારા કુળને પણ સર્વથા યોગ્ય છે. તું મારી સહધર્મિણી છે અને મને પ્રાણથીય વિશેષ પ્રિય છે.”

સીતાના રાવણ દ્વારા થયેલા અપહરણથી વિરહવ્યથિત થયેલા રામ પંપાસરોવરને કાંઠે લક્ષ્મણ સાથે સંવાદ કરતાં પ્રિયતમની ભૂમિકામાં મુખર થયા છે. સીતા વિના વિલપતા રામના વિલાપમાં પત્નીપ્રેમની ઝીણી ક્ષણો પ્રતિબિંબિત થઈ છે.

સુંદર આંખોવાળી સીતાને ન જોઈ શકતા રામને જીવન વ્યર્થ ભાસે છે. સીતા પ્રત્યેના પોતાના પ્રેમને પહેલી જ વાર જાહેર કરતાં રામ કહે છે : “વાસ્તવમાં વિદેહકુમારીનો હાર્દિક અનુરાગ મારામાં અને મારો સંપૂર્ણ પ્રેમ વિદેહનંદિની સીતામાં જ પ્રતિષ્ઠિત છે.”

સીતાની સાથે રહેતા જે-જે વસ્તુઓ રામને અત્યંત પ્રિય જણાતી હતી એ જ વસ્તુઓ સીતાની અનુપસ્થિતિમાં આકરી થઈ પડી છે. ફૂલોની સુગંધ લઈને વહેતો વાયુ, તેના સુખદ સ્પર્શ છતાં પ્રાણવલ્લભ સીતાની યાદથી રામને અગ્નિની જેમ તપાવે છે. કમલકોશનાં દળ સીતાના નેત્રકોશ જેવાં જણાતાં હોઈ, રામની આંખો તેને જ જોવા ઈચ્છે છે. કમળકેસરનો સ્પર્શ કરીને બીજાં વૃક્ષો વચ્ચેથી પસાર થયેલો આ સુગંધી વાયુ રામને સીતાના નિ:શ્વાસ સમો ભાસે છે.

પ્રકૃતિના મનોહારી પરિવેશમાં સંભ્રમિત થયેલા જણાતા રામ, જેમણે ભાવના કરતાં હંમેશાં કર્તવ્યને જ પ્રાધાન્ય આપ્યું છે તેવા રામ, આ ક્ષણે કર્તવ્યને પણ ક્ષણિક ખસેડીને ભાવુક બનતાં જણાવે છે : ‘કે રઘુશ્રેષ્ઠ લક્ષ્મણ ! જો સાધ્વી સીતા મળી જાય અને તેના સાથે આપણે અહીં રહેવાનું થાય તો મને ન તો ઇન્દ્રલોકમાં જવાની ઇચ્છા થાય કે ન અયોધ્યા પાછા ફરવાની. મદોન્મત્ત પક્ષીઓથી ભરેલા આ પર્વતનાં શિખરો પર જો પ્રાણવલ્લભા સીતાનાં દર્શન કરી શકું તો જ મારું કલ્યાણ થશે, તો જ હું જીવિત રહી શકીશ.”

સીતાની શોધમાં લંકા પહોંચેલા હનુમાન અશોકવાટિકામાં સીતાનાં પ્રત્યક્ષ દર્શન કરે છે ત્યારે તેમના જેવા અનાસક્ત બ્રહ્મચારીના મુખમાંથી પણ રામ-સીતાનાં યુગલને બિરદાવતા શબ્દો નીકળી પડે છે : “આ દેવીનું મન શ્રીરામચંદ્રજીમાં ને શ્રીરામચંદ્રજીનું મન આમનામાં લાગેલું છે આથી જ આ બંને જીવિત રહી શક્યાં છે.”

સીતા હનુમાનને રામના સમાચાર પૂછતાં રામ અંગે વ્યાકુળ બને છે ને રામને આવતાં વાર થયા અંગે નારાજગી વ્યક્ત કરે છે ત્યારે હનુમાન દ્વારા રામનો સીતા પ્રત્યેનો પ્રેમ વિગતે વ્યક્ત થયો છે હનુમાન જણાવે છે તેમ, “સીતાને જોઈ ન શકવાથી રામનુ હૃદય ભરાયેલું રહે છે. આથી રામ સિંહથી પીડાયેલા હાથીની જેમ ક્ષણભરપણ સ્વસ્થ રહી શકતા નથી. તેમનું ચિત્ત સીતામાં જ પરોવાયેલું હોવાથી તેમના શરીર પર ચઢતાં ડાંસ, મચ્છર વગેરે જંતુઓને હટાવવાનું ભાન પણ તેમને રહેતું નથી. તેમની રાત્રિની નિદ્રા હરામ થઈ ગઈ છે. ક્યારેક આંખ મીંચાય છે તોપણ સીતાનું નામસ્મરણ કરતાં તેઓ તરત જાગી ઊઠે છે. કોઈ ફળ, ફૂલ કે સ્ત્રીઓને પ્રિય વસ્તુઓને જોતાં જ તેઓ સીતાના સ્મરણમાં ડૂબી જાય છે.” રામનો સીતા પ્રત્યેનો તીવ્ર લગાવ હનુમાને પણ આદરપૂર્વક નોંધ્યો છે.

રામને અત્યંત ચાહતી સીતાના મુખેથી પણ રામનો સીતાપ્રેમ નિરાવરણ થઈને વ્યક્ત થયો છે. રામે લંકામાં આવવાના કરેલા વિલંબથી વિસ્મય ને નિરાશાનો સાથેલાગો અનુભવ કરતી સીતા રામના પોતા પ્રત્યેના પ્રેમભાવની સ્મૃતિ રામને તાજી કરાવવા માટે હનુમાનની સાથે રામને જે સંદેશ મોકલે છે તેમાં પણ ભર્તા રામની છવિ ઝિલાઈ છે. હનુમાન સીતાને મળ્યા જ છે તેની રામને ખાતરી કરાવતાં સીતા કહેવડાવે છે : “નાથ ! ચિત્રકૂટ પર્વતના ઉત્તર-પૂર્વવાળા ભાગ પર જે મંદાકિની નદીની નિકટ છે તથા જ્યાં ફળ-મૂળ અને જળનું આધિક્ય છે એ સિદ્ધસેવિત પ્રદેશમાં તાપસાશ્રમની અંદર જ્યારે હું નિવાસ કરતી હતી, એ દિવસોમાં વિવિધ પ્રકારનાં ફૂલોની સુગંધથી સુવાસિત એ આશ્રમનાં ઉપવનોમાં જલવિહાર કરીને આપ ભીંજાયેલી હાલતમાં જ આવીને મારી ગોદમાં બેસી ગયેલા.

“એ પછી એક માંસલોલુપ કાગડો આવીને મારા પર ચાંચ મરવા લાગ્યો. મેં તેને દૂર હટાવવાની ચેષ્ટા કર્યા છતાં એણે મોરું માંસ ટોચે રાખ્યું, આથી હું એના પર ગુસ્સે થઈ ગઈ. કાગડાથી ક્ષત-વિક્ષત થયેલી, અવસ્થામાં જ હું તમારા પાસે આવી.” એ પછી હનુમાનએ કહે છે : “કપિશ્રેષ્ઠ ! તમે મારા સ્વામીને જઈને કહેજો કે આપે મારા માટે સાધારાણ અપરાધ, કરનાર કાગડા પર પણ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો હતો, તો જે તમારા પાસેથી મને હરીને લઈ ગયો છે એને આપ ક્ષમા કેમ કરો છો ?”

મારા તફથી પહેલાંની એ વાત પણ એમને યાદ કરાવીને કહેજો કે એક વાર મારા લલાટ પરનું તિલક ભૂંસાઈ જતાં આપે મને આપના હાથથી આપનાં લોહીનું તિલક કરેલું. આપે મારા કંઠનો હાર આપણાં મિલનમાં નડતરરૂપ હોઈ, દૂર કરેલો.” સીતાને સૌથી વધુ ચાહતા રામના પ્રેમનાં આ દ્રષ્ટાંતો સીતાને મુખેથી ભર્તા રામ્ન ઉદઘાટિત કરે છે.

સીતાનો સંદેશ ને સમાચાર લઈને આવેલા હનુમાનને પણ ગદગદ થયેલા રામે જણાવ્યું છે : “સૌમ્ય પવનકુમાર ! જેવી રીતે બેહોશ થયેલા મનુષ્યને હોશમાં લાવવા માતે તેના પર પાણી છાંટવામાં આવે છે તે રીતે વિદેહનંદિની સીતાએ મૂર્છિત જેવા થયેલા મને વાક્યરૂપી શીતળ જળ છાંટતા શું કહ્યુ છે તે વારંવાર કહો.” ને લક્ષ્મણને સંબોધતા જણાવ્યું : “સુમિત્રાનંદન ! સીતા વિના આવેલા આ મણિને (સીતાએ મોકલાવેલ આભૂષણને) હું જોઉં છું તેનાથી વધારે દુ:ખ શું હોય ?” સીતાએ હનુમાનને આપેલા સંદેશમાં પોતે રામની રાહ જોતી એક માસ સુધી જીવન ધારણ કરશે એવું કહેવડાવ્યું છે તે સાંભળીને રામને એક માસની અવધિ તો વિપુલ જણાઈ છે, કેમ કે પોતે તો હવે સીતા વિના એક ક્ષણ પણ કેમ પસાર કરી શકશે એવી તેમને ચિંતા છે.

લંકા પહોંચતાં પહેલાં સીતાને સ્મરીને વારંવાર વો;અપતા રામના વિલાપમાં તેમનો પત્નીપ્રેમ તારસ્વરે પ્રગટ થયો છે : “હવા, તું ત્યાં વહે, જ્યાં મારી પ્રાણવલ્લભા છે. એનો સ્પર્શ કરીને મારો પણ સ્પર્શ કર. એ દશામાં તારાથી જે મારાં અંગોનો સ્પર્શ થશે, એ ચન્દ્રમાંથી થનાર દ્રષ્ટિસંયોગની જેમ મારા બધા જ સંતાપને દૂર કરનાર ને આહલાદજનક હશે.

“…પ્રિયતમાનો વિયોગ જ જેનું ઇંધણ છે, એની ચિંતા જ જેની દીપ્તિમાન લપટો છે, એ પ્રેમાગ્નિ મારા શરીરને દિવસ-રાત પ્રજાળે છે.”

“હું અને વામોરુ સીતા એક જ ભૂતલ પર સૂઈએ છીએ. પ્રિયતમાના સંયોગની ઇચ્છા રાખનાર મારા જેવા વિરહીને માટે એટલુંય ઘણું છે. આટલાથી પણ હું જીવતો રહીશ.”

આમ, સીતાને પ્રાણપૂર્વક ચાહતા રામ, આધુનિક સમયના લોક દ્વારા બે કારણોસર વિવાદમાં મૂકાયા છે : સીતાની તેમણે લીધેલી અગ્નિપરીક્ષા ને પછીથી કરેલો ત્યાગ. રામનાં જીવનની તટસ્થ આલોચના કરવામાં આવે તો આ બે ઘટના રાજા રામના જાહેરજીવનની વાત છે. જે ક્ષણે રામે રાવણને જીત્યો છે તે જ ક્ષણે રામ વનવાસી મટીને ફરીથી રાજા તરીકે મંચ પર આવ્યા છે. તેમની સામે અન્ય રાજાઓ છે, સમાજ છે, લોક છે. આ ક્ષણે તેમની ભૂમિકા બેવડાતાં રામ સાવધ થઈ ગયા છે. આથી જ, અગ્નિપરીક્ષા લેતાં પહેલાં રામે સીતાની એક બીજી પરીક્ષા લીધી છે. અશોકવાટિકામાંથી પાલખીમાં લઈ અવાતી સીતાને રામ પગે લાગે ચાલીને આવવાનો આદેશ આપે છે જેથી સીતાના દર્શન માટે ઉત્સુક વાનરોને સીતાનાં સહેલાઈથી દર્શન થઈ શકે. આ ક્ષણે રામને મતે, સીતા સૌની છે. ને તેના માટે પડદો જરૂરી નથી.

પગે ચાલીને આવેલી સીતાની રામે ન કહેવાનાં વચનો કહીને ઘોર ઉપેક્ષા કરી છે. પોતે હવે સીતાને સ્વીકારી નહીં શકે તેનાં કારણો આપતાં કઠોર થઈને રામ જણાવે છે તેમ, સદાચારની રક્ષા કરવા તથા તેમના સુવિખ્યાત વંશ પર લાગેલા કલંકનું પરિમાર્જન કરવા માટે જ તેમણે સીતાને મુક્ત કરી છે. જેમના પર રાવણે કુદ્રષ્ટિ કરી છે તેને પોતે હવે સ્વીકારી શકે તેમ નથી તેમજ તેમને હવે સીતા પ્રત્યે મમતા કે આસક્તિ રહી નથી. સીતા હવે ભરત, લક્ષ્મણ, સુગ્રીવ કે વિભીષણના આશ્રય નીચે રહી શકે છે.

રામનાં વચનોથી ઘવાયેલી સીતા ક્ષણભર તો અવાક બની ગઈ છે. પણ પછીથી પોતાને સાંભાળીને તેણે રામને ઉચિત ઉત્તર આપ્યા પછી અગ્નિમાં એકરૂપ થવાનું ઇચ્છ્યું છે. એ ક્ષણે અગ્નિ સ્વયં પ્રગટ થઈને રામને સીતાનું માહાત્મ્ય સમજાવે છે ત્યારે રાજા રામ ફરીથી પ્રિયતમ બનીને સીતાના તેમણે કરેલો ગૌરવભંગને તે માત્ર એક અભિનય જ સાબિત કરતાં કહે છે : “લોકને સીતાની પવિત્રતાનો વિશ્વાસ કરાવવા માટે આ ઘટના જરૂરી હતી. જો હું તેન કરત તો લોક જાણત કે દશરથપુત્ર રામ મૂર્ખ ને કામી છે. પણ અંગત રીતે મને વિશ્વાસ છે કે જેમ મહાસાગર પોતાના તટને ઉલ્લંઘી શકતો નથી એ રીતે રાવણ પોતાનાં જ તેજથી સુરક્ષિત એવી આ વિશાળલોચના સીતા પર અત્યાચાર કરી શક્યો ન હોત. મિથિલેશ કુમારી સીતા પ્રજ્વલિત અગ્નિશિખાની જેમ દુર્ધર્ષ તથા બીજાઓને માટે અલભ્ય છે. દુષ્ટાત્મા રાવણ મનથી પણ તેના પર અત્યાચાર કરવા સમર્થ નહોતો. આ સતી-સાધ્વી સીતા રાવણના અંત:પુરમાં રહીને પણ વ્યાકુળ બને તેમ નથી, કેમકે મારાથીએ એવી રીતે અભિન્ન છે જેવી રીતે સૂર્યથી તેની પ્રભા, સીતા ત્રણેય લોકમાં પરમ રીતે પવિત્ર છે. જેવી રીતે મનસ્વી પુરુષ કીર્તિનો ત્યાગ કરી શકતો નથી, તેવી રીતે હું પણ એને છોડી શકતો નથી.” સીતાનાં બાહ્ય સૌંદર્યને ચાહતા રામ, એના આંતરિક સૌંદર્યને વ્યક્ત કરીને અહીં વિરામ પામ્યા છે. આ પણ, એ દંપતિની વચ્ચેની અંગત ક્ષણો છે, જેણે એમાં સમજણપૂર્વક ડોકિયું કર્યું છે તેઓ રામના વિપક્ષે રહી શકે એમ નથી.

ઉત્તરકાળમાં સીતાનો ત્યાગ કરનાર પણ પ્રિયતમ રામ નથી, રાજા રામ છે. અયોધ્યાની પ્રજામાં સીતા વિશે ફેલાયેલા અપવાદને લઈને રામ સીતાને ત્યજે છે. રામને સંપૂર્ણત: જાણતી, ત્યજાયેલી સીતાને પ્રિયતમ રામ પ્રત્યે કોઈ ફરિયાદ નથી. લક્ષ્મણ સાથે રામને કહેવડાવેલા સંદેશામાં સીતાએ વ્યક્ત કરેલી ભર્તા રામની ઓળખ સ્પષ્ટ રીતે વ્યક્ત થઈ છે: “રઘુનંદન ! વાસ્તવમાં આપ તો જાણો જ છો કે સીતા શુદ્ધચરિતા છે; હંમેશા આપના જ હિતમાં તત્પર રહે છે ને આપ પ્રત્યે પરમ પ્રેમભક્તિ રાખે છે, આપે અપયશથી ડરીને મને ત્યાગી છે. લોકોમાં આપની જે નિંદા થઈ રહી છે અથવા મારે કારણે જે અપવાદ ફેલાયો છે તેને દૂર કરવો એ મારું પણ કર્તવ્ય છે. પ્રજા સાથે તમે ભાતૃવત્ વર્તજો. લોકો આપના પર સંદેહ ન કરે તેમ રહેજો.” રાજા રામને યથેષ્ટ રીતે જાણતી રાણી સીતાનો આ ભર્તા રામની સ્વચ્છ પ્રતિમાને અણીશુદ્ધ રાખવામાં પૂરો સફળ નીવડે તેવો છે.

રામની સીતા પ્રત્યેની રતિ કેટલી તો આવરણરહિત છે કે રામે પોતાનો સીતા પ્રત્યેનો પ્રેમ વૈરાગી લક્ષ્મણ ને બ્રહ્મચાર હનુમાન સમક્ષ ગાવામાંય સંકોચ અનુભવ્યો નથી. આ પ્રેમ યોગ્ય વ્યક્તિ દ્વારા યોગ્ય વ્યક્તિને કરાયેલો છે આથી જ એ બિનઅંગત બન્યો છે. બ્રહ્માએ તો તેને વાલ્મીકિ સમક્ષ જ ઉદઘાટિત કર્યો, પણ વાલ્મીકિએ તો રામાયણનાં પૃષ્ઠે પૃષ્ઠે તેને ખોલી દઈને વ્યક્તિમાત્ર માટે રામને પ્રેમના પર્યાય તરીકે પ્રગટ કરીને મહાકાવ્યને જેટલું જીવનનું એટલું જ પ્રણયનુંય મહાકાવ્ય ઠેરવી દીધું !

* * * * *

ડૉ. દર્શના ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ
• પત્રવ્યવહારનું સરનામું: ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ), ભારત ૩૭૦૦૦૧
•ઇ-પત્રવ્યવહારનું સરનામું: dr_dholakia@rediffmail.com

1 comment for “ભર્તા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *