ત્યારે કરીશું શું?: [૨]

Facebooktwitterredditpinterestlinkedinmail

પરિચયકર્તા- કિશોરચંદ્ર ઠાકર

જેમાં અસહાયતા ઉપરાંત ઉત્તરની અનન્યતા છે તેવા ટોલ્સ્ટ્યના સવાલ ‘ત્યારે કરીશું શું?’નો ઉત્તર મળતાં કોઈને કદાચ એમ લાગે કે, “અરે. આ તો આપણને ખબર જ હતી”. પરંતુ એક મૂર્તિને તેની સમગ્ર નિર્માણ પ્રક્રિયા – પથ્થર પર ફરતા શિલ્પીના હાથ, તેના પર જુદી જગ્યાએ ફરતાં ટાંકણુંછીણી, પથ્થર પરથી સાફ થતી રજ એ બધું- જોયા પછી છેવટે તૈયાર થયેલી મૂર્તિમાં, અને બજારમાંથી તૈયાર લાવેલી મૂર્તિ એ બન્નેના જોવાના માત્ર આનંદમાં જ નહિ પરંતુ તેને જોવાના દૃષ્ટિકોણમાં પણ ફરક પડતો હોય છે. આવું જ કાંઈક ટોલ્સ્ટોયે શોધેલા ઉત્તર બાબતે હોવાથી આપણે તેમની શોધયાત્રા મારફતે જ તેને જાણીશું.

પોતાના આયુષ્યના ત્રેપન વર્ષ સુધી તો ટોલ્સ્ટોય ગામડે જ રહ્યા. હવે તેઓ મોસ્કો જેવા મોટાં શહેરમાં જાય છે. અહીંના ગરીબો-ભીખારીઓ તેમને ગામડાના ગરીબો કરતાં જુદા પ્રકારના લાગ્યા. મોસ્કોમાં ભીખારીઓને પકડીને લઈ જતા પોલીસો જોઈને તેમને નિર્દોષ ગામડિયા જેવું જ અચરજ થયું કે, ભીખ માગનારા અને આપનારા બન્નેને અનુકૂળ હોય તો પછી સરકારે કાજી બનવાની જરૂર શી છે? શહેરમાં ગરીબોની મોટી સંખ્યા જોઈને તેમને દુ:ખદ આશ્ચર્ય તો થયું પરંતુ એમને આઘાત તો ત્યારે લાગ્યો કે જ્યારે કેટલાક મિત્રો જાણે જાણકારીનું ગૌરવ અનુભવતા હોય તેમ કહેતા ”ઓહો, એટલામાં ગભરાઈ ગયા? તમે ક્યાં હજુ બધું જોયું છે? ફલાણી બજારે જઈને ત્યાંની ચાલીઓ જુઓ ત્યાં તમને ‘સોનેરી મંડળી’ મળશે.” આ રીતે લેખક આપણા સામાન્ય લોકોનો ગરીબો તરફનો ઉપેક્ષા અને મજાકનો ભાવ દર્શાવી આપે છે

હવે ટોલ્સ્ટોય પોતે મિત્રોના જણાવ્યા મુજબની વધારે ગરીબોની વસ્તીમાં જાય છે. પછી ફાટેલા તૂટેલા કપડાં-પગરખાં પહેરેલા અને ઠંડીથી ધ્રૂજતા કંગાળ લોકોના એક મોટા સમૂહની સાથે સાથે જ ચાલીને ‘રેનબસેરા’ જેવા એક અનાથાલયને દરવાજે પહોંચી જાય છે. અહીં તેમને અનાથાલયમાં પ્રવેશની રાહ જોતા, શરીરે નંખાઈ ગયેલા, અર્ધ ઉઘાડા, ચિત્રવિચિત્ર દેખાતા અને માઈનસ 10 સેં જેટલી ઠંડીમાં ઠૂંઠવાતા એવા ગરીબો-ભીખારીઓની એક મોટી ભીડ જોવા મળી. અનુકંપાથી પ્રેરાઈને તેઓ આપણે જેને ‘ચા’ જ કહીશું, એવું એક પીણું વેચનારને બોલાવીને પોતાની પાસેની તમામ રકમ ખર્ચાઈ ગઈ ત્યાં સુધી શક્ય તેટલા લોકોને એક એક ગરમ ચાનો પ્યાલો આપે છે.

ટોલ્સ્ટોય લખે છે કે “તે બધાએ ગરમ ગરમ પ્યાલો હાથમાં લીધો અને સૌ પ્રથમ તેનાથી પોતાના હાથ શેકી લીધા-આટલી મોંઘી ગરમી નકામી કેમ જવા દેવાય?” અહીં આપણને મોસ્કોની કાતિલ ઠંડી અને કંગાલિયતનાં એકીસાથે દર્શન થાય છે.

દારૂણ ગરીબી અને લાચારીનું આ દૃશ્ય જોઈને ટોલ્સ્ટોયને પોતાને જાણે કોઈ અપરાધ કર્યો હોય એવી લાગણી થાય છે. પરંતુ પછી તેઓ લખે છે કે “આવી લાગણી સાથે હું આ અનાથાલયમાંથી નીકળીને મારા ઘરે ચાલ્યો. અહીં દાદર પર બિછાવેલી જાજમ પર ડગલાં માંડતો, હું પૂરેપૂરી જગ્યામાં શેતરંજી બિછાવેલા મારા ઓરડામાં દાખલ થયો અને મારો હુંફાળો ગરમ ડગલો ઉતારીને જેણે સફેદ ટાઈ અને સફેદ હાથમોજા જેવો ખાસ પોષાક પહેરેલો છે, એવા બબરચીએ પીરસેલા પાંચ જાતનાં પકવાનો જમવા બેસી ગયો” કેટલી અલ્પજીવી સંવેદના!

હવે તેમને લાગ્યું કે પોતે ખૂબ શ્રીમંત હોવા છતાં ગરીબોની પીડા એકલે હાથે દૂર કરી શકે તેમ નથી. આથી તેમણે શ્રીમંતોના એક મોટા વર્ગમાં કરુણા ઉભી કરીને તેમને પીડિતોના દુ:ખદર્દ દૂર કરવામાં જોતરવા માટે છાપામાં એક લેખ લખ્યો. શ્રીમંતોએ એ વાંચ્યો, ટોલ્સ્ટોયની દયાભાવનાને વખાણી, મદદ કરવાની તૈયારી પણ બતાવી. પરંતુ મદદ તો ન જ કરી!.

ગરીબીનિવારણનું કાર્ય વ્યવસ્થિત રીતે કરવા માટે પોતાની પાસે ગરીબો અંગે વિશેષ માહિતી હોવી જોઈએ, એમ લાગતાં તેમણે ગરીબોની રૂબરૂ મુલાકત લઈને તેમની વિગતો સાથેનું વસ્તીપત્રક બનાવવાનું કામ શરૂ કર્યું, જેમાં તેમને કેટલાક વિદ્યાથીઓની મદદ મળી. આ પહેલાં અનાથાલયના ગરીબોને જોઈને તેમને લાગેલું કે આ લોકોને તો માત્ર ભૂખ અને ટાઢથી શરીરનું રક્ષણ કરવું એટલી જ જરૂરિયાત છે. પરંતુ વસ્તીપત્રકનું કામ કરતાં જુદી જુદી ચાલીઓમાં જઈને ગરીબોને વધારે નજીકથી જોયા પછી તેમને જે સમજાયું એ તેમના જ શબ્દોમાં જાણીએ “તેમને પણ આપણી બધાની જેમ દિવસના ચોવીસ કલાક ગમે તે રીતે ગાળવાના હોય છે. આજે હું એવું સમજ્યો કે આ લોકોને પણ ક્રોધ ચડે છે અને કંટાળો આવે છે, તેમને પણ હર્ષ અને શોક હોય છે તેમને પણ દિલ બહલાવવાની જરૂર જણાય છે. તેમનેય જૂનાં સુખદુઃખના સંસ્મરણો છે, તેવા જ વિકારો છે, તેવી જ લાલચો છે, તેવી જ કુટેવો છે. ટૂંકમાં, આ બધા પણ જેવો હું માણસ છું તેવા માણસો છે.” પછી આગળ લખે છે, “આમ મેં જાણ્યું ત્યારે મારું કાર્ય મને એટલું બધું દુષ્કર લાગ્યું કે મારી અશક્તિ મારી આંખ સામે તરવા લાગી.”

પછીના દિવસોમાં તેઓ સુથાર, મોચી, દરજી જેવા કારીગરો, ધોબીઓ, સરાણિયા અને વેશ્યાઓ પ્રકારના ગરીબો વસતા હતા તેવી ચાલીઓમાં જાય છે, અહીં તેમનો હેતુ તો પરોપકાર કરવાનો જ હતો. પરંતુ ટોલ્સ્ટોય લખે છે કે “અહીં જેમને હું દીન, દુ:ખી અને પતિત માનતો હતો, તે લોકો ગરીબ ભલે હોય પણ શાંત, સંતોષી, સુખી, ભલા અને મહેનતુ લાગ્યા. આવા લોકોને હું કાંઈ મદદ કરી શકું એ કરતા ઉત્તમ મદદ તો તેમને મળી જ જતી હતી. જેમ કે સખત તાવથી પીડાતા એક નિરાધાર ડોસાની દવાદારુ લાવવા સહિતની તમામ પ્રકારની માવજત એક અજાણી વિધવા બાઈ કરતી હતી. તાવમાં પડેલી એક સુવાવડી બાઈનાં બાળકને વેશ્યાવૃતિથી ગુજરાન ચલાવતી એક બાઈ શીશી વડે દુધ પીવરાવતી હતી. પોતાને ત્રણ બાળકો હોવા છતાં એક દરજી એક નિરાધાર છોકરીને સાચવતો હતો.” ટોલ્સ્ટોય હવે વિમાસણમાં પડી જાય છે કે તો તેમણે મદદ કરવી કોને? અને શી રીતે? પેલા રખડેલ, દારુડિયાઓ અને ભીખારીઓને પૈસાની મદદ કરવી તો સાવ નિરર્થક લાગી.

આમ છતાં તેમનું પરોપકારનું અભિમાન હજુ ઊતર્યું ન હતું. આથી તેઓ બીજી એક ચાલીમાં જાય છે. અહીંના ગરીબો વળી જુદા જ પ્રકારના એટલે કે, દારુડિયા , રખડેલ, આળસુ, ભીખારી વગેરે હતા. અહીં તેમણે બે દિવસથી ભૂખી પડી રહેલી ડોશીને એક રૂબલ આપ્યો અને તેમને લાગ્યું કે તેમણે યોગ્ય વ્યક્તિને દાન આપ્યું. પરંતુ આ વાતની જાણ થતાં જ ચાલીના અનેક લોકો તેમની પાછળ પડીને કહેવા લાગ્યા કે અમને પણ કાંઈક આપો. અહીં તેમની ન્યાયબુદ્ધિ સળવળી ‘એકને આપ્યું તો બીજાઓને પણ આપવું જોઈએ’. આથી તેમણે પોતાની પાસે હતા તેટલા બધા જ પૈસા એ લોકોમાં વહેંચી માર્યા, છતાં ઘણા બધાને તેઓ આપી શક્યા નહિ.

ટોલ્સ્ટોયને લાગે છે કે આ લોકો આટલા બધા ગરીબ છે કારણ કે તેમની મહેનત કરીને કમાવાની ઈચ્છા જ મરી પરવારી છે. કોને, કઈ રીતે મદદ કરવી એની મૂંઝવણ અનુભવતા ટોલ્સ્ટોય, પોતાની પરોપકારવૃતિનો ફિયાસ્કો થયો છે એમ લાગતાં, પોતાના ગામ ચાલ્યા જાય છે.

ટોલ્સ્ટોય હવે લખે છે કે પરોપકારપ્રવૃતિ ભલે બંધ થઈ ગઈ પરંતુ વિચાર અને લાગણીનો ધોધ બમણા વેગથી પ્રગટ થયો. તેમને સમજાય છે કે ગરીબોને આપણે આપણી સંપત્તિનાં પ્રમાણમાં એટલું નજીવું દાન આપીએ છીએ કે જે ખરેખર દાન નથી પરંતુ આપણે મોજમાં આવીએ ત્યારે રમી શકીએ એવી રમત છે. પેલી વસ્તીના દારુડિયા અને રખડતા લોકોને ભલે તેમણે એદી કહ્યા, પરંતુ વિચાર કરતાં એમ લાગે છે કે પોતે પણ તેવા જ છે. મહેનત તો પોતે પણ નથી કરતા અને તેમની પાસેનું ધન તો અનેક ખેડૂતોએ પોતાનું છેલ્લું ઘેટું અને ગાય વેચીને ભરેલી ગણોતથી એક્ઠું થયેલું છે. જે ધનનું ઉત્પાદન ગરીબ ખેડુતોએ કર્યું છે તે તેની પાસેથી ખૂંચવી લઈને હું એશોઆરામ કરું છું અને તેમનાં જ ધનમાંથી એક નાનકડો ટુકડો આપીને દાન કરવાનો ઢોંગ કરું છું” .

આગળ તેઓ લખે છે, “ખરેખર તો જેમને હળ ફેરવતાં, ઘાસ કાપતાં, લાકડાં વહેરતાં તેમજ તમામ મહેનત મજૂરીનાં કામ આવડે છે પરંતુ ખાવા માટે માત્ર ભાજી અને રોટલો જ પામે છે. જેઓ સંયમ અને સહનશક્તિમાં મારા કરતાં હજાર દરજ્જે ચડિયાતા છે તેમના કરતાં હું પોતે જ વધારે ગરીબ હોઉં એમ લાગે છે. હું પોતે એક અશક્ત, પરોપજીવી માણસ છું. હજારો લોકો મહેનત કરીને મરી જાય તો જ મારું આ નમાલુ જીવન ટકી શકે તેમ છે. આવા નમાલા જીવનથી ગરીબોનો ઉદ્ધાર કરવાનો એટલે કે તેમની કાંધ પર ચડીને તેમનો બોજો હળવો કરવાનો વિચાર એકદમ બેહુદો જ છે.”

બીજાના શ્રમ અને શોષણથી જ જીવી શકાય એવા જે વૈભવી જીવનનું આપણા મધ્યમ વર્ગના લોકોને આકર્ષણ છે તેને ટોલ્સ્ટોય નમાલું જીવન કહીને શારીરિક શ્રમ તેમજ શ્રમજીવીઓનું ગૌરવ કરે છે.

વાચકમિત્રો સમજી શકશે કે જેને ટોલ્સ્ટોયે વૈભવી જીવન કહ્યું એ મૂળે તો આપણી અપરંપાર જરૂરિયાતો જ છે, જે આપણે શ્રમજીવીઓના શોષણથી જ પૂરી કરીએ છીએ. આ જરૂરિયાતો છોડ્યા વિના ગરીબોને મદદ કરવી એ નર્યો દંભ છે. ખરી મદદ તો, બાયબલમાં કહ્યા મુજબ, આપણી પાસે જો બે ડગલા હોય તો જેની પાસે એક પણ ડગલો નથી તેને એક આપવામાં છે, પરંતુ આપણે એમ કરતા નથી, ઉલ્ટાનું તેમની પાસેથી છીનવેલું ધન તેમને જ ગુલામ બનાવવામાં ઉપયોગમાં લ‌ઈએ છીએ, આમ કરવામાં આપણે જેને ‘નાણું’ કહીએ છીએ તે કેટલું બધું ઉપયોગી થયું છે તે અને બીજી અનેક બાબતે આપણે ટોલ્સ્ટોયના હાથે કેવા સફાળા ઝડપાયા છીએ તેની વાતો હવે પછીના પ્રકરણમાં કરીશું.


ક્રમશ:


શ્રી કિશોરચંદ્ર ઠાકરનં સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in  । મો. +91 9714936269

<=”” p=”” style=”box-sizing: border-box; overflow-wrap: break-word;”>

3 comments for “ત્યારે કરીશું શું?: [૨]

 1. Dilip Shukla
  September 19, 2019 at 9:23 am

  ટોલ્સટોય સાચા છે. ગરીબ તો આપણે છીએ. જરુરિયાત અને લાલચ થી દોડાદોડ કરીએ છીએ.સરસ રસદર્શન.ગાધીજી વ્રત યાદ રાખવા.સહન શક્તિ વધારવી જોઈએ. આજના ઉપભોક્તાના યુગ માં દિવાદાડી છે. આગળ ના ભાગની રાહ જોવી રહી.

 2. Samir
  September 20, 2019 at 2:41 pm

  આજ ના યુગ માં આ વાત કોણ કેટલું સમજે છે તે મોટો સવાલ છે પણ એક વાત ચોક્કસ કે આપણે પોતાની જરૂરિયાતો વધારી ને ગરીબ વર્ગ ની પાયા ની વસ્તુઓ ના ભાવ પણ વધારી દીધા છે.
  આગલા હપ્તા નો ઇન્તેઝાર છે !

  • Kishor Thaker
   September 20, 2019 at 10:59 pm

   કોઈ યુગમાં સમગ્ર સમાજે નથી માની, પરંતુ વાત વ્યકિતગત વિચારવાની છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *