હુસ્ન પહાડી કા – ૧૪ – રાગ ‘પહાડી’માં ગૈર-ફિલ્મી ભજનો

Facebooktwitterredditpinterestlinkedinmail

– ભગવાન થાવરાણી

ભજન, ભક્તિ, નમન, આરાધના, પૂજા, સ્મરણ, અર્ચન
આ   ઉપક્રમ   સર્વનો  પર્યાય  કેવળ  એક  પહાડી  છે ..

આજે થોડાક ફંટાઈને નવો રસ્તો લઇએ. પહાડી રાગ આધારિત થોડાક ગૈર-ફિલ્મી ભજનોની વાત આજે કરીએ, પણ માત્ર બદલાવ તરીકે. આવતી કડીથી ફરી અલગ-અલગ સંગીતકારોના પહાડી નક્શીકામના મુખ્ય રસ્તે પાછા ફરીશું. હા, પછીથી એકાદ મણકો ગૈરફિલ્મી ગીતો-ગઝલોનો પણ ગૂંથીશું.

કેટલીક સ્મૃતિઓ ચિરંજીવ હોય છે. એ સમજણા થયા ત્યારથી આપણી સાથેને સાથે હોય. સમયનો લૂણો એમાં લાગે નહીં. મારી આવી એક અંગત સ્મૃતિ આમ છે. પાંચેક વર્ષનો હતો ત્યારે બાપૂજીને એક ગીત બહુ ગમતું એવું યાદ છે. ફિલ્મ  ‘ શર્ત ‘ નું હેમંત-ગીતા દતનું ગાયેલું  ‘ ન યે ચાંદ હોગા ન તારે રહેંગે, મગર હમ હમેશા તુમ્હારે રહેંગે ‘ . મોટા ભાઈનું ગળું સારું હતું એટલે બાપૂજી એમને એ ગીત ગાવાનું કહેતા અને મને તાલની સારી સમજ એટલે ભાઈ ગાય તેની સાથે હું લાકડાનું પાટિયું લઈને ‘ તબલાં ‘ વગાડતો. એ વખતે જે અજબ વાત બનતી તે એ કે ખાટલામાં પડ્યા-પડ્યા બાપૂજી એ ગીત ચુપચાપ સાંભળતા આંસૂ સારતા દેખાતા. હું એ જોતો પણ એમના આંસુનું કારણ સમજાતું નહીં. એમ થતું કે આમાં રડવા જેવું વળી શું છે ? વર્ષો વીતી ગયા. બાપૂજી પણ ગયા. સમજણો થયો અને એ આંસુઓ પાછળની સંભાવનાઓના લેખાં-જોખાં મનોમન કર્યા, પણ એ માત્ર મનને સમજાવવા. સત્ય તો બાપૂજી સાથે ગયું. આપણા કેટલાય સત્યો આપણી અંદર રહે છે અને આપણી સાથે જતા રહે છે.

આવી જ એક પુરાણી પણ ચિરંતન સ્મૃતિ એટલે મોહમદ રફીનું ગાયેલું આ પહાડી ગૈર-ફિલ્મી ભજન :

तेरे  भरोसे  हे नंद लाला
कोई रो – रो बाट निहारे

मीत बना के तुम तो भूले
सखियाँ करें ठिठोली
लोक लाज से डरे न बोले
मन में जलती होली ..

बिंध जाए सो मोती कान्हा
बाक़ी कंकर होय
प्रीत दिवानी आस न छोड़े
चाहे जीवन खोय ..

ले कान्हा ले नैना मोरे
देख अगर तू पाए
जोगन के अंसुअन में पल-पल
मथुरा डूबी जाए
तेरे भरोसे ….

વિવિધ-ભારતી પર એ જમાનામાં માત્ર પંદર મિનિટનો એક કાર્યક્રમ દરરોજ આવતો  ‘ રંગ-તરંગ ‘ નામે. એમાં માત્ર ગૈર-ફિલ્મી ગીતો-ગઝલો અને ભજનો આવતા. આ ભજન એ પ્રોગ્રામમાં અનેક વાર સાંભળ્યાનું યાદ છે. રફી સાહેબે જે રીતે પૂર્ણત:  ‘ નંદલાલા-મય ‘ બનીને એ ગાયું છે એ વર્ણવવા શબ્દો ટૂંકા પડે. મારા માટે એક રીતે એ પહાડી રાગનું લક્ષણ-ગીત છે. કોઈ બંદિશ પહાડી છે કે નહીં એ મનોમન નક્કી કરવા આ ગીતની ધ્રુવ-પંક્તિ ગણગણી લઈએ તો કાફી થઈ પડે.

મધુકર રાજસ્થાની ગીતકાર તરીકે ગૈર-ફિલ્મી રચનાઓમાં બહુ મોટું નામ. એમની આ રચના. એમણે કેટલીક ફિલ્મોમાં પણ ગીતો લખ્યા. આ ગીતના સંગીતકાર ખૈયામ સાથે મળીને એમણે આવી અનેક અણમોલ રચનાઓ આપી. ખૈયામ સાહેબ નખશીખ પહાડી-મય હતા એ તો આપણે અગાઉ જોઈ ચુક્યા છીએ.

આ ભજન પણ છે અને વિરહ-ગીત પણ. ભજન-વિશ્વ આવા વિરહ-ગીતોથી ભરચક છે. મથુરા છોડીને ચાલ્યા ગયેલા કૃષ્ણને સંબોધીને રાધાએ કરેલી એ ફરિયાદ છે. ગીતના શબ્દો અને ધુન એકબીજામાં એવા તો ઓગળી ગયા છે કે અંતરતમમાંથી એકી સાથે  ‘ આહ ‘ અને  ‘ વાહ ‘ નીકળે ! અંતિમ બંધમાં જ્યારે વિજોગણના આંસુઓમાં મથુરા નગરી ડૂબી જવાની વાત આવે ત્યારે ભલભલા નાસ્તિકનું હૈયું પણ દ્રવી જાય !

આવું જ એક બીજું હૃદયદ્રાવક પહાડી ભજન જોઈએ :

આ પણ બિલકુલ આ પહેલાંના ભજનની જેમ કૃષ્ણ-ભક્તિનું વિરહ-ગીત છે. ભક્તને અહીં કૃષ્ણ-દર્શનની અભિપ્સા છે. અદ્ભુત શબ્દો પંડિત મધુરના છે તો સ્વર અને ધુન પંકજ મલિકના. અહીં પણ સ્વર, ધુન અને શબ્દોનું ચમત્કારિક સાયુજ્ય છે. ભાવકના મન:ચક્ષુ સમક્ષ વેણુ, કદંબ અને યમુનાજી ઉપસ્થિત થાય છે અને અંતે એ આખેઆખો કૃષ્ણમાં વિલીન થાય છે. ભજનકારે જે પ્રતીકો ઉપયોગમાં લીધા છે એ પણ બેનમૂન છે. પહેલા જ બંધમાં, આપણે જેને પતાસું કહીએ છીએ એ વ્યંજનને આબાદ પ્રયોજ્યો છે. એક સાચા ભક્તના દર્દથી પ્રભુ કઈ રીતે બેખબર હોઈ શકે ? ભાવક જાણે પ્રભુની આંખમાં આંખ મિલાવી વેધક રીતે પૂછે છે કે તારી અને મારી શું આજકાલની ઓળખાણ છે ? આપણે તો યુગો-યુગોથી એકબીજાને પિછાણીએ છીએ. આ પરિચય તો આત્મા અને પરમાત્માનો પુરાતન પરિચય. નહીંતર આ પતાસું વગર પાણીએ, કેવળ અશ્રુના ભેજથી ઓગળત ખરું ?

ગીતમાં કૃષ્ણ જેના છાંયડે વાંસળી વગાડતા એ કદંબ-વૃક્ષની વાત છે, સદાય કૃષ્ણ-સંગે રહેતી વાંસળીની ખુશકિસ્મતીની વાત છે તો ભક્તની આંખમાંથી વહેતા યમુનાના નીરની પણ વાત છે. ગીતના પ્રવાહમાં વહેતાં આવું જ એક સુંદર ભક્તિ-ગીત  ‘દર્શન દો ઘનશ્યામનાથ મોરી અખિયાં પ્યાસી રે‘  ( ફિલ્મ : નરસી ભગત – મન્ના ડે / હેમંત કુમાર / સુધા મલ્હોત્રા – ગીત : ગોપાલસિંહ નેપાલી – સંગીત : રવિ ) યાદ આવ્યા વિના રહે નહીં. અલબત્ત એ રાગ કેદારમાં છે પણ ભાવ આ જ છે.

પંડિત મધુરે અન્ય અનેક ફિલ્મી ગીતો લખ્યા પણ એમની આ રચના એક અનન્ય સીમા-ચિહ્ન છે. ગીતના ગાયક અને સંગીતકાર પંકજ મલિક તો એવી ઊંચી પ્રતિભા છે કે એમના પરિચયની સુજ્ઞજનોને ભાગ્યે જ જરુર હોય. આ ભજનના સર્જનને આજે એંસી વર્ષ થયા પણ એ સુધિજનો માટે નિત-નવીન રહ્યું છે.

तेरे मन्दिर का हूँ दीपक जल रहा
आग जीवन में मैं भर कर चल रहा
तेरे मन्दिर का हूँ दीपक जल रहा ..

क्या तू मेरे दर्द से अन्जान है
तेरी मेरी क्या नयी पहचान है
जो बिना पानी बताशा गल रहा

आग जीवन में मैं भर कर …
इक झलक मुझ को दिखा दे साँवरे
मुझ को ले चल तू कदंब की छाँव रे
और छलिया क्यों मुझे तू छल रहा

आग जीवन में मैं भर कर …
मैं तो क़िसमत बाँसुरी की बाँचता
एक धुन पे सौ तरह से नाचता
आँख से जमुना का पानी ढल रहा

आग जीवन में मैं भर कर …

હવે વાત કરીએ ગઝલ ગાયક જગજીતસિંગે ગાયેલા એક પહાડી ભક્તિ-ગીતની. આ કૃતિની એક વિડંબના એ છે કે અમારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આ ભજન બહુધા શબ-યાત્રા દરમિયાન વગાડવામાં આવે છે અને માટે, ક્યાંકથી આ ગીત સંભળાય તો તુરંત અમંગળના એંધાણ જેવું મનમાં રમવા લાગે. ગુજરાતના બીજા શહેરોની ખબર નથી પરંતુ ઉતર પ્રદેશ અને મધ્ય પ્રદેશના કેટલાક શહેરોમાં મેં આ ભજનને ભક્તિ-સંગીતના અને અન્ય કાર્યક્રમોમાં વાગતું સાંભળ્યું છે. શબ્દો સાવ સરળ છે. રચયિતા વિષે માહિતી નથી. કદાચ પરંપરાગત રચના હશે :

हे राम,  हे राम,  हे राम, हे राम

जग में साँचों तेरो नाम
तू ही माता तू ही पिता है

तू ही राधा का श्याम ..
तू अंतरयामी सब का स्वामी
तेरे चरणों में चारों धाम ..

तू ही बिगाड़े तू ही सँवारे
इस जग के करे काम ..
तू ही जग-दाता विश्व-विधाता
तू ही सुबह तू ही शाम
हे राम हे राम ..


ગીત, ગીતનો ભાવ અને જગજીત સિંગનો કંઠ સ્વયંસિદ્ધ છે એટલે વિશેષ ચર્ચા જરુરી નથી.

અંતે, એક વિલક્ષણ સૂફી ભક્તિગીત પાકિસ્તાની-સિંધી ગાયિકા આબિદા પરવીનના કંઠમાં. ડો. સફી હસન નામક બ્રિટન-સ્થિત શાયરના શબ્દો જુઓ :

तूने तो निगाहें फेरी हैं

जो तेरी ख़ुशी अच्छा साईयां
मैं आज भी तेरा चाकर हुँ

मुझे और किसीसे क्या साईयां
क्या और तलब हो प्यासे की
दो बूँदें ठंडे पानी की
मैं बेकल ज़र्रा सहरा का
तू रहमत का दरिया साईयां

एक वस्ल के जिसमें तड़पा था
एक हिज्र के जिसमें रोता हुँ
ये ज़ख़्म भी गहरा है दिल पर
वो ज़ख़्म भी गहरा था साईयां

किस लम्हे को ज़ंजीर करुं
इस हिज्र की क्या तदबीर करुं
ऐसी भी शिकायत क्या मुझसे
अब देर हुई घर आ साईयां

महदूद है मेरी फ़िक्र-ओ-नज़र
महदूद हैं मेरे शाम-ओ-सहर
सच्चे हैं तेरे लफ़्ज़ों के गुहर
सच्ची है तेरी दुनिया साईयां …

                                      (શબ્દાર્થ: 

                                      बेकल = અશાંત  ज़र्रा = રજકણ   वस्ल = મિલન  हिज्र = વિયોગ   तदबीर = ઉપાય महदूद = મર્યાદિત  फ़िक्र-ओ-नज़र  = ચિંતન અને દ્રષ્ટિ   शाम-ओ-सहर = સવાર-સાંજ  गुहर = મોતી )

https://youtu.be/dqBwQ-ha848
ભજન – ભક્તિગીત એક વિશિષ્ટ કાવ્યપ્રકાર છે. કેટલીક રચનાઓમાં સ્પષ્ટ રીતે, જેને ઉદ્દેશીને એ પ્રયોજવામાં આવેલ છે એ ભગવાન, દેવી- દેવતા, આરાધ્ય અથવા પીર-ફકીરનું નામ ઉલ્લેખેલું હોય. ( અગાઉના ત્રણે ભક્તિગીતોમાં એવું છે ) ઘણામાં એવું હોતું નથી. એમાં ભક્તિ અને પ્રેમ એકબીજામાં ઓતપ્રોત થઈ જતાં હોય છે. એ સ્પષ્ટ થતું નથી કે એ ભાવ, સામાન્યજન જેને પૂજે છે એવી કોઈક વિભૂતિને ઉદ્દેશીને છે કે પોતે જેને અંગત રીતે  ‘ ભગવાન ‘ માને છે એવી કોઈક હાડ-ચામની વ્યક્તિ માટે કવયિત્રી પરવીન શાકિરે એટલે જ પોતાના  ‘અંગત’ ભગવાનને માટે લખ્યું છે :

कुछ  समझकर  ही  खुदा  तुमको  कहा  है  वरना
कौन – सी   बात   कही   इतने  यक़ीं   से  हमने ?

અહીં પણ કવિ કોઈક  ‘સાઈયાં’ ને ઉદ્દેશીને પોતાના મનની વાત કહે છે. એ  ‘સાઈયાં’ કોણ એ એમની અને એમના  ‘સાઈયાં’ વચ્ચેની અંગત વાત છે. આબિદા પરવીનનો આકાશ વીંધતો અવાજ અને એવો જ બુલંદ ઓરકેસ્ટ્રા એ શબ્દોમાં પ્રાણ પૂરવાનું કામ કરે છે. જેની ચર્ચા આપણે હવે પછી કરવાના છીએ એ ચુલબુલા પહાડી પ્રેમગીત  ‘ દિલ દીવાના બિન સજના કે માને ના ‘ સાથે આ ગીતનો લય અને બુલંદી સરખાવી જોજો.

ગીતની શરૂઆતમાં જ કવિ કહે છે કે તેં તો નજર ફેરવી લીધી. જે તને ગમ્યું તે ખરુંપણ યાદ રહે, હું આજે પણ તારો ચાકર છું. આ ચાકર હોવાની અને સ્વયંને કોઈકના આજીવન ચાકર તરીકે જોવાની ભાવના એ છે પરમ-પ્રેમ અથવા ભક્તિભાવનું અંતિમ પગથિયું !  કવિ-લેખક ગુલઝારે મિર્ઝા ગાલિબના જીવન પર એક અદ્ભુત સિરીઝ એ જ નામે બનાવેલી. એમને જ્યારે પૂછવામાં આવ્યું કે કવિ તરીકે એ પોતાની હેસિયત ગાલિબના સંદર્ભે કેમ મૂલવે છે તો તેમણે કહ્યું હતું કે ગાલિબના ઘરમાં એમના માટે હુક્કો ભરી લાવતા ચાકર કલ્લુ જેટલી ! આ આદર અને ભક્તિની પરાકાષ્ઠા છે.

આ ગીત અથવા ભક્તિરચનાનું માળખું ગઝલ જેવું છે. ગીતની હલક એવી અસરકારક છે સાંભળતાં-સાંભળતાં સમ્મોહનમાં આવી જવાય અને ગીત દરમિયાન વાગતા  ‘ ચિમટા ‘ ના તાલે નર્તન કરવાની તલપ જાગી ઊઠે !

સૂફી ગીતો, કાફીઓ (પંજાબી-સિંધી સંસ્કૃતિનો એક કાવ્ય-ગાયન પ્રકાર) અને ગઝલોના ગાયિકા તરીકે આબિદા પરવીન માત્ર ભારતીય ઉપખંડમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં એક મોટું નામ છે. આજની તારીખે પણ એમના કાર્યક્રમોમાં ભાવકો ઊમટી પડે છે.

અંતના અંતે, ભજનોનો આગાઝ  રફી સાહેબથી થાય તો અંજામ લતાજીથી થવો જોઈએ. સ્વર-કોકીલાએ ગાયેલું મીરાબાઈનું આ ભજન પણ પહાડીમાં છે. (સ્વરાંકન એમના બહેન ઉષા મંગેશકરનું) :

(પાયો જી મૈને રામરતન ધન પાયો)


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

14 comments for “હુસ્ન પહાડી કા – ૧૪ – રાગ ‘પહાડી’માં ગૈર-ફિલ્મી ભજનો

 1. Mrs Priti Trivedi
  September 21, 2019 at 11:22 am

  અદ્દભૂત! શબ્દો ઓછા પડે છે. ખુબજ સુંદર સાહેબજી. ખુબ આભાર સર.

  • Bhagwan thavrani
   September 24, 2019 at 6:11 pm

   હાર્દિક આભાર પ્રીતિબેન !

 2. Samir
  September 24, 2019 at 1:42 pm

  ગેર ફિલ્મી ગીતો માં પણ પહાડી નો દબદબો બરાબર જળવાઈ રહ્યો.
  આ એક જ ગ્રુપ માં રફી સાહેબ ના કૃષ્ણ ભજન થી જગજીત સિંહ થી અદુન્યવી આબિદા પરવીન થી શ્રેષ્ટ્તમ લતાજી સાથે સફર થઇ શકી.ગેર ફિલ્મી સંગીત એક એવું માંધ્યમ છે કે જેમાં કોઈ વાર્તા ના કે વ્યવસાહિક બંધન નડતા નથી .તેમાં પણ પહાડી એ પોતાની વિવિધતા અને કમાલ બતાવી દીધી .
  ખુબ આભાર ભગવાનભાઈ !

  • Bhagwan thavrani
   September 24, 2019 at 6:12 pm

   આભાર સમીરભાઈ !

 3. નરેશ પ્ર. માંકડ
  September 25, 2019 at 11:52 am

  રફી, ખય્યામ અને મધુકર રાજસ્થાની નાં ભજનો ભક્તિસંગીત નાં રત્નો સમાન છે. એમાંનું એક ‘ પાંવ પડું તોરે શ્યામ, બ્રિજ મે લૌટ ચલો.’
  सूनी कदम की ठण्डी छइय्याँ खोजे धुन बंसी की
  ब्याकुल होके बृज न डुबो दे लहरें जमुनाजी की
  लौट चलो, लौट चलो…

  बिलख रही है मात यशोदा नन्द्जी दुःख में खोये
  कुछ तो सोच अरे निमर्ओही बृज का कण कण रोये
  लौट चलो, लौट चलो…
  કૃષ્ણને પાછાં ફરવા માટે વિનવતા, કરગરતા ભક્તની ભાવના રફીએ અદભૂત રીતે વ્યક્ત કરી છે.

  • Bhagwan thavrani
   September 26, 2019 at 9:04 am

   ધન્યવાદ નરેશભાઈ !
   તમે ઉલ્લેખ્યું તે ભજન એ રફી-મધુકર-ખૈયામ ત્રયીની રચનાઓમાં શિરમોરસમ છે…

 4. Bhagwan thavrani
  September 26, 2019 at 10:43 am

  આભાર નરેશભાઈ !
  રફી-ખૈયામ-મધુકર ત્રિપુટીનું આપે ઉલ્લેખેલું ભજન એક શિરમોર કૃતિ છે, ભાવકને પણ વિયોગ-પીડાથી તરબતર કરી મૂકે તેવું !

 5. mahesh joshi
  September 28, 2019 at 6:53 pm

  Wah kya Baat Hai ! Many a time we feel that pahadi is better used in Gair Filmi Geet, Gazal and Bhajans.
  You have included some of Bhajans marvel, which are sung by legendary Artists. You are right , these are loved and enjoyed by all generation. For me, you know, my very favourite gair filmy song ” तेरे मन्दिर का हूँ दीपक जल रहा ” is also there. What a song/Bhajan ! While we listen , we feel as if we pray before God.
  Simple but meaningful lyrics, pahadi and divine voice of Hemant kumar, aur kya chahiye.
  Thanks for nice presentation.

  • Bhagwan thavrani
   September 28, 2019 at 11:27 pm

   Thanks Maheshbhai !
   While writing, i knew very well that ‘ तेरे मंदिर का हुं दीपक जल रहा ‘ is your top favourite Bhajan..

 6. Kishorchandra Vyas
  September 30, 2019 at 8:48 pm

  वाह , आज ये सब भजन ने इतना भाव विभोर कर दिया के कुछ देर बोलना मुश्किल था | अदभुत अदभुत .. ये भजन में मेरे चहिते ही है, पर “पांव पडू तोरे, ब्रिज में लौट चलो ” सबसे प्रिय है !!! शाम को विविध भारती में मिक्स मसाला कार्यक्रम में बार बार ये सब भजन गैर फिल्मी गीतों सुनने को मिलता है .. आज का ये आपका लेख भी बार बार मनन करने जैसा है –हार्दिक अभिनंदन सह आभार

  • Bhagwan thavrani
   September 30, 2019 at 8:55 pm

   बहुत बहुत शुक्रिया किशोरभाई !

 7. Chaula
  September 30, 2019 at 9:56 pm

  Tune to nigahe feri hai…. Feeling so emotional as at one time i used to listen this song everyday.. But after so many things changed in life and this song slowly faded somewhere otherside.. Today by papa’s grace i read your article and got amazing song back in my life… Thanks so much.. Wonderful writing as usual

  • Bhagwan thavrani
   October 1, 2019 at 9:22 pm

   Thanks a lot chaula !
   Keep coming here as often as possible. Music is your life also like mine and I also enjoy like-minded readers !

Leave a Reply to Mrs Priti Trivedi Cancel reply

Your email address will not be published. Required fields are marked *