





સુરતમાં રહેતા અને મુક્તકોના મહારાજા ગણાતા ડો. દિલીપ મોદી અગાઉ વે.ગુ. પર પગરણ કરી ચૂક્યા છે. આજે તેમના કેટલાંક મઝાના મુક્તકો અત્રે પ્રસ્તૂત છે.
‘વેગુ’ સાહિત્ય સમિતિ વતી…દેવિકા ધ્રુવ
મુક્તકો
-ડૉ. દીલીપ મોદી
· યાર, સોનોગ્રાફી ક્યાં સંબંધની થાય?
એક્સ–રેમાં દર્દ ભીતરનું શું દેખાય ?
ટેસ્ટ લોહીનો કરાવી જોઈએ, ચાલ–
પ્રેમના જીવાણુ જો માલમ પડી જાય !
+ +
· શબ્દ સીવે છે એ જાણે દરજી હો.
ઊર્મિઓ મારી હૃદયની અરજી હો.
શ્વાસમાં વિશ્વાસનો ઈતિહાસ છે;
આખરે તો જેવી તારી મરજી હો.
+ +
· ટેરવાં કાપીને હું અક્ષર લખું.
ડાયરીમાં સ્નેહના અવસર લખું.
તારી સાથેના પ્રસંગો, હે સખી;
આજ મારા રક્તની ભીતર લખું.
+ +
· હું અહર્નિશ કૈંક ઝંખું છું સરસને
જળનું સરનામું મળે મારી તરસને
આ નહીં તો આવતા જન્મે મળીશું
વિતતાં ક્યાં વાર લાગે છે વરસને ?
+ +
· ઝેર પીધું; જીવતો તોયે રહ્યો
જખ્મ લીલોછમ હસીને મેં સહ્યો;
આંખમાંથી વહેતી ધારા જોઈ લો–
‘હું’ નદી થઈને સતત કેવો વહ્યો !
+ +
· લાગણીના રંગથી રંગાઈ જઈએ.
ચાલ, મોસમ છે હવે ભીંજાઈ જઈએ.
આંખથી તારી હું, મારી આંખથી તું;
હા, પરસ્પર આપણે વંચાઈ જઈએ.
કવિ–સંપર્ક:
ફોન : +91 261- 247 4700/ 266 2200 મોબાઈલ: 98259 33400 || E-mail: drdilipmodi@yahoo.com
સરસ કલ્પનાઓ.