





– દલપતરામ
(૧) એક શરણાઈવાળો
એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,
રાગ રાગણી વગાડવામાં વખણાણો છે.
એકને જ જાચું એવી ટેક છેક રાખી એક
શેઠને રિઝાવી મોજ લેવાને મંડાણો છે.
કહે દલપત પછી બોલ્યો તે કંજૂસ શેઠ,
“ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે.
પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?
સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.”
* * *
(૨) વાંઢાની પત્નીઝંખના
જન્મકુંડળી લઈ જોશીને,પ્રશ્ન પૂછવા જાઉ;
જોશી જૂઠી અવધો કહે પણ, હું હઈએ હરખાઉ, ૧
મશ્કરીમાં પણ જો કોઈ મારી, કરે વિવાની વાત;
હું તો સાચેસાચી માનું, થાઉ રૂદે રળિયાત, ૨
અરે પ્રભુ તેં અગણિત નારી અવની પર ઉપજાવી;
પણ મુજ અરથે એક જ ઘડતાં, આળસ તુજને આવી, ૩
રોજ રસોઈ કરીને પીરસે, મુખે બોલતી મીઠું;
મેં તો જન્મ ધરી એવું સુખ, સ્વપ્નમાં નહિ દીઠું, ૪
મુખના મરકલડાં કરિ કરિને, જુએ પતિના સામુ;
દેખી મારૂં દિલ દાઝે ને, પસ્તાવો બહુ પામું, ૫
વરકન્યા ચોરીમાં બેઠાં, એક બીજાને જમાડે;
અરે પ્રભુ એવું સુખ ઉત્તમ, દેખીશ હું કે દહાડે, ૬
ચૌટેથી ચિતમાં હરખાતો, ચાલ્યો ચાલ્યો આવે;
બાળક કાલું કાલું બોલી, બાપા કહિ બોલાવે, ૭
પુત્ર પુત્રીને પરણાવે, વ્રત ઉદ્યાપન વેળા;
હોમ કરે જોડે બેસીને, ભાળે જન થઈ ભેળા, ૮
અરે એવા પુરુષોએ મોટાં, પુણ્ય કર્યા હશે કેવાં;
મેં શાં મોટાં પાપ કર્યા હશે, મળ્યા નહી સુખ એવાં, ૯
મૂરખ જેવાનાં મંદિરમાં, નિરખી બે બે નારી;
અરે વિધાત્રી અભાગણી, આ તે શી બુધ્ધિ તારી, ૧૦
અહો મિત્ર મારા સંકટની, શી કહું વાતો ઝાઝી;
વિશ્વ વિષે પુરુષોના વૈભવ, દેખી મરૂ છું દાઝી. ૧૧
* * *
(૩) કેડેથી નમેલી ડોશી
કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર,
કહે શું શોધો છો કશી ચીજ અછતી રહી;
કહે ડોશી બાળપણું ખબર વિના મેં ખોયું,
જુવાનીમાં દીવાની તારા જેવી ગતિ રહી;
છવાઈ જરાની છાયા, કાયાના વિંખાયા બંધ,
ગાયા ન ગોવિંદરાયા, માયામાં મતિ રહી;
ઝૂકી ઝૂકી ડોકી વાંકી રાખી દલપતરામ,
જોતી હું ફરું છું જે જુવાની ક્યાં જતી રહી.
* * *
સૌજન્ય : ઇન્ટરનેટ અને ગૂગલ સર્ચ
શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:
ઈ મેઈલ – musawilliam@gmail.com મોબાઈલ + 91-93279 55577 / / + 91-94261 84977
નેટજગતનું સરનામુઃ
• William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ | માનવધર્મ – જીવો અને જીવવા દો