વ્યંગ્યચિત્રોના વિશ્વમાં : (૨૦) શિક્ષક દિન કે શિક્ષણ દીન?

Facebooktwitterredditpinterestlinkedinmail

સંકલન: પિયૂષ મ. પંડ્યા

આપણે જાણીએ છીએ કે આજીવન શિક્ષક એવા આપણા એક સમયના રાષ્ટ્રપતિ ડૉ. સર્વોપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં એમનો જન્મદિન, તા.પાંચ સપ્ટેમ્બર ‘શિક્ષક દિન’ તરીકે ઉજવાય છે. સપ્ટેમ્બર મહિનાની આ કડીમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સમગ્ર શિક્ષણપધ્ધતિ પર વ્યંગ્ય કરતાં કેટલાંક ચૂનંદાં વ્યંગચિત્રો સાદર છે. આ સામગ્રી તૈયાર કરનારે લગભગ ચાર દાયકા કૉલેજમાં ભણાવ્યું હોઈ, કેટલીક અંગત નૂકચેતીની ક્ષમ્ય ગણવા વિનંતી છે.

****

આજનું પહેલું વ્યંગચિત્ર શિક્ષક જમાતની મજાક ઉડાડે છે. ‘ફની ટાઈમ્સ’ નામના એક પ્રકાશનમાંનું આ કાર્ટૂન બનાવનાર કલાકાર જોન સોરેન્‍સન/Jean Sorensen છે. ઉનાળુ વેકેશનના દિવસો ચાલુ થયા હોવાથી રાહતનો સમયગાળો આવી રહ્યો છે એ બાબતે આ શિક્ષિકા કોઈ અન્ય શિક્ષકમિત્ર સાથે એનો આનંદ વહેંચતાં કહી રહી છે, ‘ઉત્સાહમાં ને ઉત્સાહમાં તું (નાચતાં નાચતાં) ચોપડીઓ ઉલાળવાનું શરૂ કરી દે, એ પહેલાં ખાત્રી કરી લેજે કે વિદ્યાર્થીઓ નિશાળની બહાર જતા રહ્યા હોય.’

સામાન્ય સમજણ એવી હોય કે વેકેશનને કારણે મુક્તિને લીધે મળતી આઝાદીનો રોમાંચ ફક્ત વિદ્યાર્થીઓને જ હોય. હકીકત એ છે કે શિક્ષકો પણ એમાંથી બાકાત નથી! શિક્ષકોને પણ ક્યારેક ગૂટલી મારવાની ઈચ્છા થઈ આવતી હોય છે. જો કે, આ લખનારનો અનુભવ એવો રહ્યો છે કે રજાના દિવસોમાં વિદ્યાર્થીઓ ન આવતા હોય ત્યારે એક કે બે દિવસ સંસ્થામાં નિરાંત અનુભવાય, પણ પછી તે સમયનો ખાલીપો ખાવા ધાય એવો અસહ્ય બની જાય છે.

****

એક જમાનો હતો કે પોતાનું સંતાન નિશાળમાં કેવી છાપ ઉભી કરી રહ્યું છે એનો અંદાજ માતાપિતાને તેને નિશાળમાં પડેલા મારના સોળ જોઈને આવી જતો. મોટા ભાગે એ માર શિક્ષકની કૃપાથી પ્રાપ્ત થતો રહેતો. ‘સોટી વાગે ચમ ચમ….’ના એ યુગમાં ક્યારેક માબાપ પોતાના સંતાનના શિક્ષકને મળે તો ‘એને બરાબર ફટકારજો, સાહેબ/બહેન!’ જેવી ભલામણ કરતાં. ધીમી પણ મક્કમ ગતિએ એ બાબતમાં બદલાવ આવતો રહ્યો. આજે તો બાળકને વઢવા કે મારવાનું તો ઠીક, એના વિશેનો સાચો અભિપ્રાય આપતાં પણ શિક્ષકો ખાસ્સી મુત્સદ્દીગીરી અપનાવે છે. માર્ક એન્ડરસને બનાવેલું આ વ્યંગચિત્ર એનો ઉત્તમ નમૂનો છે.

શિક્ષીકા આવા એક ‘નમૂના’નાં માબાપને કહી રહ્યાં છે, ‘ગણિતમાં એને વધારે મહેનત કરાવવી પડશે. હા, એ વાંચે છે સારું અને અન્ય ખેપાનીઓ સાથે એને સારું બને છે.’ આ કાર્ટૂન અલબત્ત, વિદેશી છે, પણ આપણા દેશમાંય પરિસ્થિતી ખાસ અલગ નથી. સમાચાર માધ્યમોમાં ‘કુમળી વયના બાળક ઉપર ક્રૂર શિક્ષકે ગુજારેલા અમાનુષી ત્રાસ’ના ખબરો નિયમીત રીતે પ્રકાશિત થતા રહે છે.

આજથી પચાસ પંચાવન વરસ પહેલાં આવાં જ લક્ષણ ધરાવતા કોઈ વિદ્યાર્થીના કિસ્સામાં શિક્ષકે સીધેસીધું જ કહ્યું હોત: ‘જુઓ, ગણિતમાં તો નકરો ભમરડો છે, ચાલુ ક્લાસે જુદી જુદી ચોપડીઓ વાંચે છે અને ગામના ઉતાર જેવા લઠ્ઠાઓ ભેગી ભાઈબંધી રાખે છે તમારો નબીરો!’

****

પ્રસિધ્ધ કાર્ટૂનીસ્ટ સતીષ આચાર્યે બનાવેલાં ત્રણ મજેદાર વ્યંગચિત્રો માણીએ. તેમનું કાર્ય દેશના સીમાડા વટાવીને, આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુંજ્યું છે. ‘ધ વૉલ સ્ટ્રીટ જર્નલ’, ‘ધ ટાઈમ્સ’ અને ‘ધ ગાર્ડીયન’ જેવાં માતબર પ્રકાશનોમાં એમનું કાર્ય પ્રકાશિત થયું છે.

એકલવ્ય અને દ્રોણાચાર્યની મહાભારતની પ્રસિધ્ધ કથાને યાદ કરાવતું આ કાર્ટૂન આજના સમયમાં સોશીયલ મીડીયાએ આપણા સૌ ઉપર લીધેલા ભરડા પર વ્યંગ કરે છે. ગુરુ દ્રોણાચાર્યે એકલવ્ય પાસેથી માત્ર તેનો અંગુઠો જ માંગી લીધો હતો, જ્યારે ગુરુ ‘વોટ્સએપ’ ‘ચેલાઓ’નું પૂરેપૂરૂં ભેજું જ પડાવી લે છે! કલાકારે અસરકારક ઢબે બતાડ્યું છે કે ચેલો હોંશેહોંશે પોતાનું મગજ અર્પણ કરીને ખોપરી ખાલી કરી આપે છે, જેથી ‘વોટ્સએપ યુનિવર્સીટી’ દ્વારા વહેતી ‘જ્ઞાનગંગા’ વડે પાવન થતું રહેવાય.

****

સપ્ટેમ્બર ૨૦૧૭માં ઘટેલી એક હૃદયવિદારક બીના સંદર્ભે સતીષ આચાર્યે આ કાર્ટૂન બનાવ્યું છે. અનિતા નામની માત્ર ૧૭ વર્ષની અતિશય તેજસ્વી વિદ્યાર્થીનીએ વિજ્ઞાનના વિષયો સાથે ઉચ્ચતર માધ્યમિક પરીક્ષામાં તામિલનાડુ રાજ્યમાં પ્રથમ દસ ક્રમાંકની યાદીમાં સ્થાન મેળવ્યું હતું. તબીબી વિદ્યાશાખામાં પ્રવેશ માટે જરૂરી એવી ‘નીટ’ તરીકે જાણીતી રાષ્ટ્રીય ધોરણે લેવાતી પરીક્ષામાં પણ તેણે ૧૨૦૦માંથી ૧૧૭૬ ગુણ મેળવી, દેશભરમાં મોખરાનું સ્થાન મેળવ્યું હતું. પોતાની પસંદગીની એવી દેશની શ્રેષ્ઠ મેડીકલ કૉલેજમાં પ્રવેશ મળી જવાની શ્રધ્ધા રાખીને બેઠેલી આ છોકરીને અચાનક ખ્યાલ આવ્યો કે લાગતા વળગતા સત્તાધારીઓ દ્વારા મેડીકલ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવા માટેના નિયમો તાત્કાલિક ધોરણે એવી રીતે બદલી નખાયા હતા કે કદાચ પોતે આટલા તેજસ્વી દેખાવ પછી પણ પ્રવેશપાત્ર નહીં રહે. આમ થવાથી તેને એટલો પ્રચંડ આઘાત લાગ્યો કે તેણે આત્મહત્યા કરી લીધી.

શિક્ષણક્ષેત્રના અધિષ્ઠાતાઓ પોતાનાં અને વગદાર રાજકારણીઓ તેમ જ અન્ય ક્ષેત્રોના મહાનુભાવોનાં સંતાનોને અનુકૂળ થાય એ રીતે ઉચ્ચ વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટેના નિયમોમાં વર્ષોવર્ષ ફેરફારો કરતા રહે છે એ સર્વવિદીત હકીકત છે. આવામાં ભોગ લેવાઈ જાય છે તેજસ્વીતા સિવાયની કોઈ જ ‘લાયકાત’ ન ધરાવતાં હોય એવાં યુવા-યુવતીઓનો. સતીશ આચાર્યના બનાવેલા આ કાર્ટૂનમાં સમગ્ર પ્રણાલી ઉપર સીધો જ જનોઈવઢ ઘા કરાયો છે. અહીં શિક્ષણપ્રણાલીને એક હથેળીના આકારમાં ફાલેલા વૃક્ષરૂપે બતાડી છે. એની જ એક ડાળી સાથે બાંધેલા દોરડા વડે ટીંગાઈને ગળાફાંસો ખાઈ રહેલો એ હથેળીનો અંગુઠો સૂચિત કરી રહ્યો છે કે આમ ને આમ તેજસ્વી વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ચેડાં થતાં રહેશે તો આખરે ખુદ શિક્ષણપ્રણાલીનો જ અંગુઠો કપાઈ જવો નિશ્ચિત છે. ટૂંકી દૃષ્ટિવાળા અધિષ્ઠાતાઓ પ્રણાલી ઉપર જ કુઠારાઘાત કરી રહ્યા છે. અહીં પણ સંદર્ભ એકલવ્ય અને દ્રોણાચાર્યવાળી વાર્તાનો છે.

****

આ વ્યંગચિત્રમાં સતીષ આચાર્ય આપણા સમાજમાં ઉધઈની જેમ વ્યાપી ગયેલી ટ્યૂશનપ્રથા ઉપર કટાક્ષ કરે છે. ‘શિક્ષક દિન’ નિમીત્તે વર્ગમાં ભણાવતા શિક્ષકને ટાબરીયો પૂછી રહ્યો છે કે આજના દિવસની વધાઈ પોતે વર્ગમાં જ પાઠવી દે કે પછી સાહેબના ટ્યૂશન ક્લાસમાં જાય ત્યારે? નિર્દોષ બાળક દ્વારા સહજભાવે પૂછાયેલા પ્રશ્ન સામે શિક્ષકના હાવભાવ જોવા જેવા છે. ખાનગી રાખવા જેવી બાબત જાહેર થઈ જતાં તેઓ ક્રોધથી આકળવિકળ થઈ ગયેલા જણાય છે. જો કે, કહેવાની જરૂર નથી કે પોતાના ટ્યૂશન વર્ગમાં આ જ શિક્ષક આ વિદ્યાર્થીને વ્હાલથી પ્રતિક્રીયા આપશે.

****

આ વ્યંગચિત્ર મિકા અઝીઝ દ્વારા બનાવાયેલું છે. આ ચિત્રમાં એક લાક્ષણીક પ્રાથમિક શાળાનુ દૃશ્ય બતાડ્યું છે. આમ તો આ શાળા વિશ્વભરમાં ક્યાંયની પણ હોઈ શકે, પણ અહીં નેતાશ્રીને જોતાં જણાઈ આવે છે કે તે ભારતના કોઈ સ્થળની હોવી જોઈએ. શિક્ષકદિનની ઉજવણી પ્રસંગે નિશાળમાં ‘પ્રેરક પ્રવચન’ આપવા પધારેલા મહેમાનને સદંતર અવગણીને વર્ગમાંના ખેપાનીઓ એમના મૂળભૂત હક અને ફરજ — એ બન્નેના ભાગરૂપે જે કરી રહ્યાં છે, તેને એક જમાનામાં શિક્ષકો ‘ભવન ફેરવી નાખવું’ તરીકે ઓળખાવતા. અંગ્રેજીમાં આને માટે ‘Hell Breaking loose’ એવો પ્રયોગ થાય છે. આવી અરાજકતાવ્યાપ્ત પરિસ્થિતી જોઈને ડઘાઈ ગયેલા મહેમાનને નિશાળના આચાર્ય કહી રહ્યા છે, “મહાશય, અભણ (રાજકિય) નેતાઓ સામે ભાષણ આપવું સહેલું છે, પણ……… !”

કાર્ટૂનમાંના મહેમાન વર્તમાન વડાપ્રધાન છે. સમગ્ર દેશના રાજકારણ અને રાજકારણીઓ પર પકડ ધરાવતા આપણા વડાપ્રધાનને કોઈ પ્રાથમિક નિશાળના તોફાનીઓ સાથે પનારો પડે તો એ વાનરવેડાનાં કરતૂતો એમના જેવા કાબેલ રાજકારણીને પણ ઘડી-બેઘડી મૂંઝવી નાખવા સક્ષમ હોય છે. જો કે, અહીં કટાક્ષ બેવડી ધારનો છે. પ્રાથમિક નિશાળના તોફાનીઓ કરતાં વધુ કટાક્ષ વડાપ્રધાનને મૂંગે મોંએ સાંભળી લેતા નિરક્ષર નેતાઓને પણ નિશાન બનાવાયા છે.

****

૨૦૧૩ પછી પોતાના રાજકિય ગુરુ લાલકૃષ્ણ અડવાણીને નરેન્દ્ર મોદીએ હાંસિયામાં હડસેલી દીધા. આ ‘કળા’ રાજકારણની આંટીઘૂંટી શીખવા ઈચ્છનારાઓ માટે એક શકવર્તી ઉદાહરણની ગરજ સારે છે. આ ‘ઉદાહરણીય’ બાબત પર આ કાર્ટૂનમાં ચોટદાર વ્યંગ કરવામાં આવ્યો છે. શિક્ષકદિનની ઉજવણી દરમિયાન લોકોનું અભિવાદન ઝીલી રહેલા મોદી કહી રહ્યા છે, ‘શિક્ષક ક્યારેય નિવૃત્ત થતો નથી.’ એ સમયે સ્ટેજના પડદા પાછળ બેસી રહેલા અડવાણી એક નિવૃત્ત, ઉપેક્ષીત વૃધ્ધજનની મુદ્રામાં માળા ફેરવી રહેલા જણાય છે. એક જમાનામાં જેમની હાક વાગતી હોય એવા લોકો પાછોતરી અવસ્થામાં આવી લાક્ષણીક મુદ્રામાં બેસી રહ્યા હોય એવું દૃશ્ય ઘણાએ જોયું હશે. આ વ્યંગચિત્રમાં કલાકારે લાલકૃષ્ણ અડવાણીને બરાબર એવા જ દોર્યા છે. આ કાર્ટૂન કુશલ દ્વારા બનાવાયેલું છે.

****

આદર્શ શિક્ષક એ છે, જે વિદ્યાર્થીઓને પોતાની બૌધ્ધિક ક્ષમતા વિકસાવવા સારું મૌલિક વિચારો કરવા પ્રેરે. આ વ્યંગચિત્રમાં એક શિક્ષક પોતાના વર્ગના વિદ્યાર્થીઓને આવું જ કાંઈક સૂચવી રહ્યા છે. તેઓ શું કહે છે એ જાણવા જેવું છે. તેઓ કહે છે: ‘ હું ઈચ્છું કે વિદ્યાર્થીઓ સ્વતંત્ર, સંશોધનાત્મક અને વિશ્લેષણાત્મક વિચારસરણી વિકસાવે.’ જો કે, વાક્ય અહીં પૂરૂં નથી થતું. આગળ વધતાં શિક્ષક કહે છે, ‘અને આવી વિચારસરણી વિકસાવીને તમે બધાં હું કહું એમ જ કરશો એવી મારી અપેક્ષા છે!’ આપણા દેશમાં શિક્ષણપ્રણાલી તરફ નજર કરવામાં આવે તો ખ્યાલ આવે છે કે શિક્ષણપધ્ધતિમાં આમૂલ પરિવર્તન લાવવાના ઊંચાઊંચા દાવાઓ થતા રહે છે પણ પૂરૂં માળખુ એવું ગોઠવાયું છે કે ગોખણપટ્ટી કરનારા અને પોતાના શિક્ષકોની હામાં હા મેળવનારા વિદ્યાર્થીઓજ મહદ્ અંશે ફાવતા રહેતા હોય છે.

આ સંદર્ભે જાણીતા કર્મશીલ હસમુખ પટેલે (વીરમપુર) નજીકના ભૂતકાળમાં ‘જલસો’ મેગેઝીનમાં આલેખેલો એક મજેદાર કિસ્સો યાદ આવે છે. સને ૧૯૭૫માં તત્કાલિન સરકાર દ્વારા લદાયેલી કટોકટીનો વિરોધ કરે તેની ધરપકડ કરીને વિવિધ જેલોમાં પૂરી દેવામાં આવતા હતા. આવા કેદીઓમાંના એક હસમુખ પટેલ પણ હતા. તેમની સાથે જેલવાસ વેઠી રહેલાઓ અલગઅલગ રાજકિય પક્ષોના નેતાઓ અને કાર્યકરો હતા. એક ચોક્કસ પક્ષના નેતા પોતાના કાર્યકરો અન્ય પક્ષના કાર્યકરો સાથે હળેમળે એ પસંદ ન્હોતા કરતા. એમનું કહેવું હતું, ‘આવી છૂટ મળે તો તો પછી એ બધા જાતે વિચારતા થઈ જાય!!!’ આ કાર્ટૂન વૉરન નામના કાર્ટૂનિસ્ટે બનાવ્યું છે.

****

વર્તમાન શિક્ષણપ્રણાલી ઉપર પ્રહાર કરતું એક વધુ વ્યંગચિત્ર માણીએ, જે માર્ટી બ્યુસેલાએ બનાવેલું છે. આ ચિત્રમાં જોવા મળતી બાળકી ત્રીજા ધોરણમાં ભણે છે. પોતાની શિક્ષિકા સમક્ષ તેની રજૂઆત એકદમ વાજબી છે. તે કહે છે, ‘જાણું છું કે મને ત્રીજા ધોરણમાં તકલીફ પડવાની છે. આથી જ હું મોટી થઈને બીજું ધોરણ ભણાવવાનું પસંદ કરીશ.’ એથી ઉપરનાં ધોરણોમાં ભણાવવાની લાયકાત કેળવવા સુધી જવાનું જ નહીં! અહીં આડકતરો પ્રહાર ગુણવત્તામાં કરાતા રહેતા ઘટાડા ઉપર કરાયો છે. આ કાર્ટૂન આપણા દેશ માટે પણ પ્રસ્તુત છે.

****

‘બેટર હાફ’ નામે વિશ્વભરમાં લોકપ્રિય બની ગયેલી વ્યંગચિત્રશ્રેણીના અમેરિકન સર્જક રેન્ડી ગ્લાસબર્જને અહીં અમેરિકાની શિક્ષણપ્રણાલીને અડફેટે લીધી છે. તેમનો વ્યંગપ્રહાર આપણા દેશ માટે પણ એટલો જ પ્રસ્તુત છે. આ કાર્ટૂનમાં એક નર્સ ફોન પર વાત કરી રહી છે. આ નર્સની નિમણૂક નિશાળનાં બાળકો માટે પ્રાથમિક ઉપચાર સારું કરાયેલી છે. તે ફોનમાં કહે છે, ‘હા, હું સ્કૂલ નર્સ છું એ ખરું, પણ ખખડી ગયેલી સરકારી શિક્ષણપ્રણાલીનો ઈલાજ કરવા માટે અસમર્થ છું.’ સમજી શકાય છે કે ફોનના સામે છેડે સમગ્ર વ્યવસ્થામાં થઈ રહેલા બગાડથી વ્યથિત એવી કોઈ વ્યક્તિ એને સૂચન કરી રહી હશે.

****

આ કાર્ટૂનો જોયા પછી આશ્વાસન લેવું હોય તો એટલું લઈ શકાય કે શિક્ષણપ્રણાલિ ખાડે ગઈ હોવાની ઘટના કેવળ આપણા દેશ પૂરતી મર્યાદિત નથી. તેથી તેના માટે ઝાઝો જીવ ન બાળવો.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com


આ શ્રેણીમાં આપ આપનું પ્રદાન આપવા ઈચ્છતા હો તો આ શ્રેણીનો પરિચયલેખ – વિવિધ વિષય પરનાં કાર્ટૂનોના વિશ્વમાં: – વાંચીને સંપર્ક કરવા વિનંતી.


– ‘વ્યંગ્યચિત્રોના વિશ્વમાં’ શ્રેણીના સંપાદક બીરેન કોઠારીના સંપર્ક માટેનું વીજાણુ સરનામું : bakothari@gmail.com


Disclaimer:

The cartoons in this post have been taken from net purely for non-commercial purpose with due credits to cartoonists as far as possible. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *