ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૧૮

ચિરાગ પટેલ

उ. २.१.११ (७२३) यस्मिन्विश्वा अधि श्रियो रणन्ति सप्त सँसदः । इन्द्रँसुते हवामहे ॥ (श्रुतकक्ष/सुकक्ष आङ्गिरस)

એ કાન્તિવાન ઇન્દ્રનું અમે સોમયજ્ઞમાં આવાહ્નન કરીએ છીએ, જેની સ્તુતિ યજ્ઞના સાત ઋત્વિજ કરે છે.

અહીં “સપ્ત સંસદ” શબ્દો દ્વારા ઋષિ યજ્ઞ કરવાની એક પ્રથાનું આડકતરું વર્ણન કરે છે. વેદકાળના યજ્ઞમાં સાત ઋત્વિજો – હોતૃ, પોતૃ, નેષ્ટ્રુ, આગ્નીધ્ર, પ્રશાસ્તુ, અધ્વર્યુ અને બ્રહ્મન એ પ્રમાણે સાત ઋષિઓ ઉપસ્થિત હોય જેમનું કાર્યક્ષેત્ર નિશ્ચિત થયેલું હતું.

હોતૃ – યજ્ઞમાં મંત્રોથી આવાહન કરનાર

પોતૃ – યજ્ઞસ્થળની શુદ્ધિ કરનાર

નેષ્ટ્રુ – માટી/ઈંટથી યજ્ઞસ્થળ બનાવનાર

આગ્નીધ્ર – યજ્ઞમાં અગ્નિ પ્રજ્વલિત કરનાર

પ્રશાસ્તુ – યજ્ઞના વ્યવસ્થાપક

અધ્વર્યુ – યજ્ઞના સહાયક પુરોહિત અને આહુતિ આપનાર

બ્રહ્મન – યજ્ઞના મુખ્ય પુરોહિત

उ. २.४.२ (७५०) स योजते अरुषा विश्वमोजसा स दुद्रवत्स्वाहुतः । सुब्रह्मा यज्ञः सुशमी वसूनां देवँ राधो जनानाम् ॥ (वसिष्ठ मैत्रावरुणि)

એ અગ્નિ વિશ્વના સર્વે પદાર્થોનું સેવન કરવામાં સમર્થ, તેજને નિયોજિત કરે છે ત્યારે, તે ઉત્તમ જ્ઞાની, સંયમી, પવિત્ર અગ્નિ, શ્રેષ્ઠ આહુતિઓથી પ્રદીપ્ત થઈને ગતિમાન બને છે. આ અગ્નિ વિદ્વાનોનું શ્રેષ્ઠ ધન છે.

આ શ્લોકમાં વસૂદેવ અને રાધા શબ્દો ધ્યાન ખેંચે છે. આ બંને શબ્દો એક વ્યક્તિ સાથે સંકળાયેલા છે – કૃષ્ણ. આપણે જાણીએ છીએ કે, વેદની સમજૂતી ઉપનિષદ છે અને ઉપનિષદ-વેદના જ્ઞાનનું વિસ્તૃતીકરણ કે કથાકરણ પુરાણ છે! સામવેદમાં ઘણો શ્લોકોમાં રાધાપતિ, ગોપાલ, વસુદેવ વગેરે શબ્દોનો ઉલ્લેખ છે અને એ સર્વે ઇન્દ્ર માટે પ્રયોજાય છે. શું એવું કહી શકાય કે રાધા-કૃષ્ણની પૌરાણિક કથા દ્વારા વેદનું નિહિત જ્ઞાન પ્રચલિત કરવામાં આવ્યું છે? એ જ્ઞાન શું હોઈ શકે?

અગ્નિ એટલે અગ્નિનું પ્રચલિત સ્વરૂપ દરેક પદાર્થને હોમી દેવાની ક્ષમતા ધરાવે છે; અને ઇન્દ્ર એટલે વર્ષાના વાદળોના નિયંતા. વસુ એટલે તેજના કિરણો અને વસુદેવ એટલે અગ્નિ કે સૂર્ય. સૂક્ષ્મ અર્થમાં અગ્નિ એટલે વાણી, ઇન્દ્ર એટલે મન અને સૂર્ય એટલે આત્મા.

વળી, અહીં ઋષિ એવું કહે છે કે જયારે અગ્નિ તેજને નિયોજિત કરે છે ત્યારે તે પ્રદીપ્ત, ગતિમાન બને છે. હું આને ભૌતિક વિજ્ઞાનમાં આવતી એક ઘટના સાથે સાંકળુ છું. જયારે અણુને બાહ્ય ઉર્જા ચોક્કસ પ્રમાણમાં આપવામાં આવે છે ત્યારે એના ઇલેક્ટ્રોન પોતાની કક્ષા છોડી ગતિમાન બને છે.

उ. २.५.२ (७५६) अयँ सूर्य इवोपदृगयँ सराँसि धावति । सप्त प्रवत आ दिवम् ॥ (अवत्सार काश्यप)

દેવલોક સુધી સાત ધારાઓમાં પ્રવાહિત સૂર્ય સમાન બધાંના દ્રષ્ટા આ સોમ જળપાત્રોમાં શુદ્ધ કરવામાં આવે છે.

આ શ્લોકમાં ફરી સૂર્ય પ્રકાશની સાત ધારાઓનો ઉલ્લેખ છે. આધુનિક સમયમાં આપણને શ્વેત સૂર્યપ્રકાશ સાત રંગોનો બનેલો છે એ ન્યૂટને સમજાવ્યું છે. અહીં જોઈ શકીએ છીએ કે ઋષિ અવત્સાર કાશ્યપ એ તથ્ય જાણતા હતા.

उ. २.५.६ (७६०) दुहानः प्रत्नमित्पयः पवित्रे परि षिच्यसे । क्रन्दं देवाँ अजीजनः ॥ (मेध्यातिथि काण्व)

પાત્રમાં નિચોવેલા આ સોમરસને ગળણીમાં ગાળવામાં આવે છે, શબ્દબદ્ધ આ સોમ દેવગણોને યજ્ઞમાં આવાહિત કરતો જણાય છે.

નિચોવેલા સોમરસને ગાળવા માટે વપરાતા કોઈ સાધનનો ઉલ્લેખ આ શ્લોકમાં ઋષિ કરે છે.માનવીના ઉત્ક્રાંતિ ક્રમમાં યંત્રોના ઉપયોગનું ઘણું મહત્વ છે. સાત હજાર વર્ષ પહેલાના સમયમાં આવું કોઈ યંત્ર હોવું એ ચોક્કસ ધ્યાન ખેંચે છે.

उ. २.६.३ (७६६) सुता इन्द्राय वायवे वरुणाय मरुद्भ्यः । सोमा अर्षन्तु विष्णवे ॥ (त्रित आप्त्य)

શુદ્ધ સોમરસ ઇન્દ્ર, વાયુ, મરૂત, તથા વિષ્ણુ આદિ દેવગણોને પ્રાપ્ત થાવ.

આ શ્લોકમાં વિષ્ણુનો ઉલ્લેખ છે. તાર્કિક રીતે જોઈએ તો અહીં વિષ્ણુ એટલે સૂર્ય કે અગ્નિ હોય એમ લાગે છે.

उ. २.६.७ (७७०) आदीँ हँसो यथा गणं विश्वस्यावीवशन्मतिम् । अत्यो न गोभिरज्यते ॥ (श्यावाश्व आत्रेय)

હંસ જે રીતે પોતના સમૂહમાં વેગથી જાય છે એવી ગતિ સાથે આ સોમરસ વિવેકવાનોની બુદ્ધિને પ્રભાવિત કરે છે.

હંસ જયારે જળાશયમાં સમૂહમાં તરતો હોય છે ત્યારે પાણીમાં નહિવત તરંગો ઉઠે એમ સરસરાટ તરતો હોય છે! એવું લાગે કે જાણે હંસ પાણી પર સરકી રહ્યો છે. આ ઉપમા દ્વારા સોમરસની પીનારા પર અસર અહીં ઋષિએ સમજાવી છે. સોમરસ પીનાર વ્યક્તિને જાણ ના થાય એમ એના મન પર અસર કરી જાય છે! ભાંગની પણ આવી જ અસર હોય છે. આપણે કેટલી ભાંગ પી રહ્યાં છીએ એનું ભાન થાય એ પહેલાં છુપી રીતે એની અસર દેખા દે છે!


શ્રી ચિરાગ પટેલનાં સપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ઋતમંડળ

· ઈ-પત્રવ્યવહારનું સરનામું: chipmap@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

2 comments for “ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૧૮

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.