ફિર દેખો યારોં : તુમ્હારે હૈં તુમ સે દયા માંગતે હૈં

Facebooktwitterredditpinterestlinkedinmail

બીરેન કોઠારી

ટી.વી. પર ઘણી જાહેરખબરો એવી દર્શાવવામાં આવે છે કે જેમાં નાનાં બાળકોને મોટેરાંઓના વેશમાં અને તેમની જેમ બોલતા બતાવાય છે. બાળકી પોતાની માની નકલ કરીને તેની જેમ સંવાદો બોલે અને બાળક પોતાના પિતાની નકલ કરીને તેમની શૈલીએ સંવાદો બોલે. જાહેરખબરનું આવું સ્વરૂપ તૈયાર કરવાનો આગ્રહ જે તે વિજ્ઞાપનદાતા રાખે છે કે વિજ્ઞાપન એજન્‍સી, એ ખબર નથી. પણ આવી જાહેરખબરો મોટે ભાગે સાવ કૃત્રિમ અને દોઢ ડહાપણથી ભરેલી લાગે છે. કેવળ આટલું જ હોય તો તેને હજી અંગત મતમાં ખપાવી શકાય, પણ આવી જાહેરખબરો માતાપિતા કે બાળકોને પરોક્ષ રીતે પ્રેરણા આપે છે. દૃશ્યમાધ્યમો અમસ્તાં પણ પ્રભાવક હોય છે. એમાં પણ હવેના યુગમાં તેનું સેવન જાણે કે ફરજિયાત કરાયું હોય એ ધોરણે વધી ગયું છે. તેમાંથી કોણ શી પ્રેરણા લેશે એ નક્કી નથી હોતું, પણ જે તે વ્યક્તિની મતિ મુજબ, અનાયાસે કે આયાસપૂર્વક, પ્રત્યક્ષ કે પરોક્ષપણે તેનો પ્રભાવ પડ્યા વિના રહેતો નથી એ હકીકત છે.

સાવ સાદું ઉદાહરણ લઈએ તો અનેક ટી.વી. ધારાવાહિકોમાં સતત એવો આભાસી સમાજ દર્શાવાય છે કે જે હંમેશાં સાજશણગાર અને ઉજવણીઓમાં જ વ્યસ્ત રહે છે. આની સીધી અસર આપણા પ્રસંગોની ઉજવણીમાં જોઈ શકાય છે. જે પ્રસંગ યા વિધિવિધાન આપણી સંસ્કૃતિમાં હતાં જ નહીં, યા સાવ નાને પાયે યોજાતાં તેની ઉજવણી હવે વિસ્તૃત રીતે અને વિશાળ પાયે કરવામાં આવે છે, અને આ ઉજવણીમાં રીતસર ટી.વી. ધારાવાહિકોનો પ્રભાવ પામી શકાય. લગ્ન યા અન્ય કોઈ પણ પ્રસંગ હવે ઘરની ઉજવણીનો પ્રસંગ નથી રહ્યો, બલ્કે તે હવે ઈવેન્‍ટ મેનેજમેન્‍ટનો વિષય બની ગયો છે. ટી.વી.ધારાવાહિકો, વિવિધ જાહેરખબરો વગેરે ‘સ્ટીરિયોટાઈપ’ એટલે કે બીબાંઢાળ વ્યક્તિત્વો સર્જે છે. પરિણામ એ આવે છે કે બાળકો પાસેથી આપણે પુખ્તતાની અપેક્ષા રાખીને તેઓ પુખ્તોની જેમ વર્તે એમ ઈચ્છીએ છીએ અને તેમના એવા વર્તનને બીરદાવીએ છીએ. બીજી તરફ પુખ્ત વ્યક્તિઓ હોય તેઓ બાળક જેવી નિર્દોષતા જાળવે અને એ રીતે વર્તે ત્યારે તેની પ્રશંસા કરીએ છીએ. હકીકતમાં આ બેય અભિગમ સાવ કૃત્રિમ બની રહે છે.

આજકાલ એક ટી.વી.ચેનલ પર બાળકોની ગાયનપ્રતિભાને મંચ આપતો એક કાર્યક્રમ ‘સુપરસ્ટાર સિંગર’ દર રવિવારે પ્રસારીત થઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં આઠ-દસ-બાર વર્ષની વયનાં બાળકોની અદ્‍ભુત ગાયનપ્રતિભા જોઈને આફરીન પોકારી જવાય. રવિવારની 8 સપ્ટેમ્બરના રોજ પ્રસારિત કડીમાં થાનુ ખાન નામનો સાત વર્ષનો બાળક અને અદ્‍ભુત ગાયક મંચ પર આવ્યો ત્યારે તેની ‘ફેન’ તરીકે નાની બાળકીઓને પણ હાજર કરાઈ, જેઓ તેમને રટાવવામાં આવેલાં વાક્યો બોલતી હતી: ‘થાનુ કી પઘડી સ્વીટ લગતી હૈ’, ‘થાનુ ક્યૂટ હૈ’, ‘હમકો થાનુ બહોત પસંદ હૈ’ વગેરે…આ બાળકીઓને આ સ્પર્ધાના એક જ્યુરીસભ્યે ‘થાનુની ગર્લફ્રેન્‍ડ’ તરીકે ઓળખાવી, તો અન્ય એક સભ્યે તેને ગોપીઓ વચ્ચે ઘેરાયેલા ‘કનૈયા’ સાથે સરખાવ્યો. પ્રતિભાઓને પ્લેટફોર્મ પૂરું પાડતી આટલી ઉચ્ચ કક્ષાની સ્પર્ધામાં સાવ નાનાં બાળકોને અનુલક્ષીને આવી ટીપ્પણીઓ કરવામાં આવે ત્યારે તે કેવળ ક્ષણિક મનોરંજન પૂરું નથી પાડતી, બલ્કે એક ખોટો સંદેશ પણ પહોંચાડે છે. જે બાબતથી આવાં બાળકો કદાચ સાવ અભાન હશે, તેમના મનમાં આવા વિચારોનું આરોપણ અનાયાસે કરવામાં આવે છે. હજી તો તેઓ પાંગરી રહેલા પુષ્પ જેવા નાજુક અને નિર્દોષ છે. તેમની પ્રતિભાની હજી પરખ જ થઈ છે, અને આ પહેલું કદમ જ છે. આગળ ઘણો લાંબો માર્ગ તેમણે કાપવાનો છે. સફળ થઈને નહીં, સફળતાને ટકાવી રાખીને તેમણે જાતને પુરવાર કરવાની છે. કોઈ બાળક મોટેરાંની નકલ કરે કે તેમની જેમ વર્તે તો એ જોઈને વડીલો પોરસાય છે. પણ એ જ બાળક મોટું થઈને આવું વર્તન કરે ત્યારે તેનાથી નારાજ થતા વડીલો એ ભાગ્યે જ સમજે છે કે આમ થવામાં પોતાનું પણ પ્રદાન છે. આ પ્રકારનાં જાહેર માધ્યમો પર આવી હરકતો ગૌરવભેર રજૂ કરવામાં આવે ત્યારે તેને એક પ્રકારે અધિકૃતતા મળે છે, જેનું અનુકરણ કરવા માટે ઘણા માબાપ પ્રેરાય છે.

આમાં કોઈ ચોખલિયાવેડા નથી, કે આધુનિકતાને નકારવાની વાત નથી, પણ આધુનિકતા કે મુક્ત અભિગમને નામે અપાઈ રહેલી ખોટી સમજણની વાત છે. આમ પણ જેમ, ઋતુઓનું ચક્ર પાછું ઠેલાતું જતું આપણને સૌને અનુભવાઈ રહ્યું છે, એમ વયચક્ર આગળ ખસતું જાય છે. બાળકો નાની વયે સમજદાર બનવા લાગ્યા છે, અને બાલ્યાવસ્થા તથા તરુણાવસ્થા વચ્ચેથી કિશોરાવસ્થાનો આખેઆખો લોપ થઈ ગયો છે. છોકરાઓ કરતાં છોકરીઓમાં આ ફેરફાર વધુ દેખીતા હોય છે. શારિરીક ફેરફાર અને માનસિક પરિવર્તન વચ્ચેનું સંતુલન સાધી શકે એવી સમજણ આ ઉંમરે હોતી નથી. આવી સ્થિતિમાં જાહેર માધ્યમો પર દેખા દેતાં આવાં ઉદાહરણોમાંથી તેઓ પોતાને ફાવે એ બોધ ગ્રહણ કરવાનો અભિગમ સેવે છે. પોતાના બાળકને ‘સ્વતંત્રતા’ આપી દેવાના અને એ રીતે પોતાને આધુનિક બતાવવાના મોહમાં માબાપ મોટે ભાગે ભાન ભૂલી જાય છે. અને તેનું ભાન તેમને થાય ત્યારે પાછા ફરવાને ઘણું મોડું થઈ ગયું હોય છે.

તીવ્ર સ્પર્ધા, પ્રચંડ ઉપભોક્તાવાદ અને કોઈ પણ ભોગે પોતાની પ્રોડક્ટ વેચવાના ઝનૂનને આધુનિક માધ્યમોનું પ્લેટફોર્મ મળે ત્યારે સૌથી પહેલો ભોગ વિવેકબુદ્ધિનો લેવાય છે. તેને પગલે સમજણશક્તિ રુંધાય છે. પણ તેની સીધી અસર નવપલ્લવિત અવસ્થામાંથી પસાર થઈ રહેલાં બાળકો પર પડે છે, જે હકારાત્મક હોવાની સંભાવના જૂજ છે. પોતાનાં બાળકોને સ્વતંત્રતા આપવામાં આવે કે બીજું જે પણ આપવાની ઈચ્છા માવતરની હોય, તેમણે એટલું યાદ રાખવાનું છે કે બાળકોની કુમળી વય અને સમજણને ધ્યાનમાં લઈને તે આપવામાં આવે. કુમળો છોડ જેમ પૂરતી સંભાળના અભાવે મુરઝાઈ જાય છે, તેમ વધુ પડતા લાલનપાલનમાં પણ બરાબર પાંગરી શકતો નથી.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૨-૯– ૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

3 comments for “ફિર દેખો યારોં : તુમ્હારે હૈં તુમ સે દયા માંગતે હૈં

 1. Samir
  September 20, 2019 at 2:50 pm

  દરેક ચેનલ પર આવતા કાર્યક્રમો ની ગુણવત્તા ખુબ ઉંચી હોય છે પણ બીરેનભાઈએ જણાવ્યા પ્રમાણેની આડ અસરો ઉપર વારંવાર ઉહાપોહ થયો છે પણ એમ લાગે છે કે ચેનલ ની અને ભાગ લેનાર ને આ અસરો વિષે કોઈ પડી નથી .અથવા તો તેઓ આ આડ અસરો ને ૩ મહિનાઓની પ્રસિદ્ધિ ની કિંમત માને છે ! આ સંજોગો માં જાહેર સંસ્થાઓ જ સરકાર પર યોગ્ય ધારાધોરણ બદલવા માટે દબાણ લાવી શકે .
  આભાર બિરેનભાઈ ! આ મુદ્દો અને બીજા કેટલાક મને ખુંચે છે જેને તમે વાચા આપી છે .

  • September 23, 2019 at 11:04 am

   પ્રતિભાવ બદલ ધન્યવાદ, સમીરભાઈ!
   આ બાબતે નિયંત્રણ કે ધારાધોરણ હશે, પણ એ જોઈએ એવા અસરકારક નથી નિવડતાં એ હકીકત છે.

 2. Gajanan Raval
  September 23, 2019 at 9:30 pm

  Your observation that the children will be deprived off the rational outlook and power to comprehand is a matter of deep concern for our society..!! Hearty congrats for raising this point..Keep the pot boiling dear Birenbhai..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *